‘જેણે મને રેંટિયો સુઝાડ્યો તે તેની ફિકર રાખવાને પુરેપુરો સમર્થ છે. રેટિયાની ફિકર છોડી મારે પરમેશ્વરને મળવાને તૈયાર રહેવું જોઈએ.’ …ગાંધીજી
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
(29)
શુક્લ કૃષ્ણ ગણી આ બે ગતિ વિશ્વે સનાતન;
એકથી થાય ના ફેરા, બીજીથી ફરતો વળી.
આવા બે માર્ગ જાણે તે યોગી મોહી પડે નહીં;
તે માટે તું સદાકાળ યોગયુક્ત બની રહે.
શ્રીમદ ભગવત ગીતાના આઠમા અધ્યાયના સમાપનમાં બે બાબતો આપણી સમક્ષ સ્પષ્ટ થઇ છે:
1) બહારથી એકધારું સ્વધર્મનું આચરણ કરવાનું છે.
2) અંદરથી હરિસ્મરણ દ્વારા ચિત્તશુદ્ધિની પ્રક્રિયા સતત કરતા રહેવાની છે.
આમ બંનેને સાથે જોડીએ તો અંતર્બાહ્ય કર્મ વિકર્મોના પ્રવાહનું કામ થશે અને તો આપણું મરણ આનંદની વાત બની રહેશે, આવું ભગવાન સ્પષ્ટ શબ્દોમાં આપણને કહે છે. ઈશ્વરીય પ્રેમથી જયારે અંતર્બાહ્ય રંગાઈ જઈએ અને તે રંગ જયારે આખાય જીવન ઉપર ચડી જાય ત્યારે પવિત્ર વાતોમાં હંમેશા આનંદ આવવા લાગે. બુરી વૃત્તિ પછી સામે ઉભી રહી શકતી નથી. સુંદર સુંદર મનોરથના અંકુર મનમાં ફૂટવા લાગે છે અને સારી કૃતિઓ સહેજે આપણે હાથે થવા લાગે છે. ઈશ્વરના સ્મરણની સારી કૃતિઓ સહેજે થવા લાગશે એ વાત સાચી છે, પણ આપણે કાયમ લડતા રહેવાનું છે, એવી ભગવાનની આજ્ઞા છે. એક બાજુ મન છે અને બીજી બાજુ અંદરનું અને બહારનું જગત છે. તો અંદર અને બહાર અનંત સૃષ્ટિ ભરી પડી છે, એ સૃષ્ટિની સાથે મનની એકધારી લડાઈ ચાલુ છે. એ લડાઈમાં દરેક ક્ષણે જીત થાય એવું કઈ જરૂરી નહિ. જે છેલ્લે જીત્યો તે સાચો. છેવટનો નિકાલ હોય તે જ ખરો ગણવો.
સફળતા અને નિષ્ફ્ળતા અનેકવાર મળે. અપજશ મળે તેથી નિરાશ થવાનું કોઈ કારણ નથી. પથ્થર ઉપર ૧૯ વાર ઘા કર્યા પણ તે ફૂટ્યો નહીં. પણ ધારો કે વીસમાં ઘાએ ફૂટ્યો તો શું પહેલા આગળના ૧૯ ઘા ને નકામા ગણવા ? ના, વીસમાં ઘા ની સફળતાની તૈયારી એ આગળના ૧૯ ઘા હતા એમ માનવું રહે. નિરાશ થવું એનો અર્થ કે નાસ્તિક થવું. આપણને ભરોસો હોવો જોઈએ કે પરમેશ્વર બધું સંભાળી લેશે. છોકરાઓમાં પણ હિંમત આવે એટલા ખાતર મા આમ તેમ છૂટું ફરવા દે, પણ તેને પડવા દેતી નથી. છોકરું જરાક પડતું દેખાશે કે આસ્તેકથી આવીને તેને ઉંચકી લેશે. ઈશ્વર પણ આપણા તરફ જોયા કરે છે. આપણા જીવનના પતંગની દોરી તેના હાથમાં છે તે સાચું, એ પતંગની દોરી કોઈ વાર એ ખેંચી રાખે છે તો કોઈ વાર ઢીલી છોડે છે. પણ દોરી આખરે તો તેના હાથમાં છે તેની ખાતરી રાખવા જેવી છે. પરમેશ્વર પર શ્રદ્ધા રાખી મન, વચન અને કાયાથી રાત દિવસ લડતા રહેવાનું તો અંત ઘડી રુડી થશે. એ વખતે બધા દેવતાઓ અનુકૂળ થઇ આપણને મદદે આવશે.
સૌને સ્વસ્થતાથી અને સહજતાથી મૃત્યુ મળે તેવી અપેક્ષા હોય છે. પણ તેના માટે આપણા જીવનભરની પ્રવૃતિઓની એકરૂપતા, પ્રામાણિકતા અને દિવ્યતા જેટલી વધુ તેટલી શક્યતાઓ એવા મૃત્યુની વધુ. ન્યાયમૂર્તિ રાનડે કહેતા હતા કે, ‘એકધારું કર્તવ્ય કરતાં કરતાં આવનારું મરણ ધન્ય છે. કંઈક વાંચતો હોઉં, કંઈક લખતો હોઉં, કર્મ કરતો હોઉં, એમ કામ કરતાં કરતાં મને મરણ આવી મળે એટલે થયું. હકીકતમાં આ સળગતા અગ્નિનો આ અર્થ છે. મરણકાળે પણ કર્મ કરતાં રહેવાય એ અગ્નિની કૃપા છે. સૂર્યની કૃપા એટલે બુદ્ધિની પ્રભા છેવટ સુધી ઝગમગતી રહે, ચંદ્રની કૃપા એટલે મરણ વખતે પવિત્ર ભાવના વધતી જાય. ચંદ્ર મનનો અને ભાવનાનો દેવતા છે. શુક્લપક્ષના ચંદ્રની માફક મનમાંથી પ્રેમ, ભક્તિ, ઉત્સાહ, પરોપકાર, દયા વગેરે શુદ્ધ ભાવનાઓનો પુરેપુરો વિકાસ થાય. આકાશની કૃપા એટલે હૃદયાકાશમાં આસક્તિના વાદળાંનું પૂમડું સરખું ન હોય. એકવાર ગાંધીજીએ કહેલું, ‘હું એકસરખો રેંટિયો રેંટિયો કર્યા કરું છું. એ રેટિયાને હું પવિત્ર વસ્તુ માનું છું, પણ અંતકાળે એની પણ વાસના ન હોવી જોઈએ. જેણે મને રેંટિયો સુઝાડ્યો તે તેની ફિકર રાખવાને પુરેપુરો સમર્થ છે. રેંટિયો હવે બીજા સારા માણસોના હાથમાં પહોંચ્યો છે. રેટિયાની ફિકર છોડી મારે પરમેશ્વરને મળવાને તૈયાર રહેવું જોઈએ.’ ઉત્તરાયાણનું હોવું એટલે હૃદયમાં આસક્તિના વાદળાની ગેરહાજરી ! આપણે છેવટના શ્વાસ સુધી હાથ પગ વડે અન્યની સેવા કરતાં રહીએ અને હ્ર્દયમાં જરા જેટલી પણ આસક્તિ ન રહે, બુદ્ધિ પુરેપુરી સચેત રહે એવી રીતે મરણ પામીએ તો પરમાત્મામાં ભળી જઈશું. પરમેશ્વરની પ્રાર્થના કરતાં રહેવું, નામ સ્મરણ, તત્વોનું સ્મરણ ફરી ફરી કરતાં રહેવું.
આઠમા અધ્યાયના સમાપનમાં આપણી સમક્ષ ભગવાન શ્રીકૃષ્ણ મૃત્યુ, મૃત્યુની સંકલ્પના, મૃત્યુ આવે કેવી રીતે , એના માટેના ઉપાયો અને સરળતાથી સહજતાથી મૃત્યુને કેવી રીતે ભેટી શકાય એના માટેના બધા જ આધારો એમણે સ્પષ્ટ કર્યા છે. અર્જુન કરૂક્ષેત્રના મધ્યમાં ઉભો છે અને એના રથના સારથી દ્વારા અત્યારના આ ગીતા કહેવાય રહી છે.
વેદો તણાં, યજ્ઞ – તપો તણાયે, દાનો તણાં પુણ્ય ફળો કહ્યા જે;
તે સર્વ આ જ્ઞાન વડે વટાવી, યોગી લહે આદિ મહાન ધામ.
છેલ્લે પોતાના ૨૮ માં શ્લોકમાં બહુ જ સ્પષ્ટ વાત કરી. યોગી મનુષ્ય આ રહસ્યને તત્વથી જાણીને વેદોના વાંચનમાં, યજ્ઞ, તપ તેમજ દાન આદિ કરવામાં જે પુણ્યફળ કહ્યું છે એ સર્વને નિઃશંકપણે ઓળંગી જાય છે. અને શાશ્વત પરમપદને પામે છે.
આપણે ગીતાના આઠ અધ્યાય પૂર્ણ કર્યા છે અને હવે નવમા અધ્યાયમાં જઈ રહ્યા છીએ ત્યારે અર્જુનને રાજવિદ્યાનો ઉપદેશ ભગવાન શ્રીકૃષ્ણ આપી રહ્યા છે. તૈયાર કર્યો છે અર્જુનને પુરેપુરો ડર હતો તે દૂર કર્યો છે. લાડવા માટે સામર્થ્ય છે તે યાદી આપી છે અને એ થયા પછી એ પોતે હવે તેમને રાજવિદ્યાના ઉપદેશ તરફ લઇ જઈ રહ્યા છે. આમ પણ બીજી રીતે વિચારીએ તો મૃત્યુ પછી જે પ્રાપ્ત થાય છે એ જ વિદ્યા રાજવિદ્યા છે. જયારે અન્ય બધું છૂટી જાય ત્યારે જે રહી જાય એ રાજયોગ છે. (ક્રમશ:)
