સુરતના આદિત્ય ઝાલાની સ્પર્શીલી વાર્તાઓનું પુસ્તક ‘ઉજાસ’
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
સ્ટેટસ
“પપ્પા.આ વખતે મને નવી સાઇકલ લઈ દેશોને જન્મદિવસ ઉપર?”
“નવીની શું જરૂર છે? બે વરસ પહેલાં જ્યારે લીધી, ત્યારે જ મેં કહ્યું’તું કે આ સાઇકલ પાંચ વરસ ચલાવવાની છે. ખાસ એટલે તો આપણે એડજસ્ટેબલ સીટવાળી લીધી છે.”
“પણપપ્પા, મારે ગિયરવાળી લેવી છે.”
“આ બધાં નખરાં કહેવાય નખરાં. મૂળ તો પેડલ મારીને ચલાવવાની હોય સાઇકલને. સમજ્યો?” આટલું કહી નિનાદે રીટા સામે જોયું.
“ખરું ખરું આવી ગયું છે નહીં આજકાલ ! બોલો, ભાઈને ગિયરવાળી સાઇકલ જોઈએ છે…હં ! “
“આ લો, તમારો ફોન. અંદરના રૂમમાં હતો. મનનભાઈના બે મિસ્ડ કોલ છે.” રીટાએ સોફા ઉપર બેઠેલ નિનાદને ફોન આપ્યો. ત્યાં જ ફરી રિંગ વાગી.
“લે, પાછો એનો જ છે.” કહી નિનાદે ફોન ઉપાડ્યો.
“હલ્લો.. કેમ છે બોસ… આજે બપોરે તને એટલે ફોન કર્યો હતો કે એક સમાચાર આપવાના છે. મેં આઈફોન એઈટ બુક કરાવ્યો….ના..ના જૂનો બગડ્યો નથી, આ તો શું હાથમાં આઈફોન હોય, તો વટ પડે.”
પડઘો
“પપ્પા, આરુષને શું કહીને બોલાવે?”
“ચીક્કુ..દીક્કુ.” અઢી વર્ષનો આરુષ પાપડની પેલી જાણીતી જાહેરાતના સસલા જેવા અવાજમાં જવાબ આપે.
અને પછી જોનારાં બધાં જ હસી પડે.
જ્યારથી આરુષ બોલતો થયો, ત્યારથી રોજ કાલીઘેલી ભાષામાં મમ્મી-પપ્પા, દાદા-દાદી બધાં સાથે આવું કંઈકને કંઈક ચાલ્યા કરે અને માણસ ઘેલો આરુષ મહેમાનની હાજરીમાં તો ઓર ખીલે.
આજે તો પહેલી વાર ઇંગ્લેન્ડથી ફઈ-ફુઆ આવવાનાં હતાં. ઘરમાં તડામાર તૈયારી ચાલતી હતી. આરુષના જન્મ પછી પહેલી વાર દીકરી ઘરે આવવાની હતી, એટલે દાદા-દાદીનો ઉત્સાહ મા’તો નહોતો. આરુષના પપ્પા ઘરની સજાવટમાં લાગી ગયા હતા અને મમ્મી પણ નણંદના આગમન માટે રસોડામાં પરસેવો પાડતાં હતાં.
“ચાલો, રસોઈ રેડી. હવે હું તૈયાર થવા જાઉં.” કહેતાં કહેતાં મમ્મી બહાર આવ્યાં અને ત્યાં જ પોતાનો દડો ઉછાળતો આરુષ મમ્મી સાથે અથડાયો. મમ્મીના હાથમાં રહેલું કઢીનું તપેલું ઉલળીને પડ્યું. સદનસીબે કોઈ દાઝયું નહીં, પણ શો-કેસ ગોઠવતા પપ્પાએ ત્રા પાડી….”આરુઉઉઉષષષ…” પપ્પાનો ગુસ્સો જોઈ હેબતાઈ ગયેલ આરુષ મમ્મીના પાલવમાં સંતાઈ રહ્યો.
જેમ બીજા ઘરોમાં બનતું હોય, તેમ જ ૧૫-૨૦ મિનિટના તંગ વાતાવરણ પછી ધીમે ધીમે બધું થાળે પડવા માંડ્યું. નવી કઢી પણ તૈયાર થઈ ગઈ અને ફઈના આગમનનો સમય પાસે આવતા સઘળું વિસરાઈ ગયું.
રાતે જમીને બધાં દીવાનખંડમાં વાતો કરવા બેઠાં. ફઈ-ફુઆએ આરુષ માટે લાવેલ રમકડાંની બેગ ખોલી અને સાથે સાથે જૂની નવી વાતો પણ ચાલુ થઈ.
“મોટી બેન, હવે જો હું તમને બતાવું. હું નાનો હતો, ત્યારે યાદ છે તમે મને શું કહેતાં?! હવે જોજો. હમણાં આરુષ તમને કહેશે. બેટા, પપ્પા આરુષને શું કહીને બોલાવે?” કહેતા જ પપ્પા આરુષ તરફ ફર્યા.
“આરુઉઉઉઉઉષ.” અને આરુષની ત્રાડમાં સવારનો પડઘો સંભળાઈ રહ્યો.
દેશપ્રેમની ઋતુ!
“સા’બ, લે લો ના સુબહ સે કુછ નહી ખાયા. તીસ રૂપયે મેં દો ઝંડે દે દૂંગા, લે લો ના….”
નિત્યક્રમ મુજબ એ દીકરાને નિશાળેથી લઈને ચાર રસ્તા પર પહોંચ્યો, ત્યાં ૧૨-૧૫ વર્ષના એક છોકરાએ ગાડીના કાચ ઉપર ટકોરા મારી ઉપર મુજબ ઉચ્ચાર્યું.
પપ્પા, આ તો પેલા જ અંકલ છે કે જેની પાસેથી આપણે કાચ સાફ કરવાનું લીધું હતું. પેલું સ્પ્રેવાળું ?” ચાર વર્ષનો દીકરો ઓળખી ગયો.
“હા, બેટા લગભગ એ જ છે.”
“પપ્પા, લઈ લો ને…મને ઝંડો લેવો છે.”
દીકરાની ઇચ્છા પૂરી કરવા બાપે કાચ ઉતારી, ૩૦ રૂપિયા આપીને બે ઝંડા ખરીદી લીધા.
“પપ્પા, કેટલો સરસ લાગે છે તિરંગો!” ડેશબોર્ડ પરથી એક ઝંડો હાથમાં લેતાં દીકરો બોલ્યો.
“હા, બેટા! સાચી વાત…” સિગ્નલ ખુલ્યું, એટલે પપ્પાએ ગાડી આગળ હંકારી.
“તો હેં પપ્પા, અંકલ પાસે આટલા સરસ તિરંગા છે, તો આખું વરસ એ કેમ તિરંગા નથી વેચતા?”
……..આ ત્રણ વાર્તાઓ સુરતના આદિત્ય દેવાંગ ઝાલાએ પોતાના પુસ્તક “ઉજાસ” માં સમાવેલી છે. વાર્તા એ માનવજાતિની ધરોહર છે. શિયાળો હોય કે ઉનાળો કે વરસતો વરસાદ પણ વાર્તા તો બારેમાસે તાજી ને તાજી. વર્તા સમગ્ર માનવજાતિની અમાનત છે, પછી તે પંચતંત્રની હોય કે હિતોપદેશની હોય કે સિંહાસન બત્રીસીની હોય કે વિક્રમ વેતાળની હોય કે કથાસરિત્ત સાગર હોય કે અરેબિયન નાઈટ્સ હોય કે સિંદબાદ દ સૈલર હોય કે ઈસપની બોધકથાઓ હોય… પ્રાચીનકાળથી વાર્તાકારો વાર્તાઓ કહેતા આવ્યા છે ને લોકો સાંભળતા આવ્યા છે અને પોતાના દુઃખો ભૂલી વાર્તાનાં પાત્રો સાથે તાદાત્મ્ય સાધતા આવ્યા છે.
ઉમાશંકર જોશીના મતે, ‘શોર્ટ સ્ટોરીનું અત્યારનું જે ફોર્મ છે તે અંગ્રેજી સાહિત્યની દેન છે’. તો મુનશીજીએ કહ્યું છે કે “વાર્તા એ અર્વાચીન સાહિત્યનું અપૂર્વ પુષ્પ છે.” ધૂમકેતુએ બહુ સરસ ભેદ કહ્યો છે : “નવલકથામાં જે કહેવાયું હોય, તે કહી નાખે છે. ટૂંકી વાર્તા કલ્પના અને લાગણીઓ જગાડીને જે કહેવાનું હોય, તેનો માત્ર ધ્વનિ-તણખો જ મૂકે છે.”
‘ઉજાસ’ ના વાર્તાકારો છે ભાઈ-બહેન, ખ્યાતિ કેયુર ખારોડ અને આદિત્ય દેવાંગ ઝાલા. ખ્યાતિ અનુવાદ ક્ષેત્રે બારેક વર્ષથી કાર્યરત છે, તો આદિત્ય માઇક્રોબાયોલોજીનો વિષય ભણાવે છે અને પોતાની એકેડેમિક સેવાઓ પ્રોફેશનલી સમાજને આપે છે. બાળઉછેર આદિત્યનો ઉંડાણનો વિષય છે. આજના લેખમાં આપણે આદિત્ય ઝાલાની ત્રણ શોર્ટ સ્ટોરીનો લ્હાવો લીધો છે. આદિત્ય શિક્ષણ અને બાળઉછેર વચ્ચે જ જીવતા હોવાથી તેમની આ ત્રણ વાર્તાઓમાં આપણને આપણી વાત કોઈક કહી રહ્યું હોય તેવો અહેસાસ થાય છે.
‘સ્ટેટસ’, ‘પડઘો’, અને ‘દેશપ્રેમની ઋતુ’ આ ત્રણેય વાર્તાઓ ધૂમેકેતુજીએ કહ્યું તેવો તણખો મૂકી જાય છે. સ્ટેટસમાં ‘પિતા તરીકે આપણે સલાહ આપીએ તેથી ઉલટું જીવીએ તો ??’, પડઘો માં ‘બાળક ઉપર આપણા આક્રોશની કેવી કાતિલ અસર હોય છે !!’ અને દેશપ્રેમની ઋતુ માં વાર્તાકાર આપણને ભાવવાહી બનાવી મૂકે તેમ કહી જાય છે કે ‘દેશપ્રેમનો ઝંડો આખું વર્ષ કેમ લહેરાતો નથી ??’ આ ત્રણ વાર્તાઓ આપણને સ્પર્શી જાય છે કારણ એ ક્યારેક આપણા જીવનમાં પણ એ બનેલી ઘટનાઓ છે.
