બધું જ આત્મમય બને ત્યારે કશું ય પારકું ન રહે, અન્ય ન રહે, બધું જ એકાકાર, બધું આનંદમય, બધું આત્મમય.!!
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
(16)
ગુજરાતના સમર્થ ચિંતક ગુણવંત શાહ તેમના અતિ પ્રચલિત પુસ્તક ‘કૃષ્ણનું જીવન સંગીત’માં છઠ્ઠા અધ્યાયમાં બે વાતો બહુ જ અદકેરી કરે છે. આપણે તેની નોંધ લેતા હર્ષ અનુભવીએ છીએ. તેઓ કહે છે :
“આપણો ઉદ્ધાર કોઈ બીજો કરે એવી લાચારી ગીતાને મંજુર નથી. એ જ રીતે શત્રુ પણ આપણી અંદર જ બેઠો છે. તેથી જૈન દર્શનમાં કહ્યું છે : જીતવી જાતને સારી અન્યને જીતવા થાકી. આત્મા સાથેનો બંધુભાવ કેળવાય એને આત્મભાવ કહેવાય. પણ આ આત્મભાવ પ્રગટે એના માટે લક્ષણો છે. ૧) સમાહિત : જેની વાત ધ્યાનયોગમાં આપણે સમદ્રષ્ટિ શબ્દથી જાણી. જે સમત્વ પામ્યો એ સમાહિત ગણાય, તમારી સામે જયારે બે વિરોધી પરિસ્થતિઓ હોય ગમા – અણગમા, સુખ – દુઃખ, માન-અપમાન એવી સામસામી સ્થિતિ હોય ત્યારે જો તમે શાંતિ જાળવી શકો તો એને સમાહિત કહેવાય. 2) બીજું લક્ષણ છે કુટસ્થ: લુહારની એરણની જેમ જે સ્થિર રહે છે તેને કુટસ્થ કહે છે. કુટસ્થ જ્ઞાન અને વિજ્ઞાનમાં પણ સ્પૃહા ન રાખી આત્મતૃપ્ત રહે છે. આત્મભાવ પામ્યા પછી આવી કુટસ્થતા (એટલે કે સ્વસ્થતા) પ્રાપ્ત થાય છે. ૩) સમબુદ્ધિ : વ્હાલા અને વેરી વચ્ચે, શત્રુ અને મિત્ર વચ્ચે, પોતાના અને પારકા વચ્ચે, સાધુ અને અસાધુ વચ્ચે, મધ્યસ્થ અને ઉદાસીન વચ્ચે જે સમાન ભાવ એટલે કે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાનો ભાવ રહે છે એ યોગારૂઢ છે. આ ચારેય લક્ષણો બુદ્ધ ધર્મમાં બ્રહ્મ વિહાર તરીકે ઓળખાય છે. આ લક્ષણો પતંજલિ સૂત્રમાં પણ જોવા મળે છે. ખરેખર આ ત્રણ લક્ષણોમાં મૂળ વાત તો સમત્વની જ આવે છે.
આપણને પોતાની વાતને સુસ્પષ્ટ કરતા વિનોબાજી બહુ સરળતાથી કેટલીક વાત કરે છે અને ચોખ્ખો આદેશ આપે છે કે, “ ચિત્તને જરા શાંત રાખો, સૃષ્ટિ તરફ મંગળપણે નીરખવાનું રાખો. આટલું કરશો તો હૃદયમાં આનંદના ઝરા વહેશે. કલ્પનાના દિવ્ય તારા હૃદયાવકાશમાં ચમકવા માંડશે. સમુદ્ર સામે બેસીએ ત્યારે એમ લાગે કે સમુદ્ર જાણે ઓમકારની ગર્જના કરી રહ્યો છે. ગીતાવચનની યાદ અપાવે સમુદ્ર. સમુદ્ર એકધારું સ્મરણ કરતો હોય અને કર્મ કરતો હોય એવું લાગ્યા કરે. એક મોજું આવ્યું અને ગયું, ફરી બીજું આવ્યું અને ગયું. એક ક્ષણનો પણ વિસામો નહીં. વેદોના ઋષિઓના દિલમાં આવો જ સમુદ્ર ઉછાળા મારતો હતો આપણે હૃદયમાંના સમુદ્રને જોતા શીખવાનું છે. બહારનું વાદળ વગરનું ભૂરું ભૂરું આકાશ નીરખીને ચિત્ત નિર્મળ તેમજ નિર્લેપ કરવાનું છે. ખરું પૂછો તો ચિત્તની એકાગ્રતા એ રમતની વાત છે. ચિત્તની વ્યગ્રતા અસ્વાભાવિક છે. નાના છોકરાની આંખ જોજો. એ બધું એકસરખું તાકીતાકીને જોશે. એમ કહેવાય છે છોકરું ચાર પાંચ મહિનાનું થાય એટલે બહારની લીલીછમ સૃષ્ટિ બતાવવી એ એકીટશે જોયા કરશે. બાળકના ઉછેરના પહેલા બે ચાર વર્ષમાં જે કેળવણી મળે છે એ જ કેળવણી સાચી છે.”
દિવસે દિવસે વિનોબાજીના મનમાં એક ગાંઠ બંધાતી ગઈ કે આ બધી બહારની કેળવણીની અસર નહીં જેવી છે. પહેલા સંસ્કારો વજ્રલેપ હોય છે અને પછીની કેળવણી બધું ઉપરનું રંગરોગાન છે. ઉપરનો ઓપ છે. વિચારવા જેવું છે કે પહેલાના આ સંસ્કારો આવા જોરાવર કેમ ? અને ત્યાર પછીના કમજોર કેમ ? કારણ તો સીધું છે નાનપણમાં ચિત્તની એકાગ્રતા કુદરતી હોય છે. અને એ હોવાથી સંસ્કાર પડે છે, જે ભૂંસાતા નથી.. આવો આ ચિત્તની એકાગ્રતાનો મહિમા છે. નાના છોકરાને વિશ્વાસ હોય છે. મા કહે તે વાત તેને માટે પ્રમાણ. તેને જે કહેવામાં આવે તે વાત તેને ખોટી લાગતી નથી. જે કહો તે બધું એને સાચું લાગે. બાળકની મંગલ વૃત્તિને લીધે તેના ચિત્ત ઝટ એકાગ્ર થઇ જાય છે.
આપણે જાણ્યું છે કે ધ્યાનયોગના ત્રણ પરિમાણની સાથે બે સાધનો પણ વર્ણવ્યા છે. વૈરાગ્ય અને અભ્યાસ. એક વિધ્વંશક સાધન છે, તો બીજું વિધાયક. ખેતરમાં ઉગી નીકળેલું નીંદણ ઉખેડી કાઢવું એ વિધ્વંશક કામ થયું. એને જ વૈરાગ્ય કહ્યું. બી રોપવું કે ઓરવું એ વિધાયક કામ છે. મનમાં સદ્દવિચારોનું ફરી ફરીને ચિંતન કરવું એ અભ્યાસ છે. આપણા આત્મામાં રહેલી મીઠાશ આપણી વસ્તુમાં રેડીએ તેથી પછી તે ચીજ આપણને મીઠી લાગે. તેથી અંદરની મીઠાશ ચાખતા શીખવું જોઈએ. ધ્યાનયોગ બતાવતા ભગવાને શરૂઆતમાં જ મહત્વની વાત કરી કે, ‘ મારે મારો ઉદ્ધાર કરવો જ છે, હું આગળ જઈશ જ, હું ઉપર ઉંચો કૂદકો મારવાનો જ. આ મનખા દેહમાં હું આવો ને આવો પડી રહેનાર નથી. પરમેશ્વરની પાસે પહોંચવાની હું હિંમત રાખીને કોશિશ કરીશ.’ આવો દ્રઢ સંકલ્પ કરવાનો છે. આ બધું સાંભળીને અર્જુનને તો બહુ શંકા થયેલી તેથી તેણે તો પૂછી લીધું કે, ‘હે ભગવાન હવે તો મોટા થયા બે દિવસ રહીને મરી જઈશું. પછી આ બધી સાધનાનો શો ઉપયોગ ?’ ભગવાને સ્મિત વેરીને કહ્યું, મરણ એટલે લાંબા ગાળાની ઊંઘ. રોજની મહેનત કર્યા બાદ આપણે સાત આઠ કલાક ઊંઘીએ છીએ ને ? એ ઉંઘનો આપણને ડર લાગે છે ? ઉલટું એ ઊંઘ ન આવે તો ચિંતા થાય છે. એવી જ ઊંઘની જેમ મરણની જરુર છે. ઊંઘી ઉઠીને આપણે આપણું કામ ફરી શરૂ કરીએ છીએ તેવી જ રીતે મરણ પછી પણ પાછલી બધી સાધના આપણને આવીને મળવાની છે.
છઠ્ઠા અધ્યાયના એક શ્લોક ઉપર ખુબ મોટો ભાર સૌએ આપ્યો છે.
યોગે થયેલા યુક્તાત્મા સર્વત્ર સમદ્રષ્ટિનો,
દેખે સૌ ભૂતમાં આત્મા ને સૌ ભુતોય આત્મમાં..
કહેવાય છે કે આ શ્લોક વાંચીને હેન્રી ડેવિડ થોડો નાચી ઉઠતો. આત્મભાવમાંથી પ્રગટતી સમદ્રષ્ટિનું મહત્વ છે. પ્રત્યેક જીવમાં રહેલો આત્મા આપણને એની સાથે આત્મીયતા કેળવવા પ્રેરે છે. ભગવાને બુદ્ધે બ્રહ્મ વિહારમાં પ્રબોધેલી મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષાનો પાયો આત્મભાવ છે. બધું જ આત્મમય બને ત્યારે કશું ય પારકું ન રહે. અન્ય ન રહે, બધું જ એકાકાર, બધું આનંદમય, બધું આત્મમય આવી નિઃસંગ વ્યાપક્તામાં બધું ઓગળી જાય. સમરસ થઈ જાય, પછી શોધ્યું ન જડે એવી સૂક્ષ્મતાને પામે. (ક્રમશ:)
