જ્ઞાન અને યોગનું મહત્ત્વ સમજાવતા સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો ભગવાન ક્રિસ્ટલ ક્લિયર કરીને અર્જૂનના ગળે ઉતારવા મથે છે.
ભદ્રાયુ વછરાજાની (05) bhadrayu2@gmail.com
આપણે શ્રીમદ્દ ગીતાજીના બીજા અધ્યાયમાં કર્મ અને તેના ફળ વિષે સ્પષ્ટ વાત જાણી.
એમ કહેવાયું કે …
કર્મ કરનાર વ્યક્તિ બેવડી વૃત્તિ ધરાવતો જોવા મળે છે.
(પહેલી વૃત્તિ) અમે કર્મ કરીએ તો તે કર્મના ફળ અમે ચાખ્યા વગર ન રહીએ, એ અમારો હક છે.
(બીજી વૃત્તિ) અમને ફળ ચાખવા ન મળવાના હોય તો અમે કર્મ કરવાના નથી, એ ઉઠબેઠ અમારે શા માટે કરવી ?….
પણ શ્રીમદ ભગવત ગીતા એક ત્રીજી વૃત્તિ આપણી સમક્ષ રજૂ કરે છે. ગીતા કહે
છે, ‘કર્મ તો કરો જ પણ ફળનો અધિકાર રાખશો નહીં.’ અહીં વિનોબાજી તો એવું કહે છે કે, ‘તમે કર્મ કરતી વખતે જે આનંદ પ્રાપ્ત કર્યો તે જ તો કર્મનું ફળ છે, તો બીજા ફળની અપેક્ષા શા માટે ?? ‘
શ્રી કિંશૉરલાલ ઘ. મશરૂવાળા એ 1946માં ‘ગીતાધ્વનિ’ શીર્ષકથી ગીતાજી સમગ્રને ગુજરાતીમાં સમ-શ્લોકી અનુવાદ બહુત ચાયત રાખીને કર્યો છે. જે લોકો એવી ફરિયાદ કરે છે કે ગીતાજીના સંસ્કૃત શ્લોકો ને સમજાવ બહુ અઘરા પડે છે, તેમના માટે આ સમશ્લોકી બહુ જ સરળ ટેકો ઉભો કરે છે. આપણે ‘કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન…’ જાણીતા શ્લોકનું સમશ્લોકી વાંચીએ…
“કર્મે જ અધિકારી તું, ક્યારેય ફળનો નહીં,
મા હો કર્મફળે દ્રષ્ટિ, મા હો રાગ અકર્મમાં”…(47)
“કર યોગે રહી કર્મ, તેમાં આસક્તિને ત્યજી;
યશાયશ સમા માની, –સમતા તે જ યોગ છે.”…(48)
અને હા આપણે પુંડરિકના ‘પણ સિદ્ધાંત’ નું ઉદાહરણ પણ જાણ્યું.
ઈશ્વરની મૂર્તિ સામે આવી ઊભી રહી પણ પુંડરીકને પ્રશ્ન થયા કે પરમેશ્વર માત્ર શું તેમાં જ
હતો ? એ રૂપનું દર્શન થયું તે પહેલાં સૃષ્ટિ શું ખાલી મડદું હતી ? પુંડરીકે ઈશ્વરને કહ્યું, “હે ભગવાન, તું સાક્ષાત ઈશ્વર મને મળવાને સામો ચાલીને આવ્યો છે તે હું સમજું છું. પરંતુ હું “પણ-સિદ્ધાંત” માં માનવાવાળો છું. તું એકલો જ ઈશ્વર છે એ વાત મને મંજૂર નથી. તું પણ ઈશ્વર છે ને આ મારાં માબાપ પણ મારે સારુ ઈશ્વર છે. એમની સેવામાં હું છું તે વખતે તારા તરફ ધ્યાન આપી શકતો નથી. માટે તું મને માફ કરજે.” આમ કહી પાંડુરંગને ઊભા રહેવાને તેણે એક ઈંટ આગળ સરકાવી અને પોતે પોતાના સેવાકાર્યમાં મશગૂલ થઈ ગયો.
એક વખત એક સાધુ પાસે જઈને એક ગૃહસ્થે તેને પૂછ્યું, “મોક્ષને માટે શું ઘરે છોડવું જ પડે ?” સાધુએ કહ્યું, “એવું કોણ કહે છે ? જનક જેવાએ રાજમહેલમાં રહીને મોક્ષ મેળવ્યો. પછી તારે ઘર છોડવાની જરૂર શી?” ત્યારબાદ બીજો એક ગૃહસ્થ આવીને સાધુને પૂછવા લાગ્યો, “મહારાજ, ઘર છોડ્યા વગર મોક્ષ મળે ખરો કે ?” સાધુએ કહ્યું કે, “કોણ કહે છે ? ઘરમાં રહીને એમ આરામથી મોક્ષ મળી જતો હોય તો શુક જેવાએ ઘર છોડ્યું તે બેવકૂફ હતા ?” પછી એ બેઉ ગૃહસ્થોનો ભેટો થયો અને તેમની વચ્ચે ઝઘડો પડ્યો. એક કહે સાધુએ ઘર છોડવાનું કહ્યું છે. બીજો કહે ઘર છોડવાની જરૂર નથી એવું કહ્યું છે. બંને સાધુ પાસે પાછા આવ્યા. સાધુએ કહ્યું, “બંને વાત સાચી છે. જેવી જેની વૃત્તિ તેવો તેને માટે રસ્તો. અને જેવો જેનો સવાલ તેવો તેને જવાબ. ઘર છોડવાની જરૂર નથી એ પણ ખરું છે અને ઘર છોડવાની જરૂર છે એ પણ ખરું છે.” આનું નામ “પણ-સિદ્ધાંત” છે.
જ્ઞાન અને યોગનું મહત્ત્વ સમજાવતા ગીતાજીના બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો ભગવાન ક્રિસ્ટલ ક્લિયર કરીને અર્જૂનના ગળે ઉતારવા મથે છે.
# મનની કામનાઓને છોડવાની છે, તો જ આત્મ એટલે કે અંત:સ્વ તરફની યાત્રા શરુ થશે. અને જે આત્માથી સંતુષ્ટ રહ્યો તેને સ્થિપ્રજ્ઞ કહેવાય.
# દુઃખમાં ઉદ્વેગ નહીં , સુખોની ઝંખના નહીં, રાગ-ભય-ક્રોધ જતા રહે તેવી વ્યક્તિ સ્થિતપ્રજ્ઞ કહેવાય.
# જે ક્યાંય પણ આસક્ત નથી, શુભ કે અશુભ જે ઘટે તેનો ન તો એ હર્ષ કરે કે ન તો દ્વેષ કરે તે વ્યક્તિની પ્રજ્ઞા સ્થિર થઇ છે, તેમ માની શકાય.
# શ્રી કૃષ્ણ ઉદાહરણ આપતા કહે છે કે, કાચબો કોઈનો સ્પર્શ થાયને તરત જેમ પોતાના અંગોને સંકોરીને બેસી જાય છે તેમ, વિષય-ભોગ જેની નજદીક આવે ને જે પોતાની બધીજ ઇન્દ્રિયોને સંકોરી લે છે તે વ્યક્તિ સ્થિતપ્રજ્ઞ કહેવાય.
આપણામાં કહેવત છે કે ‘પાંથીએ પાંથીએ તેલ નાખતા હોય તેમ સમજાવ્યું !’ બસ બરાબર એમ જ શ્રી કૃષ્ણ બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો સમજાવીને કેવળ અર્જુનને જ નહી, પરંતુ આપણને પણ અંગો સંકોરવાનો ઈશારો કરે છે. (ક્રમશઃ)
