‘સાથે રહેવાનો મહિમા પણ મહિમા ગ્રહણ કરવાનો છે.’
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
વ્યક્તિને પારખવા માટે ગમે તેટલો સમય ઓછો જ કહેવાય. પણ મનુભાઈ પંચોલી દર્શક સરસ વાત અહીં ઉમેરે છે કે …’સાથે રહેવાનો મહિમા પણ મહિમા ગ્રહણ કરવાનો છે.’ આપણે કોઈની સાથે રહીએ તો સાથે રહીને શું જોવાનું છે ? એને કોણ મળવા આવે છે ? મળવા આવે એ એનું કેવી રીતે મૂલ્ય કરે છે ? પોતે એના પ્રત્યે કેમ પેશ થાય છે ?? આવે છે એ આપણી અજાણમાં હોય તો એના વિશે એ કેવી વાતો કરે છે ? આ મૂલ્ય ગ્રહણ છે. હું ગયો કોઈ વ્યક્તિ પાસે અને સાવ અજાણ્યો છું પણ એની પાસે જો અડધી કલાક બેસું તો એ વહેતી ગંગાના માણસ હોય તો એની પાસે લોકો આવ્યા જ કરે એના ઉપરથી મને ખ્યાલ આવી જાય ખરો કે હું જેને મળવા આવ્યો છું તે કોઈ વ્યક્તિત્વ છે, સાદી વ્યક્તિ નથી. એટલે દર્શક દાદા એમ કહે છે કે સાથે રહેવાનો મહિમા એ મહિમા ગ્રહણ કરવાનો જ છે. સામેની વ્યક્તિનો મહિમા શું છે ? એ તમે ત્યારે જ જાણી શકો છો, જયારે તમે દિલથી એમની સાથે રહો. . દર્શક દાદાએ કહ્યું છે કે, પોતાના ભૂતકાળને જે સમજે, સંસ્કારે. (કેવળ સ્વીકારે નહીં સંસ્કારે એટલે કે સંવર્ધન કરવું to add something into what exists, જે છે તેમાં કશુંક ઉમેરવું તે સંસ્કારે) અને સંવર્ધે નહીં ત્યાં સુધી એ માણસ નવનિર્માણ પામતો નથી. મારો ભૂતકાળ મોટો છે, આજથી દસ વર્ષ પહેલાનો હું અને આજનો હું અથવા આજથી પાંચ વર્ષ પછીનો હું જુદો હશે કે એનો એ હશે, એણે કઈ વાંચ્યું હશે ? એણે કંઈ વિચાર્યું હશે ? એણે કંઈ લખ્યું હશે ? એણે કંઈ સાંભળ્યું હશે ? એણે કંઈ આદાનપ્રદાન કર્યું હશે ? એણે કોઈની વાત ધ્યાનથી સાંભળી હશે ?… આ સંસ્કરવું છે. આપણે લગભગ કોઈને સાંભળવા તૈયાર નથી હોતા. પણ યાદ રાખીએ કે સમજવું, સંસ્કરવું અને સંવર્ધન કરવું એ જ હંમેશા નવનિર્માણ પામે છે.
આપણે વાત કરવી છે પંડિત સુખલાલજીની કે મનુભાઈએ જેમને ‘લોકભારતીના પિતામહ’ કહ્યા !! લોકભારતીના અધિપ્ષ્ઠાતા દર્શકદાદા પંડિત સુખલાલજીને પિતામહ કહે છે એટલે તેઓનું વ્યક્તિત્વ કૈંક વિશેષ પ્રતિભાવંત હશે તેનો ખ્યાલ આવે છે. પંડિતજી દ્રષ્ટિહીન દ્રષ્ટા હતા. આપણને અષ્ટાવક્ર ગીતામાં કહ્યું છે કે ‘તમે દ્રષ્ટા બનો.’ આપણે બધાને આંખ છે એટલે આપણી ઇન્દ્રિય હંમેશા ખુલ્લી રહે છે , ખુલ્લી રહે છે એટલે બહારનું જોઈએ છીએ, જોઈએ છીએ એટલે બહારની અસર અંદર જાય છે, અંદર જાય છે એટલે અંદરના ચેતાતંત્રને મેસેજ મળે છે, એ ચેતાતંત્ર અંદર મોકલે છે કે સામે કંઈક આવું છે, એ અંદર મેસેજ જાય છે એટલે રિફ્લેક્ટ કરે છે અને રિફ્લેક્ટ કરે છે એ પ્રમાણે આપણે વર્તીએ છીએ. પણ પંડિતજીને મોટી શાંતિ હતી એમની આ ઈન્દ્રિય જ બંધ હતી. સુખલાલજીએ એક જગ્યાએ લખ્યું છે કે, સોળ વર્ષે જયારે મારા ચર્મચક્ષુ લઇ લીધા ત્યારે મારા દિવ્યચક્ષુનો ઉઘાડ થયો. ચર્મચક્ષુ લઇ લેવા એટલે બહુ મોટી વાત છે. તમે દસ મિનિટ આંખ બંધ કરી રાખજો પછી પણ તમને ન અનુભવ થતો હોય તો દસ મિનિટ આંખ બંધ કરીને થોડું ચાલજો એટલે તમને ખ્યાલ આવે કે આંખ ન હોવી એ એ કેટલો મોટો વિષાદ છે. પણ એમણે અભિશાપને આશીર્વાદમાં ફેરવી નાખ્યો.
૧૯૮૦ માં જન્મેલા સુખલાલજીનો ખરો જ્ઞાનદીપ સોળ વર્ષ પછી જયારે એમની આંખ જતી રહી ત્યાર પછી ખુલ્યો છે. એમણે એક પુસ્તકમાં નોંધ્યું છે કે, ‘લોકો એમ કહેતા હતા કે હું જન્મ્યો ત્યારથી બધું પામ્યો છું. પણ મને હવે જયારે બહારની દુનિયા જોઈ નથી શકતો પણ અનુભવી શકું છું, ત્યારે લાગે છે હવે મારી પ્રાપ્તિ શરૂ થઈ છે.’ આ પ્રાપ્તિની ઘટનાને એમણે સુંદર રીતે ઉપયોગમાં લીધી. ભણવામાં ખુબ હોશિયાર, અક્ષર એના ખુબ મરોડદાર, અક્ષર સારા હોવા એ પણ અત્યારની સાયકોલોજી એવું કહે છે કે તમારા વ્યક્તિત્વની એક પ્રકારની છાપ છે. તમારા અક્ષર ખરાબ હોય તો તમને ખબર હોવી જોઈએ કે ખરાબ છે. મહાત્મા ગાંધીએ લખ્યું હતું કે મારા ખરાબ અક્ષર એ મારી અધૂરી કેળવણીની નિશાની છે. તો એમના અક્ષર બહુ મરોડદાર હતા.
બેનના લગ્ન થયા ત્યારે સુખલાલજીને પરણાવી દેવાના હતા. ત્યારે સામે વેવાઈ લોકોએ ના પાડી કે ઉતાવળ કરવાની જરૂર નથી. એમાં સુખલાલજી બચી ગયા. કેમ બચી ગયા ? એવે ટાણે ના પાડી પણ પછી આંખ ગઈ. તો વેવાઈ લોકોએ કીધું કે આવું હોય તો હવે અમારે લગ્ન કરવા નથી. સુખલાલજીએ સુંદર વાક્ય લખ્યું છે કે, હું મારા જીવનના એક પરિમાણમાંથી છૂટો થયો અને જીવનના વ્યાપક પરિમાણમાં જોડાઈ ગયો. કંઈક ગુમાવીએ છીએ ત્યારે ઘણું જતું રહે છે. આ, કંઈ જતું રહે છે ત્યારે પણ કંઈક આપવાની જ નજર આપણા પરમપિતાની હોય છે. સુખલાલજીને બહુ વાંચવાની ટેવ, ગણિત એમનું એટલું પાક્કું, કુટુંબીઓએ તો બહુ પ્રયાસ કર્યા કે ધંધો સંભાળે.
બે જ બાબત એની વિશેષતા હતી. જ્ઞાન જિજ્ઞાસા. જ્ઞાન જિજ્ઞાસા એટલે કશુંક નવું જાણ્યા કરવું. Something to know કારણ એમ કહેવાય છે કે something to know હશે તો જ something to do આવશે. જો તમે જાણશો તો જ કશુંક કરશો અને તમે કશુંક કરશો તો જ તમે કશુંક અનુભવશો. અનુભૂતિ શું છે, સ્પર્શાનુભૂતિ શું છે. If you dont touch you dont experience એવી જ રીતે એમની જ્ઞાન જિજ્ઞાસા જોરદાર અને ભણતરની ભૂખ જોરદાર. ભણવાનું કોઈ પણ સંજોગોમાં મૂકે નહીં અને એ વાત એટલી આગળ ચાલી કે જેમ જેમ મોટા થતા ગયા એમ ભણવાની સાથોસાથ એમને ભણાવવાની લગની લાગી. એમને ગમે ત્યાંથી શિષ્યો મળી જ રહેતા. એમની પાસે કોઈક કોઈક તો એવું આવી જ જતું કે જે એની પાસે શીખવા બેસી જાય. આ વાત શિક્ષકોને પણ લાગુ પડે છે કે શીખવવું હોય તો વિદ્યાર્થી નથી એવી ફરિયાદ કરવા જેવું રહેતું નથી. તમે જો સાચા શીખવનારા હશો તો તમારી સ્કૂલના નહીં તો બીજા વિદ્યાર્થી તમારી પાસે આવીને બેસી જશે. શિક્ષક તરીકેનો તમારો ઓરા (તેજ વર્તુળ) કેવું છે એના ઉપર આધારિત છે. (ક્રમશઃ)
