તીખું તમતમતું  ખાનાર આપણી પ્રજા, તીખું તમતમતું  જોવા ને કરવા  પણ પ્રેરાય, સ્વીકારવું રહ્યું !! 

નગ્નતા કદાચ મારા મનને ડિસ્ટર્બ કરી શકે પણ અશ્લીલ બાબત મારા ચિત્તનો  એકદમ ભરડો લઈ શકે

 બાળકને આપણે પ્રકૃતિ સમજાવીશું તો, એને નગ્નતા વિશે પ્રશ્ન નહીં થાય

આપણા પવિત્ર ધર્મશાસ્ત્ર  શ્રીમદ્દ ભાગવત પુરાણનું કહ્યું માનીએ તો અત્યારે કળિયુગ બરાબર વ્યાપ્ત થવામાં મસ્ત છે. કળિયુગ પોતાના બધા જ લક્ષણોને બધી જ બાજુઓથી અગ્રેસર કરવામાં પોતાનો સમય વીતાવે છે. એવી ઘટનાઓ બની રહી છે, એવા પ્રસંગો બની રહ્યા છે કે આપણને સમય સામે પ્રશ્નાર્થ થાય કે,  ઈશ્વર આવી પરિસ્થિતિનું નિર્માણ કરે ખરો ? આખું વિશ્વ જાણે કે, આજે  અશાંતિ, અમંગળ, અને અપ્રસ્તુત બાબતોના એક મોટા વર્તુળમાં  ઘેરાઈ ગયું છે. પરિણામે  આપણને આજનો કાળ  રાવણ જેવો લાગે છે. શ્રીમદ્દ ભગવદગીતાએ જે ત્રણ તત્વો ઉપર ભાર મૂક્યો તે સત્વ, રજસ, અને તમસ માંથી  જાણે સત્વ અત્યારે ગુમ થઈ ગયું છે. અત્યારના રજસ અને તમસ વચ્ચે ભૂંડી સ્પર્ધા ચાલતી હોય એવું  લાગી રહ્યું  છે. જે દશે દિશાઓની અંદર દુરિત ફેલાવવા માટે જ્ઞાની હોવા છતાં પંકાઈ ગયો એવા રાવણના દસ માંહેના  એક માથા એવા અશ્લીલતાને ધ્યાનમાં રાખીને કેટલીક પેટ છૂટી વાતો કરવી છે.

આપણને બે શબ્દો જડે  અશ્લીલ અને નગ્ન, જેમાં નગ્ન અથવા નગ્નતા પ્રાકૃતિક પરિપ્રેક્ષ છેજ્યારે અશ્લીલ અથવા અશ્લીલતા આપણી નજરનું પરિણામ છે. આપણી મન પ્રક્રિયામાં  જે નગ્ન છે તે પ્રાકૃતિક છે. પરંતુ આપણે દુરિતમાર્ગે વળી વળીએ  તો એ નગ્નતામાં અશ્લીલતા જોવાનું  કામ પણ આપણું એ જ મગજ કરે છે ! જે પ્રકૃતિ હકીકતમાં અસ્તિત્વ દ્વારા સાવ ખુલ્લમ ખુલ્લી એટલે કે  અપાર નગ્ન સ્વરૂપે આપણને મળી છે. આનો અર્થ થાય  કે,  આપણી ચો તરફની પ્રકૃતિ નગ્ન છે. આપણી ચો તરફની અસ્તિત્વની ઘટાઓ સદંતર રીતે ઉઘાડી છે. પ્રકૃતિ ઉઘાડે છોગ આપણી ઉપર વરસી છે. આપણી આસપાસ પ્રકૃતિનું  પૂર્ણત: અનાવૃત હોવું એ નગ્નતા છે. હવે આ નગ્નતાને હું ખરાબ વિચારથી  બાંધવા લાગું તો હું પ્રકૃતિની અશ્લીલતા તરફ જઈ રહ્યો છું.

શાંત ચિતે વિચારવા જેવી વાત છે. ઉમાશંકર જોશી કહે છે, દેનાર તો દે નયન માત્ર, શું દેખવું તે કથવા પાત્ર આપણને આપનારે તો નયનો આપ્યા છે. નજર આપી છે, નજર દ્વારા દૃષ્ટિ આપી છે, પણ એનાથી શું જોવું, એનાથી શું પારખવું, એને જોઈને પારખીને શું પામવું, તે એણે કહ્યું નથી. આપનારે  જે આપેલ છે તે પ્રકૃતિની પ્રસન્નતા ઉઘાડે છોગ આપી છે.  એને કેવી રીતે જોવી,  પ્રકૃતિ તરીકે કે નગ્નતા તરીકે  કે પછી  રહેલી ઈરોટિક બાબતને  શોધીને મનને ભ્રમિત થાય એવી પૂર્વધારણાઓ બાંધીને જોવી…?? એ તો આપણા પર છે ને ??

“અશ્લીલતા  અને અભિવ્યક્તિ  સ્વાતન્ત્ર્ય” વિષય પર પોતાના વિચારો વ્યક્ત કરતા નિવૃત્ત આઈપીએસ શ્રી રમેશ સવાણી કહે છે કે, “‘અશ્લીલતાનો વેપાર’ ચલાવી લેવાય છે; પરન્તુ ‘અશ્લીલતાની કલાત્મક અભિવ્યક્તિ’ ચલાવી લેવાનો ઈનકાર કરવામાં આવે તે સમાજની માનસિક બીમારીનો નમુનો કહેવાય. જે સમાજમાં નિયંત્રણોને પ્રાધાન્ય આપવામાં આવે તે સમાજમાં કળાનો વિકાસ પુર્ણ કક્ષાએ પહોંચતો નથી.”   અશ્લીલતા કોને કહેવી?  સર્જક શ્રી રમણ પાઠક કહે છે : “સુરુચિ ભંગ કરે તે અશ્લીલ. સુરુચિ–કુરુચિની લાગણી અમુક અંશે પ્રાકૃતિક અને મહદંશે સાંસ્કૃતિક છે. પતિ પત્ની વચ્ચેનો સમ્બન્ધ એ નૈતિક અપરાધ નથી; પરન્તુ એ માટે પ્રયોજાતા ચોક્કસ શબ્દો પ્રતિબંધિત મનાય છે.”

અશ્લીલતા નક્કી કરવા  ત્રણ મુદ્દા મહત્ત્વના છે (1) તેનો ઈરાદો શો છે? (2) તે કઈ રીતે રજુ થઈ છે? તેને કઈ રીતે દર્શાવેલ છે? (3) તેની અસર શી છે? આ દ્રષ્ટિએ જોઈએ તો ખજુરાહોનાં શિલ્પો અશ્લીલ લાગતાં નથી. ખજુરાહોનાં શિલ્પો અને સામયિકોમાં પ્રગટ થતી મહિલાઓની નગ્ન તસ્વીરોમાં તથા બ્લ્યુ ફીલ્મો વચ્ચે તફાવત છે. ખજુરાહોનાં શિલ્પો પોતાનામાં ખોવાયેલા છે ને  બીજાને લલચાવતા હોય તેવો કોઈ ભાવ તેમાં નથી, જ્યારે સામયિંકોમાં પ્રગટ થતી નગ્ન તસ્વીરો તથા બ્લ્યુ ફીલ્મોમાં બીજાને લલચાવવાનું તત્ત્વ વધારે પ્રમાણમાં હોય છે અને તેથી તે અશ્લીલ છે.

મહિલા દર્દીને તપાસતા નગ્ન વીડિયો પોર્નોગ્રાફીની જેમ લોકો જુએ, તેને ડાઉનલોડ કરવાના પૈસા આપે છે ત્યારે

અશ્લીલતાનો મોટો વેપાર જનસમાજ માટે ગંભીર ખતરો બની રહ્યો છે. શાળામાં ભણતા નાની ઉંમરનાં બાળકો વચ્ચે બનતી ઘટનાઓ ચોંકાવનારી છે. બળાત્કાર, હત્યાઓ કે પછી હની ટ્રેપ કે અન્ય ગુનાઓ વધી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પીરસાતું કન્ટેન્ટ જાતીય આવેશને ઉશ્કેરે છે. ટેક્નોલોજી સારું કે ખરાબ કે હલકું બધે બધું જ પીરસી રહેલ છે  અને તેમ કરવું એ તેનો ધંધો છે, એટલે કોમ્પ્યુટરની મદદથી એ જોનારને એકવાર પણ ગંદી વસ્તુ જોતા જાણી જશે એટલે તેની વોલ પર એક પછી એક તે જ પ્રકારનું અશ્લીલ કન્ટેન્ટ આવતું જ રહેશે. ટેક્નોલોજી નિષ્ણાતો તેનેઅલ્ગોરિધમકહે છે.  તીખું તમતમતું  ખાનાર આપણી પ્રજા તીખું તમતમતું  જોવા પણ પ્રેરાય છે, સ્વીકારવું રહ્યું !!  

આવું થાય છે ટેબુ કારણ ?? કારણ એટલું જ કે,  આપણે આપણા  સંતાનોને એક નાનકડું બાળક જન્મે ,મોટું થાય, પુખ્ત બને, યુવાન કે યુવતી બને, બીજા કોઈ વિજાતીય પાત્ર સાથે પરણે, અને એમને સંતાન થાય,,,, આખી, બાળકમાંથી બાળક સર્જાવાની પ્રક્રિયા કે જે  એકદમ જીવ વૈજ્ઞાનિક ઘટના છે, એવું આપણે આપણા બાળકોને સમજાવી શક્યા નથી. તેઓ માટે સેક્સ એક તાજુબ છે, વિસ્મય છે અને પ્રશ્નાર્થ છે કે જેનો ઉકેલ ક્યાંયથી મળતો નથી એટલે તેઓ સેક્સનું એક્સપેરિમેન્ટશન કરવા લલચાય છે. આપણે સમજાવી નથી શક્યા કે, એક સ્ત્રી છે, બીજો પુરુષ છે. સ્ત્રી પણ પ્રકૃતિ છે, પુરુષ પણ પ્રકૃતિ છે. બંનેનું નિર્માણ એક તત્વમાંથી થયું છે. આખી દુનિયાને ચલાવવા માટેની ઈશ્વરની એક બહુ પરિમાણીય વ્યવસ્થા છે. અને એ વ્યવસ્થાની અંદર જે જે વાતો આવે છે એમાં પ્રકૃતિ છે.

લગભગ આજથી ચાલીશ  વર્ષ પહેલા જાતીયતા અને જાતીય શિક્ષણ  એ બંનેને સાથે જોડીને ડોક્ટરેટની પદવી માટે મેં સંશોધન કર્યું. એ સમયે બનેલી એક નાનકડી વાત. મોડાસાની એક કોલેજમાં મારું  અભ્યાસ માટેનું કામ ચાલતું હતું. પ્રાયોગિક ધોરણે હું બીએડ કરી રહેલા શિક્ષકો સાથે દશેક દિવસના સઘન સેમિનારમાં હતો અને એ દરમિયાન મેં કહ્યું કે,  આપણા દેવસ્થાનોની બહાર  દીવાલો પર  જે છે તે નગ્નતા જરૂર છે, પણ  ચિંતા ન કરો, તેમાં અશ્લીલતા નથી.  કોઈ દેવી કે કોઈ શિલ્પ જોઈએ તો આપણને કેમ એમાં અશ્લીલ નથી લાગતું અને  પ્રકૃતિ લાગે છે, અથવા સ્થાપત્ય લાગે છે. અને એ જ રીતે કોઈ સ્ત્રી અને પુરુષને જોઈએ તો કેમ આપણે એકદમ ઝંખવાઈ જઈએ છીએ…વગેરે વગેરે.. એ વાત દરમિયાન નજીકમાં રહેલા બે ત્રણ મંદિરો ગલતેશ્વર, શામળાજી વગેરે મંદિરોની વાત કરી. બધા શિક્ષકોને તો આશ્ચર્ય થયું કે, આવી વાત હોઈ શકે ખરી ?  અને આ વાત સાંભળીને,  મેં એ લોકોનો પ્રશ્નાર્થ તેઓના મોઢા ઉપર પારખી લીધો.  કહ્યું કે, આપને કોઈ પ્રશ્ન હોય તો મને કહેજો. તે દિવસે સાંજના જમણ વખતે બધાએ અડ્ડો જમાવીને કહ્યું કે, “આ વાત અમને સાચી લાગતી નથી. તમે કહ્યું કે દેવસ્થાનો ઉપર છે એને તમે ઈરોટિક ન ગણી શકો. દેવસ્થાનો ઉપર આવું કશું હોય જ નહિ. સાહેબ, અમે સંમત નથી આ વાત સાથે..” મેં એ વાત સ્વીકારી અને કહ્યું કે, ચાલો,  આવતી કાલે સવારનું સેશન એ મંદિરોમાં લઈશું. સૂચના આપી કે,  દેવસ્થાનમાં અંદર ગયા પહેલાં  બહારનાં સ્થાપત્યોને આપણે  પોતે બારીકાઈથી જોઈશું.  જે શિલ્પ સ્થાપત્ય છે એને નિહાળી નિહાળીને સમજવું છે કે, નગ્નતા ક્યાં છે અને અશ્લીલતા ક્યાં છે ?? એ દિવસ પુરો થયો ત્યારે બધા જ ભાવિ શિક્ષકોને એક વાતનો અહેસાસ હતો કે,  આપણે જેને નગ્ન અશ્લીલ માનીએ છીએ તો પ્રકૃતિ છે. આપણે એને જુદી નજરે નિહાળીએ છીએ એટલે આપણને અશ્લીલ લાગે છે. અને એ સૌ સંમત થયા કે, બાળકને આપણે પ્રકૃતિ સમજાવીશું તો એને નગ્નતા વિશે પ્રશ્ન નહીં થાય. કમનસીબે ભારત દેશ ના મોટા મોટા મંદિરોની બહારની દીવાલો ઉપર જે શિલ્પ સ્થાપત્ય રાખીને બેઠો છે છતાં આ દેશમાં જાતીય શિક્ષણ આપવું જોઈએ એ એક ખ્યાલનો ભારોભાર વિરોધ થઈ રહ્યો છે.

છેલ્લી વાત, નેટ કનેક્શન આવ્યું, ઇન્ટરનેટની દેન થઈ, લગભગ-લગભગ બધાના હાથમાં મોબાઈલ આવ્યા, અમાપ એટલો ડેટા આપણે ફ્રી કરી દીધો, અને આપણા તરુણોને, કિશોરોને, યુવાનોને, આપણે નગ્નતા પણ નહીં, પ્રકૃતિ પણ નહીં, અશ્લીલતાના એક ભંડારની વચ્ચે છુટા મૂકી દીધા અને એ પણ સમજાવ્યા વગર કે અશ્લીલતા શું છે ??  યાદ રાખવા જેવું છે કે,  નગ્નતા કદાચ મારા મનનો કબજો લઈ શકે પણ અશ્લીલ બાબત મારા ચિત્તને એકદમ ભરડો લઈ શકે. આ વાત કોઈ રીતે સમજાવ્યા વગર મેં એ લોકોને બધા વાયરસની વચ્ચે છુટ્ટુ મૂકી દીધા. વર્ગખંડમાં આપણે પુષ્પ કેમ બને તે  પરાગરજ વાળી વાત ન શીખવી. એક નાનકડા કુતરા કુતરીમાંથી ગલુડિયા કેમ જન્મે એ વાત વિજ્ઞાનની હોવા છતાં ન કહી અને એ જ રીતે એક મા અને એક બાપ માંથી એક બાળક કેવી રીતે જન્મે એ પણ એક વૈજ્ઞાનિક ઘટના હોવા છતાં એ લોકોથી છાની રાખી. જે છાનું રાખ્યું તેને  લોકોએ અશ્લીલ માન્યું અને એને શોધવા માટે એણે પોતાનો સમય કાઢવાનું પસંદ કર્યું.. ચોતરફ છે ને ?? પરિણામ થયું કે રાવણનાં દશ માથામાંથી આજે અશ્લીલતાનું માથું મોટું થઈ ગયું છે.

છેલ્લી વાત, આ અશ્લીલતાના આ ઘોડાપુરને શું અટકાવી ન શકાય ?? અવશ્ય અટકાવી શકાય અને તેના માટે પણ ટેક્નોલોજી જ આપણી મદદે આવી શકે. પણ આપણા શાસકોની દાનત જ જો પ્રજાને ગુમરાહ થતી રાખીને પોતાના રોટલા શેકી લેવા હોય તો એ ક્યાંથી શક્ય બને ?? ચીનમાં ગુગલ નથી, વોટ્સઅપ નથી, …તો ચીન શું પાછળ રહી ગયેલ છે ?? જગત પર રાજ કરે છે, કારણ કે તેના શાસકો લક્ષ્ય પર નજર રાખીને શાસન કરે છે. ત્યાં નેટવર્કનો ડેટા  આટલો સસ્તો નથી કે,  યુવાનો ભણવા ગણવાનું પડતું મૂકીને રીલ્સ બનાવવામાં મસ્ત  રહે !! સર્જનાત્મકતા ખતમ કરીને આપણા મન નામના ડબ્બામાં વિકૃતિ ઠાંસોઠાંસ ભરી દેવાનું આ રાષ્ટ્ર વ્યાપી ષડયંત્ર છે.