ચંડીદાસ કહે છે : ‘સબાર ઉપર માનુષ સત્ય, તાહાર ઉપર નાઈ’. આ જગતમાં માણસથી ઉપર કે ચડિયાતું કોઈ નથી.
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
(09)
ચોથો અધ્યાય જ્ઞાન દ્વારા કર્મનું શરણ લેવા સૂચવે છે. શરણ એટલે સન્યાસ. ભારતીય સંસ્કૃતિનું કેન્દ્રબિંદુ સન્યાસ છે. ન્યાસ એટલે ત્યાગ. સન્યાસ એટલે સંપૂર્ણ ત્યાગ !! જ્ઞાન મેળવીને કર્મ કરવાનું અને એ કર્મ મેં કર્યું છે તેવા ભાવમાંથી નીકળી જવાનું એ થયો જ્ઞાનકર્મસન્યાસયોગ. ગુણવન્ત શાહ બહુ મઝાની વ્યાખ્યા આપે છે : સન્યાસ એટલે મૃત્યુને મહોત્સવમાં ફેરવી નાખવા માટેની સાધનાની ચરમ સીમા.
ચોથા અધ્યાયમાં તેરમો શ્લોક થોડી છણાવટ માંગે છે, કારણ તે શ્લોકને ટાંકીને ઘણા ભ્રમ ફેલાવાઈ રહયા છે. તેરમા શ્લોકમાં કહ્યું છે કે :
‘ગુણ ને કર્મના ભેદે, સર્જયા મેં ચાર વર્ણને;
હું અવ્યય અકર્તા તે, જાણ, કર્તાય તેમનો.’
આપણા ચાર આશ્રમો : બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સન્યાસાશ્રમ
માનવના જન્મથી લઈને યુવાની સુધીનો ગાળો જ્ઞાન મેળવવાનો, સમજ કેળવવાનો અને પુખ્તતા પ્રાપ્ત કરતાં વિકાર રહિત જીવન જીવવાનો ગણાયો છે. અને એ બ્રહ્મચર્યાશ્રમ કહેવાયો.
માનવના બીજા જીવન ગાળામાં પોતાના દ્વારા કુટુંબ અને તેનું ગુજરાન ચલાવવા માટે, ગૃહ નિર્માણ કરવા માટે અને કુટુંબ જીવનનો આનંદ લેવા માટે જે પ્રવૃતિઓ થાય છે તે ગૃહસ્થાશ્રમ છે.
સામાન્ય રીતે પચાસમાં વર્ષમાં પ્રવેશને વન-પ્રવેશ કહેવામાં આવે છે. જેમાં અત્યાર સુધી જીવાયેલા જીવનને નિહાળી તેની સ્મૃતિઓને વાગોળી ધીરે ધીરે તેમાંથી મુક્ત થવા માટે વ્યાયામ થાય છે અને બાહ્ય યાત્રા સંપેટીને અંતરની યાત્રાનો આરંભ થાય છે, તે વાનપ્રસ્થાશ્રમ કહેવાય છે. અહીં વનમાં જવાનું નથી, પણ જીવનમાં સઘળી માયા છોડતા જવાનો આરંભ છે.
આપણા ચાર વર્ણો : બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર.
આ વર્ણો અંગેની જુદા જ પ્રકારની ફિલસુફી જાણવા જેવી છે.
જે જ્ઞાનશક્તિથી જીવન–પ્રવૃત્ત છે તે બ્રાહ્મણ છે.
જે દંડશક્તિથી સર્વોચ્ચતા મેળવવા જીવે છે તે ક્ષત્રિય છે.
જે વિત્તશક્તિથી સભર રહી જીવન ગુજારે છે તે વૈશ્ય છે.
જે શ્રમશક્તિથી સમાજમાં વ્યાપ્ત છે તે શુદ્ર છે.
આપણે કમનશીબે આ સમજને ધર્મ સાથે ચોંટાડી દીધી અને તેના આધારે આપણે કોઈને ઉચ્ચ તો કોઈને નીચ ગણાવા લાગ્યા. શ્રમ કરે તે પ્રસ્વેદ પાડે છે અને જ્ઞાન દ્વારા વ્યવહાર ચલાવે છે તે ન દેખાય તે રીતે બુદ્ધિ પ્રસ્વેદ પાડે છે અને એટલે શરીરથી શ્રમ કરી સમગ્ર સમાજને સ્વચ્છ અને સુઘડ રાખવા મથતો માણસ નીચો નથી જ નથી અને જેને બ્રાહ્મણ ગણીએ તે ઊંચો જ, એવું પણ નથી.
થોડું ઊંડાણથી વિચારીએ તો, પ્રત્યેક માણસ આ ચારેય વર્ણો સ્વયં જીવે છે. વિચારો તો કે જ્ઞાન વગર કોણ આગળ વધે છે ?? કોઈક ઘટનામાં કોણે દંડશક્તિનો ઉપયોગ નથી કર્યો ? વિત્ત વગર તો જીવન વીતે જ કઈ રીતે ? અને શરીર શ્રમ તો આપણે રોજ એક યા બીજી રીતે કરીએ જ છીએ ને ?
આથી ઉલટું, વિત્ત કે નાણું મેળવવા કોઈપણ શરમજનક હોય તેવું કામ કરનારો શુદ્ર કેમ ન કહેવાય ? કર્તવ્ય આપણો ધર્મ છે. હવે જે કર્તવ્યને ગૌણ ગણીને કેવળ ધન માટે જ જીવે તે વૈશ્ય કેમ ન કહેવાય ? સામે પક્ષે કર્તવ્ય અને ધનલાભ બંનેમાંથી એકને પસંદ કરવાનું આવે ત્યારે જે કર્તવ્યને પ્રાધાન્ય આપે તે ક્ષત્રિય કહેવાય કે નહિ ? તો જ્ઞાન સામે દ્રવ્યલાભને જતો કરનાર માનવ બ્રાહ્મણ કેમ ન કહેવાય ? ચંડીદાસ કહે છે : સબાર ઉપર માનુષ સત્ય, તાહાર ઉપર નાઈ. આ જગતમાં માણસથી ઉપર કે ચડિયાતું કોઈ નથી.
શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયનો આ તેરમો શ્લોક આપણે જો વર્ણો પાછળની મૂળભૂત શક્તિઓને આધારે મૂલવી ન શકીએ તો ખાનાખરાબી જ થશે.
ચોથા અધ્યાયના છેલ્લા શ્લોકોમાં કહેલી ઉપયોગી વાતોની યાદી બનાવીએ તો…
# જ્ઞાનયજ્ઞ એ દ્રવ્યોના યજ્ઞથી રૂડો છે.
# જ્ઞાન પામવા માટે નમન કરવું, પ્રશ્ન પૂછવો અને ફરી ફરીને પૂછતાં રહેવું.
# તત્ત્વના દ્રષ્ટાઓ સાથે સંવાદ કરતા રહેવો.
# જેમ ભભૂકતો અગ્નિ લાકડાને ભસ્મ કરી નાખે છે તેમ જ પ્રગટેલ જ્ઞાનનો અગ્નિ કર્મને ભસ્મ કરી નાખે છે.
# જે શ્રદ્ધાળુ જ્ઞાન મેળવે છે તે ઇન્દ્રિયોને જીતી લે છે અને તેથી તે પરમ શાંતિને પામે છે.
# જેમ યોગથી કર્મ છૂટે તેમ જ જ્ઞાનથી શંકાઓ દૂર થાય છે. આમ, આત્મને વશ થયેલને કોઈ કર્મો બાંધી શકતા નથી.
# અજ્ઞાનથી હૃદયમાં સંશય થશે તેને જ્ઞાનથી જ હણી શકાશે. (ક્રમશઃ:)
