નાનામાં નાના બાળકને પણ લાગવું જોઈએ કે તે પણ કંઈક છે અને તે પણ કંઈક કરી શકે છે…!

ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmai.com

જેમ જુલાઈ મહિનો ગુરુ મહિમાનો છે તેમ જ ઓગસ્ટ મહિનો રાષ્ટ-મહિમાનો છે. એક સમયે જેને ‘ઓગસ્ટ ક્રાંતિ’ કહેવામાં ગૌરવ થતો તે મહિનો, આવો, આપણે રાષ્ટ્રના સ્વતંત્રતાના પંચોતેર વર્ષો પરથી ધૂળ ખંખેરીને કેટલીક વાતો કરીએ.

આપણા દાદાસાહેબ માવળંકરના પુત્ર પુરુષોત્તમ માવળંકરે આજથી ચાલીસેક વર્ષ પહેલાં એક સરસ વાત કહેલી : ગાંધીજીએ સ્વરાજની વાત લઈને ભારતની સ્વતંત્રતા માટે અનોખી લડત ચલાવી તેની પાછળ બે મુખ્ય વાતો હતી :

૧) ભારતની આઝાદી વિશ્વશાંતિ માટે જરૂરી છે. ભારતની પરાધીન અવસ્થા વિશ્વના સ્વસ્થ વાતાવરણ માટે જોખમકારક છે.

૨) ભારત આઝાદ હોય તો દેશનો નાનામાં નાનો મનુષ્ય પણ સ્વમાનથી જીવી શકે. હું સ્વતંત્ર હોઉં તો જ મારું સ્વત્વ ખીલી શકે.

પ્રોફેસર હૅરલ્ડ લેસ્કીને કોઈકે પૂછ્યું કે બ્રિટનની લોકશાહી વિશે તમારું શું માનવું છે, તો તેના જવાબમાં લેસ્કીએ કહ્યું કે, “મને પૂછવાનો બહુ અર્થ નથી, બહાર નીકળીને પેલા શેરીના નાકે બેઠેલા મોચીને પૂછીને જુઓ, અને તમને દેશની લોકશાહીની પરિસ્થિતિનો સાચો ખ્યાલ એના જવાબ પરથી મળી જશે !” ગાંધીજીએ એક વાર “પ્રતિકારક ભાષા”માં સુંદર અને સ્પષ્ટ રીતે કહેલું કે : સાચી લોકશાહી અને સાચી સ્વતંત્રતા ત્યારે આવી ગણાય કે જયારે એક ભંગીબાળા દેશના રાષ્ટ્રપ્રમુખપદે આરૂઢ થઈ હોય !
આ ક્યારે શક્ય બને ?..એવો પ્રશ્નાર્થ ગાંધીજી મૂકી ન ગયા, તેનો માર્ગ પણ ચીંધતા ગયા. ગાંધીજી ‘શિક્ષણ’ શબ્દ લગભગ નથી ઉચ્ચારતા, તેઓ કેળવણીનું જ રટણ કરે છે. સાચી કેળવણી કેવી હોય ? ‘કેળવણી એટલે બાળક કે મનુષ્યના શરીર, મન અને આત્મામાં જે ઉત્તમ અંશો હોય તેનો સર્વાંગી વિકાસ સાધીને તેને બહાર આણવા.’ ગાંધીજી બહુ સ્પષ્ટ હતા. તેઓ માનતા કે ‘અક્ષરજ્ઞાન એ કેળવણીનું અંતિમ ધ્યેય નથી, તેમ તેનો આરંભ પણ નથી.’ કેળવણી દ્વારા ગાંધી બાળકમાં પડેલા ઉત્તમ અંશોને બહાર આણવા માગતા હતા અને તેને માત્ર ‘ભણેલો માણસ’ નહીં પણ ‘સાચો માણસ’ બનાવવા ઈચ્છતા હતા. ત્રીસ વરસ સુધી વિચાર કરીને તેમણે ઉદ્યોગ દ્વારા શિક્ષણ આપવાની પદ્ધતિ દાખલ કરી. ત્રેસઠ વરસની ઉંમરે તેમણે જેલમાં રહીને પોતાની કેળવણી વિશેની યોજના ઘડી કાઢી. પાછળથી તેનો ‘પાયાની કેળવણી’ તરીકે વિકાસ થયો. તેનું ધ્યેય માત્ર ઈતિહાસ, વ્યાકરણ, ગણિત વગેરે શીખવવાનું નહીં, પણ જીવન જીવતાં શીખવવાનું છે. પ્રત્યક્ષ કાર્ય કરતાં કરતાં જે સવાલ ઊભા થાય, તેના જવાબ શોધતાં શોધતાં જે મળતું જાય, એ જ તો શિક્ષણ ! સ્વયં શીખવાનું છે. પોતે ઘડાવાનું છે…તો અને તો જ, કામકાજ અંગે કોઈ ઊંચા સ્થાન પર બેસવાનું થાય તો વિદ્યાર્થી ફુલાઈ ન જાય અને હાથમાં સાવરણી લઈ કચરો વાળવાનો પ્રસંગ આવે તો તે શરમાઈ ન જાય !

૧૯૪૪ માં અંગ્રેજ સરકારે ગાંધીજીને જેલમાંથી છોડયા. તરત જ ગાંધીજીએ દેશના યુવાનોને નવી ચેતના અને દિશા દેવા માટે સેવાગ્રામ આશ્રમમાં બોલાવ્યા. ગાંધીજીએ યુવાનોને કહ્યું : નિરાશા છોડો, બહુ જલદી આપણે સ્વતંત્ર થઈશું. સ્વાતંત્ર્ય મળ્યા પછી સૌ પોતપોતાના કામમાં પડી જશે અને છેવાડાનો માણસ વિસરાઈ જશે. તેને કેળવણી આપી આત્મસન્માન કોણ અપાવશે ? સૌ ગામડાંમાં જાવ અને ગ્રામસેવા – ખાદી ગ્રામોદ્યોગ – શ્રમની કેળવણી દ્વારા વંચિતોને બેઠા કરો. ગામડાંમાં જવા માટે બાપુએ ત્રણ શરતો રાખી : ૧) ગામ નાનું, પાંચસોથી ઓછી વસતિવાળું હોય ૨) ગામમાં પ્રાથમિક શાળા ન હોય ૩) ગામ કોઈ સડક કે રોડ પર ન હોય અને રેલવે સ્ટેશનથી ઓછામાં ઓછું પાંચ કિમી દૂર હોય.. બસ, આ ત્રણ શરતો લઈને યુવાનો નીકળી પડયા. તેમાંથી સર્જન થયું લોકભારતી – સણોસરાનું, ગ્રામ દક્ષિણામૂર્તિ – આંબલાનું, લોકવિદ્યાલય – વાળુકડનું, વિશ્વમંગલમ – અનેરાનું, ગાંધી વિદ્યાપીઠ – વેડછીનું, સરદાર કન્યા વિદ્યાલય-સ્વરાજ આશ્રમ-બારડોલીનું, લોકશાળા – ખડસલીનું…આ સઘળાં ગાંધીની કલ્પનાના કેળવણીધામ ! ચારે તરફ વનરાજી, સાદા – સુઘડ મકાન, ખેલકૂદના વિશાળ મેદાનો, ગાયોની ઘંટડીનો મધુર અવાજ, કેસર કેરી – ચીકુ – નાળિયેર – લીંબુ અને અંજીર થી છલકતાં ખેતરો, કુમાર અને કન્યા માટે છાત્રાલયો, છોકરાઓ માટે ખેતી અને છોકરીઓ માટે ગૃહવિજ્ઞાન વિદ્યાના ઉદ્યોગોનું શિક્ષણ, પ્રાર્થના – વિદ્યાર્થીની આમ સભા – સફાઈ – શ્રમ અપરંપાર. ભણવું ન પડે, શીખવું ન પડે પણ જીવતાં જીવતાં શીખાતું જાય ! ગાંધી – કેળવણીનું હાર્દ એટલું જ કે : નાનામાં નાના બાળકને પણ લાગવું જોઈએ કે તે પણ કંઈક છે અને તે પણ કંઈક કરી શકે છે…!

ગાંધીની કેળવણીમાં મસ્તકનું શિક્ષણ છે, હૈયાંની સમજણ છે અને હાથ પગની પ્રવૃત્તિઓ છે. અહીં હૈયું – મસ્તક – હાથના સરવાળાથી આખા માણસનો સર્વાંગી વિકાસ થાય છે. મસ્તક અને હાથ નવરા પાડવા નથી એટલે શયતાનિયત જન્મ લેતી નથી અને હૈયું વેરઝેરનો હિસાબ માંડતું નથી એટલે ત્રાસવાદનો કોરડો વીંઝાતો નથી. ગાંધી કેળવણીમાં તો તરુણ ભરચક્ક જીવતો જાય અને કરતાં – કરતાં શીખતો જાય !

દુઃખની વાત છે કે આજે ભારતમાં આથી વિપરિત થઈ રહ્યું છે શિક્ષણમાં અને તે પણ મોટા પ્રમાણમાં..!! તેનો વિચાર લોકભારતી + આંબલા + મણારની ગાંધી સંસ્થાઓના ઋષિતુલ્ય શિક્ષક મનુભાઈ પંચોળી ‘દર્શક’ ના શબ્દોમાં : ‘આજની ભૂંડી કેળવણીથી હરામના હાડકાં કરવા અને સમાજદ્રોહ કરવા સિવાય બીજી કોઈ વૃત્તિ પોષાતી નથી. પહેલાં તો દસ – વીસ ટકા ભણતા, તેટલો બેઠાડુ વર્ગ કદાચ પરવડી શકે, કારણ કે બાકીનો એંશી ટકા વર્ગ કામ કરતો હોય; વીસ ટકા બેસી રહે તે પણ અન્યાય છે, છતાંય તેથી સમાજ સ્થગિત ન થાય. પરંતુ સો ટકા લોકો બેઠાડુ થાય તે સમાજનું તો સત્યાનાશ જ વળે ને ?..આપણે કહીએ છીએ કે કામ કરનારા નથી મળતા, પણ શેના મળે ? આ શિક્ષણથી તો કામ ન કરે તેવાની જ સંખ્યા વધે છે..એનું આ શિક્ષણ ચાલુ રહ્યું તો દસવીસ વરસે નવી પેઢી સમૂળગી પાંગળી અને સ્વાર્થી, સમાજદ્રોહી અને દેશદ્રોહી બની જશે અને ત્યારે પેલા ‘અરેબિયન નાઈટ્સ’ ના લોટમાંના રાક્ષસ જેવા ઘાટ થશે. તે હમણાં ભલે બંધ લોટે છે, પણ પછી બહાર નીકળશે…જરૂર.’

એક પ્રશ્ન થવો જોઈએ કે શિક્ષણનો અભ્યાક્રમ કેવો હોવો જોઈએ ? જો કે, આ પ્રશ્નનો બહુ ઊંડાણથી વિચાર તો છેક વેદકાળથી થતો આવ્યો છે. ચાર વેદ અને છ વેદાંગોમાં ઘણી બધી વિદ્યાનો સમાવેશ થઈ જાય છે. શિક્ષણ વિષયક છ અંગો આ રહ્યાં :

1) શારીરિક (શિક્ષણ) : રસોઈ કરવી, સફાઈશાસ્ત્ર, દળવું, પાણી ભરવું, અન્ય વ્યાયામ, આરોગ્યશાસ્ત્ર

2) ઔદ્યોગિક (કલ્પ) : વણાટ, ખેતી, સુથારીકામ, લુહારી કામ, સિલાઈ કામ,

3) ભાષાકીય (વ્યાકરણ) : સંસ્કૃત, હિન્દુસ્તાની, સ્વભાષા, પરભાષા

4) સામાજિક(નિરુક્ત) : રાજકારણ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ઈતિહાસ વગેરે..

5) કલાવિષયક (છંદસ ) : સંગીત, ચિત્રકલા વગેરે.

6) વ્યાવહારિક (જ્યોતિષ) : અંક-બીજ- રેખા ગણિત, જમાખર્ચ, ભૂગોળ, આધિભૌતિક વિજ્ઞાન વગેરે.

શિક્ષણનાં આ છ મુખ્ય અંગો છે. આ બધી બાબતોમાં ઓછું-વત્તુ ખેડાણ આપણે ત્યાં પહેલેથી થતું આવ્યું છે.. પણ આજે આપણે તેના માળખાગત-ચોકઠાબદ્ધ-ક્રેડિટબંધા અભ્યાસક્રમો રચવામાં એવા રત થઈ ગયા છીએ કે “તે શા માટે ?” નું હાર્દ મરી જાય છે અને “તે આ જ રીતે..” ની જડતા ઘર કરી જાય છે. અભ્યાસક્રમમાં છે એટલે ભણાવવાનું છે કે પછી જીવનની કિતાબમાં આનો અનુભવ થવાનો છે એટલે શીખવાનું છે, તેની સ્પષ્ટતા નથી. શિક્ષણની, તેના અભ્યાસક્રમની આદર્શ પદ્ધતિ એ છે કે વિદ્યાર્થીને એમ લાગે જ નહીં કે હું શિક્ષણ મેળવી રહેલ છું અને શિક્ષકને એમ લાગે નહીં કે હું શિક્ષણ આપી રહેલ છું !!

શિક્ષણ સહજ પ્રક્રિયા છે. સૂર્ય પ્રકાશ આપતો નથી, તેની પાસેથી સહજ જ પ્રકાશ મળતો રહે છે. શિક્ષણનું પણ એવું જ થવું જોઈએ. એકદમ શરૂઆતમાં માબાપ પાસેથી બાળકને સહજ સંસ્કાર મળવા જોઈએ અને પછીના દરેક તબક્કે અત્યંત સહજપણે તેનું શિક્ષણ ચાલવું જોઈએ.

ગાંધીજીનું એક જ વાક્ય આજના અને આવતીકાલના શિક્ષણની દીવાદાંડી બની રહે તેવું પ્રાર્થીએ : ‘જે કાંઈ થતું હોય, તે જીવનની ભીતરથી ઊગતું હોવું જોઈએ.’