ધ્યેય કે લક્ષ્યનું સત્યની સાથે પૂર્ણ તાદાત્મ્ય સાધવું અને એકતાને સ્થાપિત કરવી તે પૂજા છે.
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
(37)
ભગવાન શ્રી કૃષ્ણ પોતાનો વિશિષ્ટ પરિચય એવી રીતે આપી રહ્યા છે કે જેથી સખા અર્જુનના મનમાં કોઈપણ સંશય ન રહે.
અર્જુનને સ્પષ્ટ કહે છે કે, ‘હું જ સૂર્ય રૂપે તપું છું, જળ એટલે વર્ષાને ગ્રહણ કરું છું અને પછી વરસાવું છું, હું જ અમૃત અને મૃત્યુ છું અને સત અસત પણ હું જ છું.’ અહીં અમૃત એટલે આત્મા અને મૃત્યુ એટલે પરિવર્તન. સત એટલે ‘છે’ અને અસત એટલે ‘નથી’. એક અર્થ એવો પણ થઇ શકે કે સત એ બાહ્ય વિષય અને અસત એ મનની વિચાર વૃત્તિ. જો કે, આ બંનેનું જ્ઞાન પ્રકાશક ચૈતન્ય આત્મા વિના સંભવી ન શકે.
શ્રી કૃષ્ણ અહીં પૂરેપૂરી ચોખવટ કરવાના મુડ માં છે એટલે કહે છે કે, ‘ જેમણે વેદોનું ઝીણવટથી સેવન કર્યું છે અને જેમણે સકામ ભાવથી શ્રદ્ધા રાખીને એ સઘળું કર્મ રૂપે આચર્યું છે, તેઓ સ્વર્ગ લોકને પ્રાપ્ત કરે છે. તો વેદોના અનુષ્ઠાન વડે ભોગોની જેમણે કામના કરેલ છે તેઓ વારંવાર સ્વર્ગમાં જાય છે અને પુણ્યો ખૂટે એટલે સંસારમાં આવતા રહે છે.’
કેવળ વ્યાખ્યા આપીને ભગવાન વાત પુરી નથી કરતા પણ તેઓ ખાતરી ઉચ્ચારે છે કે, ‘અનન્ય ભાવે મારું ચિંતન કરતા રહીને જે ભક્ત મારી જ ઉપાસના કરે છે, તેવા ભક્તોના યોગક્ષેમ ની સંપૂર્ણ કાળજી હું લઉ છું.’ અહીં ‘મારું ચિંતન’ એટલે આત્મસ્વરૂપનું ધ્યાન કરવું. યોગક્ષેમ શબ્દ પણ ગીતાની દ્રષ્ટિએ સમજી લઈએ. યોગ એટલે વધારેમાં વધારે આધ્યાત્મિક શક્તિ અને ક્ષેમ એટલે પરમ આનંદની પ્રાપ્તિ (અધ્યાત્મનું અંતિમ ફળ). સદગુરુ શ્રી શંકરાચાર્ય જી યોગક્ષેમનો અર્થ આમ કરે છે : ‘ અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરવી તે યોગ અને પ્રાપ્ત વસ્તુનું રક્ષણ કરવું તે ક્ષેમ.’ સફળતાનાં રહસ્ય માટે હવે ત્રણ ચાવીઓ આપણને મળે છે :(1) સંકલ્પનું સાતત્ય (2) એક નિશ્ચિત લક્ષ્યને માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરવું (3) આત્મસંયમ.. અહીં ભગવાન શ્રીકૃષ્ણ વચન આપે છે કે જે કોઈ વ્યક્તિ સફળતાની આ ત્રણ ચાવીઓને સમજીને તત્પરતાથી તેનું પાલન કરશે તેણે યોગ અને ક્ષેમની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તેને પૂર્ણ કરવાની જવાબદારી ‘સ્વયં ભગવાન’ સ્વેચ્છાપૂર્વક નિભાવે છે.
મોક્ષ વિદ્વત્તા પર કે કર્મના ફેલાવા પર આધાર રાખતો નથી. તેને માટે સાદી-ભોળી ભક્તિ પણ પૂરતી છે. ભોળી ભાવિક સ્ત્રી ‘હું’ , ‘હું’ કરતા જ્ઞાનીઓને પાછળ પાડી દે છે. મન પવિત્ર હોય અને શુદ્ધ ભાવ હોય તો મોક્ષ અઘરો નથી. મહાભારતમાં “જનક-સુલભા સંવાદ” નામે એક પ્રકરણ છે. જનક રાજા જ્ઞાનને સારું એક સ્ત્રી પાસે જાય છે, એવો પ્રસંગ વ્યાસે ઊભો કર્યો છે. સુલભા ખુદ જનકને બ્રહ્મવિદ્યા આપે છે. તે એક સામાન્ય સ્ત્રી છે. અને જનક કેવડો મોટો સમ્રાટ ! કેટકેટલી વિદ્યાથી સંપન્ન ! પણ મહાજ્ઞાની જનક પાસે મોક્ષ નહોતો. તે માટે વ્યાસજીએ તેની પાસે સુલભાનાં ચરણે પકડાવ્યાં છે. એવો જ પેલો તુલાધાર વૈશ્ય. પેલો જાજલિ બ્રાહ્મણ તેની પાસે જ્ઞાનને સારું જાય છે. તુલાધાર કહે છે, “ત્રાજવાની દાંડી સીધી રાખવામાં મારું બધું જ્ઞાન છે.” તેવી જ પેલી વ્યાધની કથા લો. વ્યાધ મૂળમાં કસાઈ, પશુઓને મારી સમાજની સેવા કરતો હતો. એક અહંકારી તપસ્વી બ્રાહ્મણને તેના ગુરુએ વ્યાધની પાસે જવાનું કહ્યું. બ્રાહ્મણને નવાઈ લાગી. કસાઈ તે કેવુંક જ્ઞાન આપવાનો હતો? બ્રાહ્મણ વ્યાધ પાસે પહોંચ્યો. વ્યાધ શું કરતો હતો? તે માંસ કાપતો હતો, તેને ધોતો હતો, સાફ કરીને વેચવાને ગોઠવતો હતો. તેણે બ્રાહ્મણને કહ્યું : “મારું આ કર્મ જેટલું થઇ શકે તેટલું હું ધર્મમય કરું છું . જેટલો રેડાય તેટલો આત્મા આ કર્મમાં રેડી હું આ કર્મ કરું છું. અને માબાપની સેવા કરું છું.” આવા આ વ્યાધને રૂપે વ્યાસજીએ આદર્શમૂર્તિ ઊભી કરી છે.
ભગવાન હવે આશ્વાસન આપે છે કે, શ્રદ્ધાપૂર્વક જે ભક્તો કોઈ અન્ય દેવતાઓને પૂજે છે , તેઓ પણ મને જ અવિધિપૂર્વક પૂજે છે. પ્રત્યેક મનુષની અભિરુચિ ભિન્ન હોય છે. તેથી વિશ્વના તમામ લોકો એક જ દેવની ઉપાસના કરે તે શારીરિક દ્રષ્ટિથી અશક્ય અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ તર્કસંગત જ નથી. ભગવાન આપણને ખાતરી આપે છે કે કોઈ જુદા દેવ પૂજે તો ચિંતા કે દ્વેષ તમે ન કરતા, કારણ બધા જ યજ્ઞનો સ્વામી હું છું, તેઓ તત્ત્વત: મને જાણતા નથી તેથી તેઓ સંસારને પ્રાપ્ત થાય છે. એક સરસ વિશ્લેષણ કરી આપીને શ્રીકૃષ્ણ કહે છે કે, ‘જે દેવતાઓને પૂજે તે દેવતાઓને , પિતૃઓને પૂજે તે પિતૃઓને, ભુતોનું યજન કરે તે ભૂતોને અને મારું પૂજન કરે તે મને પ્રાપ્ત થાય છે.’ જગતનો નિયમ છે કે તમે જેવા વિચાર કરો એવા તમે બનો. અહીં પૂજા એટલે સાદા ક્રિયાકાંડ નહીં , તે સમજી લઈએ. પૂજા એ સાધના છે, જેના દ્વારા સંપૂર્ણ વૃત્તિઓને સંગઠિત કરીને તેને ધ્યાનમાં દિવ્ય લક્ષ્ય તરફ વાળવામાં આવે છે. ધ્યેય કે લક્ષ્યનું સત્યની સાથે પૂર્ણ તાદાત્મ્ય સાધવું અને એકતાને સ્થાપિત કરવી તે પૂજા છે. આમ કરવાથી ભક્ત પોતાના આરાધ્ય સાથે તદ્રુપ થઇ જાય છે એવો અહીં પૂજાનો અર્થ છે.
