અમીરાઈ આપણને ધનવાન બનાવે, પણ દરિયાઈ દિલેરી આપણને  લક્ષ્મીવાન બનાવે છે.

શ્રી માતાજી (પોન્ડિચેરી) પુષ્પોને ઈશના પ્રતિનિધિ તરીકે સન્માન આપતાં હતાં, એ સ્મરણમાં રાખીને હું ફૂલોની છાબમાં પ્રતિ પળના  સમાચારનાં પુષ્પો ભરી લાવતા ફૂલછાબ દૈનિકને ‘શુભ થાઓ’ નું પુષ્પ  અર્પણ કરું છું.

શ્રી માતાજી  દ્વારા આપણને એક સુંદર પુસ્તક મળેલ છે : ‘સુંદર કથાઓ’. ફેબ્રુઆરી, 1950માં આ પુસ્તક વિષે ટૂંકાક્ષરી માં  શ્રી માતાજી કહે છે કે, ‘આ વાર્તાઓ એટલા માટે લખાઈ છે કે એ દ્વારા બાળકોને પોતાનું સ્વરૂપ ઓળખવામાં મદદ થાય અને તેઓ સત્ય સૌંદર્યના માર્ગે જતાં શીખે.’ શ્રી માતાજીના બાળકો એટલે આપણે સૌ !!આપણને  પણ આપણું સ્વરૂપ ક્યાં ઓળખાયું છે ?

“રંતિદેવ એ રાજા હતા અને સાધુ થઈને જંગલમાં રહેતા હતા.  એમણે પોતાનું ધન ગરીબોને આપી દીધું હતું અને જંગલના એકાંતમાં સાધુ જીવન ગાળતા  હતા. એ અને એમનું કુટુંબ જીવન માટેની ઓછામાં ઓછી જરૂરીયાતો મેળવીને કામ ચલાવતા હતા.

એક દિવસ રંતિદેવ રાજાએ અડતાલીશ  કલાક ઉપવાસ કર્યા. પછી એમને માટે ભાત, દૂધ અને ખાંડ નું બનાવેલું ભોજન તૈયાર કરવામાં આવ્યું.  ત્યાં  એમની કુટીરના બારણા પાસે એક ગરીબ બ્રાહ્મણ આવીને ઉભો રહ્યો અને તેણે ભિક્ષાની માગણી કરી. રંતિદેવે પોતાના ભાતમાંથી અડધો ભાગ એને આપ્યો. તે પછી એક શુદ્ર કંઇક માંગતો માંગતો આવ્યો અને જે બાકી રહ્યું હતું તેમાંથી અડધો ભાગ રંતિદવે  તેને આપ્યો.

એ પછી રંતિદેવે જોયું કે, એક કૂતરો ભસી રહ્યો છે. એ બિચારું પ્રાણી ખૂબ ભૂખ્યું હોય તેમ લાગતું હતું. રંતિદેવે  જે કાંઈ વધેલું હતું તે  તેને આપી દીધું.  છેવટે પછી એક અંત્યજ સાધુ એમના દ્વાર ઉપર આવ્યો અને મદદ માટે યાચના કરી. રંતિદેવે  એને દૂધ અને ખાંડ આપી દીધા અને ઉપવાસ ચાલુ રાખ્યો.

એ પછી ત્યાં ચાર દેવો આવ્યા અને રંતિદેવને  કહેવા લાગ્યા:: “ રંતિદેવ,  તમે જે ભોજન કરાયું છે તે અમને કરાવ્યું છે. અમે બ્રાહ્મણ,  શૂદ્ર,  શ્વાન અને ગરીબ અંત્યજ નું રૂપ ધારણ કરીને તમારી પાસે આવ્યા હતા. તમે અમારા સૌને માટેનું સારું કાર્ય કર્યું છે અને તમારામાં રહેલા પ્રેમ પૂર્ણ વિચારો માટે અમે તમારી પ્રશંસા કરીએ છીએ.’

આ ટચુકડી વાર્તા કહીને શ્રી માતાજી નોંધે છે :: એક પ્રેમ ભરેલું હૃદય સર્વ મનુષ્યો અને પ્રાણીઓને પણ એક જ કુટુંબના હોય તે રીતે એક જ માનવતા તરીકે નિહાળતું  હોય છે.

ધન કમાઈ શકાય, વાપરી શકાય, વેડફી શકાય, સંગ્રહી શકાય અરે, તમે તેનું ધારો તે કરી શકો,,પણ ધનને જયારે સન્માર્ગે, અન્યાર્થે, કલ્યાણાર્થે વહેતું  મૂકી શકો ત્યારે તે ધન ખરેખર ધન રહેતું નથી, પરંતુ એ ધન લક્ષ્મી  બની જાય છે.

કોઇપણ પદાર્થને મનુષ્ય કે કોઇપણ જીવ માટે ઉપયોગી બનાવવાની અને એની અભીષ્ટ માત્રા ઉપલબ્ધ કરવાની ક્ષમતાને ‘લક્ષ્મી’ કહેવામાં આવે છે. આમ તો પ્રચલિત રીતે ‘લક્ષ્મી’ શબ્દ સંપત્તિ માટે પ્રયુક્ત કરવામાં આવે છે, પરંતુ તે ચેતનાનો એક ગુણ છે, જેના આધાર પર નિરુપયોગી વસ્તુઓને પણ ઉપયોગી બનાવી શકાય છે. ધનસંપદા માત્રામાં અલ્પ હોવા છતાં પણ એનો સત્કાર્યોમાં ભરપૂર ઉપયોગ કરવો એ એક વિશિષ્ટ કલા છે. ધનને જે સત્કાર્યે વાળે છે તે ‘લક્ષ્મી’ જ્યાં આવે છે એને લક્ષ્મીવાન કે  શ્રીમાન કહેવામાં આવે છે. શેષ અમીર લોકોને ધનવાન કહેવામાં આવે છે. અમીરાઈ આપણને ધનવાન બનાવે, પણ દરિયાઈ દિલેરી આપણને  લક્ષ્મીવાન બનાવે છે. 

ધનસંપદાનો અધિક માત્રામાં સંગ્રહ થાય એટલા માત્રથી કોઇને સૌભાગ્યશાળી નહીં કહેવાય. સદબુદ્ધિના અભાવમાં આ ધનસંપદા નશાનું કામ કરે છે, તેમ જ મનુષ્યને અહંકારી, ઉદ્ધત, વિલાસી અને દુર્વ્યસની બનાવી દે છે. સામાન્ય રીતે ધન મેળવતાં જ લોકો કૃપણ, વિલાસી, અપવ્યયી અને અહંકારી થઇ જતા હોય છે. લક્ષ્મી માતાના એક વાહન તરીકે ઉલૂક (ઘુવડ) માનવામાં આવે છે. ઉલૂક એટલે કે મૂખર્તા. કુસંસ્કારી વ્યક્તિઓને અનાવશ્યક સંપતિ મૂર્ખ જ બનાવે છે. તેના ધન વડે તેનાથી દુરુપયોગ જ થાય છે અને એના ફળ સ્વરૂપ તે દુ:ખી જ થાય છે. મૂર્ખતાનું એક ઉદાહરણ આપણને મહાકવિ  ખલિલ જિબ્રાન તેની નાનકી પુસ્તિકા પ્રકૃતિનાં સંતાન અને પાગલ માં આ રીતે આપે  છે:

“એક શિયાળે સૂર્યોદય સમયે પોતાનો પડછાયો જોયો અને કહ્યું, આજે તો ભોજનને માટે એક ઊંટ જોઈશે અને આખી સવાર તે  ઊંટ ની શોધમાં રખડયું  પરંતુ બપોરે ફરી તેણે  પોતાનો પડછાયો જોયો અને કહ્યું, એકાદ ઉંદર મળશે તોય ચાલશે !”

કેટલીક શાસ્ત્રીય વાતો મુજબ લક્ષ્મી  હિંદુ ધર્મમાં કહ્યા પ્રમાણે  સમુદ્રમાંથી પ્રગટ થયેલ એક દેવી છે. ‘લક્ષ્મી’ શબ્દ સૌપ્રથમ ઋગ્વેદમાં નિર્દેશાયો છે. ત્યાં તે શોભા, સૌન્દર્ય વગેરેનો દ્યોતક છે. તેનો અર્થ સદનસીબ પણ થાય છે; પરંતુ પાછળથી સમૃદ્ધિ કે સંપત્તિનો ભાવ તેમાં ઉમેરાયો અને સુખ તથા સમૃદ્ધિની દેવી તરીકે તેનો મહિમા સ્વીકારાયો. તે સમૃદ્ધિ અને સૌંદર્યની દેવી છે અને કમળના આસન ઉપર બિરાજેલી હોય છે. તે ધનની અધિષ્ઠાત્રી મનાય  છે. સૌંદર્ય, સંપત્તિ અને ભાગ્યની દેવી તરીકે તેની સર્વત્ર પૂજા થાય છે. ‘લક્ષ્મી’ શબ્દના અનેક અર્થો છે. લક્ષ્મીનાં વિવિધ નામોમાં ‘શ્રી’, ‘પદ્મા’, ‘ઇન્દિરા’, ‘કમલા’, ‘ચપલા’, ‘ચંચલા’, ‘સિંધુસુતા’, ‘હરિપ્રિયા’ વગેરે વિશેષ જાણીતાં છે.

આપણાં શાસ્ત્રો ધનના ઉપાર્જન માટેની કેટલીક આચારસંહિતા પણ સ્પષ્ટ સમજાવે છે. ધન ઉપાર્જન કરવાના અનેક માર્ગો છે. આસુરી પ્રવૃતિઓથી પણ ધન મેળવી શકાય છે અને આજે કળિયુગમાં તો એ માર્ગ વિશેષ સુલભ બન્યો છે, ત્યારે મગજમાં ઉતારી લેવું પડે કે દૈવી કે સન્માર્ગની પ્રવૃતિઓ દ્વારા જે ધન ઉપાર્જન થાય તેને જ લક્ષ્મી કહેવાય છે. ધર્મ વડે ધન મેળવવા માટેનો શ્લોક પણ છે :

धर्मार्जितभोगेन वैराग्यमुपजायते विपरीतार्थभोगेन राग एव प्रजायते ।।

અર્થાત ‘ધર્મ વડે ઉપાર્જિત ધનના ભોગવવાથી એક દિવસ વૈરાગ્ય અવશ્ય ઉદિત થાય છે, પરંતુ અધર્મ વડે ઉપાર્જન કરેલ ધનના ભોગવવાથી તેના પ્રતિ આસક્તિ આવે છે.’ એવું विद्येश्वर संहिता 13 51 – 52 માં દર્શાવેલ છે. તો અન્યાયથી પ્રાપ્ત કરેલું ધન દસ વર્ષથી વધુ સમય તાકતું નથી, તેવી ચેતવણી પણ શાસ્ત્રો આપે છે.

अन्यायोपर्जितं द्रव्यं दशवर्षाणि तिष्ठाति प्राप्ते चैकादशे वर्षे  समूलं तद् विनश्यति  ।।

‘અન્યાય અને અનીતિથી ઉપાર્જન કરેલ / ઉપાર્જિત (એકઠું) કરેલું ધન વધુમાં વધુ દસ  વર્ષ ટકે છે, જેવું અગિયારમું  વર્ષ થાય કે તે મૂળ સહીત નાશ પામે છે.’ એવું  चाणक्य नीति – 15.6 માં દર્શાવેલ છે.

ઋગ્વેદમાં આવતા ‘શ્રીસૂક્ત’માં ઐશ્વર્યના પ્રતીકરૂપ દેવતા તરીકે લક્ષ્મીનું નિરૂપણ છે. વાલ્મીકિ રામાયણ (બાલકાંડના પીસ્તાલીશમાં શ્લોકમાં )મા લક્ષ્મીને ‘શુભ્રવસ્ત્રધારિણી’, ‘તરુણી’, ‘મુકુટધારિણી’, ‘કુંચિતકેશા’, ‘ચતુર્હસ્તા’, ‘સુવર્ણકાન્તિ’, ‘મણિમુક્તાદિભૂષિતા’ વગેરે નામોથી નિર્દેશેલ  છે. તે પછી પુરાણોમાં લક્ષ્મીને ‘કમલાસના’, ‘કમલહસ્તા’, ‘કમલમાલાધારિણી’ તથા ‘સદા વિષ્ણુના વક્ષ:સ્થલમાં રહેતી’ વર્ણવી છે. લક્ષ્મીની ઉત્પત્તિ અંગે પ્રચલિત માન્યતા મુજબ તે સમુદ્રમંથન દ્વારા ઉદભવેલ ચૌદ રત્નો પૈકીનું એક રત્ન છે, જેનો ભગવાન વિષ્ણુએ પત્નીરૂપે સ્વીકાર કર્યો. ત્યારબાદ તેમણે ક્ષીરસાગરમાં નિવાસ કર્યો. તૈત્તિરીય સંહિતામાં લક્ષ્મી અને શ્રી બંને આદિત્યની પત્નીઓ હોવાનું કહ્યું છે.

એક મત મુજબ ધન, ધાન્ય, પશુ, સ્ત્રી, પુત્ર, આરોગ્ય, આશ્રય, આવરદા, ઉદ્યમ, સંતોષ અને જ્ઞાનને લક્ષ્મી કહે છે. લક્ષ્મી એટલે કેવળ ધન કે નાણું  કે રૂપિયા પૈસા જ નહિ, પણ.. મહાભારત(શાન્તિપર્વ 124–45–60)માં આવતા લક્ષ્મી-પ્રહલાદ સંવાદ મુજબ, તેજ, ધર્મ, સત્ય, વૃત્ત, બલ અને શીલ જેવા માનવીય ગુણોમાં લક્ષ્મી રહે છે. અન્યત્ર (શાન્તિપર્વ–21) લક્ષ્મી-ઇન્દ્ર સંવાદમાં જણાવ્યું છે કે, પૃથ્વીનાં સૌ નિવાસસ્થાનોમાં ભૂમિ, જલ, અગ્નિ અને વિદ્યા  એ ચાર સ્થાન લક્ષ્મીને સૌથી વધુ પ્રિય છે. વળી, સત્ય, દાન, વ્રત, તપસ્યા, પરાક્રમ અને ધર્મ જ્યાં વાસ કરે છે, ત્યાં લક્ષ્મી પણ નિવાસ કરે છે. દાનધર્મપર્વ–82 માં કહ્યા પ્રમાણે, ગાય અને ગોબરમાં પણ લક્ષ્મીનો નિવાસ છે.

સામાન્ય જનમાનસની વ્યવહારુ સમજ એ છે કે જે ઘરમાં વડીલોનાં પૂજા-સત્કાર, આદર-સન્માન થતાં હોય, અનાજ સુસંસ્કૃત અને નીતિથી પેદા કરેલું હોય અને ક્લેશ કદી ન થતો હોય ત્યાં લક્ષ્મી નિવાસ કરે છે.

‘શ્રીસૂક્ત’ પ્રમાણે આનંદ, કર્દમ, શ્રીદ અને ચિકિલત એ તેનાં સંતાન છે. તો અન્ય એક સંદર્ભ અનુસાર ધર્મ, અગ્નિ, રાજા અને ચોર – એ ચાર લક્ષ્મીના પુત્રો છે. આમ છતાં ચોરી, વાસના, અપવિત્રતા અને અશાંતિ પ્રત્યે ઘૃણાને લીધે લક્ષ્મી પોતાને પ્રિય એવાં ભૂમિ વગેરે સ્થાનોનો  ત્યાગ પણ કરે છે.

સહજ પ્રશ્ન થાય કે  લક્ષ્મી દેવીનું વાહન ઘુવડ કેમ છે ? ધાર્મિક ગ્રંથો અનુસાર, એકવાર બધા દેવી-દેવતાઓ પૃથ્વી પર ફરવા આવ્યા. તે સમયે તમામ પ્રાણીઓ અને પક્ષીઓએ દેવતાઓને વિનંતી કરી કે, તેઓ તેમને તેમના વાહન તરીકે પસંદ કરે અને દાન કરે. બધા દેવતાઓએ પોતાનું વાહન પસંદ કર્યું, પરંતુ માતા લક્ષ્મી લાંબા સમય સુધી મૂંઝવણમાં રહ્યા. મા લક્ષ્મીએ પોતાના વાહન માટે કોની પસંદગી કરવી તે વિચારવાનું શરૂ કર્યું. આ દરમિયાન તમામ પશુ-પક્ષીઓ વચ્ચે ઝઘડો થયો, ત્યારે માતા લક્ષ્મીજીએ બધાને શાંત કર્યા અને કહ્યું કે, દરેક કારતક અમાવસ્યાએ તે પૃથ્વી પર ફરવા આવશે, પછી તે પોતાનું વાહન પસંદ કરશે. ત્યારપછી જ્યારે કારતક અમાવસ્યાનો દિવસ આવ્યો ત્યારે તમામ પશુ-પક્ષીઓ દેવી લક્ષ્મીની પ્રતિક્ષા કરવા લાગ્યા.

પરંતુ અમાવસ્યાની અંધારી રાત્રે સૌ કોઈ જોઈ શક્યા ન હતા. આવી સ્થિતિમાં જ્યારે રાત્રે માતા લક્ષ્મી આવ્યા તો ઘુવડ તેની તીક્ષ્ણ આંખોથી તેને જોઈને તેની નજીક પહોંચી ગયું. ઘુવડ એ હકીકતનું ઉદાહરણ બની ગયું છે કે જ્યારે તે ખૂબ જ અંધારું હોય છે, ત્યારે જ વસ્તુઓને જોવાની અને સમજવાની અસાધારણ ક્ષમતા જ કામ આવે છે. પછી ઘુવડએ દેવી લક્ષ્મીને પોતાનું વાહન બનાવવાની વિનંતી કરી. જેના પર માતાએ ખુશ થઈને ઘુવડને પોતાના વાહન તરીકે સ્વીકારી લીધું. આ રીતે ઘુવડ દેવી લક્ષ્મીનું વાહન બની ગયું. શાસ્ત્રોમાં પણ ઘુવડને વિશેષ ક્ષમતા અને અનોખા અભિગમ ધરાવતું પક્ષી માનવામાં આવ્યું છે, જે નકારાત્મક પરિસ્થિતિઓમાં સકારાત્મક વિચારની નિશાની છે.

આશ્ચર્ય થાય તેવી વાત છે કે,  માતા લક્ષ્મીની એક મોટી બહેન પણ છે, જેમનું નામ અલક્ષ્મી છે. તેમનો સ્વભાવ માતા લક્ષ્મીથી  એકદમ વિપરીત છે. ભાગવત મહાપુરાણના અનુસાર સમુદ્ર મંથનના વખતે પહેલા મોટી બહેન અલક્ષ્મી નિકળ્યા હતા. પોતાના નામ અનુસાર તેમણે અસુરી શક્તિઓનું વરણ કર્યું.

દેવી અલક્ષ્મી ગરીબી અને દરિદ્રતાની દેવી છે. જ્યારે પણ કોઈ ઘરમાં અલક્ષ્મીના પગ પડે છે તો તે દરિદ્રતા, મુશ્કેલી અને દુ:ખોના સમયમાંથી પસાર થાય છે.  દેવી અલક્ષ્મી એવા ઘરોમાં પ્રવેશ કરવાનું પસંદ કરે છે,  જે ગંદા રહે છે અને જ્યાંના લોકો હંમેશા ઝગડો કરવાનું પસંદ કરે છે. અધર્મ કે ખોટુ કાર્ય કરનારના ઘરે દેવી અલક્ષ્મી ખેંચાઈ આવે છે. તેમના આવતા જ તે ઘર ધન અને સ્વાસ્થ્ય બન્નેથી બરબાદ થઈ જાય છે.  જ્યાં લોકો સાફ-સુથરા રહે છે, એક બીજા સાથે હળીમળીને રહે છે અને ભગવાનની પૂજા કરે છે ત્યાં અલક્ષ્મી દેવી ક્યારેય પ્રવેશ કરવાની હિમ્મત નથી કરતા. માન્યતા છે કે દેવી અલક્ષ્મીને ખાટ્ટી અને તીખી વસ્તુઓ નાપસંદ છે. માટે તેમને પોતાના ઘરથી દૂર રાખવા માટે મુખ્ય દ્વાર પર લીંબુ ને મરચાં લટકાવી રાખવાનું સૌ પસંદ કરે છે.

આ વિસ્તૃત લેખના સમાપને ફરી યાદ કરીએ ખલીલજીબ્રાનને…

જિબ્રાન આપણને પુણ્યેશ્વર  અને પાપેશ્વર ની ઘટના કહે છે.

પુણ્યેશ્વર અને પાપેશ્વર ગિરિશૃંગ ઉપર મળ્યા.

પુણ્યેશ્વરે કહ્યું, “દેવબંધુ, આપને મારા નમસ્કાર.”

પાપેશ્વરે કશો જવાબ વાળ્યો  નહીં

અને પુણ્યેશ્વરે કહ્યું, “આજે આપ નાખુશ જણાવ છો.”

પાપેશ્વરે કહ્યું, “હમણાં હમણાં લોકો મને ભ્રમથી પુણ્યેશ્વર તરીકે ઓળખી રહ્યા છે.  તમારે જ નામે બોલાવતા થયા છે અને જાણે કે હું પોતે જ પુણ્યેશ્વરે હોઉં  એ રીતનું મારા તરફ વર્તન પણ કરી રહ્યા છે.  આ બધું મને બેચેન બનાવી મૂકે છે.”

અને પુણ્યેશ્વરે કહ્યું”,.. અને મને લોકો ભ્રમથી પાપેશ્વર તરીકે ઓળખવા લાગ્યા છે અને તમારે જ નામે બોલાવતા થયા છે.”

મનુષ્યની મતિ હીનતા ઉપર શાપ વરસાવતો  પાપેશ્વર ત્યાંથી  ચાલતો થઈ ગયો !!

જીબ્રાનની આ ઘટના આપણું પ્રતિનિધિત્વ કરે છે. એકવાર ગલત માર્ગે ધન આવતું થાય પછી આપણો અહંકાર આપણને તે માર્ગ છોડવા  દેતો નથી. આપણો ઠસ્સો,  આપણું  અભિમાન, આપણા ધનનો નશો પાપેશ્વર તરીકે વર્તવાને માટે જ દોરી જાય છે.

5478 5471