રાજા રવિ વર્માને સ્ત્રીઓનાં અંગોને ઢાંકવા માટે એક પરિધાન સાડી બધી જ જગ્યાએ જોવા મળી.!!!
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
ગુજરાતના દૂર છેવાડાના મલકમાં રાજસ્થાનને પડખે એક ગરબાડા નામનું ગામ છે, ત્યાં એક અભ્યાસુ અધ્યાપક ભરત ખેની ગુજરાતી ભણે છે અને ભણાવે છે. “રાજા રવિ વર્મા” શીર્ષકથી પ્રકાશિત થયેલું ભરત ખેનીનું પુસ્તક આપણને ભારતની પ્રાચીનતાના સમયમાં લઈ જાય છે.
ઈ. સ. ૧૮૮૮માં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતાના પરમ મિત્ર રવિ વર્માનાં ચિત્રો કિલિમાનુર મહેલમાં જઈને જોવાનો આગ્રહ કર્યો પણ એ શક્ય ન બનવાના કારણે તેઓ નીલગિરિ ગયા. રવિ વર્મા આ સમય દરમિયાન નીલગિરિ રહેતા હતા. રવિ વર્મા અને સયાજીરાવ ગાયકવાડ આ મુલાકાતથી ખૂબ જ નજીક આવ્યા. વડોદરાના મહારાજા દીર્ઘદ્રષ્ટા, ઘણું જ ફરેલા, ખૂબ ધાર્મિક તથા આસ્તિક હતા. તેમણે રવિ વર્માને રામાયણ અને મહાભારત જેવા ધર્મગ્રંથો તરફ ઉન્મુખ કરતાં કહ્યું કે, “હકીકતે આ બંને ધર્મગ્રંથોમાં ભારતનો સાચો આત્મા છુપાયેલો છે. તેથી તમે આ ધાર્મિક ગ્રંથોનો સંદર્ભ લઈને ભારતીય જનમાનસને પ્રથમ નજરે જ સ્પર્શી જાય એ પ્રકારના ચિત્રો બનાવો.” રવિ વર્માએ મહારાજાના આ સુચનનો સહર્ષ સ્વીકાર કર્યો.
ચિત્ર બનાવતાં પહેલાં રામાયણ અને મહાભારત બંને મહાન ગ્રંથોના પુરુષપાત્રો અને સ્ત્રીપાત્રોનો પહેરવેશ, અલંકારો વગેરે મેળવવો ખૂબ જ જરૂરી હતો. એ હેતુથી આખા દેશનો મૂળ આત્મા જાણવો જરૂરી છે. તેથી સમગ્ર દેશમાં ફરવાની ઈચ્છા રવિ વર્માને થઈ, તેમણે આ વાત મહારાજા ગાયકવાડને કહી. મહારાજાએ ટી. માધવરાવને કહીને પ્રવાસની બધી વ્યવસ્થા કરી આપી. પોતાના ભાઈ રાજા વર્મા તથા નોકરો સાથે રવિ વર્માએ રાજસ્થાન, દિલ્હી, આગ્રા, અવધ, કાશી, કલકત્તા વગેરે શહેરોની મુલાકાત લીધી.
ભારતમાં ધર્મ અને જાતિના આધારે કોઈ ને કોઈ પહેરવેશ અને અલંકારોનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ એ પણ જુદાં જુદાં રાજ્યોમાં જુદાં જુદાં જોવા મળે છે. એમાંથી કોઈને આત્મસાત્ કરવાથી મહાભારત અને રામાયણનાં પાત્રોની આવશ્યકતા પૂર્ણ નહીં થાય અને વસ્ત્રોને ધારણ કરનાર પાત્રોને ચિત્ર જોનાર પસંદ કરશે નહીં. આમ લાગવાથી રવિ વર્માની યાત્રા આગળ વધતી રહી અને તેમણે તાંજોર, માયાવરમ્, ચિદમ્બરમ્, શ્રીરંગમ્, મદુરાઈ વગેરે સ્થાનોનાં મંદિરોનાં દર્શન કર્યા. તહેવારો અને ઉત્સવો, વેશ-પરિધાનો, હથિયારો, ઘરેણાંઓ તેમજ અન્ય વસ્તુઓનો ઝીણવટથી અભ્યાસ કરીને તેનાં રેખાંકનો કર્યા. રાજમહેલો અને ખંડેરોની મુલાકાત પણ લીધી, તેઓ આંખોમાં વસી જાય એવાં સુંદર દશ્યોની શોધમાં નદીને કાંઠે-કાંઠે, ઘાટ-ઘાટે અને વગડામાં દૂર સુધી અભ્યાસાર્થે ફરવા નીકળી પડતા. પરોઢથી માંડીને સંધ્યાનાં અંધારાં ઊતરે ત્યાં સુધી તેઓ સતત ફરતા રહેતા અને પછી રાત્રે પોતાના ઉતારા પર આવી દીવાના અજવાળે દિવસ દરમિયાન જોયેલું હોય તેનું આલેખન અને નકલો કરતા.
આ આખાયે ભ્રમણ દરમિયાન રવિ વર્માએ એક ખાસ બાબતની નોંધ લીધી કે પ્રદેશગત વિવિધતાથી ભર્યા ભર્યા આ દેશની સ્ત્રીઓએ જે સાડીઓ પહેરી છે એ ભારે આકર્ષણનું કેન્દ્ર હતી. સ્ત્રીઓનાં અંગોને ઢાંકવા માટે એક પરિધાન સાડી બધી જ જગ્યાએ એમને જોવા મળી. પ્રદેશ ભિન્નતાને કારણે એનાં નામ અને રંગરૂપ બદલાતાં રહ્યાં છતાં તેની અચૂક હાજરી દરેક જગ્યાએ હતી, રવિ વર્માએ યાત્રા દરમિયાન ચંદેરી, માહેશ્વરી, રેશમ, બાંધણી, પટોળા, પૈઠણી, બનારસી, નવવારી (નૌવારી), તાંચી, જામદાની, બાલુચેરી,બોમકઈ, કાંજીવરમ, ગારા (પારસી) વગેરે જેવી અનેક નામધારી, રૂપધારી જુજવે રૂપે અનંત ભાસે એવી અને સૌંદર્યનાં સરનામાં જેવી સાડીઓ જોવા મળી. સાડી સ્ત્રીને ઓળખ આપે છે, સુંદરતા અને સંપૂર્ણતાનો અહેસાસ કરાવે છે. આપણે આંખ બંધ કરીને માત્ર એક શબ્દ બોલીએ : ‘ભારતીય નારી.’ એ પછી એના દેખાવ અંગે કલ્પના કરીએ તો એના કે ચામડીના રંગોમાં આપણી કલ્પના મુજબ વૈવિધ્ય જોવા મળશે. પરંતુ જે સામ્ય દેખાશે તે સાડીનું હશે. ભારતીય નારીના પરિધાન અંગે સાડી એ એકમાત્ર એવો પોષાક છે જેનાથી ઉમર, કદ, દેખાવ અને ચામડીના રંગની પેલે પાર જઈ સ્ત્રીને સમજી શકાય છે. આવા કારણથી વસ્ત્રોના રંગાભાસને રવિ વર્મા ઝડપવા માંગતા હતા. અંતે, તેમણે પૌરાણિક સ્ત્રી-પાત્રો માટે સાડીની પસંદગી કરી. એની સારી (હકારાત્મક) અસર આખા દેશ પર પડી. કેરળની સ્ત્રીઓ જેઓ ફક્ત સફેદ ધોતી પહેરનારી હતી, એમણે રંગબેરંગી સાડીને અપનાવી.
આમ રવિ વર્મા પોતાનાં ચિત્રોમાં આવતી ભારતીય સ્ત્રીઓ માટે એ જ પહેરવેશ ઈચ્છતા હતા જેને દેશના લોકો પસંદ કરે. આ બાબત રવિ વર્માની અંદર રહેલી રાષ્ટ્રીય ભાવનાને પ્રગટ કરે છે. જ્યારે તેઓ ૨૫ વર્ષના હતા ત્યારે અંગ્રેજી વિશે કહ્યું હતું કે, ‘અમે આ વિદેશી ભાષા તથા સભ્યતાને આગળ ક્યાં સુધી ચલાવીશું? જે આવ્યું છે, તેને જવું જોઇએ.’ આપણે એક વાત માની શકીએ કે બાળપણથી જ જે ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત રહ્યા છે તેવા રવિ વર્મા આપણી ભવ્ય અને મહાન પરંપરાને ચિત્રના માધ્યમથી જાળવી રાખવાનો મૃત્યુપર્યત પ્રયત્ન કરે છે. તેમણે પોતાનામાં રહેલો દેશીય અને સાંસ્કૃતિક ભાવબોધને જીવંત રાખવા, વિકસિત કરવા અને પોતાના દ્વારા નિર્મિત અનન્ય કલારૂપો(ચિત્રો) માં એ ઢાળવા માટે હંમેશા જાગ્રત પ્રયત્નો કર્યા હતા. આ પ્રયાસોમાંથી સમગ્ર ભારત દેશને પહરવેશને એક તાંતણે બાંધે તેવું નારી વસ્ત્ર એટલે ‘સાડી’ ચરિતાર્થ થયું.
ભલે, આપણે ગુજરાતી હોવા છતાં ગુજરાતી કે અન્ય કોઈ ઢબની સાડી પહેરવાનું છોડી રહ્યા છીએ પરંતુ આજે પણ ગ્રામનારી તો રાજા રવિ વર્માએ પ્રમાણેલી સાડી જ પહેરતી જોવા મળે છે. દક્ષિણના રાજ્યોમાં તો ઘણેખરે અંશે સાડી જ નારી અંગે ઢાંકે છે તેવું અચૂક જોવા મળે છે. વળી સાડી એ ગરીબ અને શાહુકાર બંને ને જોડાતી કડી છે.
