પણ અહીં કર્મ ન કરવું એટલે શું ? ‘જેટલા કર્મો કરવાના છે તે કરતા રહેવા છતાં તે બધા ખરી જાય તેવી યુક્તિ હસ્તગત કરી લેવી.’
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
(11)
મહર્ષિ પતંજલિના અષ્ટાંગ યોગમાં આઠ પગથિયાં ચડ્યા પછી સમાધિનું સ્થાન છે. આગળના સાત આયામો સિદ્ધ કર્યા વગર આઠમું સ્થાન દુર્લભ છે અને આ સાતેય પગથિયાં સહજ કર્મ કરી અને મનને કર્મથી પ્રભાવિત થવા દીધા સિવાય હાંસિલ કરવાના છે. ખુદને ખબર ન પડે અને ચિત્ત કોઈ કર્મ કરે તે સાચી ઉપલબ્ધી ગણાય.
કર્મની વાત આવે એટલે સૂક્ષ્મ જ્ઞાન ધરાવનારાઓ કર્મના અનેક પ્રકારો ગણાવવા લાગશે અને એ નામો આપીને કર્મની ઓળખને ગૂંચવી નાખશે. આ અલ્પજ્ઞાનને છાંટવાની પ્રવૃત્તિ અહંકાર તરફ લઇ જાય છે. કેવળ માહિતી પૂરતું જો આ કર્મોને સમજવા હોય તો…..
બેન્કનું ચાલુ ખાતું એટલે કે કરંટ એકાઉન્ટ તે ક્રિયમાણ કર્મ ..
બેન્કનું બચત ખાતું એટલે કે સેવિંગ્સ એકાઉન્ટ તે સંચિત કર્મ…
બેન્કનું બાંધી મુદ્દતનું ખાતું એટલે કે ફિક્સ્ડ ડિપોઝીટ તે પ્રારબ્ધ કર્મ…
એક વડીલ મિત્રએ બીજા વડીલ દોસ્તને પત્ર લખી કહ્યું કે, પોતે અમુક લાખ રામનામ જાપ કરવાના છે. તમે પણ તેમાં ભાગ લો અને રોજ કેટલા જાપ કરો છો તે મને જણાવજો એટલે હું તે પ્રમાણે ગણતરી રાખીશ. પેલા ભાઈ પોતાની સમજ પ્રમાણે લખી રહ્યા હતા પણ જેમને પત્ર મળ્યો તેમણે એમ વિચાર્યું કે રામનામના જાપ લેવાના હોય, ગણવાના ન હોય. રામનામ કંઈ ગણવાની ચીજ નથી. બાળકની સેવા કરનાર મા ક્યાં ગણે છે કે મેં કેટલી વાર ભીનું બાળોતિયું બદલ્યું ? મન પરોવીને અને હૃદય રેડીને જો કર્મ કરીએ તો કર્મ રહેતું જ નથી. જે કરીએ તે અકર્મ બની જાય તો પછી તેમાં ક્લેશ કે કષ્ટ કે વાંધો કશું રહે જ ક્યાંથી ? સૂર્ય ઉગે છે ને આથમે છે, પવન વાય છે, પંખી ઉડે છે, નદી ખળખળ વહે છે, વરસાદ વરસે છે કે પ્રકૃતિ કોઈના કહ્યા વગર નિત્ય કાર્યરત છે, બસ આ સઘળા કર્મો સહજ કર્મો છે, તેની કોઈ ગણતરી નથી કે તેનો કોઈ ભાર નથી એટલે તો એ અકર્મનો દરજ્જો પામે છે.
અકર્મની એક બાજુ યોગ છે અને અકર્મની બીજી બાજુ સન્યાસ છે. સન્યાસ એટલે સર્વ કર્મો છોડી દેવા. સર્વ કર્મોમાંથી મુક્ત થવું. કર્મો બિલકુલ ન કરવા તે સન્યાસ….પણ અહીં કર્મ ન કરવું એટલે શું ? તે સમજી લેવાની ખાસ જરૂર છે, અન્યથા મોટી ગડબડ થશે.
એક માણસની વાત છે. તેની પાસે સોનાના મોટા મોટા કીમતી દાગીના હતા. તે બધા તેણે એક મોટી પેટીમાં બંધ કરીને રાખવા હતા, નોકર એક ખાસી મોટી લોઢાની પેટી કરાવી લાવ્યો. તે જોઈને દાગીનાના ધણીએ કહ્યું, કેવો મૂરખો છે ! અરે ડફોળ, તને સૌંદર્યનો કંઈ ખ્યાલ છે કે નહીં ? આવા સુંદર કીમતી દાગીના તે આવી ભૂંડી લોઢાની પેટીમાં મૂકવાના હોય ? જા, મજાની સોનાની પેટી કરાવી લાવ. નોકર સોનાની પેટી કરાવી લાવ્યો. હવે એનું તાળું, તે પણ સોનાનું લાવ. સોનાની પેટીને સોનાનું તાળું જ શોભે. પેલો ભાઈ દાગીના સંતાડવા ગયો, સોનું ઢાંકવા ગયો. પણ તે સોનું ઢંકાયું કે ઉઘાડું પડ્યું ? ચોરને દાગીના શોધવાની માથાફોડ જ રહી નહીં! પેટી જ આખી ઉઠાવી કે કામ પત્યું. સારાંશ કે કર્મ ન કરવું એ પણ કર્મનો જ એક પ્રકાર છે. આટલું વ્યાપક કર્મ આપણને ઘેરી વળ્યું હોય ત્યાં તેમાં સન્યાસ કઈ રીતે શક્ય બને ? હા, છે એક તરકીબ..જેટલા કર્મો કરવાના છે તે કરતા રહેવા છતાં તે બધા ખરી જાય તેવી યુક્તિ હસ્તગત કરી લેવી. સૂર્ય રાત દિવસ તપે છે. એક ગોળાર્ધમાંથી નીકળી બીજામાં.. પણ સતત પ્રકાશતો જ રહે છે. ચોથા અધ્યાયમાં ભગવાન આખે છે કે : “મેં આ યોગ પહેલા સૂર્યને બતાવ્યો અને તેની પાસેથી મનન કરનાર મનુએ એ યોગ શીખ્યો.” સૂર્ય ચોવીસેય કલાક પ્રવૃત્ત છે છતાં જાને કોઈ જ કર્મ કરતો જ નથી !!
વિનોબાજી તો ત્યાં સુધી કહે છે કે એક વ્યક્તિ મોજમાં રહીને કર્મ કર્યા જ કરે છે અને તેનો આનંદ લૂંટે છે અને બીજી વ્યક્તિ એક બાજુ મૌન ધારણ કરીને બેઠો રહે છે, તો પહેલી વ્યક્તિ બીજી વ્યક્તિ કરતા સો વાર સન્યાસી છે. ટૂંકમાં, સન્યાસી કર્મ કરવા છતાં કરતો નથી. (ક્રમશઃ)
