ભક્તનો સ્વધર્મ ભક્તિ છે, ભક્તિને બીજાં ફળોના ફણગા ફૂટવા ન દેવા એ જ તેની જીવનકળા છે.
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
(04)
ભગવાને ગીતાના બીજા અધ્યાયમાં જીવનના સિદ્ધાંતો બતાવ્યા, પણ ખાલી સિદ્ધાંત બતાવી મૂકવાથી ચાલતું નથી. આવા સિદ્ધાંતો તો ઉપનિષદોમાં અને સ્મૃતિઓમાં પણ દર્શાવેલા છે. ગીતાએ એ ફરી રજૂ કર્યા છે અને એની સાથે આ સિદ્ધાંતો કેમ આચરણમાં મુકવા એ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.
આપણને થતો એક મહા પ્રશ્ન કે ‘કરવું છે પણ કરવું કેમ ?’, એ ઉકેલવામાં ગીતા કાબેલ રહી છે. જીવનના સિદ્ધાંત અમલમાં મુકવાની હથોટી અથવા યુક્તિને જ યોગ કહે છે. સાંખ્ય એટલે સિદ્ધાંત અથવા શાસ્ત્ર અને યોગ એટલે કળા. યોગીઓએ જીવનની કળા હાથ કરી છે એવું જ્ઞાનદેવ કહે છે. દેહને તુચ્છ ગણાવો અને આત્માનું અમર-અખંડ પણું ધ્યાનમાં રાખી સ્વધર્મનું આચરણ કરવાની કળા કઈ છે તે આપણને બીજા અધ્યાયમાં કહેવામાં આવ્યું છે.
કર્મ કરનાર વ્યક્તિ બેવડી વૃત્તિ ધરાવતો જોવા મળે છે.
(પહેલી વૃત્તિ) અમે કર્મ કરીએ તો તે કર્મના ફળ અમે ચાખ્યા વગર ન રહીએ, એ અમારો હક છે.
(બીજી વૃત્તિ) અમને ફળ ચાખવા ન મળવાના હોય તો અમે કર્મ કરવાના નથી, એ ઉઠબેઠ અમારે શા માટે કરવી ?…. પણ શ્રીમદ ભગવત ગીતા એક ત્રીજી વૃત્તિ આપણી સમક્ષ રજૂ કરે છે. ગીતા કહે છે, ‘કર્મ તો કરો જ પણ ફળનો અધિકાર રાખશો નહીં.’ કર્મ કરનારને ફળનો હક છે પણ તમારો એ હક રાજીખુશીથી છોડી દો, એવું ગીતા કહે છે. આ જ વાત રજોગુણ કહેશે કે.. ‘લઈશ તો ફળની સાથે લઈશ.’ તમોગુણ કહેશે, ‘ફળ છોડી દઈશ, ફેંકી દઈશ તો ફળ સાથે સાથે કર્મને પણ ફેંકી દઈશ.’ શુદ્ધ સત્વજ્ઞાની કહેશે, ‘કર્મ કરીશ અને તેનું ફળ છોડીશ.’ કર્મ કરતા પહેલાં કે તે પાર પડ્યા પછી ફળની આશા નહીં રાખીએ. પણ આવું કહેતી વખતે ‘કર્મ સારામાં સારું થવું જ જોઈએ’ એવું ગીતા આપણને ઢોલ વગાડીને કહે છે. એટલે કે જે ફળ મળશે તેવી આશાથી કર્મ કરે છે તેના કરતા ફળ નહીં મળે તેવી આશાથી જે કર્મ કરે છે તે વધારે સારું હોવું જોઈએ. કારણકે ફળની આસક્તિવાળો તો ફળ બાબતના ચિંતનમાં તેનો થોડો સમય બગાડ્યા વગર રહેતો નથી. પણ ફળની ઈચ્છા વગરનાની એકે એક ક્ષણ કર્મ પાર પાડવામાં રોકાશે.
ક્યારેય વિચાર્યું છે કે નદીને, પવનને, સૂર્યને કોઈ દિવસ રજા હોય છે ? એ સતત કર્મ કરે છે એ નિષ્કામ કર્તાઓ છે. સતત સેવા કર્મ કરવાનું બીજી કોઈ ફિકર નહીં રાખવાની. ફળ ત્યાગના બે ઉદાહરણો સરસ રીતે વિનોબાજી પોતાના ગીતા પ્રવચનોમાં આપે છે.
- તુકારામની ભક્તિ જોઈ શિવાજી મહારાજને તેમને માટે ઘણા માનની લાગણી થતી. એક વખત પાલખી વગેરે મોકલી તેમણે તેમનું સન્માન કરવાનું શરૂ કર્યું. પોતાના સ્વાગતનો આવો ઠાઠ જોઈ તુકારામને ખૂબ દુખ થયું. તેમણે પોતાના મનમાં વિચાર કર્યો, મારી ભક્તિનું આ ફળ? આને સારું હું ઈશ્વરની ભક્તિ કરું છું? તેમને થયું કે, માન સન્માનનું ફળ બતાવી ઈશ્વર જાણે કે પોતાને અળગો કરવા માગે છે. તેમણે કહ્યું, “મારું અંતર જાણવા છતાં તું મારી ઝંઝટ ટાળવાનો પ્રયાસ કરશે? હે પાંડુરંગ, તને આ બહુ બૂરી ટેવ છે. હે ઈશ્વર, તારી ટેવ સારી નથી. તું આવી નજીવી લાલચ બતાવી મને કાઢવા માગતો હશે. તારા મનમાં તું કહેતો હશે કે આ બલા બારણેથી ટળે તો સારું ! પણ હું કંઈ કાચો નથી. હું તારા પગ જોરથી પકડીને બેસીશ.” ભક્તનો સ્વધર્મ ભક્તિ છે અને ભક્તિને બીજાં ફળોના ફણગા ફૂટવા ન દેવા એ જ તેની જીવનકળા છે.
- પુંડરીકનું ચરિત્ર ફળત્યાગનો આનાથીયે ઊંડો આદર્શ બતાવે છે. પુંડરીક માબાપની સેવા કરતો હતો. એ સેવાથી પ્રસન્ન થઈ પાંડુરંગ તેને મળવાને દોડી આવ્યા પણ પાંડુરંગને છંદે ચડીને હાથમાંની સેવા પડતી મૂકવાનો તેણે ઈન્કાર કર્યો. માબાપની આ સેવા તેના માટે સાચી ઈશ્વરભક્તિ હતી.
કોઈક દીકરો બીજાને લૂંટીને માબાપને સુખસગવડ લાવી આપતો હશે અથવા કોઈક દેશસેવક બીજા દેશોનો દ્રોહ કરી સ્વદેશની ચડતી કરવા ધારતો હશે પણ એ બંનેની એ ભક્તિ નહીં કહેવાય, આસક્તિ કહેવાશે. પુંડરીક એવી આસક્તિમાં ફસાયો નહોતો.
ઈશ્વરની મૂર્તિ સામે આવી ઊભી રહી પણ પુંડરીકને પ્રશ્ન થયા કે પરમેશ્વર માત્ર તેમાં જ હતો કે ? એ રૂપનું દર્શન થયું તે પહેલાં સૃષ્ટિ ખાલી મડદું હતી કે ? પુંડરીકે ઈશ્વરને કહ્યું, “હે ભગવાન, તું સાક્ષાત ઈશ્વર મને મળવાને સામો ચાલીને આવ્યો છે તે હું સમજું છું. પરંતુ હું “પણ-સિદ્ધાંત” માં માનવાવાળો છું. તું એકલો જ ઈશ્વર છે એ વાત મને મંજૂર નથી. તું પણ ઈશ્વર છે ને આ મારાં માબાપ પણ મારે સારુ ઈશ્વર છે. એમની સેવામાં હું છું તે વખતે તારા તરફ ધ્યાન આપી શકતો નથી. માટે તું મને માફ કરજે.” આમ કહી પાંડુરંગને ઊભા રહેવાને તેણે એક ઈંટ આગળ સરકાવી અને પોતે પોતાના સેવાકાર્યમાં મશગૂલ થઈ ગયો.(ક્રમશ:)
