કસ્તુરબા અને ભક્તિબા :: સ્વતંત્રતા  સંગ્રામનાં  સૌરાષ્ટ્રીયન નારી રત્નો 

સૌરાષ્ટ્ર એટલે ‘સુરાષ્ટ્ર’ , પ્રાગ્-ઐતિહાસિક તથા પ્રાચીન કાળમાં એ સુરાષ્ટ્ર કહેવાતું હતું.  મૈત્રક રાજાઓની રાજધાની વલભી સુરાષ્ટ્રમાં હતી. સોલંકી કાલમાં ‘સુરાષ્ટ્રમંડલ’ એવો પ્રયોગ થયો છે. સિદ્ધરાજ જયસિંહના 1209–1210ના દાહોદ અભિલેખમાં ‘સુરાષ્ટ્રામાલવેશ્વરૌ’ તથા કુમારપાલના સમયમાં માંગરોળ–સોરઠમાં સચવાયેલા ઈ. સ. 1146ના અભિલેખમાં મુલૂક ગૂહિલને ‘સુરાષ્ટ્રનાયક’ કહ્યો છે.

કોઈએ તેને ‘સુરાષ્ટ્ર એટલે સારો દેશ, તો કોઈએ તેને ‘સુરરાષ્ટ્ર’ એટલે દેવોનો દેશ કહ્યો છે. અંગ્રેજ ગ્રંથકારોએ તેને ‘સૌર રાષ્ટ્ર’ એટલે સૂર્યપૂજક લોકોનો દેશ કહ્યો છે. ‘સૌરાષ્ટ્ર’નો ‘સુરાષ્ટ્ર’ તરીકે ઉલ્લેખ ગિરનારના શિલાલેખમાં પણ જોવા મળે છે.

મુસ્લિમ અમલ દરમિયાન આ પ્રદેશનું નામ અપભ્રંશ થઈને ‘સોરઠ’ થયું. ..તો જૂનાગઢના બાબી વંશના નવાબોનું શાસન ‘સોરઠ સરકાર’ તરીકે ઓળખાતું હતું. જોકે તેમની રાજમુદ્રામાં તો નાગરી લિપિમાં ‘સૌરાષ્ટ્ર’ શબ્દ મૂકવામાં આવ્યો હતો. મરાઠાઓએ આ પ્રદેશ ઉપર આક્રમણો કર્યાં ત્યારે સૌપ્રથમ તેમને કાઠી નામની લડાયક પ્રજાનો સામનો કરવો પડેલો. તેથી તેમણે આ પ્રદેશને ‘કાઠિયાવાડ’ કહ્યો. પછી અંગ્રેજોએ પણ ‘સૌરાષ્ટ્ર’નું ‘કાઠિયાવાડ’ નામ છેક 1947માં આઝાદી મળી ત્યાં સુધી ચાલુ રાખેલું. આઝાદી પછી ફરી તેનું પ્રાચીન નામ ‘સૌરાષ્ટ્ર’ સ્વીકારવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર તેનાં પાંચ રત્નો માટે પ્રસિદ્ધ છે, જે આ શ્લોકમાં વર્ણવવામાં આવ્યાં છે.

सौराष्ट्रे पंचरत्नानि नदीनारीतुरंगमा:

चतुर्थ सौमनाथश्च, पंचमं हरिदर्शनम् ।।

પુરાણોમાં સૌરાષ્ટ્રને દેવભૂમિ, સર્વશ્રેષ્ઠ દેશ અને સુંદર પ્રદેશ તરીકે વર્ણવવામાં આવ્યો છે. તેથી જ કવિ ન્હાનાલાલ તેનેપુરાણપ્રસિદ્ધ ઇતિહાસોજ્જ્વલ ભૂમિ અને કવિ બોટાદકાર તેને સ્વર્ગકુંજ સમ અમ માતૃભૂમિકહે છે.

સૌરાષ્ટ્રની રાષ્ટ્રીય ચળવળના મુખ્ય નેતાઓમાં મનસુખ રવજી મહેતા, અમૃતલાલ શેઠ, બળવંતરાય મહેતા, જગુભાઈ પરીખ, નાનાભાઈ ભટ્ટ, ઉછરંગરાય ન. ઢેબર, મણિલાલ કોઠારી, ફૂલચંદભાઈ શાહ, શિવાનંદજી, ચીમનભાઈ વૈષ્ણવ, અંધ કવિ હંસ, વીરચંદભાઈ શેઠ, જેઠાલાલ જોશી વગેરે હતા. ‘હિંદ છોડો’ ચળવળ દરમિયાન સૌરાષ્ટ્રમાં યુવક-મંડળોએ અને વિદ્યાર્થી-મંડળોએ મહત્વની કામગીરી બજાવી હતી. તેઓ શૈક્ષણિક સંસ્થાઓ ઉપર પિકેટિંગ કરતા અને ભાંગફોડની પ્રવૃત્તિ પણ કરતા. તેમાંથી મુખ્ય હતા – કનક દેસાઈ, ગુણવંત પુરોહિત, ગજાનન અને ઘનશ્યામ પુરોહિત, જશવંત મહેતા, જયમલ્લ પરમાર, નિરંજન વર્મા, જયંતિ માલધારી અને રતુભાઈ અદાણી.

15 ઑગસ્ટ, 1947ના દિવસે ભારતને આઝાદી મળી, ત્યારે સરદાર પટેલની કુનેહથી ભારતનાં મોટા ભાગનાં દેશી રાજ્યો ભારત સાથે જોડાઈ ગયાં હતાં; પરંતુ કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢે ભારત સાથે ન જોડાઈને ઇતિહાસ સર્જ્યો હતો. તેમાં પણ 82 ટકા હિન્દુ વસતિ ધરાવતા જૂનાગઢ જેવા નાનકડા રાજ્યે પાકિસ્તાન સાથે જોડાણ કરી સૌરાષ્ટ્રની પ્રજામાં ભયનું વાતાવરણ ઊભું કરી દીધું હતું. જૂનાગઢના આ નવાબી શાસનને દૂર કરી ત્યાં પ્રજાકીય શાસન સ્થાપવા માટે જૂનાગઢની આરઝી હકૂમતની રચના કરવામાં આવી હતી. તેના વડા તરીકે ગાંધીજીના ભત્રીજા અને મુંબઈના નીડર પત્રકાર શામળદાસ ગાંધી હતા અને રતુભાઈ અદાણી તેના સર સેનાપતિ હતા. તેમણે લોકસેના ઊભી કરી. લોકસેનાએ જૂનાગઢનાં કુલ 106 ગામ કબજે કરી લીધાં હતાં. તેથી ભયભીત થયેલા નવાબ કરાંચી નાસી ગયા.

સ્વતંત્રતા  સંગ્રામનાં  સૌરાષ્ટ્રીયન નારી રત્નો 

 આઝાદ ભારતના ૭૫ વર્ષના ઐતિહાસિક સમયગાળાનો સાક્ષાત્કાર કરવા “આઝાદીના અમૃત મહોત્સવ”ની ઉજવણીના સાક્ષી બની શકયા છીએ. આઝાદીની આ ચળવળમાં મહિલાઓએ પણ પુરૂષ સમોવડી બનીને ખભેખભા મિલાવીને મહત્વની ભૂમિકાઓ અદા કરી હતી. જેમાં આજે વાત કરવી છે, મૂળ સૌરાષ્ટ્રનાં ભારતીય સ્વાતંત્ર્ય ચળવળના મહિલા સ્વાતંત્ર્ય સેનાની એવા, બાપુ જેમને આદરથી ‘બા’ કહેતા તે કસ્તુરબા ગાંધીની અને ભક્તિબા દેસાઈ ની … અને એમ આપણે સૌરાષ્ટ્રનાં સ્વતંત્રતાની લડતના બે નારી રત્નોની  વંદના કરવી છે.

કસ્તુરબા ગાંધીનો જન્મ થયો 11 એપ્રિલ, 1869, પોરબંદર, ગુજરાતમાં..પિતા ગોકુલદાસ મકનજી. અને મોહનદાસ કરમચંદ ગાંધી :: બાપુ :: ગાંધીજી સાથે જીવન સંગિની  બની રહ્યાં. સંતાનોમાં ચાર દીકરા  હરિલાલ, મણિલાલ, રામદાસ, દેવદાસ.. બાપુને જીવનભર મનોદૈહિક ટેકો બની રહેવાનું કાર્ય એ કસ્તુરબાના જીવનને ચાર ચાંદ લગાવે છે. કસ્તુરબાએ બાપુના ખોળામાં 22 ફેબ્રુઆરી, 1944, આગાખાન મહેલ, પુના ખાતે દેહ છોડ્યો.

કસ્તુરબા તો  ગાંધીજીનો પડછાયો બનીને જીવ્યાં એટલે જ્યાં ગાંધીજીની  વાત આવે ત્યાં કસ્તુરબા પડદા પાછળ પ્રેરકબળ  તરીકે હોય જ.ગાંધીજીના જીવનના પ્રસંગોમાં બાનું જીવન સમાઈ જ જાય. અને તેથી અહીં કસ્તુરબાના જીવનને કાવ્યાત્મક ભાવમાં પેશ કરવાનું પસંદ કરું છું. ભારતના કેન્દ્રીય અન્વેષણ બ્યુરો (સી બી આઈ), દિલ્હીના અતિરિક્ત પોલીસ અધિક્ષક શ્રી મુકેશ મુકુંદ નાં હિન્દી પુસ્તકસ્વતંત્રતા સંગ્રામ એવં 75 વીરાંગનાએંનો આધાર લીધો છે. આઝાદીના અમૃતકાળ દરમ્યાન ભારતની અજ્ઞાત વીરાંગનાઓમાંથી પંચોતેર પસંદ કરી તેમની જીવનીને પદ્ય શૈલીમાં મુકુન્દજીએ મુકેલ છે. કસ્તુરબા ગાંધીને તેઓ આ રીતે ચરિતાર્થ કરી આપે છે.

કસ્તુરબા ગાંધી (બા)

શુભ સંકલ્પ, દૃઢ ઇચ્છા, સ્વતંત્ર નિર્ણયમાં દૃઢ,

સાહસ, સ્નેહ, જનહિત, ચિત્તમાં કરુણાનો સ્વર.

બાપુએ લીધું: સમગ્ર રાષ્ટ્ર સેવાનું મહાવ્રત,

પત્નીના રૂપમાં મનવચનકર્મથી રાહ પર સફર.

અહિંસા, સત્યાગ્રહ, ગાંધીજીની આઝાદીના અફસાના

ગાંધીને બાનાં તપત્યાગસાંનિધ્યની છાયા.

જ્યારે જ્યારે ગાંધીને મળી જેલની ચાર દીવાલ,

દેશહિતમાં બાની અગ્રિમ ભૂમિકા પર સૌની સલામ.

દક્ષિણ આફ્રિકામાં જ્યારે, ખ્રિસ્તી સિવાયનાં લગ્ન થયાં અમાન્ય,

બાએ લીધો સત્યાગ્રહનો ટેકો ને કર્યો કાયદાનો વિરોધ ભરપૂર.

પછી ચંપારણ સત્યાગ્રહ હોય કે પછી હોય ખેડાનું આંદોલન,

બાની કાયમ સાર્થક ભાગીદારી, મહિલા ઉત્થાન પર દીધું જોર.

ગાંધીને થઈ જેલ, જ્યારે થયું અસહયોગ આંદોલન,

બાએ ગાંધીજીના સંદેશાઓનો કર્યો દેશમાં પ્રચાર.

મીઠાં સત્યાગ્રહ વખતે પણ ગાંઘીજીને ફરી મળી જેલ,

પોલીસની જોરજુલ્મી માટે બાએ સરકાર પર કર્યો પ્રહાર.

રાજકોટ ઠાકોર સાહેબ, જ્યારે ભૂલી બેઠા પોતાના બધા વાયદાઓ,

વિરોધમાં જનમાનસ ગયું ને થયું સત્યાગ્રહનું આહ્વાહન.

બા પણ પ્રતિરોધમાં ઉતયાઁ, લઈને બુલંદ ઈરાદા,

બાને કર્યા નજરબંધ જ્યાં કેવળ એકાંત અને જગ્યા સૂમસામ !

ભારત છોડો સંગ્રામ, ગાંધી સહિત બધા નેતાઓને જેલ,

શિવાજી પાર્કમાં બા કર્યો ભાષણનો વિચાર.

બાની ધરપકડ કરીને તેમને રાખ્યાં આગાખાં મહેલમાં બંધ,

જ્યાં બાપુને બા સાથેના છેલ્લાં મિલનનો હતો ઈંતઝાર 

નિયતિની વ્યવસ્થા અનોખી, જેલમાં બાનું નિધન,

તપત્યાગસંઘર્ષથી આલોકિત હતું એમનું જીવન.

કૃતજ્ઞ રાષ્ટ્રની સ્મૃતિ, બાનું રહેશે અમર નામ,

આઝાદીનો અમૃત મહોત્સવ, વારંવાર કરીએ પ્રણામ.

ભક્તિબાનો જન્મ ૧૬ ઓગષ્ટ, ઈ.સ.૧૮૯૯માં ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામે થયો હતો. તેઓ લીંબડીના દીવાન ઝવેરભાઈ અમીન અને દીવાળીબેનના પુત્રી હતાં. “નામ એવા જ ગુણ” રાજદરબારમાં ઉછરેલ હોવા છતાં બાળપણથી જ આધ્યાત્મિક એવા ભક્તિબાના જીવનમાં ધાર્મિક સંસ્કારોનું મૂલ્યવાન પ્રદાન હતું. ઈ.સ.૧૯૧૩માં ઢસા-રાયસાંકળી-વસોના દરબાર અને ભારત સાથે સ્વેચ્છાએ અને બિનશરતી વિલિનીકરણમાં સહમતી આપનારા ૫૫૦ રજવાડામાંના પહેલા રાજા એવા ગાંધીવાદી ગોપાળદાસ અંબઈદાસ દેસાઈ સાથે લગ્ન થયા. દરબાર ગાંધીજીની લડતમાં જોડાયા.

ભક્તિબા પણ રાજરાણીનો શણગાર ત્યજીને રાષ્ટ્રીય સ્વયંસેવિકા બની ગયા. ઈ.સ.૧૯૨૧થી ગાંધીજીની અસહકારની ચળવળમાં તેમજ બોરસદની લડતમાં જોડાયા. તે દરમ્યાન રાષ્ટ્રીય મહાસભા(કોંગ્રેસ)ના અમદાવાદ ખાતેના અધિવેશનમાં તેમણે સક્રિય ભાગ ભજવ્યો હતો. ઈસ.૧૯૨૩ના બોરસદ સત્યાગ્રહ અને નાગપુરના ધ્વજ સત્યાગ્રહમાં ભક્તિબાએ  ભાગ લીધો. ઈ.સ.૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહમાં શરૂઆતમાં સ્ત્રીઓ આગળ આવવા શરમ અનુભવતી હતી. ભક્તિબાએ મણિબેન પટેલ અને મીઠુબેન પિટીટ સાથે મળીને  સ્ત્રીઓને આગળ આવવા પ્રેરણા આપી. ધીમે ધીમે આગળ જતા સ્ત્રીઓની સંખ્યા પુરૂષો કરતાં પણ વધી ગઈ. બોરસદની છાવણીનું સફળ સંચાલન કર્યું. ઈ.સ.૧૯૩૦ની મીઠાની લડત વખતે દારૂ તેમજ વિદેશી માલ વેંચનારી દુકાનો ઉપર પિકેટિંગ કરતાં પકડાયા  અને જેલવાસ ભોગવવો પડ્યો. ઈ.સ.૧૯૪૨માં “હિન્દ છોડો” લડતમાં જોડાતાં  તેમને ૧૧ વર્ષની જેલ પણ થઈ હતી. ભક્તિબાએ જુદી-જુદી લડતોમાં ભાગ લેતા કુલ સાડા ત્રણ વર્ષ જેલવાસ ભોગવ્યો.

ભક્તિબા સેવા, નીડરતા અને ત્યાગનો ત્રિવેણી સંગમ હતા. દેશસેવામાં કુટુંબની તેમ જ પોતાના નાના બાળકોની પણ ચિંતા નહોતી કરી. ભક્તિબા હરહંમેશ દરેકને મદદ કરવા તત્પર રહેતાં. રાયસાંકળીના દરબારગઢને એન્જસીએ સીલ મારેલા ત્યારે નીડર અને બાહોશ ભક્તિબાએ કોશ લઈને સીલ તોડીને એકલા રહીને બહાદુર વીરાંગનાનો પરિચય કરાવ્યો હતો. લીંબડીની લડત વખતે રાજ્ય તરફથી સિતમોની ઝડી વરસતી હતી ત્યારે રાજ્યે ઉભી કરેલ ગુંડા ટોળીઓનો સામનો કરવા તેમની વચ્ચે જઈને ઉભા રહ્યા હતા. જે લીંબડી રાજ્યમાં તેઓ મોટા થયા હતા તે જ રાજ્યમાં અન્યાયો સામે લડવામાં પણ પાછી પાની કરી નહોતી. ચૂંટણી સમયે પોતાના વડીલ બંધુ કોંગ્રેસની સામે ઉભા હતા ત્યારે તેમની સામે પણ પ્રચાર કરતાં તેઓ ખચકાયા નહિ. તેઓ સત્યનિષ્ઠ, ર્નિભય અને તપસ્વી પ્રેરણામૂર્તિ બની રહ્યાં.

ઈ.સ.૧૯૪૨ની આઝાદીની લડત પછી દરબાર દંપતી રાજકોટમાં આવ્યા અને સમાજ સેવા કરવા લાગ્યાં. તેમણે કન્યા કેળવણી ક્ષેત્રે કાર્ય હાથ ધર્યું અને તેમના માર્ગદર્શન હેઠળ પૂતળીબા ઉદ્યોગ મંદિર(રાજકોટ), વલ્લભ કન્યા કેળવણી મંદિર (રાજકોટ)  અને વિઠ્ઠલ કન્યા વિદ્યાલય(નડિયાદ) સહિતની ગુજરાતભરની વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેઓ ખેડા જીલ્લાના સ્કૂલ બોર્ડમાં સભ્ય હતાં. ઈ.સ.૧૯૫૧માં તેમના પતિ ગોપાળદાસ અંબઈદાસ દેસાઈના અવસાન બાદ પણ તેમણે સમાજસેવાના કાર્યો અવિરતપણે ચાલુ રાખ્યાં. ઈ.સ.૧૯૫૪માં તેમણે સાતેક માસનો આફ્રિકાનો પ્રવાસ કરી સાડા ત્રણ લાખનું ભંડોળ સમાજસેવા માટે એકત્ર કર્યું.

ઉછરંગરાય નવલશંકર ઢેબર – ઢેબરભાઈ પોતાને દરબાર સાહેબના છઠ્ઠા પુત્ર તરીકે ઓળખાવતા. ઈ.સ. ૧૯૫૪માં ઢેબરભાઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ બન્યા અને દિલ્હી ગયા, તેમની સંભાળ લેવા ભક્તિબા પણ દિલ્હી ગયાં. પિતૃગૃહે તથા શ્વસુરગૃહે ગર્ભ શ્રીમંત હોવા છતાં વૈભવવિલાસ છોડી સાદગીપૂર્ણ જીવન જીવ્યા. ગાંધી વિચારોને અનુસરી, સ્વઆચરણથી ગાંધીજીના રચનાત્મક કાર્ય કરી ગાંધી વિચારોને સાર્થક કરી બતાવ્યા હતા. તેમણે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પિત કરીને સામાજિક ક્ષેત્રે પડદા પ્રથા, દહેજ પ્રથા, ધાર્મિક-અંધશ્રદ્ધાઓ, દારૂનું વ્યસન, ચોપાટ રમતની અતિરેકતા વગેરે જેવા સામાજિક દુષણોને નાબૂદ કરવાના પ્રયાસો કર્યા અને સામાજિક સુધારણાની દિશામાં પહેલ કરી. ઉપરાંત, સમાજમાં કચડાયેલા, દબાયેલા એવા દલિતોના ઉત્થાન માટે પણ તેમણે ઉત્કૃષ્ટ પ્રયત્ન કર્યા હતા. સામાજિક સુધારણાની સાથોસાથ તેમણે, પુસ્તકાલય પ્રવૃતિ વગેરે શૈક્ષણિક વિકાસ દ્વારા સમાજનું નવસર્જન કરવાનો પ્રયાસ કર્યો હતો. આમ, ગુજરાતના આ નારી રત્નનું સમાજસુધારણા ક્ષેત્રે અથાગ પુરૂષાર્થ અને સામાજિક ઉત્થાનમાં અનેરૂ પ્રદાન છે. શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ ખેડાણ કરનાર ભક્તિબા ૧૪ માર્ચ, ૧૯૯૪ના દિવસે વસો ખાતે દુઃખદ અવસાન પામ્યાં. ભક્તિબાની સેવાઓને બિરદાવતા ભારત સરકારે રાજકોટના એક રેલ્વે સ્ટેશનનું નામકરણ “ભક્તિનગર” રાખ્યું  હતું. ત્યાગ-તપશ્ચર્યાને કારણે તેઓ “ભક્તિબા”નું બિરૂદ પામ્યાં હતા. ભક્તિબાનું જીવનસૂત્ર હતું, આપણે લાખોને મદદરૂપ થઈ શકીએ એવી આપણી સ્થિતિ નથી, પરંતુ લાખોને માટે કામ કરનાર વ્યક્તિને મદદરૂપ થઈ શકીએ તો લાખોને સાચવ્યા બરાબર છે. આંખમાં મૃત્યુ જોવાની  તેમની હિંમત, માતૃભૂમિ પ્રત્યેનો તેમનો તીવ્ર પ્રેમ – કોમલ હૈં, કમજોર નહીં તું. શક્તિ કા નામ હી નારી હૈ શબ્દો તાદૃશ કરે છે.

આમ સૌરાષ્ટ્રના પાંચ રત્નોમાંથી મહત્વનું ઈશ્વર સર્જિત માનવીય રત્ન તે નારી અને એ નારી સમાજના પ્રતિનિધિરૂપ બે રત્નો એટલે કસ્તુરબા ગાંધી અને ભક્તિબા દેસાઈને આપણે  શબ્દાંજલિ આપી કૃતકૃત્ય થઈએ.

5478 5471