આપણા દિવ્યાંગ સંતાનને એના શરીરમાં થઈ રહેલા બદલાવ, ફેરફાર અંગે નાના નાના શબ્દોમાં, મુદ્દાઓમાં સતર્ક કરવા લાગીએ.
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
દિવ્યાંગ બાળકની તારૂણ્યની તાસીરને આપણે સ્પષ્ટ ન જોઈ શકતા હોઈએ તો એ જોઈ કેવી રીતે શકાય ?, એના પ્રશ્નો કેવા હોય એની ચર્ચા હું તમારી સાથે કરીશ. દરમિયાનમાં આપ સૌને આપને ત્યાં પધારેલા દિવ્ય અંગવાળા ઈશ્વરને હંમેશા માટે સ્વાગત કરવા, સ્વીકાર કરવા અને સત્કાર કરવા ઈશ્વર બળ આપે તેવી હું પ્રાર્થના કરું છું.
પહેલી વાત એ આવીને ઊભી રહે કે આપણે આપણા દિવ્યાંગ તરુણ કે તરુણીને એના શરીરમાં થઈ રહેલા બદલાવ, ફેરફાર અંગે નાના નાના શબ્દોમાં, નાના નાના મુદ્દાઓમાં સતર્ક કરવા લાગીએ. એને મારી વાત પહોંચશે કે નહીં તેની ચિંતા કર્યા વગર આપણે એને કહેતા રહીએ કે આવું બનશે શરીરમાં જે જીવવૈજ્ઞાનિક ઘટના હોય છે. આ સમયે આપણે એને ઉદાહરણ આપીએ. ઘરમાં કોઈ બીજું બાળક હોય તો એ કેવી રીતે મોટું થયું અથવા આપણા સંતાનનો કોઈ મિત્ર હોય તો આપણે એના તરફ અંગુલી નિર્દેશ કરીને કહી શકીએ કે, “જો આ હિતેશ, તેં જોયું ને કેટલો નાનો હતો અને હિતેશ ધીમે ધીમે મોટો થતો જાય છે. હિતેશનો અવાજ તીણો હતો ને હવે ઘોઘરો થતો જાય છે. હિતેષના ચહેરા ઉપર નાના નાના મૂછના વાળ ફૂટતા જાય છે. આ બધી બાબતની તું નોંધ લે તો તને ખ્યાલ આવશે કે હવે તું પણ મોટો થઈ ગયો છો. અને તું મોટો થયો છો એટલે તારા શરીરમાં અંદરથી આવા ફેરફાર થવાના છે, થઈ રહ્યા છે. આ ફેરફારથી ડરવાની જરૂર નથી. બધામાં થાય, મમ્મીમાં થયા છે, પપ્પામાં થયા છે, દાદામાં થયા છે. દાદા દાદી આજે કેમ વૃદ્ધ બન્યા ? એના શરીરમાં ફેરફાર થયો એટલે .. તું પણ એમાંથી પસાર થવાનો છો. બેટા, આ તો આનંદનો વિષય છે હો…!”
બીજી વાત..આપણે એના બદલાતા સંવેગો વિશે પણ થોડા સતર્ક બનીએ. અત્યાર સુધી એ આપણી આંગણી પકડીને ચાલનાર અથવા આપણે જ્યાં લઈ જવા ઈચ્છીએ ત્યાં સાથે જોડાઈ જનારું સંતાન હતું. પણ હવે એમને ક્યાંક નથી આવવું. હવે એમને પોતાની પસંદગીની જગ્યાએ જ જવું છે. હવે એને તમારી આંગળી પકડવી ગમતી નથી. આ બાબતની આપણે નોંધ લેવી પડે અને એનો આપણે હકારાત્મક સ્વીકાર કરવો પડે. ‘તું બગડી ગયો છે’ અથવા ‘તું હવે ધ્યાન નથી આપતો, તને બેટા હવે મમ્મી ગમતી નથી, તને અમે લોકો હવે સારા નથી લાગતા..’ આવા વ્યંગાત્મ્ક વિધાનો માતાપિતા કરતા હોય છે, જે ન જ કરવાં જોઈએ. આવા વિધાનો તો સંતાનને દુઃખી કરશે અને તે તમારાથી વધુ દૂર થતું જશે. ખાસ ખ્યાલ રાખજો કે આ પ્રકારના સંવેગોના બદલાવને હકારાત્મક રીતે સ્વીકારીને એને ટૂંકા શબ્દોમાં મુદ્દાસર કહેતા પણ રહેવું. એને તમારી સાથે ન આવું હોય તો તમે એના માટે દુરાગ્રહ ન કરશો. એમને હવે પૂછવું પડશે તમારે કે,… ‘તો તારે હવે શું કરવું છે ?’ જુઓ કિશોરાવસ્થા સુધીનું બાળક આપણે જ કાંઈ કરતા હોઈએ તેનું હંમેશા નિરીક્ષણ કર્યા કરે છે અને તેને જે સૂચના આપીએ તેનું તે અનુસરણ કરે છે. પણ કિશોરાવસ્થા પછીનો જે ગાળો છે તરુણાવસ્થાનો, એ ગાળામાં એ અત્યાર સુધી કરેલા નિરીક્ષણોમાંથી પોતાનું એનાલિસિસ શરૂ કરે છે, પોતાનું પૃથ્થકરણ શરૂ કરે છે. એમાંથી મને શું ગમ્યું અને શું ન ગમ્યું એ નક્કી કરવાનો સમય તે આ તરુણાવસ્થા છે. જુઓ, શારીરિક ફેરફાર થાય છે, સાંવેગિક ફેરફાર થાય છે, લાગણીના ફેરફારો થાય છે, અનુકૂલનના ફેરફારો થાય છે. આ બધું એ અનુભવી રહેલ છે પણ સમજતો નથી કારણકે આપણા સંતાનને આ આખી જીવવૈજ્ઞાનિક ઘટના કોઈ સમજાવતું જ નથી એટલે એને તો પોતાના શરીર સાથે કોઈ જાદુ થઈ રહ્યું હોય એવું લાગે છે અને પરિણામે તે હવે ડિસ્ટર્બ રહે છે. આપણને થોડું એમ લાગ્યા કરે છે કે હવે એ પોતે એરોગન્ટ બની ગયો છે, હવે એ મોટો થઈ ગયો એવું દેખાય છે, આપણું કહ્યું માનતો નથી. વાત સાચી તમારી, પણ એવું નથી, એ મૂંઝાય છે. એને અંદર જે ફેરફાર થઈ રહ્યા છે તે ફેરફારના આધારે એને બહાર કશુંક ગમે છે તો કશુંક નથી ગમતું, એને હવે આ ખાવું છે અને પેલું નથી ખાવું, અત્યાર સુધી એ ચોઈસ વગર તમે જે આપો તે ખાતો… આવા જે બદલાવ છે એ બદલાવ પ્રત્યે તિરસ્કાર આપણાથી ન જ થાય તેની કાળજી રાખીએ. આ બદલાવનો આપણે સહર્ષ સ્વીકાર કરીએ, એને શાબાશી આપીએ.. ‘વાહ બેટા, તું તો મોટો થઈ રહ્યો છે,’ ‘મારી દીકરી છે તો હવે મોટી થવાની છે,બહુ જ સુંદર..’ આટલું કહીને એ સંતાન તમારી પાસે જે ઈચ્છા પ્રગટ કરી રહ્યું છે એના હકારાત્મક અને નકારાત્મક પાસાં બંને એમની સામે મૂકી દો, સમજાવી દો, “ચોક્કસ તું કહે છે એમ કરીએ, પણ તને ખબર છે ને કે એમાં તને આમ થશે,” પહેલા હકારાત્મક પાસા મુકજો, બહુ મજા આવશે તે ને…’બધા સાથે હળવા મળવાનું થશે.. તું કેટલાયને નથી ઓળખતો એને તું ઓળખી શકીશ’ .. “તારે એકલા જવાનું થાય તો તો મમ્મી પપ્પા ખુબ રાજી થશે. બેટા સાથોસાથ તારે બહુ કાળજી રાખવી પડશે. અમે નહીં હોઈએ તો તારે તારા વર્તનમાં અને બધા જ પ્રકારના જે તોફાનો તું કરે છે ને એમાં તારે બરાબર ધ્યાન રાખવું પડશે. તું તારી કાળજી રાખીશ ને ? હા, એમ કરવાથી કદાચ તું પડી જા, તને વાગી જાય એવું પણ બને. પણ કાંઈ વાંધો નહીં, વાગે એ તો…, વાગે.”
જો આપણે એમને હકારાત્મકતા તરફ ફેરવવાનાં જ હોય તો આપણા દિવ્યાંગ તરુણને અને તરુણીને પહેલા આપણે સ્વીકારીએ. હસ્તે મુખે સ્વીકારીએ અને એના તારુણ્યનું સ્વાગત કરીએ. અને પછી આપણે ધીમેક રહીને એને જે બંને પાસા કહેવા છે એ કહીએ અને પછીની ચોઈસ શું નક્કી કરવું તે તેની ઉપર છોડીએ. પછી એને થોડે અંશે એ નક્કી કરે તે કરવા દઈએ. કરવા દઈએ તો પછી એને અનુભવ થશે અને તો એ નક્કી કરશે કે મેં આ કર્યું હતું એ સાચું હતું કે ખોટું હતું ??. ફરીવાર હું આવું કરું કે ન કરું??, મમ્મી પપ્પા જે કહેતા હતા એ સાચું હતું કે ના મેં નક્કી કર્યું હતું તે સાચું?? . Let him decide આ બહુ મહત્વની વાત છે.
હું માનું છું કે તરુણાવસ્થાના ઘણા પ્રશ્નો એ પ્રશ્નો નથી, પણ એની અંદર થઈ રહેલા ફેરફારોની અસર છે. જેમ મને ને તમને ખ્યાલ છે કે બહેનો છે એ મેનાપોઝમાંથી જયારે પસાર થાય છે ત્યારે એના શરીરમાં ફેરફાર થાય છે, એના સ્વભાવમાં ફેરફાર થાય છે, એનો સ્વભાવ થોડો ચીડિયો બને છે. એવા જ આ ફેરફારો છે. જેમ પેલા ફેરફારોનું સ્વાગત તેમ આ ફેરફારોનું પણ આપણે પૂરા હૃદયથી સ્વાગત કરતા શીખીએ.
