#પ્રાણજીવન_ભવન_શતાયુ_થયું ! #ગુજરાત_વિદ્યાપીઠે #ગાંધી_વારસાને #વંદન_કર્યાં!

મહાત્મા ગાંધીને ખરે સમયે નાણાકીય મદદ કરીને મહાત્માજીના વિચારોને મૂર્ત સ્વરૂપ આપવામાં જેમણે બહુ જ મોટું યોગદાન આપ્યું છે તેવા શ્રી પ્રાણજીવન મહેતાના નામથી બાપુએ “પ્રાણજીવન વિદ્યાર્થી ભવન” નું સર્જન કર્યું અને ત્યાંથી ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. ગુજરાત વિદ્યાપીઠને ૨૦૨૦ માં સો વર્ષ થયાં ત્યારે શતાબ્દી યોજવાનું ચૂકાઈ ગયું હતું,તો ૨૦૨૫ માં પ્રાણજીવન વિદ્યાર્થી ભવનનો શતાબ્દી જાજરમાન રીતે ઉજવાયો.
જેને 100 વર્ષ થયા છે તે આ ભવન ને જેમનું નામ અપાયું છે તે પ્રાણજીવન મહેતા પોતે ડોક્ટર હતા અને બારીસ્ટાર પણ હતા અને તેઓ ઉદ્યોગપતિ પણ હતા. વર્ષો પહેલાં નો મલ્ટી ટાસ્કિંગનું ઉત્તમોત્તમ ઉદાહરણ તે પ્રાણજીવન મહેતા.
ગાંધીજીએ પોતે સ્વીકાર્યું અને લખ્યું કે, પ્રાણજીવન મહેતા મારા પરમ મિત્ર રહ્યા છે. બાપુ સાથેનાં એક વખતનાં મિલનમાંથી તેઓ મહાત્માજીના ચાહક બની ગયા.
પ્રાણજીવન મહેતા મૂળ રંગુનમાં બાપુને એ લગભગ 1909 માં મળ્યા..બાપુને ત્યારે વિનંતી કરી કે તમે આફ્રિકા નહીં પણ ભારત જાવ અને ભારત માટેની સ્વતંત્રતાની લડાઈ તમે લડો. એટલે સ્વતંત્રતાની લડાઈ નો વિચાર ટ્રેનના ડબ્બામાંથી ધક્કો માર્યો ત્યારે શરૂ નહોતો આવ્યો પણ પ્રાણજીવન મહેતાએ જ્યારે પોતાની આત્મસુઝ થી ગાંધીજીને વિનંતી કરી ત્યારથી શરૂ થયો છે.
આફ્રિકામાં ફિનિક્સ આશ્રમની સ્થાપના કરી પણ તેની સ્થાપનામાં આર્થિક તંગી ઊભી થઈ એટલે ભાગ્યે જ કોઈની પાસે હાથ લંબાવનાર ગાંધીજીએ પ્રાણજીવન મહેતા ને એક હજાર પાઉન્ડ આપવા માટે વિનંતી કરી. સૌનાં આશ્ચર્ય વચ્ચે તેમણે ગાંધીજીની એ માગણીને દોઢી કરીને એટલે કે 1500 પાઉન્ડ આપીને પૂર્ણ કરી !!!
આ વાત આગળ ચાલે છે, વિદ્યાપીઠની જ્યારે સ્થાપના થઈ અને મહાત્મા ગાંધીએ જ્યારે 18મી ઓક્ટોબર 1920 ના રોજ ગુજરાત વિદ્યાપીઠનો પાયો નાખ્યો ત્યારે જ પહેલું ભવન બન્યું એ જ પ્રાણજીવન વિદ્યાર્થી ભવનમાં એવા શૂરવીરો, સાહિત્યકારો અને આધ્યાત્મ જગતના લોકો રહીને ભણી ગયા છે કે જેમના નામ ગુજરાતમાં અને રાષ્ટ્રમાં મોખરે છે. જાણીને ગૌરવ અને આનંદ થાય કે પૂજ્ય શ્રી મોટા, પૂજ્ય શ્રી રંગ અવધૂતજી, ઉમાશંકર જોશ બળવંતરાય મહેતા હિતેન્દ્ર દેસાઈ અને નિરંજનાબેન કલાર્થી અહીં પ્રાણજીવનમાં રહીને વિદ્યાપીઠમાં ભણ્યા છે. આ બધી જ યાદદાસ્તોને શિક્ષણ ભવન, ગુજરાત વિદ્યાપીઠ દ્વારા મંચસ્થ કરવામાં આવ્યા. આ ભવનના ૧૦૦ વર્ષોની ઉજવણી સતત 21 દિવસ ચાલી અને તેમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેવાનો લ્હાવો કુલપતિ શ્રી હર્ષદ પટેલના પ્રેમાગ્રહ્ થી મને મળ્યો.
મહાત્મા ગાંધીએ પોતાના જીવનકાળ દરમિયાન કેટલીય વ્યક્તિઓ ઉપર પ્રભાવ ઊભો કર્યો છે અને એ દરેકની અંદર પ્રાણજીવન મહેતા એ વિશિષ્ટ વ્યક્તિત્વ હોય એવું લાગે છે અત્યાર સુધી એને કેમ કોઈએ યાદ નથી કર્યા એ મોટો પ્રશ્ન છે પ્રાણજીવન મહેતાએ 1,000 ની બદલે 1,500 પાઉન્ડ આપ્યા એની વાત તો આપણે જાણી પણ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના પછી જ્યારે સરદાર સાહેબના વળપણ હેઠળ “વિદ્યાપીઠ ફંડ” ઊભું કરવાનું નક્કી થયું અને દસ લાખ રૂપિયાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો ત્યારે પૂરા પ્રયાસો છતાં સાડા સાત લાખ ભેગા થયા. આ વાતની જાણે પ્રાણજીવન મહેતાને ખબર પડી ત્યારે બાકી રહેતા અઢી લાખ રૂપિયા તેમણે તેમાં ઉમેરી આપ્યા અને સરદાર સાહેબે લીધેલું એક કામ બરાબર પાર પાડ્યું.
આપણને જાણીને એ પણ આશ્ચર્ય થશે કે, મહાત્મા ગાંધીને હિંદ સ્વરાજ લખતી વખતે અથવા લખવું જોઈએ એ વખતે એમને પ્રાણ જીવન મહેતાનો સહયોગ લીધેલો છે એટલે આમ જોઈએ તો બાપુના સ્વતંત્રતાના વિચારમાં, હિન્દ સ્વરાજ કે વિશ્વભરમાં સુખ્યાત પુસ્તક બાપુએ અર્પણ કર્યું તેના નિર્માણમાં, ગાંધી વિદ્યાપીઠ તરીકે ગુજરાત વિદ્યાપીઠ ને સધ્ધર બનાવવામાં શ્રી પ્રાણજીવન જીનું સિંહ પ્રદાન ગણાય. અહીં દાંડી યાત્રા જ્યારે બાપુએ કાઢી ત્યારે રંગૂનમાં પણ દાંડીયાત્રાની જેમ જ યાત્રા કરનાર આ પ્રાણજીવન મહેતાના નામથી સ્થપાયેલ “પ્રાણજીવન વિદ્યાર્થી ભવન”ના પરિસરમાં આજે પણ 100 વર્ષ પહેલાંની ઇમારત સતત સાક્ષી પૂરે છે.
આ આખી ઈમારત એ સમયે એવા પ્રકારના ચણતરથી કરવામાં આવેલ છે કે, તેનાં પિલર્સ ઉપર આપણને રેંટીઓ, સ્વસ્તિક અને ૐ ના નિશાનો આજે પણ દ્રષ્ટિગોચર થાય છે. વાત કરી એ પ્રમાણે આ ભવનના બાંધકામમાં જે જે ઈંટ વાપરવામાં આવી છે એ પ્રત્યેક ઇંટની ઉપર પણ સાથિયો અથવા તો ૐ કોતરવામાં આવેલ છે. આ ભવનને સો વર્ષે નવેસરથી રંગ રૂપથી શણગારતી વખતે સ્વસ્તિક, ૐ અથવા રેંટિયો ને કોઈપણ રીતે હાનિ ન પહોંચે અને કોઈ જગ્યાએ છિદ્ર ન થાય તેની પૂરી કાળજી જુના કાર્યકરોના કહેવાથી કુલપતિ શ્રી હર્ષદભાઈએ લીધી છે.
હું સ્પષ્ટ માનું છું કે ગાંધી અને ગાંધીના સ્મારકની આટલી ઉજવળ રીતે કોઈ કદર કરી શકે એવું વિદ્યાપીઠમાં આજે બન્યું છે. વિદ્યાપીઠ ના ટ્રસ્ટી આદરણીય શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાજીએ પોતાના વક્તવ્યમાં આ સાથીઓ અને ૐ ના પ્રતીકને પકડીને ખાસ કહ્યું કે આપણે આજે હિન્દુ મુસ્લિમના ભેદો ઊભા કરીએ છીએ અને સનાતન ધર્મ માટેની આપણી વિચારધારાનો વિરોધ થતો જોઈએ છીએ ત્યારે એ કહેવાનું મન થાય છે કે હવે આપણે ખુલીને સ્વીકારવું જોઈએ કે મહાત્મા ગાંધીએ પોતે આજથી સો વર્ષ પહેલાં स्वस्तिक અને ॐ અને रेटीयोને કેટલું બધું માન આપ્યું હતું ?
કુલપતિ શ્રી હર્ષદભાઈ પટેલે પોતાના ઉદબોધનમાં કહ્યું કે, જેમ મહાત્મા ગાંધીને એક પ્રાણજીવન મળ્યા એમ હું પણ એક પ્રાણજીવનની શોધમાં છું કે જે દોઢ લાખ કે અઢી લાખ ના આપે પણ 100 કરોડ રૂપિયા આપે, જેથી કરીને ગુજરાત વિદ્યાપીઠના ભવનોનું મૂળ સ્વરૂપ જાળવી રાખીને પણ આપણે એનો સુંદર રીતે નિર્ણોદ્ધાર કરી શકીએ અને વિદ્યાપીઠ નું નામ ફરી એકવાર વિશ્વમાં ઊંચું કરી શકીએ.
મને તો એવો વિચાર આવ્યો કે, ખરેખર તો આ પ્રાણજીવન વિદ્યાર્થી ભવન “નેશનલ હેરિટેજ બિલ્ડીંગ” ડિક્લેર કરવું જોઈએ અને ગાંધી સર્કિટ જ્યારે સાબરમતી આશ્રમમાં ફેરફારો પછી સર્જાવાની છે ત્યારે એ સર્કિટમાં પ્રાણજીવન વિદ્યાર્થી ભવનને ખાસ સ્થાન આપવું જોઈએ.
આ અવસરે એક સરસ મજાની સ્મરણિકા બહાર પડી. શિક્ષણ વિદ્યા શાખા ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ સુંદર રીતે બે પ્રસ્તુતિ કરી તેમાં પ્રાણજીવન મહેતાની જીવનની અને ગાંધીજીના સ્વાપર્ણોની વાત આવી અને રાષ્ટ્ર જ્યારે વિવિધતામાં એકતા વાળું છે ત્યારે ભારતના દરેક પ્રાંતના યુગલો મંચ પર આવ્યા અને પોતાની મૂળ ભાષામાં એમણે પ્રાણજીવન વિદ્યાર્થી ભવનને શબ્દાંજલિ અર્પણ કરી વાતાવરણ એટલું સુંદર સર્જાયું કે કદાચ આ જોઈને ગાંધીનાં આત્માને ટાઢક વળી હશે.
…ગાંધીપ્રેમી … ભદ્રાયુ