કટાર લેખનમાં તથ્ય આપી શકાય, પથ્ય આપી શકાય ને અકથ્ય પણ આપી શકાય ! !
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
આમ જુઓ તો વર્ષોથી પૂછાતો અને જવાબ ન મેળવી શકાતો પ્રશ્ન છે “ શું કટાર લેખનને સાહિત્ય ગણી શકાય કે ??” સ્મરણ છે કે શ્રી ગુણવંત શાહને સાહિત્ય અંગેનો પ્રતિષ્ઠિત એવોર્ડ ઘણા વર્ષો સુધી અપાયો ન હતો, કારણ તેઓ પ્રસિદ્ધ કટારલેખક હતા તેથી એમને સાહિત્યકાર ગણવા નહીં એવો એક મત જોર કરી ગયો હતો.
આ પ્રશ્નની વાત કરતા પહેલા આપણે કટારલેખન અને સાહિત્ય બંનેને અલગ સમજવાં પડે.
‘કટારલેખન’ એક શબ્દ તરીકે કે ‘કટાર લેખન’ એમ બે શબ્દો તરીકે ભગવદગોમંડળના ગુજરાતી શબ્દકોષમાં મળતા નથી. હા, કટાર (સ્ત્રી) એટલે ‘વર્તમાનપત્રનું કોલમ’ કે ‘પાનાના લખાણનો ઊભો ભાગ’ એવો અર્થ જડે છે. જો કે, અંગ્રેજી શબ્દકોષ column writing ને સારી રીતે વ્યાખ્યાયિત કરે છે. A column is a recurring piece or article in a newspaper, opinion in few columns allotted to them by the newspaper organization. વળી એક સ્પષ્ટતા બહુ સૂચક રીતે કરવામાં આવી છે કે : Columns are written by columnists અર્થ સ્પષ્ટ થયો કે કોલમ (કટાર) કટારલેખકો દ્વારા લખાય છે ! કોઈ સાહિત્યકારો કટારલેખન કરે, એવું અહીં અભિપ્રેત નથી ..! આમ જોઈએ તો કટારલેખન અને સાહિત્યને સીધો કોઈ નાતો નથી અથવા નાતો હોવો જરૂરી નહીં અથવા કટાર લખનારને સાહિત્યનો આછોપાતળો કે સઘન અભ્યાસ સાહિત્યનો હોય તો તે ગુણ ગણી આવકારપાત્ર ગણી શકાય ! સાદી વાત એ કે, “વર્તમાનપત્ર દ્વારા અપાયેલ નિયત જગ્યામાં પ્રતિ સપ્તાહ કટારલેખક પોતાની કોલમના મથાળાંને વફાદાર રહીને કોઈ વિષય પર પોતાના વિચારો / મંતવ્યો / અભિપ્રાયો વ્યક્ત કરે તે કટારલેખન થયું ક્હેવાય.” એ વાત અલગ છે કે ઘણા કટારલેખકોનાં લેખનના ફળસ્વરૂપે પુસ્તકો પ્રગટ થાય અને તે બહુ સ્વીકૃત બને અને તે ખ્યાત સાહિત્યકાર તરીકે સ્વીકારાય..
હવે સાહિત્ય તો સમાજ સાથે સ-હિત સર્જાનાર કોઈ એક કે વધુ સ્વરૂપનું લેખન છે કે કહો, સર્જન છે. તેમાં નિયતકાલીન વાતને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં નિરૂપવામાં આવે છે. તેમાં કેવળ નેરેશન એટલે કે કેવળ કથન હોતું નથી. અહીં સ્થળ-કાળ-સમયની મર્યાદાઓ નથી. સર્જક પોતાની મરજીનો માલિક છે, એટલે એ ખુલીને વ્યક્ત થઇ શકે છે. સાહિત્ય દીર્ઘકાલીન અસર છોડી જાય છે અને સમાજના એક કે વધુ વર્ગને ક્વચિત માર્ગદર્શન પણ આપી જાય છે તો કેટલાકને પોતીકી બાનીનો અનુભવ આપી જાય છે.
હવે પ્રશ્ન એ આવે કે કટારલેખનમાં સાહિત્ય આવે છે ને આવે છે તો કેવું – ક્યારે – કેટલું આવે છે ? એવું બની શકે કે આ દસ પાયાના પ્રશ્નો કટારલેખક સ્વયમને પૂછે અને તેના નિખાલસતા ઉત્તર મેળવે તો ઘણું સ્પષ્ટ થાય.
(૧) તમે શા માટે કટાર લખો છો ?
(૨) તમે તમારાં અભિપ્રાય લખો છો કે કોઈના વિચારો ટાંકો છો ?
(૩) તમે પ્રમાણભૂત વિષયો પસંદ કરો છો ?
(૪) તમે કોઈ વ્યક્તિવિશેષ અંગે કશું લખો છો ?
(૫) તમે સ્થાનિક કે વ્યક્તિગત બાબતો વિષે લખો છો ?
(૬) તમે તમારી થીમને વળગી રહીને કટાર લખો કે ના, સ્વૈવિહાર કરતાં કરતાં લખવા ટેવાયેલ છો ?
(૭) તમે વ્યક્તિગત બાબતો વિષે અભિપ્રાય લખો છો કે સાહિત્યિક / સામાજિક / સાંવેગિક મુદ્દાને છેડો છો ?
(૮) તમારે લખવું હોય તે જ લખે જાઓ છો કે તમારાં વાચકોને પણ નજર સમક્ષ રાખો છો ?
(૯) તમને સતત નવાં શબ્દો, નવું પ્રારૂપ, નવું વિષયવસ્તુ, નવાં વિચારો ‘કોઈન’ કરવાં તત્પર હો છો કે એક ઘરેડબદ્ધ ઢાંચામાં ચાલ્યા જવાનું પસંદ કરો છો ?
(૧૦) તમે પ્રતિ લેખ ઉમળકો જાળવીને કટાર લખો છો કે ટાઈમલાઈન જાળવવા માટે પણ લખો છો ?
કોઈ કટારને મારીમચકોડીને પણ સાહિત્યપ્રદ બનાવે એ તો અત્યાચારને આમંત્રણ આપ્યું ગણાય ! અહીં બે આયામો છે ખરા :
(૧) સાહિત્યસર્જક પ્રમાણમાં ઠીક ઠીક સાહિત્ય રચ્યા પછી કટારલેખક બને તો તેની કટારમાં સાહિત્યનો બહુ સહજતાથી પડઘો રહેવાનો
(૨) કટારલેખનમાં જ સીધો હાથ અજમાવનાર, યાદ રાખીને સાહિત્યના છબછબિયાં રૂપે પોતાની કટારમાં સાહિત્યને ટચી લેવાનો પ્રયાસ કરતો રહેવાનો….
અને એમ બંને આયામોથી સાહિત્યનો નાતો કટારલેખન સાથે જોડાશે, એ નફામાં ખરું… જો કે, તેથી કરીને કટારલેખનમાં ઉચ્ચ કે મધ્યમ સાહિત્ય છાંટ હોવી જ જોઈએ એમ કહેવું અતિશયોક્તિ ગણાશે. અને તેથી ઉલ્ટું કે કટારમાં વળી સાહિત્ય છાંટ્યા કરવાની શી જરૂર ? એવો પ્રશ્ન પણ અસ્થાને ગણાશે.
કટારલેખન એ એક વિશેષ જવાબદારી છે, કારણ તમને નિયત જગ્યા મળી છે કે જેમાં તમારાં વિચારો લઈને પ્રતિ સપ્તાહ તમે વાચકના ઘરે જાઓ છો. એટલે તમે (૧) તથ્ય આપો કે (૨) પથ્ય આપો કે (૩) અકથ્ય આપો તેથી થોડી વધુ અસર તો રહે જ છે. વાચક જો નિયમિત અમને વાંચવા ટેવાય જાય તો તે લેખકને પૂજવા સુધી પહોંચી જાય છે એટલે કટારલેખક વાંચનથી ને વિચારથી નિત્યવર્ધનશીલ બને તે અપેક્ષિત અને આવકાર્ય બંને છે. આમ પણ આપણો દેશ સ્પષ્ટ – રસાળ – ઉચ્ચ વિચારોને જ તો આવકારતો આવ્યો છે. ગૂગળ દેવના સહારે કટ – કોપી – પેસ્ટ કરીને થાય તેને ‘કાતરલેખન‘ ક્હેવાય. વાંચન – વિચાર – મનન પછી અભિવ્યક્તિ થાય તેને ‘કટારલેખન‘ ક્હેવાય અને એને સાહિત્ય સાથે દોસ્તી હોય ખરી…
