*પુસ્તક પરિચય* 📚
પુસ્તક નું નામ: *ઈશ્વરના ઓટોગ્રાફ* 📙
(ઈશ્વરના અંશનું સ્વાગત, સ્વીકાર, સત્કાર)
લેખક : ✒️ *ભદ્રાયુ વછરાજાની*
_________________________
*પુસ્તકનું નામ:ઈશ્વરના ઓટોગ્રાફ*
(ઈશ્વરના અંશનું સ્વાગત, સ્વીકાર, સત્કાર)
ભગવાનને હજુ પણ આપણા સૌ પર વિશ્વાસ છે, તેનો પુરાવો એ છે કે ભગવાન તેમનો અંશ પૃથ્વી પર દરરોજ મોકલી રહ્યાં છે. તે અંશ એટલે કે પૃથ્વી પર જન્મ લેનાર દરેક નવજાત શિશુ. હવે, આપણે આ ઈશ્વરના અંશનું કેવી રીતે સ્વાગત કરીએ છીએ? તેનો કેવી રીતે સ્વીકાર કરીએ છીએ અને કેવી રીતે સત્કાર કરીએ છીએ, તેના પર આપણી ભગવાન પ્રત્યેની આસ્થા ઉપરાંત આપણી વૃધ્ધાવસ્થાનો પણ આધાર રહેલો છે. આપણે ઈશ્વરના અંશનું સ્વાગત કરવા માટે શું ખરેખર તૈયાર હોઈએ છીએ ખરા? કે ફક્ત મમ્મી – પપ્પા બનવાનો હોદ્દો મેળવવો જ આપણા માટે પૂરતું છે ?. શું આપણને આપણા બાળકનો યોગ્ય ઉછેર કરતાં ખરેખર આવડે છે? શું બાળઉછેરની એક મહત્વપૂર્ણ જવાબદારી અને આવડત આપણામાં છે? જો ના, તો આવી જ બાળઉછેરની બારાક્ષરી શીખવતું અદ્ભુત પુસ્તક એટલે *”ઈશ્વરના ઓટોગ્રાફ”*.
પ્રા. ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાની સાહેબના સુમુખે કહેવાયેલી યુટ્યુબ શ્રેણીનો પુસ્તક સ્વરૂપે આસ્વાદ એટલે *”ઈશ્વરના ઓટોગ્રાફ”*..
અહીં મને મહાભારતમાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને સંબોધીને કહેલી ભગવદગીતાની યાદ આવી ગઈ. જેમ કુરૂક્ષેત્રની યુદ્ધભૂમિ પર ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને દિવ્ય ગીતાજ્ઞાન આપે છે અને તે ગીતાજ્ઞાન અત્યારે આપણી પાસે ગ્રંથસ્થ થયેલું છે. તેવી જ રીતે યુટ્યુબ પરના ભદ્રાયુભાઈના ઓડિયો-વિડિઓ સંગ્રહને ઝેડ- કેડ પબ્લિકેશન, અમદાવાદ દ્વારા પુસ્તકનું સ્વરૂપ અપાયું છે. જે ખરેખર ઉત્તમ સાહિત્યિક સેવા છે.
પૂજ્ય મોરારીબાપુ જેમને “કલમ અને કાયાથી ગણપતિ ” કહીને નવાજે છે અને જાણીતા ચિન્તક શ્રી ગુણવંતભાઈ શાહ જેમને ” તેજસ્વી અને ઓજસ્વી શિક્ષણકાર ” કહીને સન્માને છે તેવા ઉત્તમ શિક્ષણવિદ્ શ્રી ભદ્રાયુભાઈ વછરાજાનીનું આ પુસ્તક બાળઉછેર ક્ષેત્રે દરેક નવા બનતાં મમ્મી- પપ્પાને નવી રાહ ચીંધે છે. આપણને નવી પેઢીને પ્રેમપૂર્વક અને જવાબદારીપૂર્વક ઉછેર કરતાં શીખવે છે.
શ્રી ભદ્રાયુભાઈએ આ પુસ્તક *”કન્હૈયા” માંથી “શ્રીકૃષ્ણ” નું ઘડતર કરનાર શ્રી યશોદા* ને અર્પણ કર્યું છે. અહીં તેઓ શ્રી રવિન્દ્રનાથ ટાગોરનું વિધાન ટાંકે છે કે , “ઈશ્વરને હજુ આપણામાં શ્રધ્ધા છે તેથી તે પોતાનો એક પ્રિયતમ અંશ આપણા ઘરે મોકલે છે.” કેટલો અદ્ભુત વિચાર છે આ.
અહીં તેઓ એ પણ જણાવે છે કે કવિવર ટાગોરે આ પુસ્તકનું શીર્ષક મોકલ્યું, “ઈશ્વરના ઓટોગ્રાફ “. આગળ તેઓ લખે છે, “મારી પાક્કી શ્રધ્ધા છે કે આપણે ઘરે બાળક જન્મ લે છે એ ઈશ્વર જ છે અને એ ઈશ્વર જ છે એમ માનીને આપણે એનું સ્વાગત કરવાનું છે, સ્વીકાર કરવાનો છે અને તેનો સત્કાર કરવાનો છે. મમ્મી- પપ્પાને એટલું ફરી યાદ અપાવું કે , તમે તમારાં સંતાનનાં માલિક નથી કિન્તુ કેવળ માળી છો.”
એક જ બેઠકે માણી શકાય તેવું અદ્ભુત આ પુસ્તક ૧૫૧ નાના મણકામાં સમાયેલું છે. ગભૉવસ્થાથી પુખ્તવયના બાળકના ઉછેર સુધીનો‌ સમયગાળો સરળતાથી સમજાવતાં આ પુસ્તકનો એક મણકો માણીએ.
*”ઈશ્વરના ઓટોગ્રાફ તમારે ત્યાં જે આવ્યા છે તે ઓટોગ્રાફને ઉકેલવાની પ્રક્રિયા એ બાળઉછેર છે. એમને મુક્ત રીતે, એમની રીતે મૌલિકતાથી , એમની પોતાની આવડત પ્રમાણે ધીમે ધીમે ઉગવા દઈએ, ખીલવા દઈએ. આ એવો છોડ છે કે જે છોડને ઈશ્વરે રોપ્યો છે, તમારા ઘરમાં રોપ્યો છે. હવે વારેવારે એને ચેક કરવાની જરૂર નથી કે એ મોટો થયો કે ન થયો. થઈ રહ્યો છે વિશ્વાસ રાખો.”*