આપણે ત્યાં દિવાળી વખતે અનેક વિશેષાંકો બહાર પડે છે. અખબારો દ્વારા પડે તો ગુજરાત રાજ્ય દ્વારા પણ પડે. પણ કોઈ સંસ્થા દ્વારા ચાર ચાર વિશેષાંકો અમૃત મહોત્સવની ઉજવણી તરીકે બહાર પડયા હોય તે જવલ્લે જ જોવા મળે તેવો દાખલો છે.

કોઈ સામાયિકને ૭૫ વર્ષ થાય અને તેની ઉજવણી થાય એ એક વિરલ ઘટના છે એટલા માટે કે આજના  સમયમાં માસિક, સામાયિક કે વર્તમાનપત્ર પણ ચલાવવા એ બહુ કસોટીનો વિષય બન્યો છે. ત્યારે ૬૮ વર્ષથી કાર્યરત લોકભારતી સણોસરા અને તેની  સમૂહ સંસ્થા દ્વારા પ્રકાશિત થતા ‘કોડિયું’ નામના સામાયિકને ૭૫ વર્ષ થયા અને તેનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવ્યો. વિશેષ પરિચયની જરૂર નથી કારણકે ગુજરાતમાં અને ભારતમાં બુનિયાદી શિક્ષણની સ્પષ્ટ સંકલ્પના આપનાર નાનાભાઈ ભટ્ટ, તેમની સાથે જોડાનાર મનુભાઈ પંચોલી ‘દર્શક’, મૂળશંકર મો. ભટ્ટ તથા ન. પ્ર. બુચદાદા,, આ ચાર મિત્રો દ્વારા જે ત્રણ સંસ્થાઓ કાર્યરત થઈ તે આજે પણ અનેક મુશ્કેલીઓની વચ્ચે સરકારના પ્રતિકૂળ નિર્ણયો છતાં પોતાનું પોત પોતાની રીતે જાળવી રહી છે. એમના દ્વારા પ્રકાશિત  ‘કોડિયું’નો અમૃત મહોત્સવ ઉજવવામાં આવ્યો અને એ અમૃત મહોત્સવ યાદગાર રહી શકે એટલા માટે ‘કોડિયું’ સામાયિકના ચાર વિશેષાંકો બહાર પાડવામાં આવ્યા. આ ચાર વિશેષાંકો હકીકતમાં ચાર ધ્યેમંત્રોને સમાવીને બહાર પાડવામાં આવ્યા અને જુદા જુદા સંપાદકોને એમનું સંપાદન  સોંપવામાં આવ્યું. પણ આપણે વાત કરવી છે લોકાભિમુખ નાઈ તાલીમની  કેળવણી દ્વારા સંતુલિત વિકાસ સાધવા પ્રયત્નશીલ સંસ્થાના સામાયિક તરીકે ‘કોડિયું’ દ્વારા બહાર પડેલા ‘સૌંદર્ય વિશેષાંક’ની. આ સૌંદર્ય વિશેષાંકના સંપાદક છે શિક્ષણજગતમાં જેને તલસ્પર્શી ઊંડાણવાળો  અભ્યાસ કરનાર વ્યક્તિત્વ અને અનેક વિદ્યાર્થીઓને સમાજની અંદર વાંચતા, વિચારતા અને ચિંતન કરતા કરી મુકનાર વલ્લભ વિદ્યાનગરના પ્રાધ્યાપક શ્રી મહેન્દ્ર ચોટલીયા.

તંત્રી સ્થાનેથી અરુણભાઈ દવે એક સુંદર વાત આ સૌંદર્ય વિશેષાંકમાં કરે છે કે,  આ સૌંદર્ય વિષય સુઝ્યો ક્યાંથી ? આ સૌંદર્ય વિષય સૂઝવા પાછળ એક નાનકડી ઘટના તેઓ દર્શાવે છે.  દર્શકદાદા અને અરુણભાઈ ઈંગ્લેન્ડમાં શેક્સપિયરનું ગામ જોવા ગયા. ત્યાં ફરતા ફરતા જોયું તો દર ૧૦૦ મીટરે એક ગાર્ડન, સુંદર મજાનો બગીચો, એમણે ત્યાંના સ્થાનિક લોકોને પૂછ્યું કે આટલા બધા ગાર્ડન કેમ છે અહીં, ભાઈ ? તો જવાબ બહુ સુંદર મળ્યો, ‘ભાઈ, શેક્સપિયરનું ગામ છે. લાગવું તો જોઈને !’ એ જવાબ આ દાદા અને દાદા માનસ પુત્રના મનમાં વસી ગયો !  ત્યારથી અરુણભાઈએ સંકલ્પ કરેલો કે,  આપણે લોક્ભારતીને એવી સુંદર બનાવવી કે કોઈ આવીને પૂછે કે,  તમારી સંસ્થા આટલી બધી રૂપાળી કેમ છે ? તો આપણે કહી શકીએ કે, ‘ભાઈ, આ નાનાભાઈ અને મનુભાઈની સંસ્થા છે, લાગવી તો જોઈએ ને !’

 

સંપાદક પ્રાધ્યાપક ડૉ. મહેન્દ્ર ચોટલીયાએ આ અંકમા લેખોને પાંચ વિભાગોમાં ગોઠવ્યા છે. ૧) સૌંદર્ય પ્રવેશ,  જેમાં સૌંદર્ય શું છે તેનો પરિચય અને ઓળખ છે  ૨) સાહિત્ય અને કળામાં સૌંદર્ય એટલે કે આ ક્ષેત્રમાં સૌંદર્યને કઈ રીતે પ્રગટાવવામાં આવે છે તેની ઉદાહરણ સહિત સમજ છે. ૩) જ્ઞાન ક્ષેત્રના વિષયોમાં સૌંદર્ય શામાં અને કેવી રીતે પ્રગટે છે તેની રજુઆત છે. ૪) સૌંદર્ય મીમાંસા વિભાગ કે જેમાં સૌંદર્યની વિભાવનાની તત્વચર્ચાઓ અને ચિંતકોના દ્રષ્ટિબિંદુઓનો સમાવેશ છે અને ૫) સૌંદર્યની કેળવણી માટેના વિભાગમાં બાળકો અને મોટેરાંઓમાં સૌંદર્યદ્રષ્ટિ કઈ રીતે કેળવી શકાય તેનું માર્ગદર્શન રજૂ કરવામાં આવ્યું છે.

કવિવર ટાગોરની વાત ગમી જાય એવી છે, “મનુષ્યને જો પૂર્ણ કરવો હોય તો સૌંદરચર્ચાને ઉડાવી દીધે ન ચાલે. રસગ્રહણના અધિકારી થતા પહેલાં કઠણ ખેતી જરૂરી છે. રસના માર્ગમાં ભોળવનારી ઘણી આડખીલી નડે છે. એ બધી અડચણોને દૂર કરીને જે પૂર્ણ થવા માંગે છે, તેને માટે નિયમ સંયમ ઘણા જરૂરી છે. રસને માટે આ નિરસતા સ્વીકારવી પડે છે.”

ટાગોર એક સુંદર વાત ઉમેરે છે,  “વાઘ અને ગાય એક સાથે પાણી પી શકે પણ તે ક્યારે પીવે,  જયારે વાઘ પણ પૂર્ણ થયો હોય અને ગાય પણ પૂર્ણ થઈ હોય ત્યારે. આ રીતે જે વ્યક્તિ સ્થિર ભાવે મોટાની સાથે નાનાને,  સમગ્રની સાથે પ્રત્યેકને મેળવીને જોવાનું ન જાણે ત્યાં સુધી તે ઉત્તેજનાને જ આનંદ અને વિકૃતિને જ સૌંદર્ય માનવાના ભ્રમમાં પડે છે. સૌંદર્યબોધનો પૂર્ણભાવે અનુભવ મેળવવા અંતે ચિત્તની શાંતિ જોઈએ. તેમાં અસંયમને ક્યાંય સ્થાન નથી. ફૂલના સૌંદર્ય કરતા મનુષ્યનું મુખ આપણને વધારે આકર્ષે છે, કારણકે મનુષ્યના મુખમાં કેવળ આકૃતિનું લાવણ્ય નથી, પરંતુ એમાં ચેતનાની દીપ્તિ, બુદ્ધિની સ્ફૂર્તિ અને હૃદયનું લાવણ્ય છે; તે આપણા ચૈતન્યને, બુદ્ધિને અને હૃદયને અધિકૃત કરે છે. તે આપણી પાસેથી જલ્દી પૂરું થવા માગતું નથી.

જયારે સૌંદર્ય વ્યક્તિગત સ્વાર્થ દ્વારા બદ્ધ, ઈર્ષા દ્વારા વિદ્ધ  કે ભોગ દ્વારા જીર્ણ થશે નહીં ત્યારે તે શાંતિમાં અને મંગળમાં નિર્મળભાવે સ્ફૂર્તિ પામશે. જ્યાં સુધી સૌંદર્યને આપણે આપણી વાસનાની કેદથી મુક્ત રીતે ન જોઈ શકીએ ત્યાં સુધી તેને પૂર્ણ જોયું ન ગણી શકાય. આપણી અશિક્ષિત, અસંયત, અસંપૂર્ણ દ્રષ્ટિથી જે કાંઈ જોઈએ છીએ તેમાં આપણને તૃપ્તિ મળતી નથી.

જ્યાં આપણે આરંભની સાથે અંતનું, પ્રધાનની સાથે ગૌણનું, એક અંશની સાથે બીજા અંશનું ગૂઢ઼તર સામંજસ્ય  જોઈને આનંદ મેળવીએ છીએ ત્યાં આપણે દ્રષ્ટિભ્રમ ઉતપન્ન કરે તેવા સૌંદર્યના ગુલામીખતને માન  આપતા નથી. જ્યાં ધૈર્ય, વીર્ય, ક્ષમા, પ્રેમ વગેરે પ્રકાશ પાડે છે ત્યાં રંગરોગાનના આડંબરની જરૂરિયાત આપણે બિલકુલ જોતા નથી. કુમારસંભવમાં મહાદેવે જયારે છુપા વેશે જઈને તાપસી ઉમાની પાસે શંકરના રૂપ, ગુણ, વય, વૈભવ વગેરેની નિંદા કરી ત્યારે ઉમાએ જણાવ્યું ममात्र भावेकरसम मनः स्थितं (તેમના તરફ મારું મન માત્ર ભાવનારસમાં તરબોળ છે) ભાવરસમાં અસુંદરનો કઠોર વિચ્છેદ ચાલ્યો જાય છે.”

ટાગોર સમાપનમાં સુંદર વાત કહે છે કે,જ્ઞાન દ્વારા સમગ્ર જગતમાં વ્યાપ્ત કરવું, કર્મ દ્વારા સમસ્ત જગતમાં પોતાની શક્તિને વ્યાપ્ત કરવી અને સૌંદર્યબોધ દ્વારા સમસ્ત જગતમાં આપણા આનંદને વ્યાપ્ત કરવો એ જ મનુષ્યત્વનું લક્ષણ છે. એટલે કે જગતને જ્ઞાનરૂપે, શક્તિરૂપે અને આનંદરૂપે ઉપલબ્ધ કરવું એનું નામ જ  મનુષ્ય થવું કહેવાય.

જીવન આનંદના ત્રણ સ્ત્રોત છે. ૧) નિષ્કામ કર્મ ૨) અધ્યાત્મ અને ૩) કળા. આપણે જીવનમાં જે પણ કરતા હોઈએ એમાં જો સૌંદર્ય દ્રષ્ટિ કેળવાય તો કંટાળો જન્મતો જ નથી.અને ચારે બાજુ માત્ર સારપની જ ખેતી થવા લાગે છે.

5478 5471