“કસુંબો” નિર્વિવાદપણે ઉત્તમ ફિલ્મ છે.

“કસુંબો” નિર્વિવાદપણે ઉત્તમ ફિલ્મ છે.

"કસુંબો" નિર્વિવાદપણે ઉત્તમ ફિલ્મ છે.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

કસુંબો ફિલ્મ જોવાનું મુહૂર્ત આવ્યું ખરું…જોવાનું નક્કી હતું, પણ ડર હતો કે ફિલ્મ ઉતરી જશે તો ?!?

કસુંબો ફિલ્મ એક ખૂણામાં એકલા બેસીને નિરાંત જીવે જોઈ. અમે પચ્ચીસેક હોઈશું !! બાકી, ખાલી ખાલી ખુર્શિયા એટલે શાંતિ જ શાંતિ અને હતા તેને ફિલ્મે જકડી રાખ્યા તેથી કોઈ disturbance ન થયું.

સામાન્ય રીતે હું ફિલ્મનું વિષે ટીકા ટિપ્પણ લખવાનું કે વિવેચન કરવાનું પસંદ કરતો નથી. ફિલ્મો પ્રમાણમાં ઓછી જોવાનું થઈ ગયું છે હવે. પણ જેના વિશે બહુ ચર્ચા ચાલે એ ફિલ્મ સમય કાઢીને પણ જોઈ લેવાનું પસંદ કરું છું.

હમણાં થોડા સમયથી ગુજરાતીમાં સરસ ફિલ્મો આવી રહી છે. અને ખૂબ સારી જહેમત ઉઠાવીને ગુજરાતી ફિલ્મો બની રહી છે, તેનો ખૂબ આનંદ છે. સરકાર પણ સારા પૈસા આપે છે એવું સાંભળ્યું છે. અલબત્ત, અગાઉ પણ મેં એક વખત લખ્યું હતું કે ફિલ્મને પૈસા આપીને છૂટી જાવ એટલું ન ચાલે પણ જે મલ્ટિપ્લેક્સ થિયેટર્સ છે એ બધાને ફરજિયાત રીતે એવું કહેવું જોઈએ કે તમારે ગુજરાતી ફિલ્મ માટે એક screen spare કરવો પડશે. કારણ સરસ ગુજરાતી ફિલ્મોમાં પહેલેથી mass આવીને બેસી જશે અને હાઉસફુલ થશે, એવું નહીં બને. આમ પણ ગુજરાતી લોકો કોઈ કહે, લખે, વખાણે, પછી પોતાનાં પૈસા ખર્ચનારા છે અને ગુજરાતી ફિલ્મો માટે તો એ સાવ સાચું છે.

આજે ગુજરાતી ફિલ્મ ”કસુંબો” જોઈ કે જેના વિશે ખૂબ ચર્ચા સામ-સામે ચાલી. અમારા એક પરમ મિત્રએ થોડુંક એના વિશે ક્રિટીકલ લખ્યું એમાં તો ઘણા મિત્રો એના પર તૂટી પડ્યા, જો કે એ તો સામે ઝાટકણી કાઢી નાખવામાં માહિર છે..

મારે તો કહેવું છે કે, ”કસુંબો” અદભુત ફિલ્મ બની છે. કોઈ ગુજરાતી ફિલ્મ તમને પડદા ઉપર છેલ્લા દ્રશ્યોમાં થ્રિલિંગ અનુભવ આપી જાય અને તમારી આંખ ચોંટી જાય એવું ભાગ્યે જ બનતું હોય છે. એ આ ફિલ્મમાં બન્યું છે. શૂરવીરતાનો ખરેખર કેસરિયો રંગ જેને આપણે કહીએ ‘કેસરિયા કર્યાં’, તો એ શું એનો અર્થ ખરેખર છેલ્લા દ્રશ્યમાં આપણને સમજાવ્યો.

બધા જ પાત્રોએ ખુબ સુંદર રીતે કામ કર્યું.. સંવાદોની વચ્ચે-વચ્ચે ટેગ લાઈન આવ્યા કરતી હતી તે રામ મોરીની કલમની હાજરી પૂરતી હતી. અમારા રાજકોટના મોહનલાલ ચુનીલાલ ધામીના દીકરા વિમલ ધામીની મૂળ સ્ટોરી છે અને વિજયગીરી બાવા જે બહુ સિદ્ધહસ્ત ફિલ્મ મેકર છે, એમણે વિમલ ધામીને યથાર્થ ક્રેડિટ આપી છે. વિજયગીરી દ્વારા આ ગુજરાતી ફિલ્મ એક milestone મૂવી બની છે, એ તો નક્કી.

પાત્રો એક એક અદ્ભૂત હતા. કોઈ પાત્ર કાચું નોહ્તું. પણ બહુ જ યાદ કરવાની મજા આવે એવાં જો પાત્ર હોય તો એ ‘દાદુ બારોટ’નું પાત્ર, ચેતન ધનાણી કરે છે તે ‘અર્જુન’નું પાત્ર અને શ્રદ્ધા ડાંગર જેમણે ‘સુજલ’ નું જે પાત્ર ભજવ્યું એ બહુ જ હ્રુદયસ્પર્શી રહ્યાં. એશ્વર્યા મજમુદાર, અરવિંદ બારોટ, અને નિશા એ ગાયેલાં ગીતો ટચી હતાં. મેહુલ સુરતીનું ‘પહોંચેલું સંગીત’ માણ્યું.

આપણે સૌએ ”કસુંબો” ફિલ્મ સત્વરે જોવી રહે. હવે તો થિયેટરોમાં એકાદ શો ચાલે છે, તેથી સત્વરે કહ્યું.

ગુજરાત સરકારે આવી જે ફિલ્મ્સ હોય એના માટે ખાસ પરિપત્રો કરીને તેને તરુણો ને યુવાનો સુધી પહોંચાડવી જોઈએ. આપણે પક્ષીય પ્રચાર માટે બહુ બેફામ પૈસા ખર્ચીએ છીએ, પણ જે આપણી સંસ્કૃતિ છે, આદિનાથ ભગવાન કે મા ખોડલ ની આટલી બધી શ્રદ્ધાભરી વાત જ્યાં થતી હોય કે જેના મોન્યુમેન્ટસ આજે પણ આપણા માટે ગૌરવપ્રદ બનતા હોય એની વાતને આપણે કેમ વિદ્યાર્થીઓ સુધી નથી પહોંચાડતા એ પ્રશ્ન થાય છે. ભારતીય સંસ્કૃતિ જળવાવી જોઈએ ને પાઠ્યપુસ્તકમાં આમ ઉમેરવું ને તેમ ઉમેરવું એવી દલીલો કરવા નીકળી પડેલા કેટલાક ‘ રાષ્ટ્રવાદ’ વાળા માણસોને પણ કહેવાનું કે, આ ફિલ્મ તમે ના જોયેલ હોય તો જોજો, આમાં આપણી ભારતીય સંસ્કૃતિનો સીધો પડઘો પડે છે. અને એક મુસ્લિમ શહેનશાહમાં પણ કરુણા કેવી રીતે પ્રગટાવી શકાય તેનો તાદૃશ્ય અનુભવ આપણને આ ફિલ્મમાં થાય છે.

મને ફિલ્મ ગમી એટલે મેં આટલું લખ્યું છે. આ એનું વિવેચન નથી, આ ગમ્યાનો રાજીપો છે. સૌને ખૂબ ખૂબ અભિનંદન અને રામ અને વિજય ની જોડી ફરી કોઈ સુંદર ફિલ્મ લઈને આવે તેવી શુભેચ્છાઓ ભરી પ્રતિક્ષા.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


OMG 2 એડલ્ટ માટે જ કેમ ?

OMG 2 એડલ્ટ માટે જ કેમ ?

#I am for Sex Education.   – ભદ્રાયુ વછરાજાની

તમે શિક્ષક છો, તમે માતા પિતા છો ? તમે OMG 2 જોયું ? ન જોયું હોય તો સત્વરે જુઓ. છેલ્લા થોડા દિવસોથી સિનેમાઘરની અંદર સારી એવી ભીડ ઉભી કરનારું એક પિક્ચર છે OMG 2.

આપણને પહેલું OMG યાદ છે, જેની અંદર બધા જ દેવ દેવીઓની લાક્ષણિક અદામાં પ્રસ્તુતિ કરવામાં આવી હતી. કેટલાક લોકોને એમાં વાંધો પણ પડ્યો હતો પણ એવી વાતો રજૂ કરી હતી કે જેને આપણે નકારી શકીએ એમ નહોતા એટલે મૂંગા થઇ ગયા હતા. પરંતુ આ OMG 2 એના કરતા સાવ જુદું છે, એને કોઈ રીતે નંબર 2 કહેવાય એવું નથી અને મને તો પહેલાં કરતાં પણ આ OMG 2 સદિશ અને સારું લાગ્યું છે. અંગત ગણાતા આપણી sexuality ના એક જ્વલનશીલ મુદ્દાને સમાજ સમક્ષ સ્પષ્ટ કરવાનો ઘણો સારો પ્રયાસ થયો છે એવું મને લાગે છે.

આજથી લગભગ આડત્રીસેક વર્ષ પહેલાં Sex Education વિષય ઉપર ડોક્ટરેટ કરનારો હું પ્રથમ ભારતીય હતો એ સમયે મેં જે વિચારેલું અને જે મેં મારી થીસીસમાં લખેલું તે એક પિક્ચર આજે જાહેરમાં કહી રહ્યું છે. અને મારી દ્રષ્ટિએ બહુ જ ગંભીર વિષયની હળવાશથી અથવા તો નિર્દોષતાથી રજુઆત થઈ છે.

ભગવાન મહાકાલનો એક અણઘડ ભક્ત જેને ખબર નથી કે, હસ્તમૈથુન એટલે શું ? એ પોતે આ હસ્તમૈથુનનું શાસ્ત્ર ઉકેલવા માટે પ્રાચીન કાળની ચોપડીઓમાંથી ઊંડાણથી પસાર થાય છે અને પોતે પોતાના દીકરાનો કેસ લડવા પોતે વકીલ બને છે અને તેમાંથી એક સુંદર ફિલ્મ સર્જાઈ છે.

આપણે લોકો સેક્સના નામે બધા જ પ્રકારના ઢંગધડા વગરના કૃત્યો અથવા તો કાવતરાઓ મૂંગે મોઢે સહી લેનારા છીએ પણ સેક્સ એજ્યુકેશન ના નામે આપણા ઉગતા બાળકોને અથવા તરુણ તરૂણીઓને સાચી હકીકત કહેવાની વાત આવે ત્યારે આપણે બધા પાછળ પડીએ છીએ. આજે પણ લગભગ લગભગ મા બાપ આ વિષય અંગે સ્પષ્ટતા કરતા નથી. શિક્ષકો તો કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓના સર્જનની આકૃતિઓ અથવા વાત આવે તો એને ઠેકાડી દેતા હોય છે. આપણે ત્યાં, ખાસ કરીને ગુજરાતમાં, જે સેક્શ્યુઅલ મિસબિહેવીયર ના કિસ્સાઓ બની રહ્યા છે એનું કારણ એ છે કે આપણે આપણા બાળકોને સેક્સનું વિજ્ઞાન શીખવ્યું નથી. મારી એક બહુ પ્રચલિત હાઈપોથિસિસ જે મારા સંશોધન દરમ્યાન ઘડાઈ હતી અને એનો ઉપયોગ પછી ઘણા લોકોએ કર્યો એ એ છે કે, ‘તમે જેનું વિજ્ઞાન શીખવતા નથી તેની વિકૃતિ સંતાન આપોઆપ શીખી જાય છે.’ આ હાઈપોથિસિસ ફરી એકવાર આ પિક્ચર જોયા પછી મારા મગજમાં ઘુમવા લાગી. વિજ્ઞાન તરીકે બાળકના જન્મથી લઈને એ બાળક મોટું થાય, એ બાળક તરુણ બને, યુવાન બને, પરણવા લાયક બને, પરણે, પરણે પછી પતિ પત્ની તરીકે રહે અને પછી પતિ પત્નીમાંથી માતા પિતા થાય અને એક બાળકનો ઉછેર કરે ત્યાં સુધીની આખી પ્રક્રિયાનું નામ સેક્સ એજ્યુકેશન છે એવું મેં ડોક્ટરેટ થીસીસમાં પુરવાર કર્યું અને એ થીસીસ NCERT ના ERIC દ્વારા પ્રકાશિત કરવામાં આવી આજથી ૩૫ વર્ષ પહેલા… આ ફિલ્મ અંગેની મારી વાત મને મહત્વની એટલે લાગે છે કે મેં પણ પ્રકાશ કોઠારીને ત્યાં રહીને મારા સંશોધનના મુદ્દાઓ ઉકેલ્યા હતા અને આ ફિલ્મના ડિરેક્ટર પણ પ્રકાશ કોઠારીના પુસ્તકની વાત કરે છે . પ્રકાશ કોઠારીની ફિલોસોફી ટાંકે છે કે હસ્તમૈથુન એ કોઈ પણ સંજોગોમાં પાપ અથવા તો ગંદુ કૃત્ય નથી અને એક દ્ર્શ્યની અંદર તો પ્રકાશ કોઠારીને પડદા ઉપર લઈ આવે છે અને એમની પાસે આ હકીકત બોલાવે છે.

હા, બીજા જે વિવેચકો હશે એને એવું લાગશે કે ફિલ્મમાં જે કોર્ટ દૃશ્યો છે તે આટલી હળવી રીતે દર્શાવી શકાય ખરાં?? અને એવું પણ લાગે કે, એમાં ભગવાન શંકર વચ્ચે ક્યાંથી કુદ્યા છે. આ બધી અવાસ્તવિક્તાઓ લાગે એવું છે. પણ હું તો માનું છું કે વિજ્ઞાનનો આ ગંભીર વિષય સ્પષ્ટ થતો હોય તો એટલી અવાસ્તવિક્તાઓને સ્વીકારી લેવામાં કશો વાંધો ન હોવો જોઈએ.

મને આખા પિક્ચરમાંથી એક પ્રશ્નાર્થ એ થયો કે આ પિક્ચરને only for adults કેમ રાખ્યું હશે ? હું જયારે ફિલ્મ જોવા ગયો ત્યારે ડોરકીપર કોઈ એક છોકરીને પૂછતાં હતા કે આધાર કાર્ડ લાવો અને આધાર કાર્ડ જોઈને એણે કીધું તમને ૧૮ નથી થયા ૧૭.૫ વર્ષ થયા છે એટલે તમે ટિકિટના પૈસા પાછા લઇ લ્યો. મને તો બહુ આશ્ચર્ય લાગે છે !! હું તો એવું માનું છું કે ખરેખર આને એડલ્ટ રાખવાની જરૂર જ નથી, જે ફિલ્મની અંદર એ દલીલ કરવામાં આવે છે કે શાળાની અંદર સેક્સ એજયુકેશન અપાવું જોઈએ એ ફિલ્મ શું કામ એડલ્ટ પૂરતી રાખવામાં આવી છે ? જો મને પૂછો તો હું તો આઠમા ધોરણથી લઈને બધા જ વિદ્યાર્થીઓને આ ફિલ્મ જોવા લઇ જવા જોઈએ એવી હિમાયત કરું. એ ન શક્ય બને તો બધા શિક્ષકોએ, આચાર્યોએ, સંચાલકોએ, માતા પિતાઓએ તો આ પિક્ચર અવશ્ય જોવું જોઈએ, જેથી કરીને સેક્સ અંગેના કોઈ પણ પ્રશ્નો ઘરમાં કે વર્ગમાં પોતાની સામે ઉભા થાય ત્યારે તેઓ જડસુ ન બને.

ભારતને જો આપણે કેટલીક માનસિક યાતનાઓમાંથી બહાર કાઢવો હોય તો યુવાનો ન સમજી શકે પણ કેવળ અનુભવી શકે તેવા કેટલાક પ્રશ્નોના જવાબ આવી ફિલ્મ દ્વારા આપવા જોઈએ એવું દ્રઢપણે મારું માનવું છે. વધુ વિશ્લેષણની આવશ્યકતા નથી. કારણ કે ‘સુજ્ઞેષુ કિં બહુના ?’

આ ફિલ્મ આપણે સૌએ જોવી પડે. હજુ પણ આ ફિલ્મને only for adult માંથી બહાર લઇ લેવી જોઈએ. આ Oh my god 2 નથી પણ હા, OMG2 કહે છે કે, Yes, I am for sex education.

આપણાં સંતાનોના ઉધામા Sex અંગેની અધૂરી સમજને લીધે છે. મા બાપ કે શિક્ષકો આ સમજ નથી આપતા એટલે આપણું સંતાન sexual experimentation તરફ વળે છે અને એમાંથી બને છે, ન બનવાનું.. મારે આ ફિલ્મના હીરો ભાઈ અક્ષય સાથે ઓળખાણ નથી કે નથી નિર્માતા સાથે પરિચય. પણ એક શિક્ષક તરીકે મને teenagers તરુણોને મુંઝવતા પ્રશ્નોનો પાક્કો પરિચય છે. તેથી તો મારું મંતવ્ય જાહેરમાં મુકું છું.

સ્વસ્થ ચર્ચાને અવકાશ હોય જ….. ભદ્રાયુ