મોડાસાની શિક્ષણભૂમિમાં સર્જક અને વિશ્વકોશના સ્વપ્નદ્રષ્ટા ડૉ . ધીરુભાઈ ઠાકર
by Santulan | Feb 18, 2024 | Gramsetu, January 2024 | 0 comments
મોડાસાની શિક્ષણભૂમિમાં સર્જક અને વિશ્વકોશના સ્વપ્નદ્રષ્ટા ડૉ . ધીરુભાઈ ઠાકર
ગ્રામસેતુ જાન્યુઆરી – ૨૦૨૪
લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
નિયતિ અને સમર્પણનો સાંગોપાંગ સરવાળો..
ગિરના જંગલની વચ્ચે ઘાંટવડ ગામ. જંગલ એટલે ગાઢ કે સૂર્યનો પ્રકાશ ન દેખાય. જંગલની વચ્ચે મોટો બંગલો. બંગલાની બે પાંખ. એક પાંખમાં કોડીનારના તલાટીનું કુટુંબ રહે. બીજી પાંખનો ઉતારા તરીકે ઉપયોગ થાય. જંગલમાં શિકાર કરવા જે રાજ-રજવાડાં-મોટા અધિકારીઓ આવે તે એમાં રાતવાસો કરે. શિકાર કરીને જે મોટાં ખૂંખાર પ્રાણીઓને માર્યાં હોય તેને ત્યાં લઈ આવે. ગાયકવાડી ગામ કોડીનારમાં તલાટીને ત્યાં જન્મેલ ‘ધીરુ’ બાળક હતો તે આ બધું જોયા કરે. શિકાર થયેલાં જનાવરનાં શરીર પર ડરતાં ડરતાં ધીરુ હાથ ફેરવે ત્યારે રૂંવાડાં ઊભાં થઈ જાય. જિંદગીના સોળ વર્ષોં આ માહોલમાં જીવનાર ધીરુને આજે પણ એ રોમાંચ યાદ છે. આજે ચોરાણું વર્ષે પૂરેપૂરી સ્વસ્થતા અને સજ્જતાથી વિશ્વ સાહિત્યના દરિયામાં વહાણ હંકારનાર શ્રી ધીરુભાઈ ઠાકરને મળીએ તો આપણને રોમાંચ થયા વગર રહે નહીં.
ગુજરાતી વિશ્વકોશ સર્જક શ્રી ધીરુભાઈ ઠાકર હળવાશથી કહે છે કે ઃ મારા જીવનમાં નિયતિએ બધું કરી આપ્યું, મેં તો માત્ર હાથ ઊંચો કરી તેની સાક્ષી પુરાવી છે.’
ચાણસ્મા ગામમાં શિક્ષણ થયું ધીરુભાઈનું. સહજતા લોહીમાં. એક વખત શાળામાં ડેપ્યુટી ઍજ્યુકેશન ઇન્સ્પેક્ટર આવ્યા. એક વર્ગમાં દાખલ થઈ સામે દેખાવડો છોકરો હતો તેને પૂછ્યું : “હાથીદાંતનાં ઝાડ કેવા હોય ?” છોકરાએ અદબવાળી ઊભા થઈ ગભરાયા વગર જવાબ આપ્યો : હાથીદાંતનાં ઝાડ કાળાં, જાડાં ને કદાવર હોય!” વિચારીને જવાબ આપ્યો હતો અને જ્વાબ લગભગ સાચો પણ હતો. પેલા સાહેબે બાળકનો વાંસો થાબડી કહ્યું : “સેન્સ ઑફ હ્યુમર સારી છે.’ સાહેબના ગયા પછી બાળક ધીરુ શાળામાં હોંશિયાર તરીકે સ્વીકૃતિ પામી ગયો. ચાણસ્માની શાળાના આચાર્ય રામલાલ ચુનીલાલ મોદી કેટલાક વધુ તેજસ્વી છોકરાવને વિશેષ ભણતર આપવા સ્કૂલમાં રાત્રે બોલાવે. પથારી લઈને જવાનું. રામલાલ આચાર્ય ફાનસ લઈને આવે. પરીક્ષાની પોતે તૈયારી કરાવે. રાત્રે સૂતી વખતે ફરમાન કરે કે સવારે વહેલા ઊઠવાનું. કોઈ વિદ્યાર્થી પૂછી બેસે કે ઉઠાડશે કોણ?” તો રામલાલ રોકડું પરખાવે : “તમે તમારી જાતને કહો તો તમારી જાત તમને ઉઠાડશે. ટેવ પાડો તો તમારી અંદર બેઠેલો છે તે તમારો હુકમ માનશે જ.’ ધીરુભાઈ ઠાકર કહે છે : “ત્યારે આજના જેવું નહીં, મૅટ્રિકમાં પણ સંસ્કૃતમાં પ્રશ્ન પુછાય અને તેનો જવાબ પણ સંસ્કૃતમાં જ લખવાનો! ધીરુભાઈ સંસ્કૃત, ગુજરાતી, વિજ્ઞાનમાં હોંશિયાર.
ગુજરાત કૉલેજ, અમદાવાદમાં અઢાર વર્ષ અધ્યાપક રહેનાર ધીરુભાઈ ઇજનેર થવાનું સ્વપ્ન લઈને ગુજરાત કૉલેજમાં સાયન્સમાં વિદ્યાર્થી બનેલા. તેમના જીવનનો પહેલો લેખ ‘આપણાં લગ્ન’ પણ ઇન્ટર સાયન્સમાં ગુજરાત કૉલેજના મૅગેઝિનમાં છપાયેલો. નિયતિએ કંઈક જુદું જ ધાર્યું હશે એટલે સાયન્સના પહેલા જ વર્ષની પ્રેક્ટિકલ પરીક્ષામાં ઍલ્યુમિનિયમના સૉલ્ટવાળી ક્રુસિબલ નીચે પડી, ફૂટી, નિરાશ થયા, નાપાસ થયા.. પ્રવાહ વળ્યો સેન્ટ ઝેવિયર્સ, મુંબઈમાં આર્ટ્સ ભણવા તરફ BA. વીથ સંસ્કૃત થવાનું ફૉર્મ ભરતા હતા ત્યાં પોતાના ગામ વિરમગામના પ્રાધ્યાપક કાંતિલાલ વ્યાસ મળ્યા. તેમણે કહ્યું : B.A. વીથ સંસ્કૃત ન થવાય, B.A. વીથ ગુજરાતીનું ફૉર્મ ભરી દે, અને ઝેવિયર્સ નહીં એલ્ફીન્સ્ટન કૉલેજમાં આવી જા.’ અને સંસ્કૃતમાં પારંગત થવા નીકળેલા ધીરુભાઈ ઠાકર આપણી ગુજરાતી ભાષાના જ્યોતિર્ધર થયા.
શ્રી ધીરુભાઈ ઠાકર અચ્છા નાટ્ય કલાકાર અને દિગ્દર્શક પણ. કૉલેજમાં ભન્નતા હતા ત્યારે મુંબઈમાં ચં. ચી. મહેતાનું નાટક ‘આગગાડી’ ભજવ્યું, પણ કોની સાથે ? ખુદ ચં. ચી. મહેતા, ધનસુખ મહેતા, જ્યોતીન્દ્ર દવે, ઉમાશંકર જોશીની સંગાથે… અને અધ્યાપક થયા ત્યારે ગુજરાત કૉલેજમાં ચં. ચી. મહેતાની કડક શિસ્તને આદર્શ તરીકે રાખી નાટકનું દિગ્દર્શન પણ કર્યું. દુષ્યંત નામનો એક ખેપાની વિદ્યાર્થી. એ સમયમાં ગુજરાત કૉલેજ એક જ, એલ. ડી. પછી શરૂ થઈ. દોઢસોનો વર્ગ. ધીરુભાઈ ઠાકર સૌથી નાના અને પ્રમાણમાં ‘કાચા’ અધ્યાપક. તેઓ પોતે જ કહે કે : “એ સમયના દિગ્ગજો સંસ્કૃતમાં પ્રો. અભ્યકર, અર્થશાસ્ત્રના પ્રો. મર્ચન્ટ, અંગ્રેજના પ્રો. ભાંડારકર અને પ્રો. વેલીન્કરની સામે હું કેમ ઊભો રહી શકીશ એ જ મૂંઝવણ. એમાં દુષ્યંત વર્ગમાં બેકાબુ, ચાલુ લેક્ચરે ક્લાસમાં કૅન્ટીનમાંથી ચા મંગાવીને પીવે, વર્ગમાં છઠ્ઠી ખોલીને બેસે ને કહે સર, વરસાદ કેટલો છે? બધા દુષ્કૃતથી ત્રાસી ગયેલા. દુષ્યંતે નાટકનાં રિહર્સલમાં દખલ શરૂ કરી. મેં તેને કહ્યું : તોફાન કરવા સહેલાં છે, નાટકમાં કામ કરવું અઘરું છે. દુર્ગંતે પડકાર ઝીલી લીધો અને વસવસો કરતાં કહ્યું : અમને નાટકમાં કોણ રાખે? મેં તક ઝડપી લઈ શરત મૂકી : પણ હું જે રોલ આપું તે શિસ્તબદ્ધ ભજવવો પડશે… દુષ્પ્રત હોંશથી ધનય ઠાકરનાં નાટક જો હું તું હોત…’માં નોકરના પાત્રને ભજવવા લાગ્યો. તેને ત્રીજું ઇનામ મળ્યું. દુષ્યંત તોફાની મટી અભિનેતા તરીકે ઓળખાવા લાગ્યો. પછીનાં જ બીજાં નાટકથી મેં તેને મુખ્ય રોલ આપ્યો અને તે બખૂબી અભિનય કરવા લાગ્યો.’
શ્રી ધીરુભાઈ ઠાકર દુષ્કૃતની વાતના અંતમાં કહે છે : માણસના બધા જ ખજાનાઓની ચાવીઓ લઈને ભગવાને શિક્ષકને મોકલ્યો છે. મારી પાસેની ચાવીથી આ ખજાનો ખૂલશે જ તેવી શ્રદ્ધા શિક્ષકમાં હોવી જોઈએ.’
૧૯૪૨ની દસમી ઑગસ્ટ શ્રી ધીરુભાઈ ઠાકરના જીવનનો વિરલ અને દિવ્ય દિવસ છે. આઝાદીની લડત ટોચ પર હતી. અમદાવાદમાં લૉ કૉલેજ તરફથી એક મોટું સરઘસ ગુજરાત કૉલેજ તરફ આવતું હતું. સરઘસની પાછળ પોલીસ અને પોલીસની ગાડીઓ ધસી એટલે સરઘસ ગુજરાત કૉલેજમાં ઘૂસ્યું. સરઘસની આગળ કૉલેજની છોકરીઓ હતી, પાછળ છોકરાઓ હતા. ગુજરાત આર્ટ્સ કૉલેજની સામે લાઇબ્રેરી અને આ બન્નેની વચ્ચે છોકરીઓની અફડાતફડી. અધ્યાપકો ઉપરથી આ જોતાં હતાં. પ્રિન્સિપાલ પટવર્ધને અધ્યાપકોને કહ્યું કે નીચે જઈ વિદ્યાર્થીઓને શાંત રાખો. પ્રા. સાલેતોર, પ્રા. એન. એમ. શાહ, પ્રા. દાવર અને સૌથી નાના પ્રા. ધીરુભાઈ ઠાકર નીચે દોડ્યા. ધક્કામુક્કી થઈ એમાં ધીરુભાઈ ઠાકર વિદ્યાર્થીઓની આગળ અને પોલીસોની સામે; વચ્ચે સાત-આઠ ફૂટનું અંતર, એમાં કોઈએ કાંકરીચાળો કર્યો!સામેથી ડી.વાય.એસ.પી.એ ‘ફાયર’નો હુકમ આપ્યો. વચ્ચે રહેલા ધીરુભાઈ ઠાકર એ કલ્પનાથી જ ધ્રૂજ્યા કે ગોળીબાર થશે તો વિદ્યાર્થીઓની લાશો પડશે એટલે પોલીસ ડી.વાય.એસ.પી. સામે હાથ ઊંચા કરી રાડ પાડી ઊઠ્યા : પ્લીઝ, સ્ટૉપ.’ અને ડી.વાય.એસ.પી.એ હાથમાં રહેલી બૅટન ધીરુભાઈના માથામાં ફટકારી, પોલીસે ગોળીબાર કર્યો, વિદ્યાર્થીઓ ઘવાયા પોલીસે હૉસ્ટેલ રૂમમાં જઈ માર માર્યો. ધીરુભાઈ ઠાકરને બાયૉલૉજી ભવનમાં પ્રાથમિક સારવાર આપી હૉસ્પિટલ ખસેડાયા જ્યાં દસ દિવસ રહેવું પડ્યું. કેટલાય લોકો અને સંખ્યાબંધ વિદ્યાર્થીઓ હૉસ્પિટલમાં આવ્યા. તેમના ચહેરા પર લાગણી સ્પષ્ટ દેખાતી હતી કે અમારા પ્રાધ્યાપક અમને બચાવવા પોતે ઘાયલ થયા! શ્રી ધીરુભાઈ ઠાકર જીવનનાં પરમ સત્યને તારવતાં કહે છે કે : ‘નિયતિ સાથે સમર્પણ જોઈએ. પ્રારબ્ધ અને પરિશ્રમ સાથે પ્રેમ ભળવો જોઈએ. આવા સથવારા વગર જીવન જીવવાનો આનંદ મળતો નથી.’
મોડાસાની શિક્ષણ તપોભૂમિના દ્યોતક, ગુજરાતીના પ્રકાંડ વિદ્વાન, વિશ્વકોશના સ્વપ્નદ્રષ્ટા ડૉ. ધીરુભાઈ ઠાકર ઉજાસના અણસારાથી છલકે છે.