પિતા ડૉ. કૃષ્ણધને પુત્રનું નામ આપ્યું: “અરવિંદ એક્રોઈડ ઘોષ.”

એક રાત્રે તેઓ સૂતા હતા, ત્યારે ગાઢ અંધકારને પોતા પર ધસી આવતો જોયો. એ અંધકાર એમની ચોતરફ ફરી વળ્યો ને તેમની અંદર પણ ઘૂસી ગયો.!!!            

ભદ્રાયુ વછરાજાની                                          bhadrayu2@gmail.com                                      

                                          (04)

માતાશ્રી સ્વર્ણલતા દેવી કલકત્તામાં ડૉ. કૃષ્ણધન ઘોષના મિત્ર મનમોહન ઘોષને ત્યાં હતાં. ત્યાં તેમણે ઈ.સ. ૧૮૭ર પંદરમી ઓગષ્ટ સવારે ચાર ને વીસ કલાકે ત્રીજા પુત્રને જન્મ આપ્યો. તેમને બિનયભૂષણ અને મનમોહન એ બે પુત્રો હતા. સહેજ ભીનો વાન, લંબગોળ ચહેરો, વિશાળ લલાટ ને કોમળ આંખોવાળા આ પુત્રે ડૉ. કૃષ્ણધનના અંતરને આકર્ષી લીધું. પિતાએ નક્કી કર્યું કે પુત્રને પૂરેપૂરો “ઈંગ્લીશ મેન” જ બનાવવો. આથી પિતાએ એને અંગ્રેજી નામ આપવા વિચાર્યું. તે સમયે ડૉ. મનમોહનના મિત્ર કુમારી એક્રોઈડ ત્યાં હાજર હતાં. એમના નામ પરથી ડૉ. કૃષ્ણધને પુત્રનું નામ આપ્યું: “અરવિંદ એક્રોઈડ ઘોષ.” શ્રીઅરવિંદ સાથે આ નામ ઘણા વરસો જડાયેલું રહ્યું પણ પછી તેમણે પોતાના નામમાંથી એક્રોઈડ ઉડાવી દીધું.

પુત્રનો અંગ્રેજી ઢબે જ ઉછેર થાય એ માટે ડૉ. કૃષ્ણધને મિસ પેગેટ નામની અંગ્રેજી ગવર્નેસને રાખી. આથી માતૃભાષાને બદલે શ્રી અરવિંદ અંગ્રેજીમાં જ બોલતાં શીખ્યા. ઘરમાં માતા-પિતા પણ અંગ્રેજીમાં જ બોલતાં. આથી અંગ્રેજી એમના માટે માતૃભાષા જેવી સહજ બની રહી. નોકરચાકર અને ખાનસામાં ભાંગ્યુંતુટ્યું હિન્દુસ્તાની બોલતાં એટલે એ શબ્દો થોડા આવડ્યા પણ બંગાળી ભાષાનો પરિચય તેમને બિલકુલ થયો નહીં. બંગાળી ભાષા તો તેઓ ખૂબ પાછળથી શીખ્યા. નાનપણમાં બંગાળી વાતાવરણનો પરિચય તો તેઓ રજાઓમાં જ્યારે મોસાળમાં જતા ત્યારે જ થતો. મોસાળમાં, દેવધરમાં ત્રણેય ભાઈઓને ખૂબ મઝા પડતી.

ડૉ. કૃષ્ણધનની ધૂન હતી કે તેમનાં બાળકોને પૂરેપૂરા યુરોપિયન બનાવવા. એથી એમણે હવે પોતાના પુત્રોને સંપૂર્ણપણે અંગ્રેજી વાતાવરણ હોય એવી સ્કૂલમાં મોકલવાનું નક્કી કર્યું. દાર્જિલિંગની કોન્વેન્ટ સ્કૂલ ભારતમાં આવેલાં અંગ્રેજોનાં બાળકો માટે જ ખાસ બનાવવામાં આવી હતી. ત્રણ આઈરીશ સાધ્વીઓ આ સ્કૂલ ચલાવતી હતી. ત્યાં તેમણે પોતાના ત્રણેય પુત્રોને મૂક્યા. તે સમયે શ્રી અરવિંદની ઉંમર તો ફક્ત પાંચ જ વર્ષની હતી. પાંચ વરસનું બાળક તો હજુ માતા-પિતાની છત્રછાયામાં રહીને દુનિયાનો પરિચય મેળવી રહ્યું હોય. બાલમંદિરમાં જાય તેટલો વખત જ માતાથી વિખૂટું પડતું હોય, તેટલી ઉંમરે શ્રી અરવિંદને માતા-પિતાથી દૂર દૂર કોન્વેન્ટ સ્કૂલમાં અજાણ્યા વિદેશી વાતાવરણમાં રહેવાનું થયું. અલબત્ત તેમનાં બે મોટાભાઈઓ તેમની સાથે તો હતા, પણ તેઓ પણ હજુ બાળક જ હતા ! આ પાંચ વરસની વયે શ્રીઅરવિંદ માતા-પિતાથી છૂટા પડ્યા એ પછી ક્યારેય એમને માતા-પિતા સાથે રહેવાનું થયું નહીં.

દાર્જિલિંગમાં શ્રી અરવિંદ બે વરસ રહ્યા. આ સમય દરમિયાન એમને એક વિલક્ષણ અનુભવ થયો હતો. એક રાત્રે તેઓ સૂતા હતા, ત્યારે તેમણે ગાઢ અંધકારને પોતા પર ધસી આવતો જોયો. એ અંધકાર એમની ચોતરફ ફરી વળ્યો ને તેમની અંદર પણ ઘૂસી ગયો. તેઓ ઈંગ્લેન્ડમાં રહ્યા ત્યાં સુધી આ અંધકાર એમની સાથે જડાયેલો રહ્યો. જાણે વિદેશી સંસ્કૃતિએ એમને ઘેરી લેવા માટે આક્રમણ કર્યું ન હોય ! પણ ત્યારે તો તેઓ ખૂબ નાના હતા ત્યારે આ અનુભવ એ શું છે, તેની તેમને ખબર ન હતી.

શ્રીઅરવિંદ આઈ.સી.એસ. અધિકારી ન બની શક્યા એનું એમના પિતાને ઘણું દુ:ખ થયું. એમણે તો પોતાના પ્રિય અરો માટે બંગાળના સારા ગણાતા આરા જિલ્લાના ક્લેક્ટર તરીકેની નિમણૂંકની જોગવાઈ પણ પોતાના અંગ્રેજી મિત્રો મારફત કરાવી રાખી હતી. પણ બ્રિટિશ સરકારે શ્રી અરવિંદને આઈ.સી.એસ.ની પદવી ન આપતાં, ડૉ. કૃષ્ણધનની આશાઓના ચૂરેચૂરા થઈ ગયા. તેઓ ખૂબ નિરાશ થઈ ગયા હતા. શ્રીઅરવિંદ પણ હવે શું કરવું એની મૂંઝવણમાં હતા, એ માટે તેઓ પિતાના મિત્ર જેમ્સ કોટનને મળવા ગયા અને હિંદમાં ક્યાંય નોકરી મળી જાય તો સારું એવી પોતાની ઈચ્છા જણાવી. એટલે જેમ્સ કોટને કહ્યું: “તો તો હમણાં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ અહીં જ છે. તેમને વાત કરું.” અને થોડા દિવસોમાં જ મહારાજાએ શ્રીઅરવિંદને મળવા બોલાવ્યા. પહેલી જ મુલાકાતમાં મહારાજા પારખી ગયા કે આ કોઈ સામાન્ય હિંદી યુવાન નથી. પણ ભાગ્યે જ જોવા મળે એવું અમૂલ્ય રત્ન છે. એટલે એમણે તો નક્કી જ કરી લીધું કે કોઈ પણ રીતે આ યુવાનને વડોદરા રાજયમાં લઈ જ જવો. એટલે એમણે મુલાકાતને અંતે પૂછ્યું: “કહો, તમે કેટલો પગાર લેશો ?” પહેલી જ મુલાકાતમાં આમ નોકરી મળી જશે એનો તો શ્રીઅરવિંદને ખ્યાલ પણ નહોતો અને પગાર માટે તો એમણે કશું વિચાર્યું પણ ન હતું. એટલે એમણે મહારાજાને કહ્યું. “એ તો હું દાદાને (મોટાભાઈ) પૂછીને આપને જણાવીશ.” અને પછી મોટાભાઈ અને જેમ્સ કોટને એમને બસ્સો રૂપિયાનો પગાર બરાબર કહેવાય એમ જણાવ્યું. સાથે એમ પણ કહ્યું કે જો મહારાજાને બસ્સો રૂપિયા વધારે લાગે તો પછી દોઢસો સ્વીકારી લેવા.

આમ શ્રીઅરવિંદ મહારાજાની પાસે બસ્સો રૂપિયા પગારની માંગણી મૂકી અને કહેલી રકમ મહારાજાએ તુરત જ સ્વીકારી લીધી. મહારાજા તો શ્રીઅરવિંદ વધારે રકમ માંગી હોત તો પણ આપત. આમ મહારાજાએ શ્રીઅરવિંદને વડોદરા રાજ્યના અધિકારી તરીકે લંડનમાં જ નિમણૂંક આપી દીધી. આ નિમણૂંકથી મહારાજા ખૂબ પ્રસન્ન હતા. તેઓ પોતાના મિત્રોને કહેતા ફરતા કે જુઓ મને બસ્સો રૂપિયામાં રત્ન જેવો માણસ મળી ગયો અને તે પણ પાછો આઈ.સી.એસ. સિવિલિયન. એ ગૃહસ્થ બસ્સો રૂપિયામાં કેવી રીતે માની ગયા એ જ મને નવાઈ લાગે છે .” (ક્રમશ:) 

 

શ્રી અરવિંદ :: કવિહૃદયાં માતાશ્રી તો ઉદાર હૃદયવાળા પિતા !!

ગુજરાતનું સદ્ભાગ્ય છે કે આ મહામાનવે ગુજરાતની ભૂમિ પર સાડાતેર વર્ષ સુધી વસવાટ કર્યો !!

ભદ્રાયુ વછરાજાની                                                   bhadrayu2@gmail.com 

                                             (03)

આધુનિક યુગના દ્રષ્ટા, ભારતમાતાને ગુલામીમાંથી મુક્ત કરવાં સતત ઝઝૂમીને સ્વાતંત્ર્ય સંગ્રામનો પથ કંડારી આપનારા, સમગ્ર માનજાતિને અંધકારમાંથી પ્રકાશમાં લઈ જવા માટે પ્રચંડ સાધના કરી મનસાતીત દિવ્યચેતનાનું અવતરણ કરાવનારા મહર્ષિ શ્રીઅરવિંદની ૧૫૦ મી જન્મજયંતીના વર્ષમાં એમના જીવનનું ક્રમબદ્ધ વિહંગાવલોકન કરીએ. મહાયોગી શ્રી અરવિંદના જીવન કવન અંગે લખાયેલ અનેક પુસ્તકોના આધારે અહીં આપણે આચમન કરીશું. 

ગુજરાતનું એ મહાન સદ્ભાગ્ય છે કે આ મહામાનવે ગુજરાતની  ભૂમિ પર સાડાતેર વર્ષ સુધી વસવાટ કર્યો. વડોદરાને તેમણે પોતાની કર્મભૂમિ બનાવી. એમના જીવનના ચાર મહાન કાર્યો શિક્ષણ, સ્વાતંત્ર્ય સંગ્રામ, સાહિત્ય સર્જન અને યોગ – આ બધાંનો પ્રારંભ ગુજરાતમાં જ થયો. પોન્ડિચેરીને બાદ યુગદ્રષ્ટાન્ત જે ભૂમિ પર આટલો લાંબો સમય રહ્યા એ ગુજરાતની પાવક ભૂમિના સંતાનોને, ગુજરાતની નવી પેઢીને, એમના જીવન – કવનનો પરિચય થવો જોઈએ એ ઉદ્દેશ્યથી ટૂંકા મુદ્દાઓમાં આપણે આગળ વધીએ. 

 બંગાળની અનોખી ભેટ છે. સશ્ય શ્યામલા બંગાળની ભૂમિએ ભારતમાતાને ચરણે અનેક સપૂતો ધર્યા છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુની કૃષ્ણભક્તિએ ભારતભરમાં કૃષ્ણભક્તિની ધારા વહાવી. રાજા રામમોહનરાયે ગુલામ બની ગયેલી પ્રજાના માનસમાં નવજાગૃતિનો સંચાર કર્યો. પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે સમાજ-સુધારણાની જેહાદ જગાવી. શ્રી રામકૃષ્ણ પરમહંસે પોતાની આધ્યાત્મિક અનુભૂતિઓના પ્રકાશથી ભારત વર્ષને આલોકિત કર્યું અને તેમનાં પરમ શિષ્ય સ્વામી વિવેકાનંદે તો પોતાની ઓજસ્વી વાણીથી વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મની પુન:પ્રતિષ્ઠા કરી. તેમણે હિંદની પરાધીન પ્રજાના અંતરમાં રહેલી શક્તિને જગાડી. એ જાગેલી શક્તિને વધુ પ્રબળ બનાવવા, કાર્યાન્વિત કરવા અને આધ્યાત્મિક જગતમાં એક નવી જ દિશા ખોલવા બંગાળની ભૂમિએ ભારતમાતાના ચરણે એક અનોખા સપૂતની ભેટ ધરી અને તે છે શ્રી અરવિંદ ઘોષ.

 ક્રાંતિકારી વિચારસરણીવાળા પિતા.. આજથી લગભગ ૧૬૦ વર્ષ પહેલાંની આ વાત છે. કલકત્તાના કોન્નગરના રહીશ ડૉ. કૃષ્ણધન ઘોષ ત્રણ વરસ ઈંગ્લેન્ડમાં એબર્ડન યુનિવર્સિટીમાં અભ્યાસ કરી તબીબી ક્ષેત્રની ઉચ્ચ પદવી મેળવી પાછા ફર્યા હતા. ઈંગ્લેન્ડના વસવાટે તેમને પૂરેપૂરા યુરોપિયન બનાવી દીધા હતા. તેમનો પહેરવેશ તો યુરોપિયન ઢબનો જ હતો. પણ રહેણીકરણી, આચારવિચાર બધું જ યુરોપિયન બની ગયું હતું. હિંદુ સંસ્કારો અને હિંદુ ધર્મમાં એમને બિલકુલ શ્રદ્ધા ન હતી. પરંતુ તેમનું હૃદય ખૂબ કોમળ હતું અને માનવતાથી ભરેલું હતું. બીજાનાં દુઃખ જોઈને તેઓ દ્રવી જતા અને પોતાનાથી શક્ય એટલી તરત જ સહાય કરી દેતા. હવે તેઓ વિદેશથી કલકત્તા પાછા આવ્યા ત્યારે તેમના કુટુંબીજનોએ કહ્યું: “તમે વિલાયત જઈ આવ્યા છો, તમારે પ્રાયશ્ચિત કરવું પડશે. પ્રાયશ્ચિત કરો પછી જ અમે તમારી સાથે સંબંધ રાખીશું. આ પ્રાયશ્ચિત એટલે મસ્તક મૂંડાવીને ગોમૂત્ર અને છાણથી સ્નાન કરી યજ્ઞ કરવાનો ને બ્રાહ્મણોને દક્ષિણા આપવાની.” એક તો ડૉ. કૃષ્ણધનને હિંદુ રિવાજો પ્રત્યે નફરત હતી અને એમાં આવી આ પ્રાયશ્ચિતની  વાત ! એમનો તો રોષ ભભૂકી ઊઠ્યો: “હું વિલાયત ભણવા ગયો હતો. મેં કંઈ પાપ  કર્યું નથી કે મારે પ્રાયશ્ચિત કરવું પડે. તમારે સંબંધ ન રાખવો હોય તો ન રાખતા. પણ હું કંઈ પ્રાયશ્ચિત કરવાનો નથી.” તેઓ પોતાના નિર્ણયમાં અડગ રહ્યા. પણ પછી  સગાંસંબંધીઓ સાથે એમણે જ વ્યવહાર રાખ્યો નહીં. બાપદાદાનું મકાન સસ્તી કિંમતે કોઈ બ્રાહ્મણને એમણે વેચી દીધું. પછી તેઓ કદી ત્યાં ગયા જ નહીં. ભલે તેમને હિંદુ ધર્મમાં બિલકુલ શ્રદ્ધા ન હતી, પણ પોતાની માતાના મૃત્યુ પછી માતાની ઈચ્છાનુસાર તેમણે માતાનું શ્રાદ્ધ પણ કર્યું હતું અને કાશી વિશ્વનાથના મંદિરમાં એક હજાર રૂપિયા પણ આપ્યા હતા.

શ્રી અરવિંદના માતાશ્રી કવિહૃદયાં હતા તો પિતા ઉદાર હૃદયવાળા હતા.  ડૉ. કૃષ્ણધન ઘોષના પત્ની સ્વર્ણલતાદેવી. તેઓ ખરેખર સ્વર્ણની વેલ જેવા સુંદર હતાં અને તેથી ડૉ. કૃષ્ણધનના અંગ્રેજ મિત્રો તો એમને રંગપુરનું ગુલાબ કહેતા. તેઓ એ સમયના બંગાળના ઋષિ ગણાતા ડૉ. રાજનારાયણ બોઝનાં પુત્રી હતાં. એ સમયે તેમણે અંગ્રેજી કેળવણી લીધી હતી. તેઓ પતિની ઈચ્છાનુસાર અંગ્રેજી ઢબથી જ રહેતાં હતાં. ઘોડેસ્વારી કરતાં, ગાઉન પહેરતાં, અંગ્રેજીમાં વાતચીત કરતાં, કવિતાઓ ને લેખો લખતાં. ડૉ. કૃષ્ણધન રંગપુરા, ભાગલપુર અને ખુલનામાં સિવિલ સર્જન તરીકે હતા. આ ગામોના વિકાસમાં તેમણે ખૂબ ભાગ ભજવ્યો હતો એટલે ખુલનામાં તો એમની સ્મૃતિમાં એક નિશાળ શરૂ કરવામાં આવી હતી અને ટાઉનહોલમાં એમની છબી મૂકવામાં આવી હતી. રંગપુરમાં પણ લોકોએ એમના નામની કે.ડી. કેનાલ બનાવી હતી. ઉદાર, પરગજુ અને મિલનસાર સ્વભાવને લઈને ડૉ. કુષ્ણધને લોકોની અપૂર્વ ચાહના મેળવી હતી. એમનું મિત્રમંડળ પણ ઘણું મોટું હતું. જે કોઈ એમને એકવાર પણ મળતું, તે એમને ભૂલી શકતું નહીં એવું મધુર એમનું વ્યક્તિત્વ હતું. રાજનારાયણ બોઝને એક અંગ્રેજ પાદરીએ એમની વાત કરતાં કહ્યું હતું : “ડૉ. કૃષ્ણધન ઘોષ ! અરે, એમના જેવો મધુર ચહેરો મેં કદી જોયો નથી !” (ક્રમશ:)