
અમને એક વર્ષ માટે રૂ. ૧૦૦ની વગર વ્યાજની લોન આપો.
મહેન્દ્રભાઈ મેઘાણી આપણી વચ્ચે હવે નથી પણ તેમનું સાહિત્યસર્જન અને પબ્લિકેશન મૅનેજમેન્ટ આજે પણ સ્મરણયાત્રા જેવું છે. મહેન્દ્રભાઈને યુવાનીમાં શ્રમ કરવા માટે રોજ એક કલાક દળવાનો શોખ. ઘરનાં, પાડોશનાં, મિત્રોનાં અનાજને ધંટીમાં દળી દે. શોખ પોષવા દળણાં ઉઘરાવવા પણ જાય ! પ્રસંગે ભેટમાં પોતે દળેલ થૂલી કે લાપસી આપી આવે ! ભાવનગરના જાણીતા કાર્યકર આત્મારામ ભટ્ટની દીકરી કુમુદનાં લગ્નમાં લાપસી ભરડીને પહોંચાડેલી, ત્યારથી કુમુદ તેમના ભાઈ મહેન્દ્ર મેઘાણીને રાખડી બાંધતાં !
આમ તો, મહેન્દ્ર મેઘાણી એટલે સતત સાહિત્યસર્જન અને વાંચનના વ્યાપ માટે વિચારતી કરુણાશીલ વ્યક્તિ.
એક વિચાર આવ્યો. લોકો પુસ્તકો સુધી આવે તેની રાહ જોવાને બદલે લોકો જ્યાં છે ત્યાં પુસ્તકોને લઈ જઈએ તો ? આ વિચારે જન્મ આપ્યો ‘પુસ્તકમેળા’ને. મુંબઈમાં સુંદરબાઈ હૉલમાં પહેલો પુસ્તકમેળો કર્યો. ‘લોકમિલાપ’ના કાર્યકરો અને બાકી સ્થાનિક મદદકર્તાઓ, ઉતારો સ્થાનિક મિત્રોના ઘરે, હોટેલમાં નહીં. ખર્ચ ઘટાડો પણ પુસ્તકો પોષાય તેવી કિંમતમાં વેચો. પૂના, વડોદરા, ભરૂચ, સુરત, રાજકોટ અને ત્યાંથી વિદેશોમાં પણ પુસ્તકમેળાઓ યોજાવા લાગ્યા. ‘લોકભારતી’ના વિદ્યાર્થી અને ‘લોકમિલાપ’ના ચાહક હિરજીભાઈ શાહ આફ્રિકામાં રહે. એમણે કેન્યા, યુગાન્ડા અને ટાંઝાનિયામાં વસતા ગુજરાતીઓ માટે ૧૯૬૭મા પુસ્તકમેળો યોજવા મહેન્દ્ર મેઘાણીને આમંત્ર્યા. પુસ્તકો પહેલાં શિપમાં રવાના કરવાનાં. વેચાણમાંથી વળતર મળે તેમાંથી પ્રવાસખર્ચ નીકળ્યું.
૧૯૬૯માં ગાંધી શતાબ્દી વર્ષ હતું. એક વર્ષ આગોતરું આયોજન શરૂ કર્યું. ગાંધીની ભૂમિનો વ્યાપક પરિચય આપતાં ચારસો ભારતીય પુસ્તકો જે અંગ્રેજીમાં હતાં તેની યાદી બનાવી. સ્પૉન્સરિંગ કમિટી બનાવી, જેમાં જે. પી., નારાયણ દેસાઈ, વી. ડી. કેશકર, ગગનવિહારી મહેતા, મુલ્કરાજ આનંદ… આ નામો વિદેશોમાં પ્રખ્યાત અને આદરપાત્ર. એક હજાર ડૉલરમાં ચારસો પુસ્તકોની યાદી અને કમિટીની યાદી સાથે વિશ્વના દેશોને પત્રો લખ્યા. ન્યૂયૉર્કમાં નૉર્મન કઝીન ‘સેટર ડે રિવ્યૂ ઑફ લિટરેચર’ નામથી અઠવાડિક બહાર પાડે, તેમાં આ પત્ર છપાયો ને કૅનેડા, અમેરિકા, ઇંગ્લૅન્ડથી આમંત્રણો આવ્યાં. વિશ્વના અઢાર દેશોમાં જવાનું હતું, ચારસો ઉત્તમ પુસ્તકો લઈને. વળી, પુસ્તકો તો પહેલાં રવાના કરવાં પડે એટલે ખરીદવાં પડે એટલે નાણાંની જરૂર પડે. એ વખતે એક ડૉલરના ચાર રૂપિયા હતા. ‘લોકમિલાપ’ને એક લાખ રૂપિયાની જરૂર હતી. ‘મિલાપ’ માસિક દ્વારા અપીલ કરી : ‘અમને એક વર્ષ માટે રૂ. ૧૦૦ની વગર વ્યાજની લોન આપો.’ ચપટી વગાડતાં એક લાખ રૂપિયા મળ્યા. ૧૯૬૯નું આખું વર્ષ અઢાર દેશોમાં ફરીને ગાંધીભૂમિના ઉત્તમોત્તમ પુસ્તકોના મેળાનું મહેન્દ્રભાઈએ જબરૂ આયોજન કર્યું અને તે પણ લોકસહયોગથી લોકમિલાપ ટ્રસ્ટના પ્રમુખ હતા.‘લોકમિલાપ’ દ્વારા !
૧૯૭૨માં ઝવેરચંદ મેઘાણીની પંચોતેરમી જન્મજયંતીએ તેમના સાહિત્યનો વ્યાપક ફેલાવો કરવા લોકમિલાપ મેઘાણીનાં કાવ્યો, નવલિકાઓ અને લોકકથાઓનાં અઢીસો પાનાંનાં ત્રણ પુસ્તકોનો સંપુટ ‘કસુંબીનો રંગ’ નામથી બહાર પાડ્યો. સાતસો પચાસ પાનાંનું સુંદર પ્રકાશન. કિંમત રાખી રૂ. વીસ, પણ અગોતરા ગ્રાહક થાવ તો માત્ર રૂપિયા દસ અને દસ સેટ મંગાવો તો માત્ર રૂપિયા પાંચમાં !!! મેઘાણી કુટુંબે પુરસ્કાર જતો કરેલો. ‘અગોતરા ગ્રાહક’ યોજનાની વિશેષતા એ કે જેટલાં વેચવાનાં એટલાં જ છાપવાનાં. કશું પડતર કે વ્યય નહીં. ‘કસુંબીનો રંગ’ના સવા લાખ સેટના ઑર્ડર મળ્યા..
મહેન્દ્રભાઈ કહે છે કે, ‘રસ પડે, સમજાય અને પરવડે તેવું સાહિત્ય આપે તો લોકોને વાંચવું જ છે.’ પછી તો સતત ચાર વર્ષ આ જ યોજના દ્વારા ‘આપણો સાહિત્યવારસો’ શીર્ષકથી જુદા જુદા લેખકોનાં પાંચ પાંચ પુસ્તકો પ્રકાશિત થયાં. ચયનની જવાબદારી ઉમાશંકર જોશીએ વહન કરી, કારણ ઉ. જો.લોકમિલાપ ટ્રસ્ટ ના પ્રમુખ હતા.
‘મિલાપ’ માસિક પચાસ વર્ષ ચાલેલું. તેની ફાઈલોમાં કેટલું સંગ્રહાયેલું ? નવી પેઢી સુધી તેમાંથી શ્રેષ્ઠતમ સાહિત્ય પહોંચાડીએ તો ? તેમાંથી પ્રગટ થઈ ‘અરધી સદીની વાચનયાત્રા’ અને એ તો ગુજરાતમાં અને ગુજરાતીઓના ઘરેઘર પહોંચી ! ‘લોકમિલાપ’ની એક ઓળખ તે ખિસ્સાપોથીની. બત્રીસ પાનાં અને બુશશર્ટના ખિસ્સામાં સમાઈ સમાઈ જાય તેવી નાની પુસ્તિકાઓનાં ત્રીસ શીર્ષક થયાં ને તેની દસ લાખ નકલો છપાણી !
મહેન્દ્રભાઈ લોકો સુધી પહોંચવા હંમેશાં તત્પર. કોઈ કહે, લોકો વાંચતા નથી તો મહેન્દ્રભાઈએ વાચનયાત્રા શરૂ કરી. મેઘાણીભાઈની નેવુંમી જન્મજયંતીએ તેમણે નેવું દિવસની વાચનયાત્રા આરંભી. ઘરે ઘરે જવાનું. ઘરનાંને અડોશપડોશના ચાલીસ પચાસની વચ્ચે અર્ધો પોણો કલાક બેસી શ્રેષ્ઠ કશુંક વાંચી સંભળાવવાનું અને એમ વાચનનો ચેપ લગાડતા જવાનો !!
પ્રેમમંદિર, નર્મદા-૪, અમીન માર્ગ, ટીસીબી બેકરી પછીની શેરી, રાજકોટ