જગત, જાત અને જગતનો જાત સાથેનો સંબંધ

જનકલ્યાણ માર્ચ- ૨૦૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

બધું જ ઈમ્પોર્ટન્ટ ભાઈ, આપણે બધું જ બરાબર કરીએ છીએ ને !’  એક પ્રખર  અધ્યાપકનો  જવાબ… 

આ અહીં પહોચ્યાં પછી આટલું સમજાય છે,

કોઈ કાંઈ કરતું નથી, આ બધું તો થાય છે !

જીવ અને શિવનો આટલો ઊંડો મર્મ ટૂંકમાં કહી દેનાર કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ તેમનાં જીવનની વાતો માંડતા હોય તો  સાંભળવી કોને  ન ગમે ??

“ઘણીવાર કોઈ  મિત્રો મને પૂછે કે, તમે તમારા સમકાલીન કવિઓ કરતાં જુદા કેમ છો?, તો હું કહું એમને, કે 20 વર્ષની ઉંમરે હું અમદાવાદ આવ્યો ભણવા માટે, ત્યારે મને પહેલી વાર ખબર પડી કે માણસ બોલીને ફરી જાય. ત્યાં સુધી સૌરાષ્ટ્રનાં સંસ્કાર, તો હું બોલ્યો એટલે બોલ્યો. એટલે  ‘હા’ તો ‘હા’ અને ‘ના’ તો ‘ના’ એમ જ હોય. એની બદલે ‘હા’ હોય અને છેક સુધી ‘ના’ હોય, એવું બને એવો પહેલો-વહેલો અનુભવ થયો, એ આઘાતજનક હતું. બીજો અનુભવ એ હતો કે, બપોરે આટલા બધા લોકો બહાર હોય એ પણ મારાં માટે નવો અનુભવ હતો. તો હું  જુદો  છું એનું કારણ એ કે, આ ઉંમરે મને જગત, જાત અને  જગતનો જાત સાથેનો સંબંધ, આ બધું પૂરેપૂરું સમજાતું નોહતું એ સમયે મને એ.જી.ભટ્ટસાહેબ (અનુપરામ ગણપતરામ ભટ્ટ)  જેવા માણસ પાસે ભગવતગીતા ભણવા મળ્યું..!!  એ ભગવતગીતા ભણાવે એવા પૂર્ણ શિક્ષક  જોયા નથી. એ ભગવતગીતા ભણાવે, પહેલેથી જ ત્રણ ને બદલે ચાર પિરિયડ અઠવાડિયાનાં ગોઠવે, ટ્યુટોરિયલ એમાં ઉમેરી દે, અને એક-એક શ્લોક ભણાવે. એ જ વખતે ઝેવિયર્સ  વગેરેમાં સિલેક્ટેડ એંસી  શ્લોકો ભણાવતાં હતાં અને અમારા કરતાં એમના માર્ક વધારે આવતાં હતા. પણ જીવનમાં અમને જે લાભ મળ્યો એ કદાચ એમને મળ્યો હશે કે કેમ ? એ પ્રશ્ન છે. 

…તો ભગવતગીતા ભણાવે, તેમનો મોટી સાઈઝનો ગ્રંથ, સાહેબ આવે, ગ્રંથ ખુલે, ભણાવવાનું શરુ થાય. એ જે બોલે એ જો લખી લેવામાં આવે તો સીધું પ્રિન્ટમાં જઈ શકે એમ હોય. વચ્ચે દોઢ મહિનાનો ગેપ ગયો હોય, તો પણ છેલ્લા પિરિયડનું છેલ્લું વાક્ય અને પછીના પિરિયડનું પહેલું વાક્ય એનું અનુસંધાન હોય !!!. આટલું પરફેકશન ! બીજો ચમત્કારિક અનુભવ એ થાય, એ જે બોલે એને તેઓ અક્ષરસઃ અનુસરતા હોય એકાગ્રતાથી. જે દુર્લભ છે એ  અમને સુલાભ્ સદ્ભાગ્ય હતું. તો એવો અનુભવ થાય કે જે ક્ષણે તમને કંઈક ન સમજાય કે તમે અટકો કે બીજા વાક્યમાં એનું સમાધાન હોય.. એને ખબર હોય કે મારો વિદ્યાર્થી ક્યાં અટકશે.?? ક્યારેય પૂછવું ન પડે. પછીના વાક્યમાં એનું સમાધાન હોય જ. એ આ શિક્ષકની પૂર્ણતા. અને બીજો એક એકદમ ચમત્કારિક લાગે એવો અનુભવ એમની ઉમર હતી.  એ રાયપુરથી બસમાં આવે, શરીરમાં વ્યાધિઓ તો ક્યારેક એ મોડા પડે પણ એમનો પ્રભાવ એવો હતો કે એમની રાહ જોવે સૌ, કોઈપણ વિદ્યાર્થી ક્લાસની બહાર લોબીમાં પણ જાય નહિ. પોતાની જગ્યાએ જ બેઠા હોય. 

એ લોબીમાંથી આવતાં દેખાય, ધીમે-ધીમે આવતાં હોય, મોઢું વિક્ષિપ્ત  હોય, મ્લાન  હોય એટલે આપણને ખબર પડે કે એમને શરીરમાં પીડા છે. આવે, બેસે, ગ્રંથ ખોલે, ભણાવવાનું શરુ થાય, પાંચમી મિનિટ પછી એમનો ચહેરો દૈદિપ્યમાન હોય. બેલ પડે, ગ્રંથ પૂરો થાય, પાછી પેલી વિક્ષિપ્તતા અને મ્લાનતા આવી જાય, પીડાની સભાનતા આવી જાય, પણ ભણાવે ત્યારે દેહ ભાન ના હોય. આ  તો એકદમ અદ્વિતીય અનુભવ… આ પૂર્ણ શિક્ષક. એક વાર કોઈ  વિદ્યાર્થીએ પૂછ્યું કે, ‘સાહેબ આમાં ઈમ્પોર્ટન્ટ શું?’, તો ખભ્ભે હાથ મૂકીને કહે, ‘બધું જ ઈમ્પોર્ટન્ટ ભાઈ, આપણે બધું જ બરાબર કરીએ છીએ ને !’  આવો જવાબ… તો આ બધા જે લાભો મળ્યા, એને કારણે એક વ્યક્તિત્વ એવું ઘડાયું કે જયારે બહુ જ જરૂર હતી, કાંઈ સમજાતું નોહ્તું, ત્યારે ભગવતગીતા તેમણે ભણાવી. અને એ માણસે ભગવતગીતા ભણાવી કે, જે ભગવતગીતાને જીવનમાં ઉતારવાનાં સતત પ્રયત્ન કરતો હોય, એ માણસ… એટલે એના શબ્દોમાં જે ચાર્જિંગ હોય, જે ઉર્જા હોય, એ જો તમે રિસેપ્ટિવ હોવ, ગ્રહણશીલ હોવ, તો તમારામાં એ પુરેપુરી આવે. તમે આવવા દો તો આવે, બધાને એનો લાભ મળતો હશે કે કેમ એ ખબર નથી. પણ મને તો અવશ્ય લાભ મળ્યો છે. એમને મોટા કદનું પુસ્તક, એક જ શ્લોક હોય ઉપર, એની નીચે સાત આચાર્યોની ટીકા હોય, શંકરાચાર્યથી માંડી ને નિમ્બાર્કાચાર્ય સુધીની ટીકાઓ હોય, અને એમાં પાછું એક-એક પેજ ઉમેરેલું હોય ખોલીને એમાં એમની નોંધ હોય..! તમે ભગવતગીતા વિષે ગ્રંથાલયમાં જાઓ તો કબાટ બે કબાટ ભર્યા પુસ્તક મળે. તમે કોઈપણ  પુસ્તક લઈને એમ કહી ન શકો કે,  ‘તમે અમને આ નોહ્તું કીધું.’ એવું સંપૂર્ણ શિક્ષણ અને એ શિક્ષણની મૂળભૂત કેટલીક વાત..!  એકવાર અમને કે, ‘તમે આ નોટ લો છો, એનું પછી શું કરો છો?’ તો કહીએ, ‘અમે સાહેબ વાંચીએ,’ તો કહે,  ‘એમ ન હોય, જેટલી વાર વાંચો એટલી વાર સંક્ષેપ થવો જોઈએ, તો જ વ્યવસ્થાપન થાય.’ પછી પોતાની વાત કરી, હું એમ. એ. ની પરીક્ષા વખતે બોમ્બે યુનિવર્સિટી (સિંધ હૈદરાબાદથી માંડીને નિઝામ હૈદરાબાદ સુધી આખી મોટી યુનિવર્સિટી)  હું એમ. એ.  પરીક્ષા આપવા મુંબઈ ગયો, ત્યારે હું સાથે એક જ નોટ લઈને ગયો હતો, એમાં મારાં બધા પેપર હતા. એટલે આ સંક્ષેપ થતું- થતું એટલું થઈ ગયું કે, છેલ્લી ઘડીએ રીફર કરવું હોય તો તરત થઇ જાય અને બાકી બધું વ્યવસ્થિત મનમાં ગોઠવાયું હોય… અને ભટ્ટસાહેબ પાછા  ‘યુનિવર્સિટી ફર્સ્ટ, ઈન ઓલ યુનિવર્સિટી’ – વ્યાકરણ વિષયમાં. સંસ્કૃતમાં વિવિધ વિષયો હોય, તર્ક આવે, વેદાંત આવે, ઉપનિષદ આવે, ભગવતગીતા આવે, તો આ બધા વિષયોમાં એવો સરસ પ્રવેશ કરાવે કે તમે પછી જાતે એ વિષયોમાં ગતિ કરી શકો. તેઓ  તમારા મૂળભૂતને  એટલું બધું સ્પષ્ટ કરી આપે કે, તમને સ્વકીય ગતિ પ્રાપ્ત થાય.”

અધ્યાપકોની એક ઉજ્જવળ પરંપરાના શ્રી ભટ્ટસાહેબ અને તેમના ઉજ્જવળ વિદ્યાર્થી કવિશ્રી રાજેન્દ્ર શુક્લ.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


5478 5471