ચાર દિવસની જિંદગી હોય , તો પછી પાંચમાં દિવસે ??

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

જીવનનું રહસ્ય સમજવું હોય તો મૃત્યુનું રહસ્ય પહેલાં સમજવું પડે. જીંદગીની ચાવી મૃત્યુમાં રાખેલી છે.

ઘણા લોકોને ઘણીવાર એવું બોલતાં સાંભળીએ છીએ કે, આ જીંદગી ચાર દિવસની છે. ‘ચાર દિન કી ચાંદની’ એવું લોકો કહેતા હોય છે. મનમાં ક્યારેક પ્રશ્ન થાય કે, ચાર દિવસની જીંદગી છે એનો ખરેખર વ્યાપક અર્થ શો કરવો? ચાર પછી આવતો પાંચમો દિવસ શું છે ? અને વાસ્તવમાં આ પાંચમો દિવસ ચાર પછી જ આવે  કે ?

મન છે એટલે એને પ્રશ્નો થવાના. અને પ્રશ્ન થશે તો એના ઉત્તર શોધવા માટે ગડમથલ કરવાની. ચાલો,  આજે થોડી ગડમથલ કરીએ.

ખરેખર આ ચાર દિવસમાં જ જિંદગી છે અને પછી શું મૃત્યુ છે? ના, આ ગૂઢ વાત છે. ઊંડાણ વાળી વાત છે. ઝડપથી મનમાં ઉતરી જાય એવી વાત નથી. પાંચમા દિવસનો અર્થ જ એ છે કે, જ્યારે તમારી ચાર દિવસની જિંદગી પૂરી થઈ અને પરમાત્મા સાથે મિલનની ઘડી આવી તે પાંચમો દિવસ છે. ચાર દિવસમાં ઈશ્વર સાથે મિલન થતું નથી. કારણ કે જિંદગી આપણી છે એટલે એમાં અહંકાર છે. અહંકારમાં ક્યારેય  મિલન શક્ય નથી. મિલન તો અહંકાર છૂટી જાય પછીના મૃત્યુમાં છે. જે મટી જાય છે, જે ઓગળી જાય છે, તેનું મિલન શક્ય છે. અને એ મિલન શક્ય બને તે દિવસ એ પાંચમો દિવસ છે. જે જીંદગીની બહાર હોઈ શકે. એનો અર્થ એવો થયો કે,  આપણે જીવતા શીખીએ કે ન શીખીએ પણ આપણે મરતા શીખવું પડે. અને તો જ પાંચમો દિવસ આપણે જોઈ શકીએ.

હકીકતમાં મરવાની કળાનું નામ ધર્મ છે. એવી રીતે મરવાની કળા કે ફરી તમારે જન્મ લેવો પડે. એવી રીતે મરવાની કળા કે જેમાં મર્યા એટલે મર્યા, કાયમ માટે મર્યા. જેમ આપણે ફના થઈ ગયા એમ કહીએ, એટલે કે ભસ્મ થઈ ગયા, એમ શૂન્ય થઈ ગયા. તો અસલી જીંદગી જો મેળવવી હોય તો ફના થઈ જવું પડે. અસ્તિત્વ સાથે મેળાપ કરવો હોઈ, વાસ્તવિક અસ્તિત્વ સાથે ભળી જવું હોય તો આપણે મરણની કળા શીખવી જોઈએ. વાત તો જરા ઉલ્ટી થઈ કે તમારે જીવનનું રહસ્ય સમજવું હોય તો મૃત્યુનું રહસ્ય પહેલાં સમજવું પડે. જીંદગીની ચાવી મૃત્યુમાં રાખેલી છે. આપણે  જીવનભર એની શોધ કરીએ છીએ.  એટલે આપણને એનું રહસ્ય મળતું નથી.પરંતુ રહસ્ય એને મળે છે, જે મૃત્યુમાં તેને શોધે છે.

આપણે  પેલી જૂની પુરાણી વાર્તાઓ યાદ કરીએ. બાળકોની કહાનીઓમાં એવું કહેવામાં આવતું કે,  કોઈ રાજા એવો હતો કે જેને કોઈ મારી ન શકે, એટલે પોતાની જીંદગી એક પોપટમાં, પોપટની ગરદનમાં રાખી દે. રાજા ઉપર ગમે તેટલા ઘા કરો પણ તે મરે નહિ. પણ તમે જેવું જઈને પોપટની ગરદન મરડી દો, તે તરત જ રાજા મરી જાય.!! ત્યારે તો આ વાર્તા ક્ષુલક લાગતી હતી. આજે હવે અર્થપૂર્ણ લાગે છે. આમ જો કે બાળકોની જ વાર્તા છે, વૃદ્ધો સમજી ન શકે. પણ નાનપણમાં આપણને એ રહસ્ય સમજાવવા તરફ ઈશારો કરતી એ કહાની છે. એમ કહેવા માંગે છે કે જ્યાં તમને જીંદગી દેખાય છે,  ત્યાં જીંદગી નથી. જીંદગીનું રહસ્ય કોઈ બીજી જગ્યાએ  પડ્યું છે. તમે જેના વિશે વિચારી પણ નથી શકતા એ જગ્યાએ છુપાયેલું છે. હું અને તમે જેની કલ્પના ન કરી શકીએ એવી જગ્યાએ એ પડ્યું છે. અને તેથી જે  હોશિયાર છે તે લોકો એવી જગ્યાએ વસ્તુને સંતાડી દે છે કે જેના વિશે કોઈને કશો વિચાર ન આવે.

એક ઉદાહરણ લઈએ. મારી પાસે કેટલાક અસલી હીરા છે. હવે એને હું મારા ઘરમાં રહેલી કચરો ભરવાની બાલ્ટીમાં નીચે સંતાડીને રાખી દઉં છું. આમ કરવાથી ઘરમાં ઘૂસીને ચોર કશું પણ મેળવવા માંગે તો એને હીરા સુધી પહોંચવામાં તકલીફ પડવાની. કારણ કે કોઈ ચોર આવીને કચરા ટોપલી નથી જોવાનો. એ તિજોરીમાં શોધશે. જેની ઉપર બહાર તાળું લટક્યું છે, તેની અંદર હશે એમ માનશે. ક્યાંક જમીનમાં ટાઇલ્સ ઉંચી થઈ ગઈ હશે તો એ ખોલીને જોશે. કોઈ એવું વિચારી પણ નથી શકતું કે જે હીરો છે એ બહાર પડેલી કચરા ટોપલીમાં હશે. જે ઘરનો કચરો બહાર ફેંકી દેવાનો હોય એની અંદર હીરા છુપાયેલા પડ્યા છે. બસ આવું જ છે. જીંદગીનું રહસ્ય મૃત્યુમાં છુપાઈને પડ્યું છે, જેના વિશે કોઈ વિચાર નથી કરી શકતું .

મૃત્યુ એ જિંદગીથી ઉલ્ટી પ્રક્રિયા છે. એવી રીતે જીવો કે તમારું સરનામું ખોવાઈ જાય. અને એવી રીતે મરો કે તમારું નિશાન પણ ન રહે. એક જ ઉપાય છે, પાંચમો દિવસ. ચાર દિવસની જિંદગી અને પછી પાંચમો દિવસ. આ ચાર દિવસની જિંદગી તો એવી રીતે વીતી જાય છે,’ દો આરઝૂ મેં બીતે, દો ઇંતઝાર મેં’.  બે દિવસ માંગવામાં ગયા અને બે દિવસ પ્રતીક્ષામાં ગયા. બહુ કંઈ હાથ લાગ્યું નહીં.

હવે પાંચમો દિવસ મહત્વનો છે. જ્યારે મને ને  તમને ખબર પડે કે, મારું હોવું એ મારું હોવામાં જ અડચણ બરાબર છે. કારણ કે મારા હોવાનો મતલબ છે, હું પરમાત્માથી અલગ છું. હું છું એમ માનું છું ત્યારે જ હું પરમેશ્વરને આઘો  મુકું છું. મારું હોવાનો મતલબ જ એ કે હું એક નથી, સંયુક્ત નથી. એ પરિપૂર્ણની સાથે હું એકરસ નથી. આ જ મોટું સ્પીડબ્રેકર છે. આ જ દુઃખ છે અને આ જ નરક છે.

જો દીવાલ હટી જાય, મારા હોવાપણાનો ખ્યાલ જતો રહે, તો જે મળે છે એ મૃત્યુ છે. ફરી એકવાર મૃત્યુનો અંત એ કે જેમાં હું છું ‘આઈ એમ સમથીંગ’ એ અહંકારને આપણે કાપીને ફેંકી દઈએ. હું તારાથી અલગ નથી, હું તારી અંદર છું. મારી અંદર જેવી સાગરની લહેરો ઊઠે છે એવી જ લહેરો તારી અંદર છે. મોજા સમુદ્રથી અલગ નથી હોતા. ગમે તેટલા ઉછળે, ગમે તેટલી ઊંચાઈ ઉપર જાય, જહાજોને ડુબાડી શકે છે, પહાડોને ડુબાડી શકે છે. પરંતુ એ લહેર સાગરની છે, સાગરથી અલગ નથી.

પોતાની જાતને અલગ માનવી એ આપણાં  જીવનની મોટામાં મોટી અડચણ છે. ત્યાંથી જ પરમાત્મા અને આપણી વચ્ચે સંઘર્ષ શરૂ થાય છે. અને એ જ ક્ષણ જો આપણને ખબર પડે તો ખ્યાલ આવે કે જિંદગીના ચાર દિવસ પછીનો દિવસ વીતવાની શરૂઆત થઈ. એવું નથી પાંચમે દિવસે બધું પૂરું થાય. પાંચમાં  દિવસ પછી પણ આપણે જીવી શકીએ. ભગવાન બુદ્ધનો પાંચમો દિવસ ચાલીસ વર્ષ પછી આવ્યો. ભગવાન બુદ્ધનો પાંચમો દિવસ આવ્યો તે પછી તો એ 40 વર્ષ વધુ જીવ્યા. પરંતુ એ જીંદગી પહેલા જેવી ન હતી, અલગ હતી. એ જીંદગીનો રસ કોઈ જુદો હતો, ઉત્સવ કોઈ જુદો હતો. એના પછી તો તેઓ સાચું જીવ્યા. બુદ્ધ પોતાના શિષ્યોને કહેતા, ‘તમે તમારી જિંદગી એ દિવસથી ગણજો, તમારું જીવન એ દિવસથી ગણજો, જે દિવસે તમે સંન્યાસ લો. એના પહેલાની જીંદગીને  ગણતરીમાં લેતા નહીં.

એ સમયનો એક સમ્રાટ હતો ‘પ્રસ્યેનજીત ‘. એ બુદ્ધના દર્શન માટે આવતો. આવીને એક વખત બાજુમાં બેઠો ત્યારે એક ભિક્ષુ  આવ્યા. જેની ઉંમર લગભગ 75 વર્ષ હશે. એ વૃદ્ધ હતાં. એમણે ઝૂકીને બુદ્ધને નમસ્કાર કર્યા. બુદ્ધે પૂછ્યું, ‘ભિક્ષુ તમારી ઉંમર કેટલી?’ એ ભિક્ષુએ વિનમ્રતાથી જવાબ આપ્યો કે, ‘ચાર વર્ષ પ્રભુ.’  પ્રસ્યેનજીત તો હેરાન થઈ ગયો. એને થયું કે,  હદ થઈ, ચાર જ વર્ષ ! એકાદ-બે વર્ષ આઘા પાછા હોત તો ચલાવી લેત, પણ આ દેખાઈ છે તો 75 વર્ષનો. કદાચ 65 કહ્યા હોત કે 70 કહ્યા હોત તોય વાંધો ન હ્તો. એને આમ થયું કે કદાચ મને બરાબર સંભળાણું નથી.  એ વૃદ્ધને પ્રસ્યેનજીતે  કહ્યું કે,  ‘મહાનુભાવ, હું બરાબર સાંભળી ન શક્યો આપે શું જવાબ આપ્યો. જરા જોરથી કહેશો? કેટલી ઉંમર છે આપની?’ તે વૃદ્ધે કહ્યું, ‘મહારાજ ચાર વર્ષ’. પ્રસ્યેનજીતે બુદ્ધની તરફ જોયું. બુદ્ધ હસવા લાગ્યા. એમણે કહ્યું, ‘તમને કદાચ ખબર નહિ પડે કે અમે ઉંમર કઈ રીતે ગણીએ છીએ. આ વ્યક્તિ ચાર વર્ષ પહેલા સંન્યાસી થયા છે તો એની ઉંમર પણ ચાર વર્ષની જ ગણાય ને. એના પહેલા તો તે સુતા હતા. ધ્યાનની કોઈ પ્રકારની ઝલક પ્રાપ્ત થઇ ન હતી તો એ નીંદરના વર્ષોને કેમ  ગણાય?? એ તો અંધારું હતું, એ રાત હતી, એની ગણતરી તો નકામી કહેવાય, કચરો કહેવાય. અને તેથી એ દિવસથી ગણતા આ વ્યક્તિને ચાર વર્ષ થયા છે. જે દિવસથી વ્યક્તિ શ્રોતાપન્ન થયો, જે દિવસથી એણે સત્યની ખોજની તલાશનું પહેલું કદમ ઉઠાવ્યું, એ દિવસથી અમારે ત્યાં હંમેશા ઉંમર ગણાય છે.’

બુદ્ધનો પાંચમો દિવસ ચાલીસ વર્ષ પછી શરુ થયો. પછીના ચાલીસ વર્ષ એ જીવ્યા. પરંતુ આ જે ચાલીસ વર્ષ હતાં એ જુદા જ  મહિમાનાં હતાં, જુદી ગરીમાના હતા, જુદા જ પરમાત્મમય અને ભગવત્તા પૂર્ણ  હતાં. એમાં સીમા ન હતી. ચાલીસ વર્ષ સુધી લહેરની તરફ જીવ્યા. પરંતુ પાંચમો દિન આવ્યો અને પછીના  ચાલીસ સાલ સાગરની જેમ  જીવ્યા. આપણી જીંદગી ભલે ચાર દિવસની રહી, આપણે સ્વાગત તો પાંચમા દિવસનું કરવાનું છે.