ગુજરાતનું સદ્ભાગ્ય છે કે આ મહામાનવે ગુજરાતની ભૂમિ પર સાડાતેર વર્ષ સુધી વસવાટ કર્યો !!
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
(03)
આધુનિક યુગના દ્રષ્ટા, ભારતમાતાને ગુલામીમાંથી મુક્ત કરવાં સતત ઝઝૂમીને સ્વાતંત્ર્ય સંગ્રામનો પથ કંડારી આપનારા, સમગ્ર માનજાતિને અંધકારમાંથી પ્રકાશમાં લઈ જવા માટે પ્રચંડ સાધના કરી મનસાતીત દિવ્યચેતનાનું અવતરણ કરાવનારા મહર્ષિ શ્રીઅરવિંદની ૧૫૦ મી જન્મજયંતીના વર્ષમાં એમના જીવનનું ક્રમબદ્ધ વિહંગાવલોકન કરીએ. મહાયોગી શ્રી અરવિંદના જીવન કવન અંગે લખાયેલ અનેક પુસ્તકોના આધારે અહીં આપણે આચમન કરીશું.
ગુજરાતનું એ મહાન સદ્ભાગ્ય છે કે આ મહામાનવે ગુજરાતની ભૂમિ પર સાડાતેર વર્ષ સુધી વસવાટ કર્યો. વડોદરાને તેમણે પોતાની કર્મભૂમિ બનાવી. એમના જીવનના ચાર મહાન કાર્યો શિક્ષણ, સ્વાતંત્ર્ય સંગ્રામ, સાહિત્ય સર્જન અને યોગ – આ બધાંનો પ્રારંભ ગુજરાતમાં જ થયો. પોન્ડિચેરીને બાદ યુગદ્રષ્ટાન્ત જે ભૂમિ પર આટલો લાંબો સમય રહ્યા એ ગુજરાતની પાવક ભૂમિના સંતાનોને, ગુજરાતની નવી પેઢીને, એમના જીવન – કવનનો પરિચય થવો જોઈએ એ ઉદ્દેશ્યથી ટૂંકા મુદ્દાઓમાં આપણે આગળ વધીએ.
બંગાળની અનોખી ભેટ છે. સશ્ય શ્યામલા બંગાળની ભૂમિએ ભારતમાતાને ચરણે અનેક સપૂતો ધર્યા છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુની કૃષ્ણભક્તિએ ભારતભરમાં કૃષ્ણભક્તિની ધારા વહાવી. રાજા રામમોહનરાયે ગુલામ બની ગયેલી પ્રજાના માનસમાં નવજાગૃતિનો સંચાર કર્યો. પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે સમાજ-સુધારણાની જેહાદ જગાવી. શ્રી રામકૃષ્ણ પરમહંસે પોતાની આધ્યાત્મિક અનુભૂતિઓના પ્રકાશથી ભારત વર્ષને આલોકિત કર્યું અને તેમનાં પરમ શિષ્ય સ્વામી વિવેકાનંદે તો પોતાની ઓજસ્વી વાણીથી વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મની પુન:પ્રતિષ્ઠા કરી. તેમણે હિંદની પરાધીન પ્રજાના અંતરમાં રહેલી શક્તિને જગાડી. એ જાગેલી શક્તિને વધુ પ્રબળ બનાવવા, કાર્યાન્વિત કરવા અને આધ્યાત્મિક જગતમાં એક નવી જ દિશા ખોલવા બંગાળની ભૂમિએ ભારતમાતાના ચરણે એક અનોખા સપૂતની ભેટ ધરી અને તે છે શ્રી અરવિંદ ઘોષ.
ક્રાંતિકારી વિચારસરણીવાળા પિતા.. આજથી લગભગ ૧૬૦ વર્ષ પહેલાંની આ વાત છે. કલકત્તાના કોન્નગરના રહીશ ડૉ. કૃષ્ણધન ઘોષ ત્રણ વરસ ઈંગ્લેન્ડમાં એબર્ડન યુનિવર્સિટીમાં અભ્યાસ કરી તબીબી ક્ષેત્રની ઉચ્ચ પદવી મેળવી પાછા ફર્યા હતા. ઈંગ્લેન્ડના વસવાટે તેમને પૂરેપૂરા યુરોપિયન બનાવી દીધા હતા. તેમનો પહેરવેશ તો યુરોપિયન ઢબનો જ હતો. પણ રહેણીકરણી, આચારવિચાર બધું જ યુરોપિયન બની ગયું હતું. હિંદુ સંસ્કારો અને હિંદુ ધર્મમાં એમને બિલકુલ શ્રદ્ધા ન હતી. પરંતુ તેમનું હૃદય ખૂબ કોમળ હતું અને માનવતાથી ભરેલું હતું. બીજાનાં દુઃખ જોઈને તેઓ દ્રવી જતા અને પોતાનાથી શક્ય એટલી તરત જ સહાય કરી દેતા. હવે તેઓ વિદેશથી કલકત્તા પાછા આવ્યા ત્યારે તેમના કુટુંબીજનોએ કહ્યું: “તમે વિલાયત જઈ આવ્યા છો, તમારે પ્રાયશ્ચિત કરવું પડશે. પ્રાયશ્ચિત કરો પછી જ અમે તમારી સાથે સંબંધ રાખીશું. આ પ્રાયશ્ચિત એટલે મસ્તક મૂંડાવીને ગોમૂત્ર અને છાણથી સ્નાન કરી યજ્ઞ કરવાનો ને બ્રાહ્મણોને દક્ષિણા આપવાની.” એક તો ડૉ. કૃષ્ણધનને હિંદુ રિવાજો પ્રત્યે નફરત હતી અને એમાં આવી આ પ્રાયશ્ચિતની વાત ! એમનો તો રોષ ભભૂકી ઊઠ્યો: “હું વિલાયત ભણવા ગયો હતો. મેં કંઈ પાપ કર્યું નથી કે મારે પ્રાયશ્ચિત કરવું પડે. તમારે સંબંધ ન રાખવો હોય તો ન રાખતા. પણ હું કંઈ પ્રાયશ્ચિત કરવાનો નથી.” તેઓ પોતાના નિર્ણયમાં અડગ રહ્યા. પણ પછી સગાંસંબંધીઓ સાથે એમણે જ વ્યવહાર રાખ્યો નહીં. બાપદાદાનું મકાન સસ્તી કિંમતે કોઈ બ્રાહ્મણને એમણે વેચી દીધું. પછી તેઓ કદી ત્યાં ગયા જ નહીં. ભલે તેમને હિંદુ ધર્મમાં બિલકુલ શ્રદ્ધા ન હતી, પણ પોતાની માતાના મૃત્યુ પછી માતાની ઈચ્છાનુસાર તેમણે માતાનું શ્રાદ્ધ પણ કર્યું હતું અને કાશી વિશ્વનાથના મંદિરમાં એક હજાર રૂપિયા પણ આપ્યા હતા.
શ્રી અરવિંદના માતાશ્રી કવિહૃદયાં હતા તો પિતા ઉદાર હૃદયવાળા હતા. ડૉ. કૃષ્ણધન ઘોષના પત્ની સ્વર્ણલતાદેવી. તેઓ ખરેખર સ્વર્ણની વેલ જેવા સુંદર હતાં અને તેથી ડૉ. કૃષ્ણધનના અંગ્રેજ મિત્રો તો એમને રંગપુરનું ગુલાબ કહેતા. તેઓ એ સમયના બંગાળના ઋષિ ગણાતા ડૉ. રાજનારાયણ બોઝનાં પુત્રી હતાં. એ સમયે તેમણે અંગ્રેજી કેળવણી લીધી હતી. તેઓ પતિની ઈચ્છાનુસાર અંગ્રેજી ઢબથી જ રહેતાં હતાં. ઘોડેસ્વારી કરતાં, ગાઉન પહેરતાં, અંગ્રેજીમાં વાતચીત કરતાં, કવિતાઓ ને લેખો લખતાં. ડૉ. કૃષ્ણધન રંગપુરા, ભાગલપુર અને ખુલનામાં સિવિલ સર્જન તરીકે હતા. આ ગામોના વિકાસમાં તેમણે ખૂબ ભાગ ભજવ્યો હતો એટલે ખુલનામાં તો એમની સ્મૃતિમાં એક નિશાળ શરૂ કરવામાં આવી હતી અને ટાઉનહોલમાં એમની છબી મૂકવામાં આવી હતી. રંગપુરમાં પણ લોકોએ એમના નામની કે.ડી. કેનાલ બનાવી હતી. ઉદાર, પરગજુ અને મિલનસાર સ્વભાવને લઈને ડૉ. કુષ્ણધને લોકોની અપૂર્વ ચાહના મેળવી હતી. એમનું મિત્રમંડળ પણ ઘણું મોટું હતું. જે કોઈ એમને એકવાર પણ મળતું, તે એમને ભૂલી શકતું નહીં એવું મધુર એમનું વ્યક્તિત્વ હતું. રાજનારાયણ બોઝને એક અંગ્રેજ પાદરીએ એમની વાત કરતાં કહ્યું હતું : “ડૉ. કૃષ્ણધન ઘોષ ! અરે, એમના જેવો મધુર ચહેરો મેં કદી જોયો નથી !” (ક્રમશ:)
