કબૂતર અને પિંગલા ગણિકા  પણ આપણા ગુરુ બની શકે. 

ભદ્રાયુ વછરાજાની                                bhadrayu2@gmil.com

મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણમાં દ્વિતીય ખંડના ૧૧ માં સ્કંદમાં બહુ જ વિસ્તૃત રીતે ગુરુ અને ગુરુની સંકલ્પના સ્પષ્ટ કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે ગુરુ દત્તાત્રેયજીને ચોવીસ ગુરુઓ હતા. આપણને આશ્ચર્ય થાય કે એટલા બધા ગુરુઓ ? પણ જો એ ચોવીસ ગુરુઓની વાત સાંભળીએ કે જાણીએ તો આપણને ખ્યાલ આવે કે આ બધા જ ગુરુપદ પ્રાપ્ત કરવા માટે સમર્થ ચરિત્રો છે. જયારે ભગવાન શ્રી કૃષ્ણએ વિનમ્રભાવે મસ્તક ઝુકાવીને મહાભાગ્યશાળી અવધૂત દત્તાત્રેયજીનું સન્માન કર્યું ત્યારે તેમને પુછાયેલો પ્રશ્ન અને તેનો જવાબ આપણા લેખનું હાર્દ બની રહેશે.

ગુરુ દત્તાત્રેયજીએ કહ્યું, હે રાજન મેં મારી બુદ્ધિથી ઘણા ગુરુઓનો આશ્રય લીધો છે. તેમની પાસેથી બોધ ગ્રહણ કરીને હું આ જગતમાં મુક્તભાવે ઈચ્છા પ્રમાણે ફરું છું. તે ગુરુઓના નામ અને તેમની પાસેથી ગ્રહણ કરેલો બોધ સૌએ જાણવા યોગ્ય છે. મારા ગુરુઓના નામ છે પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્રમા, સૂર્ય, કબૂતર, અજગર, સમુદ્ર, પતંગિયું, મધુમક્ષિકા, હાથી, મધપૂડા લૂંટનાર પારઘી, હરણ, માછલી, પિંગલા, ટિટોડી , બાળક, કુંવારી કન્યા, બાણ બનાવનારો , સર્પ, કરોળિયો અને ભમરી આ ચોવીસે ગુરુઓ પાસેથી ગુરુશ્રી દત્તાત્રેયજીએ જીવનના આચરણના પાઠ શીખ્યા છે.

આપણે બે ગુરુઓની કથા જાણીએ અને તેને ગુરુ શા માટે ગણવા તેની સ્પષ્ટતા મેળવીએ. 

કબૂતર અને કબુતરીનું દ્રષ્ટાંત  વિસ્તૃત રીતે સમજાવીને કબૂતર શા માટે ગુરુ બની શકે એના અંગે વાત કરવામાં આવી છે. ક્યાંય કોઈની પણ સાથે વિશેષ સ્નેહ અથવા આસક્તિ કરવી જોઈએ નહીં અન્યથા તેને કબુતરની જેમ રાખ બનીને અત્યંત દુઃખી થવું પડે છે. કથા આ મુજબ છે :: કોઈ જંગલમાં એક કબૂતર રહેતું હતું. તેણે એક વૃક્ષ પર પોતાનો માળો બનાવ્યો. પોતાની માદા  કબૂતરી સાથે તે ઘણા વર્ષો સુધી તે જ માળામાં રહ્યો. તે યુગલ કબૂતરોના હૃદયમાં અવિરત એકબીજા માટેના સ્નેહમાં વૃદ્ધિ થતી રહેતી હતી. તે ગૃહસ્થધર્મમાં એટલા આસક્ત થઇ ગયા કે તેમણે એકબીજાની દ્રષ્ટિથી દ્રષ્ટિ, અંગથી અંગ અને બુદ્ધિથી બુદ્ધિને બાંધી રાખ્યા. તેમને એકબીજા પર એટલો વિશ્વાસ બેસી ગયો કે તેઓ નિઃશંક થઈને ત્યાંની વૃક્ષતામાં એક સાથે સુઈ જતા, બેસતા, હરતા ફરતા, રમતા, વાતચીત કરતા અને ખાતાંપીતાં હતા. કબૂતરી ઉપર કબૂતરનો એટલો પ્રેમ હતો કે તે કાંઈ ઈચ્છતી તો કબૂતર ભારે કષ્ટ ઉઠાવીને તેની કામના પુરી કરતો. તે કબૂતરી પણ કબૂતરને પોતાના સુંદર ભાવોથી હંમેશા ખુશ રાખતી હતી. સમય આવ્યે કબુતરીને પ્રથમ ગર્ભ રહ્યો. તેણે તેના પતિની સમક્ષ જ રહીને માળામાં ઈંડા મૂક્યા. ભગવાનની અચિંત્ય શક્તિથી યથા સમય એ ઈંડા ફૂટ્યા અને ઈંડામાંથી અવયવોવાળા અત્યંત કોમળ બચ્ચા નીકળ્યા. હવે તે કબૂતર કબૂતરીની આંખો પોતાના બચ્ચા ઉપર મંડાઈ રહી. તેઓ ખુબ જ પ્રેમથી તેમના બચ્ચાનું લાલન પાલન, લાડપ્રેમ કરતા અને તેમની અસ્પષ્ટ મધુર બોલી અને કાલા કાલા ભાષણોથી  આનંદમગ્ન થઇ જતા. આ પ્રમાણે આનંદમાં ડૂબીને તેમના સુકોમળ પીછાઓને સ્પર્શ કરતા. તેમનો કલરવ અને મુગ્ધ ચેષ્ટાઓને જોઈજોઈને તેમને અત્યંત આનંદ આવતો જયારે તેઓ ઉછળી ઉછળીને પોતાના મા બાપની પાસે દોડી  આવતા ત્યારે આ બંને ખુબ આનંદિત થઇ જતા. આ પ્રમાણે તે કબૂતર અને કબૂતરી ભગવાનની માયાથી મોહિત થઇ ગયા. તેમનું હૈયું એકબીજાના સ્નેહથી બંધાયું. તે રાંક બુદ્ધિવાળું કબૂતર દંપતિ પોતાના નાના નાના બચ્ચાના પાલન પોષણમાં એટલું વ્યગ્ર થઇ ગયું કે તેમને દિવસ કે દુનિયા, લોક કે પરલોકનું સ્મરણ રહ્યું નહીં.

એક દિવસ બંને નર માદા પોતાના બચ્ચા માટે દાણા લેવા જંગલમાં ગયા કેમ કે એનો પરિવાર મોટો થઇ ગયો હતો. તેઓ દાણા માટે લાંબો સમય જંગલમાં ફરતા રહ્યા. આ બાજુ એક શિકારી ફરતો ફરતો સંયોગવશ તેમના માળા તરફ આવી ચડયો તેણે જોયું કે માળાની આજુબાજુ કબુતરના બચ્ચા ઉછરી રહ્યા છે. તેણે જાળ નાખીને બચ્ચાને પકડી લીધા. કબૂતર કબૂતરી બચ્ચાને ખવડાવવા પીવડાવવા માટે હંમેશા ઉત્સુક રહેતા. હવે તો દાણા લઈને પોતાના માળા પાસે આવ્યા. કબુતરીએ જોયું કે તે નાના બચ્ચા, તેના હૃદયના ટુકડા તો શિકારીની જાળમાં ફસાયા છે અને દુઃખથી ચીસો પડી રહ્યા છે. તેમને આવી સ્થિતિમાં જોઈને કબુતરીના દુઃખનો પાર ન રહ્યો. તે રડતી, ચીસો પાડતી તેની પાસે દોડી ગઈ. ભગવાનની માયાથી તેનું ચિત્ત  અત્યંત  દુઃખી થઇ ગયું. તેની સ્મૃતિ ચાલી ગઈ અને સ્નેહપાશમાં જકડાયેલી હોવાથી અને પોતાના બચ્ચા જાળમાં ફસાયેલા જોઈને તે પોતે પણ જાળમાં ફસાઈ ગઈ.

હવે કબૂતરે જોયું કે મારા પ્રાણથી પણ પ્રિય બચ્ચા જાળમાં ફસાયા અને મારી પ્રાણ પ્રિય પત્ની પણ એ જ દશાને પ્રાપ્ત થઇ ગઈ ત્યારે તે અત્યંત દુઃખી થઈને વિલાપ કરતા કરતા ‘હું અભાગ્યો છું, મંદ બુદ્ધિ છું. અરે, મારું તો સત્યાનાશ થઇ ગયું !  જુઓ તો ખરા. ન મને હજી તૃપ્તિ થઇ અને ન મારી તૃષાઓ પૂરી થઇ ત્યાં સુધીમાં તો મારા ધર્મ, અર્થ અને કામનું મૂળ એવો મારો ગૃહસ્થાશ્રમ જ નષ્ટ થઇ ગયો, મારી પ્રાણપ્રિય તો મને જ પોતાનો ઇષ્ટદેવ સમજતી હતી, મારી દરેક વાત માનતી હતી, મારા ઈશારે નાચતી હતી તે બધી રીતે મારે યોગ્ય હતી. આજે તે મને સૂના ઘરમાં છોડીને અમારા સીધા સાદા નિષ્કપટ બચ્ચાની સાથે સ્વર્ગે સિધાવી રહી છે, મારા બચ્ચા મરી ગયા, મારી પત્ની જઈ રહી છે, મારું હવે સંસારમાં શું કામ છે ? મુજ ગરીબનું આ વિધુર જીવન દુઃખમય જ છે. હવે હું આ સૂના ઘરમાં કોના માટે જીવું ??’  કબુતરના બચ્ચા જાળમાં ફસાઈને તરફડી રહ્યા હતા અને સ્પષ્ટ દેખાતું હતું કે તેઓ મોતના મુખમાં છે પરંતુ તે મૂર્ખ કબૂતર આ બધું જોવા છતાં પણ વિવેક ભૂલીને સ્વયં પણ જાણી જોઈને જાળમાં કૂદી પડયું.

પારઘી ઘણો ક્રૂર હતો. સંસારમાં આસક્ત કબૂતર, કબૂતરી અને તેમના બચ્ચા મળી જવાથી તે ઘણો રાજી થયો. તેણે જાણ્યું કે મારું કામ થઇ ગયું અને તે તેમને લઈને ચાલવા માંડયો. કબૂતર અને કબુતરીના આ દ્રષ્ટાંત પરથી તેમને ગુરુ ગણવાનું કારણ એટલું જ કે આ પ્રકારે જે ગૃહસ્થ વિષયોમાં જ સુખ શોધતો ફરે છે અને જેનું ચિત્ત ચંચળ બનેલું છે તે પોતાના પરિવારના ભરણપોષણમાં વ્યસ્ત રહીને કબૂતર દંપતિની જેમ પરિવાર સહિત દુઃખી થાય છે. તે માટે જે આ શરીર મળ્યું છે તે મુક્તિનું ખુલ્લું દ્વાર છે. તેને પ્રાપ્ત કરીને પણ જે મનુષ્ય આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરતો નથી અને ઘર પરિવારમા કબૂતર દંપતિની જેમ આસક્ત રહે છે તે મનુષ્ય ઉન્નત પદને પ્રાપ્ત કરીને પણ પુનઃ નીચે પડે છે એમ માનવું, શાસ્ત્રની ભાષામાં તે આરૂઢચ્યુત કહેવામાં છે.

પ્રાચીન સમયની વાત છે. વિદેહનગરી મિથિલામાં એક વેશ્યા રહેતી હતી, એનું નામ પિંગળા હતું. પિંગળા પાસેથી પણ બોધ ગ્રહણ કર્યો એની વાત આપણે જાણીએ. તે વેશ્યા સ્વૈચ્છાચારિણી તો હતી જ અને રૂપાળી પણ હતી. એક દિવસ  કોઈ પુરુષને પોતાના સ્થાને લાવવા માટે ખુબ બની ઠનીને ઉત્તમ વસ્ત્રાભૂષણથી સજીધજીને ઘણી વાર સુધી પોતાના ઘરના દરવાજા ઉપર ઉભી રહી, શ્રેષ્ઠ પુરુષને શું હતું ? ધનની કામના હતી તેથી તે અર્થલોલુપ સ્ત્રી કોઈ પણ પુરુષને તે તરફ આવતો જોઈને એવું વિચારતી કે આ પૈસાદાર છે, મને પૈસા આપીને ઉપભોગ કરવા માટે જ આવી રહ્યો છે, તે સંકેતથી જીવનારી પિંગળા પછી જયારે બીજા પુરુષને આવતો જોતી ત્યારે એવું માની લેતી કે આ તો મારી પાસે જ આવી રહ્યો છે અને મને ખુબ પૈસા આપશે પરંતુ જયારે ત્યાંથી તે આગળ નીકળી જતો ત્યારે તે એવું વિચારતી કે હવે તો નક્કી કોઈ બીજો ધનવાન મારી પાસે આવશે અને નક્કી મને ખુબ વધારે પૈસા આપશે. પિંગળાનાં ચિત્તની આવી દુરાશા વધતી જ જતી હતી તે દરવાજા પર ઘણા લાંબા સમય  સુધી  નિંદ્રાનો ત્યાગ કરીને રાહ જોતી રહી તે ક્યારેક અંદર જતી તો ક્યારેક બહાર આવતી.  આ રીતે મધ્ય રાત્રી વીતી ગઈ ખરેખર આશા અને તે પણ ધનની આશા અત્યંત હીન છે.  ધનવાનની રાહ જોતા જોતા તેનું મોઢું સુકાઈ ગયું, ચિત્ત વ્યાકુળ થઈ ગયું.  હવે તેને આ ધંધા ઉપર ભારે વૈરાગ્ય થયું તેમાં તેને દુઃખબુદ્ધિ થઈ ગઈ.  આ વૈરાગ્ય જ એના સુખનું કારણ બની ગયું. જયારે પિંગળાનાં ચિત્તમાં આ પ્રકારની વૈરાગ્યની ભાવના જાગૃત થઈ ત્યારે તેના મુખમાંથી એક ગીત સરી પડયું અર્થાત તેના અંતરના જે ઉદગાર નીકળ્યા તે આ પ્રમાણે હતા : ‘વૈરાગ્ય જ આશારૂપી ફંદાને કાપવાવાળું દ્રઢ શસ્ત્ર છે. વૈરાગ્ય વિના મનુષ્યના દુઃખોની નિવૃત્તિ થતી નથી. જેને વૈરાગ્ય થયો નથી, જેને આ ઝંઝટમાંથી કંટાળો, અણગમો થયો નથી અને જે શરીર અને તેના બંધનને એ રીતે કાપવા ઈચ્છતો નથી જેમ અજ્ઞાની પુરુષ મમતાને છોડવા ઈચ્છતો નથી.’ પિંગળાએ જે ગીત ગયું એનો સાર એવો હતો કે હું ઇન્દ્રિયોના વશમાં થઈ ગઈ છું.  મારી મૂર્ખતા અને મારા મોહનો વિસ્તાર જુઓ કે પરાયા પુરુષને કાંત પ્રિયતમ કહીને તેની કામના કરવા લાગી છું . મારો પરમ પ્રિયતમ શાશ્વતરૂપે મારી પાસે જ છે,  તે પરમાનંદ સ્વરૂપ છે,  સુખ પ્રદાન કરનારો પણ છે તથા લક્ષ્મીનો પતિ હોવાથી સંપત્તિ પણ આપનારો છે આવા મારા જ હૃદયમાં બિરાજેલા ભગવાનની હાજરીમાં તેમને છોડીને જેઓ ઈચ્છા મુજબ ભોગ સંપાદન કરવામાં પણ અસમર્થ છે તથા દુઃખ, ભય, આધિ, વ્યાધિ, શોક અને મોહ ઉપજાવનારા છે એવા લોકોનું મેં સેવન કર્યું તેથી હું મૂર્ખ છું.

અંતમાં કહેવાયું કે મેં આટલા બધા ગુરુઓ પાસેથી બોધ લીધો છે,  હવે હું મારા શરીર પાસેથી જે કાંઈ શીખ્યો છું તે તમને કહું છું. મારો આ દેહ પણ મારો ગુરુ છે. તે મને વૈરાગ્ય અને વિવેકનો ઉપદ્દેશ આપે છે. એ તો જન્મે છે અને મરે છે પરિણામે તેની સાથે સદા દુઃખ જ વળગેલું છે પરંતુ સૌથી મોટો લાભ તેનાથી એ જ છે કે આ દેહથી જ હું પરમાત્માનું ચિંતન કરું છું. એ તો નિશ્ચિત જ છે કે આ શરીર એક દિવસ માટીમાં ભળી જશે તેથી તે આપણું નથી, પ્રકૃતિનું જ છે,  તેથી હું આ દેહથી પણ અસંગ થઈને વિચરણ કરતો રહું છું. જ્ઞાનીએ પોતાના વિવેક દ્વારા જાણી લેવું જોઈએ કે આ મનુષ્ય શરીર કે તે અત્યંત દુર્લભ છે ઘણા જન્મો બાદ ભગવાનની અપાર કૃપાથી મળ્યું છે. તેના દ્વારા જ પરમ પુરુષાર્થ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે.