‘સર્જકતાનો ચમકાર : એક ઝલક’ પ્રદીપ ખાંડવાળા દ્વારા સંશોધન આધારિત પુસ્તક
ભદ્રાયુ વછરાજાની
પ્રદીપ ખાંડવાલા કહે છે કે, ‘મારા મતે સર્જકતા એ અભિગમ છે. જેમાં ઘણી ખરીવાર થોડીક રમતિયાળ શોધખોળ વર્તાઈ છે. જે એક ખુલા દિલનો કુતુહલશીલ, કલ્પનાશીલ, અખતરાબાજ માનવી અપનાવે છે અને જેના પરિશ્રમથી એવા ઉકેલો જડી આવે છે કે કાર્યો નિર્માણ થાય છે, જે આગવા પણ છે અને ઉપયોગી પણ છે’. તેઓ ઉમેરે છે કે, ‘સર્જન કેફી છે. સફળ સર્જન અતિ આનંદ બક્ષે છે. એટલે ફરી ફરી કરવાનો ઉમંગ થાય એ સ્વાભાવિક છે. સફળતા એ ક્ષમતાઓ અને વિચાર પદ્ધતિને પોષે છે, જેનાથી સફળતા પ્રાપ્ત થયેલી છે. આ રીતે જે જે ખાસિયતો અને ક્ષમતાઓ વડે સર્જનકાર્યમાં સફળતા પ્ર્રાપ્ત થઇ હોય એ વધુને ને વધુ દ્રઢ બનતી જાય છે.’
આપણે વાત કરી રહ્યા છીએ એક નાનાં પુસ્તકની, જેની અંદર એક બહુ મોટી સંકલ્પનાનો ભંડાર ભર્યો છે. કુલ ૪૮ પાનામાં વહેંચાયેલી આ પુસ્તકનું શીર્ષક છે, ‘સર્જકતાનો ચમકાર : એક ઝલક’ અને તેને આપણી સમક્ષ એકદમ સંશોધનીય અને વૈજ્ઞાનિક ઢબે મુકવાનો પ્રયાસ કર્યો છે IIM અમદાવાદના ભૂતપૂર્વ ડાયરેક્ટર, કવિ, સર્જક, સંગીત અને સંસ્કૃતિના ચાહક એવા આદરણીય ડો. પ્રદીપ ખાંડવાલાજી એ… કુલ ૧૧ ભાગમાં વહેંચાયેલ આ પુસ્તક આપણને સર્જકતા શું છે, ક્યાં છે, કેમ છે, કેવી રીતે છે વગેરે દરેક પાસામાંથી પસાર કરે છે. કુલ ૧૧ પ્રકરણો છે અને આ ‘સર્જકતાનો ચમકાર : એક ઝલક’ના સર્જક પોતે જરા જુદી રીતે વિષયની માંડણી કરે છે. આપણને આશ્ચર્યમાં મૂકે એવી એક વાત આરંભમાં તેઓએ નોંધી છે. ‘જયારે મારે દીકરી કાલિની નાની હતી ત્યારે કોઈ વાર અમે બંને એક રમત રમતા હતા, એક બીજાને પૂછતાં કોઈ બીજાનું વિરુદ્ધ. દા.ત. એ મને પૂછતી ઠંડાનું ઊંધું શું ? અને હું જવાબ આપતો ગરમ. પછી હું પૂછતો સફેદનું ઊંધું શું ? અને એ જવાબ આપતી કાળું. પછી અમે રમતને વળાંક આપતા એ પૂછતી લાલનું ઊંધું શું ? કબાટનું ઊંધું શું ? પછી મથામણ ચાલતી. એકબીજા એકબીજા સાથે થોડા ચીડવાઈને વાતો કરવા લાગતા. દા.ત. એ મને કહેતી કબાટનું ઊંધું છે ચાંદલો. કેમ ? કેમ એવું ? જુઓ… એ જવાબ આપતી. ચાંદલામાં કશું હોતું નથી એ ગોળ છે, જયારે કબાટ તો લંબચોરસ છે. ચાંદલો રાતો હોય છે જયારે કબાટ સામાન્ય રીતે ભૂખરો કે ભૂરા રંગનો કે સફેદ હોય છે. ચાંદલો મુલાયમ નાનકડો, અને હલકો હોય છે જયારે કબાટ એનાથી મોટો સખત અને ભારે હોય છે વગેરે.. વગેરે..’ . નાનપણમાં દીકરી સાથે વિતાવેલી આ આખી રમતને આ પુસ્તકના આરંભમાં મૂકીને આપણી સૌ વચ્ચે ભુલાઈ ગયેલો એક વિચાર પ્રદીપજી વધુ એકવાર ઉજાગર કરે છે. એમનું એવું કહેવાનું છે કે, એક ખાસ પ્રકારની વિચાર પ્રક્રિયા છે અને એ વિચાર પ્રક્રિયા ખરેખર આપણે ભણતરમાં, આપણા જીવનમાં લાંબી ચલાવી નથી પરિણામે આપણને સર્જકતા શું છે તેનો ખ્યાલ બહુ આવ્યો નથી. કબાટનું ઊંધું શું નો કોઈ એક સાચો જવાબ નથી અને જવાબ શોધતા મનમાં ખાસ્સી શોધખોળ કરવી પડે છે અને રમતના નિયમ પણ ઘડવા પડે. ‘જયારે કાલિનીએ મને પૂછ્યું લાલનું ઊંધું શું તો મારે વિચારવું પડ્યું કે લાલ કોનું ભૂષણકર પ્રતીક છે. અને પછી શોધવું પડ્યું કે વસ્તુઓ જે લાલને લગતી નથી મંગળગ્રહ, યુદ્ધ કે સૂર્યાસ્ત કે ગુલાબ વગેરેને યાદ કરીએ એટલે લાલ રંગ યાદ આવી જાય મારો જવાબ હતો આરસ. પણ બીજાઓ અવશ્ય આ જવાબ શોધી ન પણ શકે. આ એક આખી વિચાર પ્રક્રિયા છે જેને જે.પી. ગિલફર્ડ નામના મનોવિજ્ઞાનીએ ‘વિકેન્દ્રગામી પદ્ધતિ’(divergent thinking) તરીકે ઓળખાવી છે. સર્જકતા આ divergent thinking માંથી શરૂ થાય છે, એવો આછેરો ખ્યાલ આ પ્રથમ પ્રકરણમાં આપણને આપે છે. ગિલફર્ડને ટાંકતા તેઓ કહે છે કે, વિચારની નીપજ માત્ર હાથવગી માહિતીથી નિશ્ચિત નથી થતી. વિકેન્દ્રગામી વિચારધારાનો ઉપયોગ હાથ ધરાય છે જયારે જયારે ‘પ્રયત્ન અને ત્રુટિવાળી પ્રક્રિયા’ (trial and error learning) આવશ્યક બને છે. વધુ તો વિકેન્દ્રગામી વિચારકાર્યમાં આપણે ભિન્ન ભિન્ન દિશાઓમાં મગજ દોડાવવું પડે છે. કદીક વૈવિધ્યપૂર્ણ તો કદીક શોધખોળ યુક્ત.. કેન્દ્ર ગામી વિચાર પદ્ધતિમાં ઉપલબ્ધ માહિતી એક જ સાચો જવાબ શોધી આપે છે કે જે સામાન્ય અભિપ્રાય પ્રમાણે સર્વ માનિત હોય અથવા રૂઢિગત હોય. એક સુંદર સારાંશ કાઢીને ડો. ખાંડવાલા કહે છે કે, ‘કેન્દ્રગામી વિચાર પદ્ધતિના પાયા છે તર્ક, વિશ્લેષણ, વર્ગીકરણ, સરખામણી, સમીકરણ, મૂલ્યાંકન નિયત કરેલા ધોરણોને આધારે વિકલ્પોમાંથી સર્વોચ્ચની ચૂંટણી.’ ખરેખર તો સર્જનમાં કેન્દ્રગામી અને વિકેન્દ્ર ગામી વિચાર પદ્ધતિઓને વારાફરતી ઉપયોગમાં લેવાનું જરૂરી બની શકે. આવો પ્રયત્ન થતો રહે તો ઉત્તમ સર્જન પરિણમવાની શક્યતા વધી જાય છે.
સર્જકતાની પાયાની ક્રિયાઓ તો આખી માનવ જાતને ઉપલબ્ધ છે. દરેક દિવસે અને રાત્રે દરેક જણ સર્જન કરતું હોય છે. આપણી વાતચીતમાં આપણી સર્જકતા દેખાય છે. કારણ આપણી યાદશક્તિમાં પડેલા હજારો શબ્દોમાંથી ઉચિત શબ્દો તરત ખોળી એમને ઉચિત રીતે જોડી આપણે દક્ષતાથી એને આપણી બોલીમાં વાપરીએ છીએ. આપણે એક જ દિવસમાં વાપરેલા જુદા જુદા વાક્યોનો સરવાળો કરીએ ને તો સંખ્યા સેંકડો કે હજારોની થાય. આપણી વાર્તાલાપની સર્જકતા કંઈ નાનીસૂની નથી. એક જ દિવસમાં આપણે કેટલા જુદા જુદા વેશ પૂર્વ તૈયારી વગર જુદી જુદી પરિસ્થિતિઓમાં ભજવતા હોઈએ છીએ. આપણા સ્વપ્નોમાં તો વિકેન્દ્ર ગામી વિચાર પદ્ધતિની ઘણી ખરી પ્રક્રિયાઓ મળતી આવે છે. આપણે જાણવાનું એ છે કે આપણું સ્વપ્ન આધુનિક, કલ્પનાશીલ, વાર્તાઓ જેવું બનવું જોઈએ.
સ્વપ્નો પરનું સંશોધન બતાવે છે કે, સરેરાશે દરેક રાત્રે પાંચ થી દસ ભિન્ન ભિન્ન સ્વપ્નો આપણે આંખોના ત્વરાથી ગોળ ગોળ ફરતા ચરણમાં આપણે સર્જતાં હોઈએ છીએ. એક રીતે કહીએ તો દરેક રાત્રે આપણે પાંચ થી દસ ભિન્ન ભિન્ન ફિલ્મોનું નિર્માણ કરતા હોઈએ છીએ. જગ્યાઓ જુદી જુદી પાત્રો જુદા જુદા. કદી કદી તો સ્વપ્નમાં કોયડાને હલ કરતા હોઈએ છીએ. જેક નિકલોસ અમેરિકી મશહૂર ગોલ્ફ રમનારાને સ્વપ્નમાં વધુ દક્ષતાથી ગોલ્ફ કેમ રમવું એ સૂઝ્યું હતું. બેન્ઝીન વલયના શોધક કેકયુલે ને સ્વપ્નમાં બે સાપોને એક બીજાને ગોળ ગોળ ફરતે જોયા અને એને બેન્ઝીન વલયનું કેવું માળખું છે તેની આંતરસૂઝ થઇ. રોબર્ટ લુઇ સ્ટીવન્સનની મશહૂર કૃતિ ‘ડો જેકિલ એન્ડ મિસ્ટર હાઇડ; નું કથાનક એને સ્વપ્નમાંથી જડી આવ્યું હતું. નિકોલા ટેસ્લાને વર્તુળમાં ફરતા લોહચુમ્બક્ના ક્ષેત્રના સિદ્ધાંતોનો સ્વપ્નમાં ખ્યાલ આવ્યો હતો. આવા અનેક ઉદાહરણો મૂકીને ડો. પ્રદીપજી આપણા ભીતરની સર્જકતામાં ડોકું કરાવે છે અને કહે છે કે, ‘આપણે બધા સર્જનહારના અંશ છીએ.’ એક વાત તેઓ જુદી રીતે કરે છે. જે જણ કોઈ નવી બારી બંધ કરવાની રીતે શોધી કાઢે છે કે નવું જ ગીત વિદ્યાલય માટે રચી આપે છે કે ગોદામમાં વસ્તુઓને ગોઠવવાની નવી જ રીતે શોધી કાઢે છે કે બગીચામાં વધુ સુંદર રીતે ફૂલોના ક્યારા સર્જી શકે છે એવા કાર્યો લાખો લોકો કરી બતાવે તો સમાજને એટલો જ ફાયદો કરાવે જે મોટી મોટી શોધોએ કરાવ્યો છે. આ વાત અંગે આપણે ઊંડાણથી વિચારવાની જરૂર છે.’ આખા જીવ જગતમાં સર્જકતા માત્ર માનવ જાતિને જ વરી છે. સંશોધને તો દેખાડ્યું છે કે અમેરિકાની માથાદીઠ GDP ના વધારામાં તકનીકી અને મેનેજમેન્ટને લગતા ઈનોવેશનોએ મૂડી રોકાણ કરતા ઘણો વધારે ફાળો આપ્યો છે. ભારતની વાત કરીએ તો એમાં પણ સર્જકતાનો બહુ મોટો બહોળો ઉપયોગ કરીને આપણે નવા ભારતનું નિર્માણ કર્યું છે અને કરી રહ્યા છીએ. સર્જકતાની વ્યાખ્યાઓમાં ઘણી બધી વિગતોને સામેલ કર્યા પછી શ્રી ખાંડવાલા સ્પષ્ટ કહે છે કે, ‘સર્જકતા એક અભિગમ છે.’ સર્જકતાના વૈવિધ્ય વિષે પ્રકાશ પાડતાં એવું કહેવાયું છે કે, ‘સર્જકતા મનુષ્યના અરમાન જેટલી વિવિધ અને મનુષ્યની ક્ષમતા જેટલી ઓછી વત્તી હોય છે. સર્જનાત્મક શોધ એ હકીકતમાં સર્જકતાનું એક રૂપ છે. જે વિજ્ઞાનોમાં વિશેષરૂપે જોવા મળે છે તે એક રૂપ છે. જેમાં ઘણી બધી હકીકતોનો નિચોડ કાઢી અર્થ કે સાર કાઢી આગવી શોધ કરાઈ છે. એને ‘અર્કલક્ષી સર્જકતા’ (essence creativity) તરીકે શ્રી ખાંડવાળા ઓળખાવે છે. ચિત્રકાર કે કવિ ‘અભિવ્યક્તિલક્ષી સર્જકતા’ (expressive creativity) માં વાત કરે છે, એ સર્જકતાનું બીજું રૂપ છે. નવલક્થાકારની કે સ્થપતિની કે ઈજનેરની કોઈ સાર કે નિયમો કે રૂપાંતરનું આગવું નિરૂપણ ‘વિસ્તારલક્ષી સર્જકતા’ (elaborative creativity) છે, જે સર્જકતાનું ત્રીજું રૂપ છે. નવા જ સાહસનું સર્જન કરવું હોય તો એ ‘સાહસલક્ષી સર્જકતા (entrepreneurial creativity)’, એ ચોથું સ્વરૂપ તેઓ ગણાવે છે. આપણી પોતાની જાતને આગવી રીતે ઘડવી એ પણ જીવનની જરૂરિયાત છે. કે જેથી કરીને આપણે અનુપમ બની રહીએ. આ પ્રક્રિયા એ સર્જકતાનું પાંચમું સ્વરૂપ છે જેને ‘સ્વલક્ષી સર્જકતા (existential creativity)’ કહીએ છીએ. આપણે કેટલાક વંચિતોનો કોઈ આગવી રીતે ઉત્કર્ષ કરીએ કે એમને શક્તિ પ્રદાન કરીએ એ સર્જકતાનું છઠ્ઠું રૂપ છે, જેને ‘શક્તિપાતીય સર્જકતા (empowerment creativity)’ કહી શકાય. આ જે છ રૂપ દેખાડ્યા છે એ માટે કહ્યું છે કે, દરેક સર્જનમાં એકથી વિશેષ રુપનો આપણે વપરાશ કરતા હોઈએ છીએ. માની લો કે કોઈ સાહિત્યકારે નવલકથા લખી અને એનું આગવું કોઈ શીર્ષક આપવું છે તો માત્ર વિસ્તારલક્ષી સર્જકતાથી એ કામ નહીં થાય. પણ ત્યાં એમણે અર્કલક્ષી સર્જકતાનો પણ ઉપયોગ કરવો પડશે. ગાંધીજી પોતાનો આગવો વિકાસ કર્યા પછી જનસમુદાય માટે આગવા ઘડતરનું આયોજન કરે તો એ સ્વલક્ષી અને શક્તિપાતીય સ્ફળતાઓનો સફળ સર્જનાત્મક પ્રયોગ ગણાવી શકાય. એવી જ રીતે કોઈ કવિ પોતાની અંગત અને આગવી ફિલસુફીનો આધાર લઇ કાર્યો સર્જે તો એને આપણે અર્કલક્ષી અને અભિવ્યક્તિલક્ષી સર્જક્તાઓનો સંગમ ગણી શકીએ. આ છએય સર્જક્તાઓના રૂપોમાં ભિન્ન ભિન્ન દક્ષતાઓ જરૂરી છે. એ દરેક સર્જકતા માટે અલગ અલગ હોય શકે અને તેનું વર્ણન આપણે કરી શકીએ. આ બધું કરવા માટે એક ગુંથણી કરવી પડે. અને ગૂંથણીને રસિક ગોઠવણીમાં ફેરવવી પડે. જેને અંગ્રેજીમાં associative thinking કહે છે, જેમાં એક વિચાર છે તે બીજાને પ્રેરે છે અને બધા વિચારોની ધીમે ધીમે યોગ્ય ગોઠવણી થાય છે. માસ્લોએ આને self actualization અને self fulfillment કહ્યું છે. પોતાના ગુણો અને શક્તિઓનો સતત અને આગવો વિકાસ આવશ્યક છે તેથી અપ્રતીમતા આપણને સાંપડે છે. સર્જકતાના રૂપોને અને એના વૈવિધ્યને સર્જક ખાંડવાલા આ રીતે વર્ણવી રહ્યા છે.
સર્જકતાની ગુણવત્તા માપવી હોય તો કેમ માપવી, એવો પ્રશ્ન ઉઠાવીને ડો. પ્રદીપ ખાંડવાળા જુદા જુદા મંતવ્યો અહીં ટાંકે છે. એબ્રાહમ માસ્લોનું મંતવ્ય છે કે, બાળકનું પ્રાથમિક પ્રક્રિયાવાળી સર્જકતા દ્વારા થયેલું સર્જન દ્વિતીયક કે પુખ્ત સર્જક પ્રક્રિયાવાળી સર્જકતા કરતા ગૌણ હોય છે. ઐન્સ્વર્થ-લેન્ડે ચાર સ્તરની સર્જકતા વર્ણવી છે, જેમાં સૌથી ગૌણ છે વિસ્તારલક્ષી અને સૌથી ઉંચી છે પરિવર્તન ઉપજાવતી સર્જકતા. અરવિંદ ટેલરને મત સૌથી ઉંચી સર્જકતા છે નવા ક્રાંતિકારી સિદ્ધાંતોનું નિર્માણ, જેને લીધે આખા ક્ષેત્રમાં પરિવર્તન આવે અને એનો લાભ સૌને મળી શકે. બે બાબતો છે… નાવીન્ય અને ઔચિત્ય. નાવીન્ય બહુ હોય અને ઔચિત્ય પણ બહુ હોય તો એ સર્જન ઊંચું ગણાય. બેમાંથી એક પણ નીચા હોય તો ગુણવત્તા લબડી પડે. સૌથી નીચું સર્જન છે જ્યાં બંને નીચા હોય જેમ કે સામાન્ય ઉત્પાદન. જો કોઈ પણ સર્જનની ગુણવત્તા વધારવી હોય તો એમાં નાવીન્યવર્ધક તત્વો ઉમેરવા જોઈએ. અને સાથે સાથે સર્જનનું ઔચિત્ય કે ઉપયોગીતા વધારવી જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો સર્જનમાં કેન્દ્રગામી અને વિકેન્દ્રગામી વિચાર પદ્ધતિઓનો વિશેષ ઉપયોગ કરવો જોઈએ. ઉંચા સર્જનથી ધન પ્રાપ્તિ કે લોકપ્રીતિ થાય એ હંમેશા આવશ્યક હોતું નથી. હા, ક્યારેક ક્યારેક અતિ જાણીતા થયેલા ચિત્રકારોના ચિત્રો લાખોમાં વેંચાય છે એવી જ રીતે કીર્તિ પ્રાપ્ત પણ થતી હોય એવું બને છે. નોબેલ પારિતોષિક કે અન્ય પારિતોષિક દ્વારા વૈશ્વિક સ્વીકૃતિ પ્રાપ્ત થાય છે અને કીર્તિ મળે છે.
સર્જન એ પ્રજ્ઞાનું ક્ષેત્ર છે અને તેથી સર્જનાત્મક પ્રજ્ઞાના કેટલાં પાસાઓ પ્રવૃત છે જાણવું ઉપયુક્ત બની રહેશે.
શ્રી પ્રદીપ ખાંડવાળા આપણને આવા આઠ પાસાઓ ગણાવે છે. પહેલું પાસું છે, વિચાર ઉત્પાદનની સંખ્યા (Ideational fluency) કોઈને આપણે પૂછીએ કે ઈટના કેટલા ઉપયોગ, તો કોઈ બે ત્રણ ગણાવે પણ એવા પણ નીકળે કે જે ૧૫ – ૨૦ ઉપયોગો ગણાવી શકે.જયારે ઘણા બધા ઉપયોગ વિચારી શકાય તો ખુબ જ મૌલિક કે ઉપયોગી વિચાર મળી આવવાની શક્યતા વધી જાય છે. બીજું પ્રજ્ઞા પાસું છે પ્રશ્નને વિવિધ દ્રષ્ટિકોણથી જોવાની ક્ષમતા (Mental flexibility) સમાજના ઘણા બધા પ્રશ્નો છે, પણ તેને જુદા જુદા દ્ર્ષ્ટિકોણોથી જોઈએ તો આપણને સંતોષકારક નિવારણ કદાચ સાંપડી શકે. બાળકોના શિક્ષણમાં કેવો ફેરફાર લાવવો જોઈએ એ વિચારીએ અથવા રોજગાર કેમ વધારવો જોઈએ એ વિચારીએ. તો એમાં અનેક દ્રષ્ટિકોણ મળે. આવી પ્રજ્ઞાના વપરાશથી આગવો જુદા જુદા કોણવાળો (multi faceted) ઉકેલ મળવાની શક્યતા ગણી શકાય. સર્જકતાનું ત્રીજું પ્રજ્ઞા પાસું છે મૌલિકતા. Originality કોઈને ન સુઝ્યા હોય એવા ઉકેલો કે સર્જનો જે વારંવાર રજૂ કરતું હોય એનામાં મૌલિકતા વિશેષ છે એવું તમે કહી શકો. આર્થર ક્સલરે વિચાર પ્રસ્તુત કર્યો કે, જયારે બે ભિન્ન દૃષ્ટિકોણોનો સંગમ કરી કોઈ ત્રીજો દ્રષ્ટિકોણ રચી આપે તો એને મૌલિકતાની નીપજ કહેવું, આવી યુક્તિઓ નવા નવા સંશોધન ક્ષેત્રને જન્મ આપે છે. એક ઉદાહરણ લઈએ કે, જીવવિજ્ઞાન અને એન્જીનીયરીંગના સંયોગથી બાયોટેક્નોલોજી શરૂ થયું, રાજકારણનું વિજ્ઞાન અને અર્થશાસ્ત્રના સમાગમથી પોલિટિકલ ઈકોનોમી ઉભું થયું. સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાનના જોડાણથી સોશિયલ સાયકોલોજી ઉભું થયું. સાહિત્યમાં પણ અનેક દાખલા મળી શકે છે. જ્યાં કવિએ બે ભિન્ન પ્રતીકોને જોડ્યા હોય તેને અપેક્ષિત મર્મ ઉજાગર થાય. જાપાનના એક હાઈકુનો દાખલો આપણને પ્રદિપ ખાંડવાલાજી આપે છે. તુષાર બાષ્પ હોય છે
અને અમારું આખું જગત
તુષાર છે.,,,,કેટલું પ્રિય, કેટલું તાજું ? કેટલું સરકી જતું ?
આ હાઈકુની પ્રેરણા હતી કવિના નાના તુષારસમ બાળકનું મૃત્યુ. આ કાવ્યમાં તુષાર આંસુનું પ્રતીક છે અને નાનકડા જીવનની ક્ષણભંગુરતાનું પણ . એ પ્રતીકોને જોડીને કવિએ અપાર વેદના દર્શાવી છે. ડો. ખાંડવાલા સર્જકતાનું ચોથું પ્રજ્ઞા પાસું ગણાવે છે, વિસંગતતા સામાન્ય રીતે દેખાતી નથી ત્યાંથી વિસંગતતાને શોધી કાઢવી. જેને મનોવૈજ્ઞાનિકો ‘સમસ્યા સંવેદન ( problem sensitivity)’ કહીને ઓળખાવે છે. ઘણી વાર આપણે જે પરિસ્થિતિ છે એને વગર વિચાર્યે સ્વીકારી લઈએ છીએ. માર્ક્સ જેવો કોઈ આવી ચડે અને પૂછે કે સમાજમાં અઢળક સંપત્તિની વચ્ચે આટલી દરિદ્રતા કેમ ? તો એને માટે સંશોધન કરીને મૂડીવાદની વિસંગતતાઓ અને કારણો આપવાં પડે. ફ્રોઈડની પહેલા લોકો ગાંડા લાગતા લોકોને દવા આપી બેભાન સ્થિતિમાં રખાતા કે પુરી દેવામાં આવતા. ફ્રોઇડે વશીકરણની અસર હેઠળ દર્દીઓને બબડતા સાંભળેલા જે કોઈ ઊંડી માનસિક વ્યથાનો નિર્દેશ કરતી હતી. ફ્રોઇડે આવા દર્દીઓ જોડે અનેક પ્રયોગો કરીને સિદ્ધ કર્યું કે ઘણા માનસિક દર્દો પાછળ બાળપણમાં અનુભવેલી પણ મનમાં દબાવી દીધેલી યાતનાઓ છે. આ પ્રકારની સર્જકતા એ વિસંગતતાઓ વચ્ચેથી અવિસંગતતાઓને શોધી કાઢવાની છે. સર્જકતાનું પાંચમું પ્રજ્ઞા પાસું એમ કહે છે કે, કોઈપણ સમસ્યાના મૂળ સુધી પહોંચવું કે ‘ખરી’ સમસ્યા શું છે,તે શોધવું. જાપાનના ઈજનેરોએ આ પાસાનો ઉપયોગ કરીને કોઈપણ સમસ્યાનું ઊંડું કે અગોચર કારણ શોધી કાઢવાની પદ્ધતિ શોધી જેને root cause analysis કહેવામાં આવે છે, સર્જકતાનું છઠ્ઠું પ્રજ્ઞા પાસું એ ઘટનાના લાંબાગાળાના પરિણામોને કલ્પવાનું છે. આ દ્રષ્ટા શક્તિ છે જેને વડે લાંબાગાળે શું આયોજન કરવું એની ભાળ આપણને અત્યારે મળે છે. સર્જકતાનું સાતમું પ્રજ્ઞા પાસું છે કોઈ પણ વિષયના જુદા જુદા પાસા તૈયાર કરીને, તપાસીને વૈવિધ્યલક્ષી વિષય વિસ્તાર કરવો. અહીં સર્જક્તાનું વિસ્તારલક્ષી રૂપ ખુબ કામ આવે છે અને દ્રષ્ટા શક્તિ અને રૂટ કોઝ એનાલિસિસ પણ. સર્જકતાનું આઠમું અને છેલ્લું પાસું તેઓ ગણાવે છે તર્કબુદ્ધિ જેનું જાણીતું માપ છે IQ. પ્રજ્ઞા પાસાઓ સમસ્યાના ઘણા બધા ઉકેલ શોધી આપે પણ એને પ્રમાણિત કરવા, ધ્યેયોને માપે વ્યાજબી ઠરાવવા અને એનું મૂલ્યવર્ધન કરવા તર્ક બુદ્ધિનો ઉપયોગ કરવો પડે છે. પ્રજ્ઞા પાસાની વાત કરતા કરતા છેલ્લે ડો ખાંડવાલા નોંધે છે કે, IQ અને સર્જકતાના સબંધ વિષે પણ ઘણું સંશોધન થયુ છે. નિષ્કર્ષ તો એવો નીકળ્યો છે કે, સામાન્ય રીતે ખાસ કોઈ સબંધ નથી પણ આપણને એવું જોવા મળ્યું છે કે ખુબ ઉંચા IQ વાળી વ્યક્તિ ઉત્તમ સર્જન ન કરી શકે, જયારે બીજા પ્રજ્ઞા પાસા ખુબ નબળા હોય. આપણી બધી પ્રતિષ્ઠિત સંસ્થાઓ IIT, IIM માં જે પ્રવેશ કસોટીઓ છે તે તર્કકેન્દ્રી હોય છે પરિણામે ઉંચા IQ વાળા છાત્રો એમાં પસંદ થઇ જાય છે અને સર્જનાત્મક વિદ્યાર્થીઓ પસંદ થતા નથી. આને લીધે આવી સંસ્થાઓ એ ખરેખર તંત્રજ્ઞોને પેદા કરે છે, સર્જકો અને આગવી દ્રષ્ટિવાળા સાહસિકોને નહીં..
સર્જકતાના વ્યક્તિગત કારકો કયાં છે ? એની ચર્ચા બહુ જ ટૂંકમાં છતાં વ્યવસ્થિત કરવાનું ડો. ખાંડવાલાએ પસંદ કર્યું છે. તેઓ કહે છે કે, પોલ ટોરન્સે આ ક્ષેત્રમાં જે કામ કર્યું છે તે નોંધવા જેવું છે. ૧૯૬૦ ના દશકમાં એમણે ૫૦ થી વધુ સંશોધનો કર્યા. એવી જ રીતે ડોન મેકકિનન, ફ્રેન્ક બેરન વગેરે મનોવિજ્ઞાનીઓએ પણ ઘણું સંશોધન કર્યું. જે કોઈ સંશોધનના પરિણામો આવ્યા એમાંથી મુખ્ય ખાસિયતો આ પ્રમાણે મળી આવી. એમાંથી કેટલીક નોંધીએ,
૧) સૌંદર્ય પ્રધાન વસ્તુઓમાં રસ (Taste )
૨), જોખમ વહોરવું પણ ગણતરી સાથે ( Calculated risk taking )
૩) યથાપૂર્વ સ્થિતિ, રૂઢિઓ, પ્રથાઓ ઉપર પ્રશ્ન ઉઠાવવો, ઉચિત રીતે તેને બદલવાનો પ્રયાસ કરવો.
૪) ઉત્તેજિત કરતા વિચારો, ફિલસૂફીઓ વગેરે માટે આકર્ષણ હોવું .
૫) હાર્દની માન્યતાઓને ( core convictions ) વળગી રહેવું
૬) મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોતાની ક્ષમતા પર ભરોસો રાખવો.
૭) દરેક પરિસ્થિતિમાં ‘શા માટે આમ ?’ એવું પૂછવાની ટેવ પાડવી.
૮) બીજાના અભિપ્રાયો કરતા પોતાના નિષ્કર્ષો ઉપર વધુ ભરોસો રાખવો.
૯) પોતાના મંતવ્યોને સ્પષ્ટ રીતે રજૂ કરવાની વૃત્તિ કેળવવી અને
૧૦) કલ્પનાશીલ હોવું અને સાથે સાથે વાસ્તવિકતાની પુરી સમજ રાખવી.
સર્જકતાનો ચમકાર : એક ઝલક એવાં નાનાં પુસ્તકમાં અંતે સુંદર મજાનો પ્રશ્ન પુછાયો છે કે, ક્યાં પ્રકારના વાતાવરણમાં સર્જકતા ખીલે ? આ પ્રશ્ન અંગે સંશોધન પણ થયું અને તારણ નીકળ્યું કે વ્યક્તિના બાળપણ અને શાળાના વાતાવરણની બાળકની સર્જકતા ઉપર ગહેરી અસર થતી હોય છે. અમેરિકાના શિકાગો સ્થિત ઉંચી કક્ષાની શાળાની વાત આમાં લેવામાં આવી છે. બે મનોવૈજ્ઞાનિક સંશોધકો ગેડઝેલ્સ અને જેક્સને શાળાના વિદ્યાર્થીઓની સર્જકતા અને IQ ની કસોટીઓને આધારે બે જૂથ બનાવ્યા, એક જૂથ સર્જનાત્મક વિદ્યાર્થીઓનું અને બીજું ઉંચા IQ વાળા. સંશોધકોને જોવું હતું કે વિદ્યાર્થીઓનું ઘરનું વાતાવરણ કેવું હોય છે અને આ બંને જૂથના કુટુંબોની રહેણી કરણી વચ્ચે કોઈ ફરક છે કે નહીં. તેઓ વિદ્યાર્થીઓને ઘરે ગયા. માતા પિતા સાથે વાતચીત કરી અને એમણે જોયું કે બંને જૂથોના વિદ્યાર્થીઓના ઘરના વાતાવરણમાં બહુ મોટો ફર્ક હતો. ઉંચા IQ વાળા વિદ્યાર્થીઓના માતા પિતા ભણવા પર અને પરીક્ષામાં ઉંચી સફળતા પર ખુબ ભાર મુકતા.. સર્જનાત્મક વિદ્યાર્થીઓના માતા પિતા ભણતરને અવગણતા નહોતા પણ એમના બાળકની સર્જનાત્મક પ્રવૃત્તિઓને અને નૈસર્ગીક સુપ્ત શક્તિઓને કેમ પોષવી એના ઉપર ધ્યાન આપતા હતા. બાળકને પોતાની અભિરૂચીઓને પોષવાની ત્યાં ઘણી સ્વતંત્રતા હતી. ભલે બીજાઓને એ વિચિત્ર કે નિરાળી લાગે.અને એને માટે માતા પિતા સાધનો ઉપર ખર્ચ પણ કરતા. તેઓ વિવિધ અભિરુચિવાળા અને જાણકારીવાળા મિત્રોને ઘરે આમંત્રણ આપતા જેથી પોતાનું બાળક ઉત્સાહી થાય. તેવી જ રીતે જુદા જુદા વિષયોવાળા પુસ્તકો અને સામાયિકો ઘરે વસાવતા. ઉંચા IQ વાળા વિદ્યાર્થીઓના માતા પિતા ઉચ્ચ અભ્યાસ કરીને મોટી કમાણી અને મોટા માભાં વાળા વ્યવસાય માટે એમનું બાળક તૈયારી કરે એવો આગ્રહ રાખતા. જયારે સર્જનાત્મક વિદ્યાર્થીઓના માતા પિતા એમના બાળકને પોતાને રસ પડે, જેમાં સૌથી વધુ સંતોષ પ્રાપ્ત થાય એવો જ વ્યવસાય પસંદ કરવા માટે સ્વતંત્રતા આપતા. ઉંચા IQ વાળા માતા પિતા એમનું બાળક કહ્યાગરું રહે એનું ધ્યાન રાખતા, જ્યારે સર્જનાત્મક બાળકના માતા પિતા બાળક સાથે મિત્રતાનો સબંધ રાખતા જેથી બાળક એના માતા પિતા સાથે બહુ ખુલ્લી રીતે વાત કરતા અચકાતું નહીં અને તેઓ મતભેદો પણ વ્યક્ત કરી શકતા.
એલીસિયા પેગાનોએ શાળાના વર્ગોમાં સર્જક્તાગામી શિક્ષણ પદ્ધતિ કેવી હોવી જોઈએ એના માટે કેટલીક સૂચનાઓ આપી:
૧) ભણતરમાં વિદ્યાર્થીની ક્રિયાશીલ ભાગીદારી હોવી જોઈએ. બાંકડા પર બેસીને શિક્ષકનું ભાષણ સાંભળ્યા કરે તો મૂઢતા આવવાનો ભય ઉભો થાય છે. જ્ઞાન પ્રાપ્તિ માટે અભાવ પણ ઉભો થઇ શકે છે. બાળકને સ્વધ્યાયની તક આપવી જોઈએ જેમ કે એને પસંદિત પરિયોજના ઉપર કામ કરવાનું કહેવું જોઈએ.
૨) શિક્ષકે ઉદાર મત અપનાવવો જોઈએ જેથી વિદ્યાર્થીઓ નિઃસંકોચ પોતાના મંતવ્યો રજૂ કરી શકે.
૩) ભૂલ થઇ હોય તો વિદ્યાર્થીને એની ભૂલ સમજાવવી જોઈએ. ન કે એને વખોડી કાઢવી અને સફળતા માટે ઉચિત શાબાશી પણ આપવી જોઈએ આનાથી વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ વધે.
૪) વિદ્યાર્થીની પુખ્તતાને ધ્યાનમાં લઇ નવા નવા અનુભવો કરાવવા જોઈએ.
૫) કુતુહલતા અને અખતરાઓને પ્રોત્સાહન આપવું જોઈએ.
૬) વિદ્યાર્થીઓ એક બીજા જોડે એકઠા થઈને પ્રવૃતિઓ કરે એની જોગવાઈ કરવી જોઈએ જેમકે એને નાના જૂથોમાં વહેંચી દરેક જૂથને એક પરિયોજના સોંપવી જોઈએ
૭) વિદ્યાર્થીઓનો સર્જકો સાથે મેળાપ કરાવવો જોઈએ. વર્ગમાં એમને પોતાની વાત કરવા માટે બોલાવવા જોઈએ.
અને ૮) એવી શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ જેમાં વિદ્યાર્થી વિકેન્દ્રગામી વિચાર પદ્ધતિ વાપરી પોતે કશું શોધી કાઢે. આના માટે વૈજ્ઞાનિક કે સામાજિક કોયડાઓનો ઉપયોગ કરવો જોઈએ.
બાળકને શિક્ષણ ઉપરાંત સર્જન માટે પણ તક મળવી જોઈએ. બાળકને જુદા જુદા મંતવ્યોની જાણ કરવી જોઈએ. બાળકને ઉચિત સ્વતંત્રતા આપવી જોઈએ પણ સાથે સક્ષમ પ્રયાસની અપેક્ષા રાખવી જોઈએ, આપણી શાળાઓમાં આવું શિક્ષણ અપાઈ રહ્યું છે ખરું ? કે જે activity based હોય જે ગોખણપટ્ટીને પ્રોત્સાહન ન આપતું હોય, જે માત્ર વ્યાખ્યાન ન કરતું હોય આ વિચારવા જેવો મુદ્દો આપણા સંશોધક આપણી સમક્ષ મૂકે છે.
છેલ્લા એક મુદ્દાને તેઓ સ્પર્શે છે કે, સર્જકતાનું વર્ધન કેવી રીતે થઇ શકે ? રચનાત્મક શુભસર્જકતાની આપણે વાત કરી રહ્યા છીએ. શુભ સર્જકતા વધારી શકાય ખરી ? તો કહે, હા, વધારી શકાય. IIM ના પોતાના સર્જકતાના વર્ગના વિદ્યાર્થીઓનો દાખલો ડો પ્રદીપ ખાંડવાલા આપે છે, ‘શરૂઆતમાં હું છાત્રોના પ્રજ્ઞા પાસાઓ અને એની સાથે એની સર્જનાત્મક ખાસિયતો અને સર્જનાત્મક જીવન જીવવાની એષણા માપી લેતો. વર્ગના અંતે આ જ પાસાઓ માપી લેતો. એના પરથી જાણવા મળ્યું કે સરેરાશે ૧૦૦ પ્રતિશત વધારો આ પાસાઓમાં થયો. આ એકવાર નહીં, પણ વારંવાર જોવા મળ્યું છે, એનો અર્થ એવો છે કે સર્જકતાનું વર્ધન થઇ શકે છે. તેઓએ એક પદ્ધતિનો પણ દાખલો આપ્યો છે. એક મોટી કાપડ અને રસાયણ બનાવતી કંપની માં કેશફલો ની ખેંચ હતી. એમના મેન્જરોએ બધા જ સાથે સામુહિક બ્રેઈનસ્ટોર્મિંગ કર્યું. દસ કરોડ વધારાના રૂપિયા ત્રણ માસમાં કેમ કરીને ભેગા કરી શકાય એવો પ્રશ્ન પૂછ્યો. સૌએ માથું ખંજવાળ્યું. કલાકમાં લગભગ નેવું સૂચનો મળી શક્યા. જેનું વર્ગીકરણ કરવામાં આવ્યું. પછી દરેક વર્ગના ત્રણ સૌથી લાભદાયક સૂચનો જાણવા મતદાન થયું. એ પછી દરેક વર્ગના સૌથી વધુ આકર્ષક સૂચનોને ભેગા કરી સંબંધિત ઉપરીઓની ટીમને સોંપી દેવાઈ. એમની ઉપયોગીતા વધારવા માટે.. આ પ્રયોગ પછી જાણવા મળ્યું કે ઉત્તમ સુચનોનું અમલીકરણ થયું હતું અને કંપનીએ પોતાનું ધ્યેય હાંસલ કર્યું હતું. આપણને ખ્યાલ છે કે પદ્ધતિસરની પ્રશ્નાવલીથી પણ આપણે સર્જકતાવર્ધન તરફ આગળ વધી શકીએ છીએ. અનેક પ્રકારની પદ્ધતિઓ બતાવીને ડો ખાંડવાલા એક ટ્રિબ્યુટ લિસ્ટિંગવાળી વાત પણ આપણી સમક્ષ નવી રીતે મૂકે છે. રોબર્ટ ક્રોફર્ડ આ પદ્ધતિનો સર્જક હતો. આ તક્નીકમાં જે વસ્તુ કે પરિસ્થિતિમાં ફેરફાર કરવો છે એની ખસિયતોની પહેલા યાદી બનાવવી જોઈએ. પછી એમાં ફેરફાર ન થઇ શકે એવી ખાસિયતોને બાદ કરવી જોઈએ. પછી રહી ફેરફાર થઇ શકે એવી ખાસિયતો, એમાંથી વધુ મહત્વની હોય એવી ત્રણ ચાર ચૂંટી લેવાની ને બહુ શીઘ્ર સમયમાં અનેક વિકલ્પો નજર પડશે પછી એને જોડી દઈએ અને દરેક જોડાણ પર મતદાન કરીને બે ચાર વધુ અસરકારક વિકલ્પો શોધી લઈએ. જાણકાર વ્યક્તિઓને કે જૂથને વિશ્લેષણ કરી એની ઉપયોગીતાને વધારવાનો પ્રયાસ થવો જોઈએ આ પ્રયાસને અંતે અવશ્ય એવા ઉકેલો મળી આવે છે કે જેનાથી સર્જકતાની વર્ધનશીલતા આપણે મેળવી શકીએ છીએ. ડો ખાંડવાલાએ સર્જકતાના માનસિક રોધક બળોનો પણ ચિતાર અહીં આપ્યો છે. ખાસ ભારતમાં સર્જકતા ક્યાં અને કેટલે અંશે પહોંચી છે તે નાનકડું પ્રકરણ મૂકીને તેઓએ પુસ્તકને પુરમ કરેલ છે. ભારતમાં પશ્ચિમ કે ચીન જેટલા ઇનોવેશન બહુ ઓછા થયા છે. ચીનનો દાખલો લઈએ તો નોંધવું પડે કે પૂર્વકાલીન અને મધ્યકાલીન ચીનમાં વેપાર, છાપખાના, તોપનો દારૂગોળો, ફટાકડા, ધનની નોટો, છત્રી દશાંશનું ગણિત, હાથગાડી, રોકેટ, બ્રાન્ડી, વીસ્કી, ચેસ, આધુનિક ખેતી પદ્ધતિ, વેધશાળા અને બીજા અનેક ઇનોવેશન થયા હતા. ભૌતિક ઇનોવેશનની દ્રષ્ટિએ ચીન ભારતથી ઘણું આગળ રહ્યું છે અને આજે પણ છે. ભૌતિક દ્રષ્ટિએ ભલે મોટા ઇનોવેશનો જૂજ હોય પણ IIM ના અધ્યાપક અનિલ ગુપ્તાએ અને તેમના સાથીઓએ લાખો નાના નાના સ્થાનિક ઇનોવેશન ગ્રાસરુટ ઇનોવેશન ભારતમાં ક્યાં છે એ શોધી કાઢ્યા છે. એમના અનેક નમૂનાઓ છે. શેરડીનો રસ કાઢવાનું મશીન, હાથથી ચલાવાતું ગાયના છાણમાંથી ઘડા બનાવવાનું મશીન, કુકડાઓને મુકવાની ઘોડીનું મશીન, સૂવર્ણ છાપ મારવાનું મશીન આવા અનેક સર્જનો થયા છે. આખા ભારતમાં ભલે આવા સર્જકો છુટા છવાયા હોય પણ સર્જનાત્મક સમાજનું નિર્માણ કરીએ તો સંખ્યા ઘણી વધી જાય અને જીવન ધોરણ ઘણું ઊંચું આવી જાય,
સર્જકતાનો ચમકાર એ બહુ જ ઉપયોગી નાની પુસ્તિકાના સર્જક લેખ ડો પ્રદીપ ખાંડવાલા IIM ને લઈને ઓળખાય એના કરતા એમની સંશોધન ક્ષમતા અને એમની પ્રજ્ઞાને લઈને વધુ ઓળખાય છે. ભારત દેશના વર્તમાન વડાપ્રધાન જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે IIM ની અંદર ડો ખાંડવાલાના નેતૃત્વ હેઠળ એમણે ખાસ આખી મિનિસ્ટ્રી અને IAS લોકોને IIM ટ્રેનિંગ પ્રોગ્રામ માટે બોલાવેલા. સરકારની કેટલીયે યોજનાઓનું ઘડતર પણ ડો ખાંડવાલાએ કરેલું. ડો પ્રદીપ ખાંડવાલા એ હકીકતમાં કવિ છે અને પોતાની કવિતાઓને બાયલિંગ્યુઅલ એટલે કે અંગ્રેજી અને ગુજરાતીમાં તેઓએ પ્રકાશિત કરી છે અને સાહિત્ય જગતમાં તેઓનું જુદું સ્થાન છે.,
