અસ્મિતા વિશેષ સંવાદ : (36)
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
શ્રી દલપત પઢીયાર. નિવૃત્ત વરિષ્ઠ સરકારી અધિકારી, પણ એ તો એમની સ્થૂળ ઓળખ પણ સૂક્ષ્મ ઓળખ એ કે દલપત પઢીયાર અંતર યાત્રા ના સાધક છે. તેઓ ઉત્તમ કવિ છે અને લોકઢાળના ગીતોના સર્જક છે. શ્રી રવિભાણ પરંપરાના ગાદીપતિ છે. તેઓએ સંવાદમાં કેટલીક ઊંડાણભરી વાતો બહુ સહજતાથી પેશ કરેલ છે. આવો, દલપત પઢિયારની એક સ્પર્શીલી ઘટનાથી સંવાદનો માહોલ ઘડીએ.
“મારી સાતમી પેઢીનો વડવો વીરદાજી. એ બધી રીતે પૂરો. બધા અપકૃત્યો કરે. મોટી રાડ હતી એની..પહેલા એવું કહેવાતું કે વડોદરાનું દાતરડું ખોવાયું હોય ને તો અનઘડ કહાનવાડી વાળા લઇ ગયા હશે એવી છાપ હતી. ધાડ પાડનારા ખરા અમારા લોકો એ જમાનામાં. ધાડ બહારની પણ પાડે અને અંદરની પણ પાડે તે સાચો. અને વીરદાજીની ધાડ અંદર પડી ગઈ. મારા ઘરની જ વાત કરું તો એમણે મોર મારેલો, મોરની હત્યા કરેલી..મોરની હત્યા કરીને ઘરની અંદર જ એનું બધું સાફસૂફ કર્યું.
એનો બાપ મારો વડવો ભવાનદાસ કરીને, એ ભગત. ભજન સિવાય એને કંઈ ગમે નહીં. અને શેરખી જે રવિભાણ સંપ્રદાયની બહુ પહેલી જગ્યા. એના સાધુ અમારે ત્યાં ગામમાં આવતા. એની સાથેની બેઠક ઉઠક એટલે એ ભગત,, પણ સોબત વીરદાની જુદી એટલે એણે પોતાના કર્મો કરી જ રાખેલા. એટલે એક દિવસ એવું થયું ભવાનદાસજીને કે આ તો નહીં સુધરે, આનું શું કરવું, પણ હવે બીજું કઈ થાય નહીં..એટલે પિતાજી ભવાનદાસજીએ મરી જવાનો વિચાર કર્યો. હવે શું જીવીને કરવાનું જ્યાં આવું બધું ઘરમાં થાય છે… એટલે એણે અમારું જૂનું ઘર હતું. તે ઘરમાં મોટી પાટડી. ત્યાં એક ફાંસો બાંધીને મરી જવાનો વિચાર કર્યો. તે જ દિવસે શેરખીના કોઈ મહારાજ (નામ યાદ નથી દયાળદાસ કે કોઈ હતા) તે આવી ગયા. અને ફાંસો ખાતા ભવાનદાસને અટકાવ્યા. એમણે કહ્યું કે, મારો દીકરો જો એનાં કૃત્યો ન છોડવાનો હોય તો મારો દેહ મારે રાખવો નથી, હું આ દેહ છોડી દઈશ. બે માંથી એક જ વસ્તુ નક્કી છે. આ સંકલ્પ હતો… કંઈક જોગ હશે. વીરદાને બોલાવ્યો તે દિવસે પેલો ગામમાં પણ હતો. ખબર નહીં વાતો જે સાંભળી છે એ કહું કે એણે આવીને જોયું તો પોતાના પિતાના ગાળામાં ફાંસો છે ને સાધુ ઉભા છે. એને સાધુ સાથે કંઈ નિસબત નથી. પિતા પરનો પ્રેમ ઓછો નથી પણ કર્મ વળગેલું હતું એટલે સોબત હતી અને સાધુને પણ કોણ જાણે શું હિંમત હતી કે એ મોટી લાકડી રાખે તે સાધુએ લાકડી વડે વીરદાને ખુબ માર્યો. હવે આ તો એક સાથે દસને વધેરી નાખનારો બહારવટિયો.. તે સાધુ એ માર્યો પણ એ ઉભો રહ્યો. એ જ તો વાત છે કે જોગ હશે. એ ઉભો રહ્યો. કહે શું છે ? તો કે જો આ તારા કર્મે તારો બાપ મરવાનો છે તું નક્કી કરી લે આજે કે,, તારે બાપ જોઈએ છે કે પાપ જોઈએ છે ? હવે તું નક્કી કરી લે અને સાહેબ, શું લાગ્યું તો એણે એ ફાંસલો ઉતારીને પોતાના ગાળામાં પહેરી લીધો. તમારે ના જવાનું હોય જવાનું હોય તો મારે જવાનું હોય. સાધુએ એ બેયને ઉતાર્યા તે દિવસથી મારા ગામમાં દીવો છે. આજે હું સાતમી પેઢીનો એનો વારસ છું. ગાદી છે અને રવિભાણ સંપ્રદાયની ગાદીનો હું આજનો ઉત્તરાધિકારી છું.
મારી જગ્યાના અઢીસો ગામ છે. અઢીસો ગામમાં અમે સાત પેઢીથી કામ કરીએ છીએ. અને કેટલાક ગામ તો ૫૦૦૦ કે ૨૦૦૦ ની વસ્તીવાળા આખા ગામ છે. અને અઢીસો ગામમાં અમારા અનુયાયીઓ છે ને એ વિસ્તરતા ગયા છે. એ માણસે પહેલ વહેલું આ કામ શરૂ કરેલું. છોડ્યું તે દિવસથી છોડ્યું. અને બીજે દિવસથી ઘોડો લઈને જતો રહ્યો. એ ઘોડો રાખતા. અને ઘોડો લઈને ગામમાં ગયા કે હવે આ દેશમાં એવું તો કંઈક જગાડીને જ આવીશ મારા ગામમાં.. સાંજે ગયા તો કહેવાય છે કે, સંધ્યા ટાણે એક માતાજીને ભોગ ધરાવાતો પશુઓનો. વીરદાજી માટે તો ગઈ કાલનો જ બનાવ હતો. એ જઈને ઉભો રહ્યો અને કીધું કે, આ બરાબર નથી એટલે કે આ ભોગ ન ધરાવાય. ગામની વચ્ચે કહે છે કે આ બરાબર નથી અને આખી રાત ઉભો રહ્યો છે કે આની હત્યા નહીં થઈ શકે. હવે. તમારે જે કરવું હોય એ કરો. એની જગ્યાએ મને તમે વધેરો તો મને વાંધો નથી. પણ આ પ્રાણીઓને છોડવા પડશે અને સવાર સુધી ચાલ્યું આ બધું. ત્યારનું તો જડત્વ ને બધું દેખીતું છે પણ વીરદાજીએ કીધું તમારે ભોગ જ ધરાવવો હોય તો હું છું. એટલે એણે સાતેય પ્રાણીઓના ગળામાં પહેરાવેલા હાર જાતે પહેરી લીધા અને પછી એ ભોગની જે જગ્યા હતી ત્યાં ઉભો રહ્યો. આ તો છૂટશે જ… મને તમે કરો.. તમારી વિધિ પુરી થઈ જશે. સવારની વેળાએ સાતેયના પ્રતીક રૂપે તે દિવસે સુખડીનો પ્રસાદ થયો અને પેલા પ્રાણીઓ છૂટ્યા. આ પ્રથા આજે પણ ત્યાં પ્રસાદની જ છે… આ કામ અમારું આજે પણ અમે કરીએ છીએ.”
