આપણી માતૃભાષા અને આપણી મમ્મીઓ !!

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

 

બધાના છોકરા ઈંગ્રેજીમાં ભણે અને મારો દકુ  ગુજરાતીમાં ભણે તો મારું કેવું નીચાજોણું થાય, ખબર છે  ?”

એક તાજુ દંપતી.  મજાનો એક દીકરો.  વ્હાલથી  તેનો ઉછેર.  હવે બાળક જનમ્યા  પહેલાં  મા-બાપને થતી ચિંતા તે  બાળકને ભણેશ્રી  બનાવવાની,  આ દંપતીને પણ થઈ.  દીકરો અવતર્યો ત્યારથી શોધ ચાલી કે કઈ સ્કૂલમાં ભણાવીશું ? મમ્મી બોલી: સ્કૂલ  ગમે તે હોઈ શકે,  પણ આપણે એને ભણાવીશું તો અંગ્રેજી માધ્યમમાં જ .. મમ્મીનું મમત  પપ્પાને પરેશાન કરી રહ્યું હતું.  પપ્પા નો વિચાર દીકરાને માતૃભાષાના માધ્યમથી ભણાવવાનો  હતો.  પપ્પાની સ્પષ્ટ તૈયારી હતી કે દીકરાને અંગ્રેજી એક ભાષા તરીકે સુંદર રીતે શીખવીશું પણ માધ્યમ તો માતૃભાષા જ રાખીશું.  મમ્મીની મમત  માથાકૂટમાં ફંટાવા લાગી. બંનેએ  ઘણા લોકોની સલાહ લીધી.  માતૃભાષા અભિયાનના નિષ્ણાતો અને તેની વિડીયો સંવાદની કેસેટ પણ બંનેએ  સાથે બેસીને જોઈ કે, જેમાં સમજાવવામાં આવ્યું છે કે માતૃભાષા બાળકને ગર્ભાધાનના  પહેલાં  જ ડગલાથી વારસામાં મળેલી છે.  તેના આધારે તો બાળકની ન્યુરો લિન્ગ્વીસ્ટીક સિસ્ટમ ઘડાયેલ છે.

શિક્ષણના માર્ગદર્શક  તરીકે આ દ્વિધા  અંગે મને મળવા આવતાં  પહેલા બાળકના પપ્પાએ મને અંગત રીતે ફોન કર્યો:  “સર,  કુટુંબમાં બધાને વાત ગળે ઉતરી ગઈ છે કે માતૃભાષામાં જ ભણાવીશું,  પણ મારી વાઇફ માનવા તૈયાર જ નથી.  તમે પ્લીઝ એને સમજાવી દો ને !”

બંને સાથે બે કલાક સુધી દુનિયાભરની દલીલોથી સ્પષ્ટ કર્યું કે, જો માતૃભાષા સબળ શીખાશે તો વિશ્વની કોઇપણ ભાષા તમારો દીકરો ફટાફટ શીખી જશે. ગાંધીજી-ટાગોર-વિનોબાજી-અમર્ત્ય સેન  અને વિદેશના કેટલાય મહાન ચિંતકોને મેં મદદે  બોલાવ્યા,  પણ નારી શક્તિ આગળ હું હાર્યો અને તેના પતિ દેવ થાકયા !  મમ્મીની એક જ દલીલ : “બધાના છોકરા ઈંગ્રેજીમાં ભણે અને મારો દકુ  ગુજરાતીમાં ભણે તો કેવું નીચાજોણું થાય ?  મારો દકુ  બધા વચ્ચે સારું ઈંગ્રેજી ન બોલી શકે તો મને કેટલી નાનપ  લાગે?”.. મને એટલું સમજાયું કે મમ્મીઓ નહીં સમજે તો માતૃભાષા ટકશે નહીં એ નક્કી. સ્વીકારવામાં આકરું લાગે એવું કમનસીબ સત્ય એ છે કે આપણી નવી-સવી માતાઓ જ માતૃભાષાને ડૂબાડવા માટે નીકળી પડેલ છે.  આ વાક્ય લખતાં  કાંઈ  રાજીપો નથી થતો પણ દર્દ થાય છે.  જો કે આ કડવું છતાં ભારોભાર  સત્ય છે અને આજે એ ન સ્વીકારવું એ આપણા સૌનો દંભ છે.

“ અમે તો ઈંગ્રેજીમાં  નો ભણ્યા પણ બાળકને તો ભણાવીએ,” આ દલીલ આગળ હથિયાર હેઠા પડે છે.  મારો  અનુભવ એવું કહે છે કે, અંગ્રેજી માધ્યમમાં ધકેલાતા બાળકોમાંથી 90 ટકાથી વધુ તેની મમ્મીઓના હઠાગ્રહ કે હુંસાતુસીના કારણે અંગ્રેજી ડબ્બામાં પુરાય છે. પતિદેવ એટલે હાર સ્વીકારી લે છે કે એને કાયમી કચક્ચ ટાળવી છે એટલે એ સ્વીકારી લે છે કારણ કે  બાળકને વધુ સમય તો મમ્મી સાથે જ કાઢવો છે ને,  આપણે ક્યાં રોજેરોજ દીકરા દીકરીને ભણાવવા છે ?  લાગશે કે  આ દલીલ  છે પણ આ હકીકત છે. પાછી આ જ માતાઓ ઘરમાં સદંતર ખોટ્ટું અંગ્રેજી બોલશે એટલે સંતાન નહીં રહે માતૃભાષાનું કે નહિ રહે અંગ્રેજીનું !!! હઠ મમ્મીની અને ખુવારી બાળકની ..

રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આપણે તો પ્રાથમિક શિક્ષણને માતૃભાષામાં આપવાનું કહી દઈને રાજી થઇ ગયા છીએ, પણ અહીં વર્ણવી તેવી સ્થિતિમાં માતૃભાષામાં શિક્ષણ કેટલું છેટું પડશે તે વિચારવા જેવું છે.

અંગ્રેજી માધ્યમના અભરખાવાળી એક મમ્મી સવારના પહોર થી એની બેબીને “સ્પેરો” શબ્દનો સ્પેલિંગ પાકો કરાવવા મહેનત કરતી હતી.  બેબલી ઠાગાઠૈયા કરતી હતી,  ત્યાં જ અચાનક રૂમની બારીમાંથી એક ચકલી  ઘરમાં ઘુસી ને ચીં ચીં  કરવા લાગી. પેલી  બેબી તેની પાછળ દોડીને બોલી : મમ્મી,  જો જો ચકલી, ચકલી !  મમ્મી કહે : “અરે બેટા, હું તને સવારથી સ્પેરો શીખવું  છું ને તે આ .. બેબીએ  જવાબ આપ્યો: “અરે મમ્મી, તે ચકલી કહે ને તું શું સ્પેરો સ્પેરો કરે છે ? આ ચકલી તો મારી દોસ્ત છે !!”

નથી લાગતું કે આ જ મમ્મીઓ માતૃભાષાને જીવાડશે કે મારશે ??