
અસત્યની કલ્પના હોવા છતાં સત્ય બોલવું એ નૈતિક કર્મ છે.
અઢારમો અને છેલ્લો અધ્યાય શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એટલે સમગ્ર ગીતાનો ઉપસંહાર…આપણને જીવનમાં ગીતા બોધનું માર્ગદર્શન આપે છે.
સાચો ભક્ત તો ઈશ્વરને હંમેશાં એમ જ કહેશે કે, આ ભક્તિ મારે માટે પૂરતી છે. પેલો મોક્ષ કે જેને જીવનનું અંતિમ ફળ માનવામાં આવે છે તે મારે નથી જોઈતું. કારણ મુક્તિ એટલે એક જાતની ભક્તિ જ નથી શું ? મોક્ષ એ પણ એક ભોગ છે, ફળ છે. ‘આ મોક્ષરૂપી ફળ ઉપર પણ તારી ફળ ત્યાગની કાતર ચલાવ’, એવું ભગવાન કહે છે.
પ્રેમ કરવાથી મોક્ષ નાસી જવાનો નથી.મોક્ષની આશા છોડશો ત્યારે જ મોક્ષ તરફ ખબર ન પડે એવી રીતે તમે જશો. ‘તારી સાધના જ એવી તન્મયતાથી થવા દે કે મોક્ષની યાદ સરખી ન રહે અને મોક્ષ તને શોધતા-શોધતો તારી સામે આવીને ખડો થાય.’ સાધકે સાધનામાં જ રંગાઈ જવું, માતે સંશોઘ્ન ર્મળિ માહો રાગ ગર્મમા, અકર્મ દશાની મોક્ષની આસક્તિ રાખમાં, એમ ભગવાને પહેલાં જ કહ્યું છે. હવે ફરીથી છેવટે પણ ભગવાન આપણું ધ્યાન દોરે છે. ‘અહં ત્યાં સર્વપાપેખ્યો મોક્ષ કુંષ્યામિ મા સુવ:’હું તને સર્વ પાપોથી છોડાવીશ, તું નાચિંત થઈ જા. મોક્ષ આપવાવાળો હું સમર્થ બેઠો છું. તું મોક્ષની ચિંતા છોડી દે. સાધનાની ફિકર કર, મોક્ષને વિસારે પાડવાથી સાધના સારામાં સારી રીતે થશે અને મોક્ષ જ બિચારી મોહિત થઈને તારી પાસે આવશે.’
નિરપેક્ષ વૃત્તિથી જે કેવળ સાધનામાં તલ્લીન થયેલો છે. તેના ગળામાં મોક્ષ લક્ષ્મી
વરમાળા પહેરાવે છે. ‘સાધનાની પરાકાષ્ઠા એટલે સાધકની સાધનાની સહજાવસ્થા’. હું કંઈક કરું છું એવો ખ્યાલ જ ત્યાં હોતો નથી. નાનો છકરો સાચું બોલે છે, પરંતુ તેની તે ક્રિયા નૈતિક નથી, કારણ કે તેને જૂઠું શું તેનો ખ્યાલ જ નથી. અસત્યની કલ્પના હોવા છતાં સત્ય બોલવું એ નૈતિક કર્મ છે. સિદ્ધાવસ્થામાં જે નિસિદ્ધ છે, તે ત્યાં નામનુંય ફરકતું નથી. જે સાંભળવાનું નથી તે કાનમાં પેસતું નથી, જે જોવાનું નથી તેને આંખો જોતી નથી, જે થવું જોઈએ તે હાથથી કરવું પડતું નથી. જે ટાળવાનું છે તેને ટાળવું નથી પડતું, પણ આપમેળે ટળી જાય છે. આવી એ નીતિશૂન્ય અવસ્થા છે. આ જે સાધનાની પરકાઠા, આ જે સાધનાની સહજાવસ્થા, તે નીતિનો પરમ ઉત્કર્ષ છે.
આ અંતિમ અવસ્થામાં ત્રણ ભાવ હોય છે. એક પેલી વામદેવની દશા, તેનો પહેલો પ્રસિદ્ધ ઉદ્ગાર છે ને ! ‘આ વિશ્વમાં જે – જે કંઈ છે તે હું છું’. જ્ઞાની પુરુષ નિરંકાર હોય છે, તેનું દેહાભિમાન ખરી પડે છે, ક્રિયા બધી ખરી પડે છે. એ જ વખતે તેને ભાવાવસ્થા પ્રાપ્ત થાય છે. એ અવસ્થા એક દેહમાં સમાઈ શકતી નથી. ભાવાવસ્થા એ ક્રિયા અવસ્થા નથી.
આ ભાવાવસ્થાની માફક જ્ઞાનીપુરુષની ક્રિયા અવસ્થા પણ હોય છે. જ્ઞાની પુરુષ સ્વાભાવિક રીતે શું કરશે ? તે જે જે કંઈ કરશે તે બધું સાત્ત્વિક જ હશે. બીજી જો કે તેને માણસના દેહની મર્યાદા છે, તો પણ તેનો આખોય દેહ, એની બધી ઈન્દ્રિયો, એ બધા સાત્ત્વિક થયેલા હોવાથી તેની અંદર તેની દરેક ક્રિયા સાત્ત્વિક જ થશે. ભાવાવસ્થા અનેક ક્રિયા અવસ્થા ઉપરાંત જ્ઞાની પુરુષની ત્રીજી
એક સ્થિતિ છે. જેને જ્ઞાન અવસ્થા કહેવાય છે. આ અવસ્થામાં તે પાપ પણ સહન કરતો નથી. પુણ્ય પણ સહન કરતો નથી. ખંખેરીને બધું ફેંકી દે છે. આ ત્રિભુવનને દીવાસળી ચાંપી તેને સળગાવી દેવા તે તૈયાર થાય છે. પોતાની જાત પર એક પણ કર્મ લેવાને તે તૈયાર થતો નથી, તેનો સ્પર્શ સરખો તે સહી શકતો નથી. આવી આ ત્રણ અવસ્થા જ્ઞાની પુરુષની મોક્ષ દશામાં સાધનાની પરકાષ્ટાની દશામાં સંભવે છે.
આ જે અક્રિયા અવસ્થા છે. છેવટની દશા છે, તેને પોતાની રીતે કેવી રીતે કરવી ? આપણે જે જે કર્મ કરીએ તેનું કર્તૃત્વ આપણે ન સ્વીકારવાનો મહાવરો કરવો પડે. હું કેવળ નિમિત્ત માત્ર છું. કર્મનું કર્તૃત્વ મારી પાસે નથી, એ મનન કરતાં રહેવું. આ અકર્તૃત્વ વાતની ભૂમિકા પહેલાં નમ્રપણે સ્વીકારવી. આમ થતાં દેહ સાથે જાણે કે સંબંધ જનથી એવી જ્ઞાનીની અવસ્થા પ્રાપ્ત થશે.
એ અવસ્થામાં પાછી અગાઉ કહેલી ત્રણ અવસ્થા છે. એક તેની ક્રિયાવસ્થા. બીજી ભાવાવસ્થા. જેમાં ત્રિભુવનમાં થતા પાપ પુણ્ય હું કરું છું એમ તે અનુભવશે. પણ તેમનો તેને લેશમાત્ર સ્પર્શ નહીં થાય અને ત્રીજી તેની જ્ઞાનાવસ્થા, એ અવસ્થામાં લેશમાત્ર કર્મ તે પોતાની પાસે રહેવા દેશે નહીં.
અઢારમાં અધ્યાયના અંતમાં એક સરસ મજાની વાત ભગવાન કરે છે. ભગવાને શરૂઆતમાં અર્જુનને એક વખત કહ્યું કે, ‘હે અર્જુન, આજે મેં બધું તને કહ્યું તે તું બધું બરાબર સમજ્યો હોઈશ. હવે તારો વિચાર કરીને તને જે સુજે તે કર.’ ભગવાને અર્જુનને મનની મોટાઈથી છૂટ આપી છે.