નાસા અને “શિવ વિજ્ઞાન”…?

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

 

ગોસ્વામી શ્રી તુલસીદાસજી રચિત શ્રી રામચરિત માનસને વિશ્વ સંસ્થા UNO સુધી લઇ જનાર પ્રિય મોરારીબાપુની ત્યાંની માર્મિક વાતો સાંભળીને  વિશ્વની વિજ્ઞાન સંસ્થા નાસા નું સ્મરણ થયું.

નાસાને વૈજ્ઞાનિક સંસ્થા તરીકે આપણે ઓળખીએ છીએ. જે ખાસ કરીને અવકાશ વિજ્ઞાનમાં અને વિજ્ઞાનની જટિલ પ્રક્રિયાઓમાં સંશોધન સતત કરી રહેલી સંસ્થા છે. નાસાને પોતાનું શિવ વિજ્ઞાન હોઈ શકે એમ કોઈ કહે તો તમને આશ્ચર્ય થાય ને !  પણ નાસાની ઘણી બધી શોધમાં શિવના અસ્તિત્વની ચર્ચા થઈ છે. જો કે આ અંગે નાસા તરફથી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ થયેલ નથી. પરંતુ નાસાના ન્યુસ્ટાર નામના ન્યુક્લિયર સ્પ્રેક્ટોસ્કોપીક ટેલિસ્કોપે ૨૦૧૪ માં પૃથ્વીથી 17000 પ્રકાશ વર્ષ દૂર આવેલા નેબ્યુલાનો એક ફોટો ઝડપેલો. વિજ્ઞાનની ભાષામાં આ નેબ્યુલા પલસર વિન્ટેજ નેબ્યુલા તરીકે ઓળખાય છે. પણ નાસાએ તેનું નામ the squad રાખ્યું. લોકોએ આ નેબ્યુલાની તસ્વીર નિહાળી તો તેમને આ નેબ્યુલા શિવના હાથના આકાર જેવું દેખાયું.!!

કહે છે કે ૨૦૧૭ માં હબલ ટેલિસ્કોપની મદદથી નાસાએ અલગ અલગ ફોટા પાડયા તેમાં તેમને વાદળોના તરેહતરેહના અસંખ્ય સમૂહો જણાયા. પરંતુ નાસા દ્વારા પ્રકાશિત થયેલી તસ્વીર ભગવાન શંકરના ત્રિશુલ તરીકે લોકો દ્વારા સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ. ૨૦૧૭ માં જ નાસાએ હબલ ટેલિસ્કોપની મદદથી પૃથ્વીથી ૭૫૦૦ પ્રકાશવર્ષ દૂર આવેલો ખુબ બધા ગેસોનો વિશાલ સમૂહ જોયો. નવજાત તારાઓના નિર્માણ દરમિયાન ઉત્પન્ન થયેલા વિવિધ ગેસોને કારણે બનેલા આ નેબ્યુલાને નાસાએ ખેરીનાં નેબ્યુલા તરીકે ઓળખ્યો. પરંતુ નાસાએ બહાર પાડેલી તસ્વીરોમાં લોકોને  જટાધારી શિવના દર્શન થયા. આજે પણ આ તસ્વીર સોશિયલ મીડિયામાં પ્રચલિત થઈ રહી છે. ખૂબી તો એ છે કે નાસાએ એક પ્રયોગમાં એવું તારવ્યું છે કે, પૃથ્વી પર રહેલું DNA શિવલિંગ સાથે હલાસ્કા ખાતે પ્રાપ્ત થયું. આ શિવલિંગ કોઈ ઉલ્કાપિંડ સાથે પૃથ્વી પર આવ્યું હશે તેવું સંસ્થાનું માનવું છે. આમ,  નાસા જેવી વિજ્ઞાન સંશોધન સંસ્થાના પ્રયોગો સાથે લોકોની ભગવાન શિવ પ્રત્યેની આસ્થા સંકળાયેલી છે. સત્ય તારવવું આવશ્યક છે.

સ્વીટરઝરલેન્ડના જિનીવા શહેર ( જ્યાં UNO નું એક મથક પણ છે.) પાસે CERL એવું ટૂંકાક્ષરી નામનું કુલ છ પાર્ટિકલ એક્સેલરેટર્સનું ગંજાવર સંકુલ છે. લીગ્સ બોઝોન પાર્ટિકલ માટેનો સફળ પ્રયોગ જ્યાં યોજાયો અને બ્રહ્માંડના જન્મ વખતના અન્ય કણો એટલે કે પાર્ટિકલ્સનો તાગ મેળવવાના અમુક પ્રયાસો જ્યાં સફળ થયા તે large hadron collider (LHC ) એક્સલેટર્સનો પણ તેમાં સમાવેશ થાય છે. સૌ જાણે છે તેમ દસ અબજ ડોલરના ખર્ચે બનેલું LHC કાંઈ  જેવું તેવું પાર્ટિકલ એક્સલરેટર નથી. પુરા ૨૭ કિમી ના પરિઘમાં ફેલાયેલું છે. સંકુલના મુખ્ય  બે મકાનોની વચ્ચે તાંડવમુદ્રા દર્શાવતા નટરાજની બે  મીટર  ઊંચી પ્રતિમા છે. અહીં તેની હાજર સૂચક લાગે છે. ૧૮ જૂન, ૨૦૦૪ માં ભારત સરકારે CERN સંસ્થાને ભારત દેશ સાથેના વર્ષો જુના જોડાણની ખુશીમાં ભગવાન શંકરનું કોસ્મિક નૃત્ય દર્શાવતી નટરાજની આ આકર્ષક મૂર્તિ ભેટ સ્વરૂપે આપી હતી. ભારતીય સરકાર દ્વારા ભેટ સ્વરુપે આ દેવતાને એક રૂપક તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. કારણ કે નટરાજનું નૃત્ય એ સબએથોમિક પાર્ટિકલ્સના કોસ્મિક નૃત્યના આધુનિક  અભ્યાસ સાથે સુમેળ સાધે છે.

વિશ્વભરના ૮૫ દેશોના ૮૦૦૦ વૈજ્ઞાનિકો અહીં કાર્યરત છે જેમાં ભારતના ૭૦ વૈજ્ઞાનિકોનો સમાવેશ થાય છે. આ સૌ વૈજ્ઞાનિકો નટરાજના પ્રભાવ નીચે રહેલા બ્રહ્માંડના આદિ તથા અંત વિષે સંશોધન ચલાવી રહ્યા છે.યાદ રહે સંશોધન ૧૯૫૪ થી ચાલતું રહ્યું છે. પ્રસિદ્ધ ભૌતિક શાસ્ત્રી સેબ્રાએ નટરાજ સ્વરૂપના તાંડવ નૃત્યને પરમાણુની ઉત્પત્તિ અને વિનાશ સાથે જોડેલ છે. આને લગતી વિસ્તૃત  ચર્ચા તેમણે  ૧૯૭૨ માં પ્રગટ થયેલા પોતાના પુસ્તક મેઈન કરન્ટ્સ ઓફ મોર્ડન થોટ માં ‘ડાન્સ ઓફ શિવા’  જેવા શીર્ષક હેઠળ લખાયેલા પ્રકરણમાં કરી છે. આ સેબ્રાએ CERN ખાતે સ્થપાયેલ નટરાજની મૂર્તિનું અનાવરણ કર્યું હતું. CERN ના વૈજ્ઞાનિકોનું માનવું છે કે, એ લોકો જે પ્રયોગો કરી રહ્યા છે એ ભગવાન શિવના સંહાર કરવાના સિદ્ધાંત પર આધારિત છે, જેમ કે પહેલા સંહાર કરો, પછી નિર્માણ કરો. તે જ પ્રમાણે નાસા દ્વારા થતા  પ્રયોગનું નામ પણ ભગવાન શિવના નામ ઉપર રાખવામાં આવ્યું છે. “The shiva project – સ્પેસ ફ્લાઈટ, હોલોગ્રાફી ઈન અ વર્ચ્યુઅલ એપેરેટ્સ.’ પ્રાચીન ભારતે પીરસેલી આધ્યાત્મિક જ્ઞાનની આ પ્રસાદી રમ્ય ઘોષા નદીની માફક ખળખળ વહે છે તે આનંદનો વિષય છે.

ભગવાન શિવને વિજ્ઞાન અને વિજ્ઞાનના સંશોઘનો સાથે બેશક જોડી આપવાની વાત એક અભ્યાસપૂર્ણ પુસ્તકમાં થઈ છે. શ્રીમતી હિમા વિપુલ યાજ્ઞિક વડોદરા ખાતેથી ગુજરાતી સાહિત્યમાં છાનુંછપનું પ્રદાન કરી રહ્યા છે. એમનું પ્રદાન સાહિત્યનું ગણવું કે સંશોધનાત્મક ગણવું કે પછી ધર્મ અને અધ્યાત્મને સ્પર્શતું ગણવું એ વિવેચકોનો વિષય છે પણ જ્યાં સુધી હિમા યાજ્ઞિકને સબંધ છે ત્યાં સુધી તેઓ આ સમગ્ર કાર્ય પોતાના હૃદયમાં જે ભાવ ઊગે છે તે ભાવને વાચા આપવા માટે કલમ દ્વારા પ્રસ્તુત કરી રહ્યા છે. તેમના દ્વારા ભારતના ઋષિઓ ઉપરનું પણ એક સુંદર પુસ્તક પણ આપણને હમણાં જ મળ્યું છે. શ્રીમતી હિમા યાજ્ઞિક ગૃહિણી છે એમ કહેવાય છે પણ એવું લાગે છે તેઓ જેટલો સમય પોતાના ઘરના રસોડામાં વિતાવતા હશે તેનાથી વધુ સમય  તેઓ પોતાના ઘરના એક અલગ ખૂણામાં રહેલા લેખન-મંદિર પાસે પણ વિતાવતા હોવા જોઈએ.