વૃદ્ધાશ્રમ માટે કથા !?!?

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

સમાજમાં વૃદ્ધાશ્રમની જરૂર પડે, એ કાંઈ સારું કહેવાય ?? ત્યારે સદભાવના વૃદ્ધાશ્રમ તો કહે છે : ‘અમને માવતર જોઈએ છે..!!!!!

વારંવાર પૂછાતો આ પ્રશ્ન છે કે, સમાજમાં વૃદ્ધાશ્રમોનું હોવું એ કાંઈ સારું કહેવાય?? દરેકના મનમાં ઊભી થતી શંકા કઈ સમજતી અને કયા શબ્દોથી સ્પષ્ટ કરવી તે સમજાતું નથી, કારણ એ છે કે, આપણા સમાજે ‘વૃદ્ધાશ્રમ’ શબ્દને એક નજરે અળખામણો  કરી દીધો છે. જો કે,  શંકા સાવ ખોટી પણ નથી, એટલા માટે કે, આપણા દેશમાં અને એમાં પણ ગુજરાતમાં ખાસ કરીને વૃદ્ધાશ્રમની સંખ્યા વધતી જાય છે. સદભાવના વૃદ્ધાશ્રમના ભેખધારી સેવક ધીરુભાઈ કાનાબારના કહ્યા પ્રમાણે,  ગુજરાતની અંદર 163 વૃદ્ધાશ્રમો છે. એનો અર્થ એવો છે કે,  વૃદ્ધોને અમુક ઉંમર પછી સાચવવાનું એના દીકરા દીકરીઓ કે દીકરી અને જમાઈ કરી શકતા નથી એટલે એમની પાછળની અવસ્થાએ એમને આશ્રમમાં સ્થાન આપવામાં આવે છે. વૃદ્ધોને માનભેર જીવવાનું આશ્રમ એટલે વૃદ્ધાશ્રમ છે, એવી વ્યાખ્યા કરી શકાય

પ્રશ્ન એ વિચારવા જેવો છે કે, આવું કેમ બને છે ?  સમાજ કેમ આ પ્રકારના ટિપિકલ વૃદ્ધાશ્રમોમાં વધારો કરતો જાય છે ?  આપણને બે બાબતો જવાબમાં મળે છે. એક:  વૃદ્ધો પોતાની અસહાય અવસ્થામાં ક્યાં જઈને રહીશું અથવા કોની સારવાર લઈશું  અથવા તેનો ટેકો કોણ કરશે  એ ચિંતામાં ને ચિંતામાં મોટા થતા હોય છે. એ ભય ધીમે ધીમે એમની ઉંમર સાથે વધતો જતો હોય છે, પરિણામે વૃદ્ધાશ્રમમાં જતા પહેલાંના ચાર પાંચ વર્ષોમાં કુટુંબનું વાતાવરણ એવું તંગ બની જતું હોય છે કે, દીકરો વહુ કે દીકરી જમાઈ અને વડીલો વચ્ચે તનાવ ઉભો થતો રહે છે.

આપણા સમાજમાં એવું પણ કહેવાય છે કે, કોઈપણ વૃદ્ધ  દીકરાને લઈને વૃદ્ધાશ્રમમાં જતા નથીપણ તેમણે દીકરાની વહુને લઈને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે !!  આ જ વાતને જો જરાક ઉલ્ટી વિચારીએ તો એવું કહી શકાય કે, આપણી દીકરીઓ ભૂલી જાય છે  કે,  હું આ ઘરની વહુ છું એટલે મને કદાચ સાસુ સસરા સાથે ફાવતું ન હોય તેવું બની શકે પણ,,  આવી જ એક વહુ મારા ઘરે પણ છે,  જેને મારો ભાઈ પરણીને લઈ આવ્યો છે, એને પણ જો એના સાસુ સસરા પ્રત્યે ધીમે ધીમે કરતા દ્વેષ થતો જશે તો એવું બનશે કે આ ઘરમાંથી હું બે વડીલોને વૃદ્ધાશ્રમમાં મોકલીશ ત્યારે સામે  મારા ઘરમાંથી પણ બે વડીલોને વૃદ્ધાશ્રમમાં જવાનું થશે. દીકરી દીકરી તરીકે જો વૃદ્ધોને અપાર પ્રેમ કરી શકતી હોય તો, એ બીજા ઘરે ગયા પછી વહુ તરીકે પોતાના બીજા મા-બાપને કેમ એટલો પ્રેમ નહીં કરી શકતી હોય એ સંશોધનનો વિષય છે અને આ સત્ય પણ છે.

આપણે સમાજનું ઘડતર જ એવું  કર્યું છે કે, દીકરી મોટી થાય ત્યારથી આપણે તેને મનમાં સતત સાસરું , સાસુ,  સસરા, નણંદ આ બધા પાત્રો પ્રત્યે ઝીણી શંકા અને એક પ્રકારનો અણગમો ઉત્પન્ન થાય તેવું ઠાલવતા  હોઈએ છીએ અને ફલતઃ જ્યારે ખરેખર દીકરી કોઈના ઘરે જાય છે ત્યારે એને સસરો કોઈ ‘બીજો માણસ’ લાગે છે, સાસુ એને કોઈ બીજું  ‘ટીકાખોર’ પાત્ર લાગે છે. નણંદ પોતાના વ્યવહારોમાં વાંધો ઊભો કરતી સ્ત્રી લાગે છે અને આથી જે એક દિવાલ રચાય છે એ ધીમે ધીમે કરતાં વૃદ્ધાશ્રમ તરફના ડગલા મંડાવા ફરજ પાડે છે.  બીજું એક કારણ એવું પણ છે કે,  વડીલો પોતાની વધતી ઉંમર સાથે પોતાના આગ્રહો, હઠાગ્રહો, ગમા અને અણગમાઓ, કેટલાક પૂર્વગ્રહો એવી રીતે મોટા કરતા જાય છે કે, તેઓ પોતે મોટી ઉંમરના થાય ત્યાં સુધીમાં દીકરા-વહુ  અને સાસુ – સસરાની  વચ્ચે એક ન દેખાય તેવી દિવાલ ઊભી કરી ચૂક્યા હોય છે.  એક સાદું ઉદાહરણ લઈએ કે દીકરા અને વહુ ને ઘરે જ્યારે સંતાન આવે ત્યારે એનું બચપણ સાચવવાનું કામ દાદા દાદી ચોક્કસ કરી શકે. એમને વહાલ કરવાનું, એમને પ્રેમ કરવાનું, એમને સારા મજાના સંસ્કારો પાડવાનું, બાળક સાથે રમતમાં સમય વિતાવવાનું, કેટલાક  સ્તોત્રો કે શ્લોકો બોલાવવાનું, હળવી પ્રવૃત્તિ કરવાનું અને સુટેવો ઘડવામાં દાદા દાદી બહુ મોટો ફાળો આપી શકે.  આથી ઊલટું પણ થાય છે કે, જ્યારે સંતાનને એક સૂચના માતા પિતા આપતા હોય ત્યારે એ સૂચનાને નહીં અનુસરવાનું વલણ વડીલ તરીકે દાદા દાદી અજાણતાં શીખવે છે. વડીલો એવો ભાવ નથી ઉત્પન્ન કરતા કે સંતાને એના મમ્મી પપ્પા કહે તેમ કરવું જોઈએ અથવા તો ‘મમ્મી પપ્પા સાચી સૂચના આપે છે અને એને ગણકારીએ નહીં, તે ન ચાલે’,, આવું કહેવાનું જોખમ કોઈ દાદા દાદી લેતા નથી. એટલે ઘણા ઘરની અંદર આપણે જોયું છે કે, દાદા કે દાદી એ હકીકતમાં દીકરા વહુના સંતાન માટે ઊભી થતી જોખમકારી પ્રવૃત્તિને લઈને વૃદ્ધાશ્રમમાં જતાં હોય છે.

આપણે જો નિષ્પક્ષ બની  વિચારીએ તો એ સાર ઉપર પહોંચી શકીએ કે, આ બાબતમાં બંને પક્ષોએ એકદમ સાવધ રહીને આગળ વધવાનું રહે છે. બહુ ઓછા કિસ્સાઓમાં આર્થિક સંકડામણ કે ભૌતિક સંકડામણ કે અન્ય કોઈ બાબતો વૃદ્ધાશ્રમ તરફ જવાનું કારણ બનતા હોય છે, પરંતુ ઘણા બધા કિસ્સાઓની અંદર જેમની પાસે ભૌતિક સંપત્તિઓ છે,  એ સંપત્તિ તુરંત જ હસ્તગત કરવાની લાલચથી પણ વડીલોને વૃદ્ધાશ્રમ તરફ ધકેલવામાં આવે છે.  જે યોગ્ય છે કે નથી તે તો પ્રત્યેક કિસ્સાને જોઈને નક્કી કરી શકાય. એક વાત એવી છે કે, વડીલોએ પોતાના જીવતે જીવત બધી જ મિલકત કે સંપત્તિઓ પોતાના સંતાનોને અર્પણ ન કરી દેવી જોઈએ, કારણ કે એક સામાન્ય મનોવૈજ્ઞાનિક અસરરૂપે વડીલો પાસે સંપત્તિ છે તે આપણને મળવાની છે એવો એક લોભ, લાલચ અથવા તો ઈચ્છા પણ વડીલોને સાચવવાની પ્રેરણા આપે છે, અલબત્ત આ પ્રેરણા યોગ્ય નથી, પણ આવું બનતું હોય છે એવું આપણે નોંધવું તો પડશે.

આ બધા કિસ્સાઓને જોઈએ તો વૃદ્ધાશ્રમની સંખ્યા વધે તે યોગ્ય ન ગણાવું જોઈએ. વૃદ્ધાશ્રમની સંખ્યા વધી રહી છે, કારણ કે આપણી સામાજિક સમજ ખૂબ ઓછી થતી જાય છે, આપણા કુટુંબો તૂટતા જાય છે, ધીમે ધીમે કરતાં આપણા વિભક્ત કુટુંબો કે જેમાં હવે માત્ર પતિ, પત્ની અને એક સંતાન જ હોય એવા કેન્દ્રીય કુટુંબો બની ગયા છે એટલે ‘હું,ફઈ ને રતનીયો’ એમ ત્રણ જણા નો સંસાર..એમાં કોઈ વધે તે ત્રણમાંથી કોઈ સહન ન કરી શકે એવી આપણી પરિપાટી થઈ ગઈ છે.

સદભાવના વૃદ્ધાશ્રમ ઉપર કહેલી બધી જ બાબતોથી સાવ જ જુદી રીતે વૃદ્ધોનો સ્વીકાર કરે છે. અને એટલા માટે જ રાજકોટમાં જ્યારે પ્રિય મોરારીબાપુની શ્રી રામકથા માનસ સદભાવના નું ગાન થવાનું છે ત્યારે એક પ્રશ્ન સૌના મનમાં રહે છે કે, વૃદ્ધાશ્રમો હોવા જોઈએ કે ન હોવા જોઈએ ?? જ્યારે મારા સોશિયલ મીડિયાના ગ્રુપ ઉપર મેં એ બાપુની કથાનો સંદેશો વહેતો મૂક્યો અને જ્યારે સદભાવના વૃદ્ધાશ્રમ વિશે માહિતી આપતો વીડિયો  મૂક્યો ત્યારે દેશ પરદેશથી એવા પ્રશ્નો આવીને ઊભા રહ્યા કે, આ વૃદ્ધાશ્રમ હોય તે કલંક ન કહેવાય ?? કોઈકે એવું સૂચન પણ કહ્યું કે, તમારે બાપુને સમજાવવા જોઈએ કે, વૃદ્ધાશ્રમો માટે કથા ન કરવી જોઈએ…આ લોકોને સ્પષ્ટતાપૂર્વક જ્યારે જેટલો જવાબ યોગ્ય લાગ્યો તેટલો આપ્યો પણ એમાંથી વિચાર આવ્યો કે લાવ, આપણે સ્પષ્ટ કરીએ કે, ખરેખર સદભાવના વૃદ્ધાશ્રમ એ અન્ય સામાન્ય વૃદ્ધાશ્રમો કરતા પાયાથી અલગ ક્યાં પડે છે સદભાવના વૃદ્ધાશ્રમ બોર્ડ લગાવે છે અમદાવાદ, વડોદરા, સુરત રાજકોટમાં જાહેર રસ્તા ઉપર અને બોર્ડમાં એક ટાઈટલ છે :  અમારે માવતર જોઈએ છે અને એ લખ્યા પછી એની નીચે કેવા પ્રકારના વડીલોને અમે સ્વીકારીએ છીએ કે આવકારીએ છીએ એની બહુ જ સ્પષ્ટ વિશેષણોમાં સૂચના લખેલી હોય છે::

જેને સંતાન ન હોય અથવા જેને દીકરો ન હોય,  જે નિરાધાર હોય, જે પેન્શન ન મેળવતા હોય ને એકલા જ હોય અને સંપત્તિ ન હોય ને એકલા હોય અને જેનું કરનાર કોઈ ન હોય અને જે અસહ્ય બીમારી કે રોગમાં સપડાયા છે એવા વૃદ્ધોને સદભાવના વૃદ્ધાશ્રમ આવકારે છે. હાલ એ સંખ્યા છસોથી વધુ મછે. જેમાંથી  લગભગ એકસો એંસી વૃદ્ધો તો પૂરેપુએ પથારીવશ છે.

સદભાવના વૃદ્ધાશ્રમની ઘણી બાબતો વિગતે કહેતા રહેવાનો મનોરથ છે, પણ અત્યારે આટલું સ્પષ્ટ કરીએ કે, અન્ય વૃદ્ધાશ્રમો કરતા સદભાવનાનું કાર્ય ક્યાંય જુદું પડે છે. એવા વૃદ્ધો છે કે એમની જ વાત સાંભળીએ તો આપણને એમ થાય કે, આનું કોણ કરશે અને આમનું સદભાવના નહીં કરે, તો આનું શું થશે? આ બે પ્રશ્નોના જવાબ આપણે વિગતે મેળવીશું. અત્યારના સદભાવના વૃદ્ધાશ્રમ માટે આટલી સ્પષ્ટતા કાફી છે. હાલ તો સદભાવના શબ્દને ચરિતાર્થ થાય તેવું વિશ્વ શ્રેષ્ઠ કાર્ય કરનાર સદભાવના વૃધ્ધાશ્રમના લાભાર્થે યોજનાર પ્રિય બાપુ મુખેથી  શ્રી રામકથામાં લીન  થઈએ અને આપણી શક્ય કરુણા વહેતી કરીએ.