મમ્મી પપ્પાએ પોતાનાં લગ્નની કંકોતરી પોતાના દીકરાની સાથે આવીને બાપુ ચરણમાં અર્પણ કરી !!
– ભદ્રાયુ વછરાજાની@ખાંડા, ધરમપુર
પ્રકૃતિની વચ્ચે રહેનારા આ પ્રકૃતિના પોષકો પોતાની પ્રકૃતિને આધીન થઈને રહેવાનું શીખી ગયા છે.
અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસીઓને માણસ જાત કરતા ઓછા સમજુ માનીને આપણે એમને આદિવાસી કહીને દૂર હડસેલી મેલ્યા છે. એમના પ્રશ્નો સામે જોવાનું આપણે પસંદ કર્યું નથી.
ધરમપુર પાસેના ખાંડા ગામમાં ચાલી રહેલી શ્રી મોરારીબાપુની શ્રી રામકથા દરમિયાન બે-ત્રણ વિચિત્ર અને વિશિષ્ટ વાતો જાણવા મળી. એમાંની એક વાત આજે આપની સાથે કરવી છે.
એક એવું કુટુંબ બાપુને કંકોત્રી આપવા આવ્યું કે જે કુટુંબમાં મમ્મી-પપ્પા અને એનો દીકરો હતા!!!. આ ત્રણેય જણા સાથે પ્રિય મોરારીબાપુને પોતાના લગ્નની કંકોત્રી આપવા માટે આવ્યા. બાપુના ચરણમાં કંકોત્રી મૂકી અને તેઓ પગે લાગ્યા. સૌને આશ્ચર્ય હતું કે, આ આખું કુટુંબ કોની કંકોત્રી દેવા આવ્યું છે? થોડી સ્પષ્ટતા થઈ ત્યારે જરા અચંબિત થઈ જવાયું. એ મમ્મી-પપ્પા બની ગયા છે, તેવા પતિ અને પત્નીના દીકરાની હાજરીમાં લગ્ન થવાના હતા. અને એની આ કંકોત્રી આપવા પૂજ્ય બાપુને મળવા આવ્યા હતા. તેઓની અભિલાષા હતી કે, બાપુના આશીર્વાદ મેળવે અને તેમનું જીવન સુખ શાંતિથી પસાર કરે.
એ દંપત્તિ સાથે વાત કરતાં મને તેમનું સહજ અને નિખાલસ વાતો જાણી ખૂબ જ આનંદ થયો. આપણે આધુનિક સમાજના લોકો આપણી લગ્ન પ્રથાને જડતાપૂર્વક વળગી રહ્યા છીએ અને અનેક નાના મોટા પ્રશ્નો અથવા સમાધાનો કરતા હોઈએ છીએ. જ્યારે આ આદિવાસી વિસ્તારના બે યુવાનો કેટલી બધી સમજપૂર્વક જીવી ગયા છે, જીવી રહ્યા છે અને જીવશે પણ ખરા. આ બંને યુવાન અને યુવતીના લગ્ન હવે થવાના છે. પણ તેઓ એકબીજાને સારી રીતે ચાહે છે, અને તેઓ એકબીજા સાથે છેલ્લા ત્રણ વર્ષથી રહે છે. આપણે જેને ‘લિવ ઇન રિલેશનશીપ’ નામ આપીએ છીએ એવું કંઈ એને ખબર નથી. પણ તેઓ સાથે રહે છે, તેમના કુટુંબના, તેમના ફળિયાના, અને તેમના વિસ્તારના સૌ લોકોને આ વાત માન્ય છે. આ ત્રણ વર્ષ દરમિયાન એમને સંતાન પણ થયું છે, અને દીકરો છે જે અત્યારના લગભગ પોણા ત્રણ વર્ષનો થઈ ગયો છે. બાપુને મળવા આવ્યા ત્યારે દીકરો સાથે હતો. આ વાતની સ્પષ્ટતા થઈ ત્યારે બાપુએ કહ્યું કે આ તો બહુ મોટી દિલની મોટાઈ માંગે એવો મુદ્દો છે. આ યુવાન અને યુવતી સાદા સીધાં છે. હસતા રમતા છે, અને પરસેવો પાડીને જીવનારા છે. એ લોકો મોજ શોખ માટે પરણ્યા હોય એવું કશું નથી. એકબીજાનાથી બહુ જ આકર્ષિત થઈ ગયા હોય એવા એના દેખાવ પણ નથી. પણ ખરેખર દિલના પ્રેમથી એકબીજાએ પસંદ કર્યા અને એ સમયે લગ્ન થઈ શકે એવી વેંત ન હતી. એટલે કે લગ્ન કરવા માટેની જે કોઈ આવશ્યકતાઓ હોય આર્થિક, સામાજિક વગેરે થઈ શકે તેમ ન હતી. તો એ લોકોએ કુટુંબીઓને જાણ કરીને સાથે રહેવાનું શરૂ કર્યું અને સાથે રહેતાં-રહેતાં લગ્ન થાય એ પહેલાં એને બાળક પણ થયું, અને દીકરો ત્રણ વર્ષનો થયો.
હવે સગવડતા થઈ છે. આર્થિક, સામાજિક બધી જ. એટલે હવે તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે અને એ લગ્નની આમંત્રણ પત્રિકા બાપુને આપવા આવ્યા હતા. બાપુનાં મનમાં ખુબ આનંદ હતો કે લગ્નપ્રથાના નામે આપણે કેટલા બધા ધમપછાડા કરીએ છીએ ત્યારે આ આદિ તીર્થ વાસી યુગલ, સમાજની મર્યાદામાં રહીને એકબીજાને સતત પ્રેમ કરતાં રહી લગ્નનાં બંધન વગર માતા-પિતા બની ગયા છે અને એનો સૌએ સ્વીકાર કર્યો છે.
આ વાતની ચર્ચા થતી હતી એ દરમિયાન એવું પણ જાણવા મળ્યું, કે ઘણી વખત કેટલાક એન.જી.ઓ. સમૂહ લગ્નનું આયોજન કરે ત્યારે આ વિસ્તારમાંથી એવા યુગલો જાય છે કે જેમાં ત્રણ પેઢી હોય. અહીંયા આદિવાસીઓ માટે પાયાનું કામ કરનાર મુકુલ ટ્રસ્ટના ડો. પ્રજ્ઞા કલાર્થીએ કહ્યું કે એક વખત તો દાદા-દાદી, મા-બાપ અને દીકરો-વહુ, એમ ત્રણ જોડા એક સાથે પરણ્યા.!!! દાદા-દાદી પરણ્યા ત્યારે જોગવાઈ નોહતી, એમનો દીકરો મોટો થયો એ પણ આવી રીતે પરણી ગયો. પરણ્યા વગર પરણી ગયો, અને એમને ઘરે સંતાન થયું એમને પણ આવું જ બન્યું. એટલે ત્રણ પેઢીના દંપત્તિઓ એક સાથે, એક માંડવે, પરણવા આવ્યા.!!
આદિવાસીઓમાં આ વાત બહુ સામાન્ય છે. આનો કોઈને પ્રશ્નાર્થ નથી, આનો કોઈ અચંબો કે એના વિશેની કૂથલી નથી. ઘણી વખત તો સમૂહ લગ્નમાં સંતાન સાથે હોય એવા લગ્ન તો થાય, પણ પેટમાં બાળક હોય અને લગ્ન થતા હોય એવું પણ બને છે.!! અહીં એ વાત જાણવા જેવી છે કે, આ લોકો વિધિવત પરણે છે જરૂર..તેઓના મનમાં ખટકો રહે છે કે આપણે હજુ વિધિસર પરણવાનું છે. સાથે રહેવા લાગ્યા એટલે તેઓ પરણવાનું ભૂલી નથી જતા. એટલે તો જ્યારે સંજોગો સારા હોય ત્યારે ત્રણ પેઢી પણ સાથે પરણે છે અવશ્ય.
આપણે સેક્સની બાબતમાં ચોખલિયા છીએ. કોઈ બે વ્યક્તિઓ પરણ્યા વગર સાથે રહે તે તો આપણો સમાજ સહન જ નથી કરી શકતો.જયારે આ આદિ તીર્થ ક્ષેત્રના સરસ મજાના યુવાનો અને યુવતીઓ, એટલે કે દંપતીઓ સેક્સને દંભ તરીકે ન સ્વીકારીને સહજતાથી લે છે. અને પોતાના જીવનમાં આનંદ માણે છે.
આપણે જેને આદિવાસી કહીએ છીએ એની પાસેથી આપણે ઘણું શીખવાનું છે. પ્રિય બાપૂની રામકથા દરમિયાન આવા કેટલાય પ્રસંગો જોઈ જાણીને આશ્ચર્યમાં ગરકાવ થયો પરંતુ આનંદ એ વાતનો થયો કે પ્રકૃતિની વચ્ચે રહેનારા આ પ્રકૃતિના પોષકો પોતાની પ્રકૃતિને આધીન થઈને રહેવાનું શીખી ગયા છે.
આપણે પ્રાર્થના કરીએ કે, ‘ હે ઈશ્વર, સદા એમની સાથે રહે.’
જય સીયારામ…