આપણે આપણા બાળકોને ઘડવા છે કે માયકાંગલા રાખવા છે ?
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
અમરેલીના કવિ શિક્ષક શ્રી પ્રણવ પંડયાના એક સુંદર કાવ્યની પંક્તિઓ આજે સ-કારણ યાદ આવી ગઈ.
મમ્મી પપ્પા તો રોજ ઝઘડે છે,
તારાથી એને ના વઢાય પ્રભુ ?
બળથી બાળક જો તને વંદે તો
એ બાળ મજદુરી ના કહેવાય પ્રભુ ?
કવિનું સ્મરણ કેમ થયું હશે ?
શૈક્ષણિક સત્ર શરૂ થયું અને તરત જ એક છાપામાં સમાચાર વાંચ્યા કે કોઈ સ્કૂલે તેના વિદ્યાર્થીઓ પાસે સફાઈ કામ કરાવ્યું અને એનો સોશિયલ મીડિયામાં હો- ગોકીરો થયો અને જિલ્લાના ફરજપરસ્ત જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાને કે શિક્ષકને નોટિસ ફટકારી દીધી !! આ સમાચાર વાંચીને વિચાર એવો આવ્યો કે આપણે વિદ્યાર્થીઓને પરાણે અદબ વળાવીએ, નાક ઉપર આંગળી રખાવીને ચુપચાપ બેસાડી દઈએ અને ન ઈચ્છા હોય તો પણ આંખ બંધ કરીને પ્રાર્થના બોલવા એને મજબૂર કરીએ એ પણ અત્યાચાર જ ગણાય ને ? અત્યાર સુધી કેમ કોઈએ આવા સૂક્ષ્મ અત્યાચારો સામે પોતાનો આક્રોશ વ્યક્ત નથી કર્યો ? અરે એ વાત છોડી દઈએ પણ ઘરેથી ઉઠીને બાળકને બાળકને જોરજુલમીથી શાળાએ મોકલવાનાર વાલીઓ પર અત્યાચારનો આરોપ કેમ નથી મુકતા ? જો આ બે ઉદાહરણોને અત્યાચાર ગણી શકાય તો શાળામાં વિદ્યાર્થી સફાઈ કરે એ પણ અત્યાચાર ગણાવો જોઈએ. આપણે આપણા બાળકોને ઘડવા છે કે માયકાંગલા રાખવા છે ?.
કવિ પ્રણવ પંડયાએ પોતાના કાવ્યમાં સુંદર વાત કરી છે કે જો કોઈ બાળક બળપૂર્વક ભગવાનને વંદન કરે તો એ પણ બાળ મજુરી કહેવાય કે નહીં ? એમણે પ્રશ્ન સીધો પ્રભુને જ પૂછ્યો છે. કવિ કોને પ્રશ્ન પૂછે ? એને શાસકો પ્રત્યે અથવા સંચાલકો પ્રત્યે પાક્કી ખાતરી છે કે આ પ્રશ્નનો જવાબ આપવાની ત્રેવડ તે લોકોમાં નથી. આપણા દેશમાં ‘મારે કરવું જોઈતું કામ હું કરું’ એને પણ આપણે અત્યાચાર ગણવા લાગ્યા છીએ. સત્તાધીશો નોટિસ ફટકારે એટલો પરાકાષ્ઠાનો સમય અત્યારે દેશમાં પ્રવર્તી રહ્યો છે.
નાનકડું બાળક શાળાએ જતું હોય ત્યારે હસતું, રમતું આનંદ કરતું કૂદતું જતું હોય તો ચોક્કસ માનીએ કે એમને શાળાએ જવાનો ઉત્સાહ છે. એ પ્રાર્થનાનો બેલ વાગ્યા પહેલા પ્રાર્થના સ્થાને ગોઠવાઈ જઈને એક બે મિનિટ પહેલા પણ પોતાની આંખ બંધ કરીને બેસી જતું હોય તો ચોક્કસ માનીએ એ ઉત્સાહનો વિષય છે. એ જ રીતે કોઈ પણ બાળક પોતાના વર્ગની સફાઈ કરે, પોતાના ફર્નિચરની સફાઈ કરે એમાં કયો અત્યાચાર આવ્યો ?
જાપાનના બાળકો સ્કૂલમાં બધું જ કામ કરે છે એવા વિડીયો ઘણા વખતથી સોશિયલ ગ્રુપમાં ફર્યા કરે છે. અને લોકો જાપાનના બાળકોના વખાણ કરે છે. પોતાના ક્લાસને સાફ કરવો, પોતાની સ્કૂલના ટોયલેટ સાફ કરવા, નીચા વળીને ઘસીને ટાઇલ્સ સાફ કરવી આ બધું જ કામ જાપાનના બાળકો કરે એવું વીડિયોમાં આપણે જ દેખાડીએ છીએ અને ‘આવું આપણે ત્યાં થતું નથી’ એવો આક્રોશ પણ આપણે જ ઠાલવીએ છીએ. બહુ દંભી પ્રજા છીએ આપણે. આપણા બોલવાના અને આચરવાના ધોરણો જુદા છે. કદાચ સમાજનો દોષ નથી. નેતાઓએ ‘બોલવું કશુંક અને કરવું કશુંક’ એ ધોરણનો બધાને ચેપ લગાડ્યો છે.
અમારા અભ્યાસુ પ્રાધ્યાપક ડો. વિશાલ ભાદાણી પોતાની Science of Learning શ્રેણીમાં તો વિશ્વના સંશોધકોને ટાંકીને કહે છે કે ‘કામ કરતા કરતા બાળકના આંગળાં જેમ વધુ ઘસાય તેમ તેની બૌદ્ધિક શક્તિ નિખરે છે !!’ આપણે બાળકને સ્વતંત્ર કરીએ. આપણે શિક્ષકને સ્વતંત્ર કરીએ. આપણે શાળાના ભાવાવરણને સ્વતંત્ર કરીએ અને પછી જોઈએ કે કેમ દેશ આગળ વધે છે.
બાળકને કામ કરવું છે, એને હોશ છે, એને ઉત્સાહ છે, તેને આનંદ આવે છે, તેને એ મજદુરી નથી લાગતી. અરે ભવિષ્યમાં આ જ વાતો તેના જીવનનાં સુખદ સંભારણા બની રહેનાર છે. ઘરમાં પણ આપણે એને કામમાં જોડવો જોઈએ. નથી જોડતા તે આપણી ભૂલ છે. આ બાળક જયારે મોટું થઈને કોઈ દેશમાં જશે અને ત્યાં કોઈ કામ કરવાવાળી વ્યક્તિ નહીં મળે ત્યારે એની હાલત શું થશે ? આપણો જ દીકરો પરણીને પોતાની વહુને રસોડામાં કામ શેર કરવા લાગશે ત્યારે આપણે એને અત્યાચાર ગણીશું ? વિનોબાજીના કહેવા પ્રમાણે તો ‘જીવતા જીવતા શીખવાનું છે’ અને જીવવું એટલે કરવું. પ્રસાર અને પ્રસાર માધ્યમો થોડો સંયમ દાખવે અને પોતાનો TRP વધારવા માટે તીખા તમતમતા સમાચારોને થોડીવાર મ્યાન કરે તો સારું.
