પ્રિય મોરારીબાપુનાં સાનિધ્યમાં ગુડી પડવાનો પ્રભાતનો આમ સહજતાથી આરંભ થયોને હું તો ધન્ય ધન્ય થઈ ગયો.
ચૈત્ર નવરાત્રીની આજે શરૂઆત થઈ. આજે ગુડી પડવો પણ અને સનાતન ધર્મનું આજે નવું વર્ષ હતું. સવારથી એવી ઈચ્છા હતી કે આજની સવાર દિવ્ય હોય એવું કશુંક વિચારું. ત્યાં તો જાણવા મળ્યું કે, ધરમપુરથી ૧૫ કિમી દૂર ખાંડા ગામે ગઈકાલથી પ્રિય મોરારીબાપુ પધારી ચૂક્યા છે. તાત્કાલિક આપણા ચરણ ધરમપુર થી ખાંડા તરફ દોડ્યા. જ્યારે ખાંડા ગામમાં વનરાજીઓની વચ્ચે બાપુની એક કુટીયામાં પહોંચ્યો ત્યારે બાપુ એ ય ને નીજી આનંદથી હિંડોળે હિચકતા હતા, બાજુમાં યજ્ઞ કુંડ હતો, સુંદર મજાની ગાદી બિછાવેલી હતી અને ઉપર હનુમાનજીની હાજરી પૂરતી તસવીર હતી.
શ્રી ગુણવંત શાહ વારંવાર એમ કહે છે કે, ‘આભિજાત્ય ની બાબતમાં તો મોરારીબાપુને કોઈ ન પહોંચે’ ,, એ વાત મેં અનેક વખત અનુભવી છે અને આજે પણ અનુભવી. આપણને દરવાજામાં પ્રવેશતા જોઈને દૂરથી બાપુ એમ કહે કે, ખુરશી લઈ લ્યો અને ખુરશી પોતાની બાજુમાં મૂકી, આપણે હજી દાખલ થઈને પ્રણામ કરીએ એ પહેલાં તો, ‘બેસો બેસો’ એવો આવકારો આપે અને પૂછે, ‘બધું બરાબર છે ને દીકરો મજામાં છે ને ??’ આવા ખબર આજકાલ કોઈ પૂછતું નથી. કુટુંબમાં પણ નહીં ને ! (જો કે, કુટુંબમાં તો કોઈ એકબીજાને મળતું જ નથી તો પૂછે ક્યાંથી ??) બાપુની આ સુંદર મજાની પૃચ્છાથી ચૈત્ર નવરાત્રીનો પહેલા દિવસનો આરંભ ભર્યો ભર્યો થઈ ગયો.
શાંત ચિત્તે બાપુ પાસે બેસવાની ખૂબ મજા આવે છે. ઘણા લોકો બાપુને મળવા આવે ત્યારે ખૂબ વાતો કરતા હોય છે. પોતાની કેટલીક વાત બાપુની જાણમાં મૂકે અને એ બહાને બાપુને થોડું બોલતા કરે,, પણ કોણ જાણે કેમ, મને તો બાપુ પાસે જઉં ત્યારે મૌન રહેવું બહુ પસંદ પડે છે. મને તો એવો ભાવ થાય કે, આવડું મોટું રામચરિત માનસ આપણી સમક્ષ બેઠું હોય ત્યારે આપણે શું બોલીએ એની માત્ર કલ્પનાથી આપણે મૌન થઈ જઈએ. ખરેખર આજે ય એવું જ બન્યું.
એક પછી એક આદિવાસી બહેનો, ભાઈઓ, નાના બાળકો આવી રહ્યા હતા અને બાપુને પ્રણામ કરતા હતા. બાપુની બાજુમાં હંમેશા કોઈ એક સેવક હોય છે. (નોંધવા જેવું એ છે કે, બાપુ ની બાજુમાં કોઈ દિવસ એકનો એક સેવક હોતો નથી, સેવક બદલતા રહે છે છતાં બધાનો સેવ્ય ભાવ એક સરખો હોય છે…) એ સેવક રામનામી બાપુને આપતા જાય અને બાપુ બહેનોના હાથમાં રામનામી મુકતા જાય અને બાળક આવે એટલે ₹500 ની નોટ આપે. અને બાપુ બાળકના હાથમાં નોટ પકડાવીને તેનું નામ પૂછે ને કહે, આને ભણાવજો હો.. કોઈ વળી આવીને કહે કે, બાપુ મારું નામ અહીંયા લખવું છે’, તો બાપુ તાત્કાલિક એનો હાથ પકડી લીલી પેન લઈને નામ લખી આપે.
આજે વળી એક આશ્ચર્ય થાય તેવું બન્યું. એક આદિવાસી બહેન બાપુને માથું ટેકવી પગે લાગ્યા ને બાપુએ રામનામી આપી. ત્યાં તો એ આદિવાસી બહેને બાપુના હાથમાં ભૂંગળી વાળેલી બે નોટ મૂકી. નિલેશભાઈ એ બહેનને રોકે ત્યાં બાપુએ આંખથી કહી દીધું કે, એને ના ન પાડજો. નિલેશ ભાઈ તો બાપુનો ઈશારો તરત સમજી ગયા. બાપુએ સ્મિત સાથે બે નોટ લઈ લીધી અને નોટને સરખી કરીને પોતાની ગાદી નીચે દબાવી દીધી. એક છેવાડાના માણસની લાગણીને માન આપવા પોતાના નિયમને એક બાજુ રાખી દીધો. હું મનોમન બોલ્યો, ‘વાહ, બાપુ, તમે તો તમે જ છો હો..’
અને હા, બાપુએ વચ્ચે એક સેવક ચોકીદારને બોલાવીને કહ્યું કે, ‘જે આવે ને એને આવવા દેજો, એને કહેજો ચાલો મેળવી દઉં, બસ પછી તમે કશું નહીં કેજો. હું એમને મળી લઈશ પણ કોઈને ના નહીં પાડતા. હું આજથી અહીંયા સૌને મળવા આવ્યો છું. મારે એ લોકો સાથે વાતચીત કરવી છે….’ આ વાત જ્યારે સાંભળી ત્યારે બાજુમાં મૌન રીતે બેઠેલા મારા મનને એમ લાગ્યું કે આભિજાત્ય તો ક્યાં, બાપુની કરુણાની તોલે પણ કોઈ ન આવી શકે !!
બાપુ એટલા બધા સહજ છે કે ક્યારેય કોઈને આશીર્વાદ દેતા જોયા નથી, બાપુ ક્યારેય કોઈને ધબ્બો મારતા જોયા નથી, બસ, કોઈ આવે એટલે દૂરથી બાપુ હાથ જોડી નીચા ઝૂકી પોતે પ્રણામ કરે. મેં તો આજે એવું પણ અનુભવ્યું કે આદિવાસી બહેનો માથું ટેકવીને જ્યારે પગે લાગે ત્યારે બાપુ પોતાના પગ અંદર ખેંચી લે. કોઈ ચરણસ્પર્શ કરે તો એને ગમતું નથી. બાપુની બેઠક જ એવી રીતે હોય કે કોઈ એના ચરણસ્પર્શ ન કરી શકે.
આજના વિપથગામી સમયમાં જ્યારે કેટલાય લોકો પોતાના ચરણસ્પર્શ કરાવવા માટે તલ પાપડ હોય છે, ત્યારે એક વિશ્વખ્યાત વ્યક્તિત્વ પોતાના ચરણોને દૂર કરી લે છે એ જાણીને આપણા મનમાં સાનંદાશ્ચર્ય થાય , પણ બાપુની આ જ તો સહજતા છે અને તે બેનમૂન.
અર્ધો કલાક થયો ત્યાં બાપુની ચા આવી. બાપુની ચા બહુ અલગ છે. તમે બાપુની ચા જ્યારે પીવો ત્યારે કોઈ પણ ઋતુ હોય પણ એની અંદર અદ્રક કે સૂંઠ બરાબર નાખેલ હોય.. એ ભલે બે ઘૂંટડી પીએ, પણ એ બે ઘૂંટડીમાં તો આખા શરીરની અંદર ઉઘાડ ઉઘાડ થઈ જાય. સંતરામભાઈ ચા લઈને આવ્યા કે બાપુનો વિવેક બોલ્યો, ‘ સૌને આપો.’ #સનાતન_ધર્મનું કોઈ પીણું ઘોષિત કરવું હોય તો બાપુની સંતરામભાઈએ બનાવેલી ચા ઘોષિત કરવી જોઈએ, (એવો મારો મનોરથ છે.) બાપુ કાયમ ચાની સલ્લા કરે જ અને તેની મને પ્રતિક્ષા પણ હોય.
પ્રિય મોરારીબાપુનાં સાનિધ્યમાં ગુડી પડવાનો પ્રભાતનો આમ સહજતાથી આરંભ થયોને હું તો ધન્ય ધન્ય થઈ ગયો.