
બાળક સાથેની જીણી-જીણી વાતોનો સરવાળો એટલે ‘પેરેન્ટીંગ’
શ્રી ભદ્રાયુ વછરાજાની સાથે બેઠક
તારીખ ૬ ડિસેમ્બર-૨૦૨૪ના દિવસે શાળામાં સ્નેહી શ્રી ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાની અમારા આગ્રહને માન આપી સસ્નેહ મળવા આવ્યા. તેઓ સાથે અમારો એટલે કે શાળા સાથેનો સંબંધ એવો કે અમસ્તા પણ તેઓને મળવાનું મન થાય. આ વખતે પણ તેઓ આવ્યા અને શિક્ષકો સાથે બેઠક કરી, જેમાં તેમણે ખૂબ ઓછા સમયમાં પણ જીવનને વધુ સુંદર અને સ્વસ્થ બનાવતી અદ્ભૂત વાતો ખૂબ હળવાશથી કરી. તેમને પુછાયેલ ‘કેમ છો?’નો તેમણે આપેલ માર્મિક, વિચારપ્રેરક જવાબ સાંભળી સૌ ખુશ થઈ ગયાં.
શિક્ષણ તેમજ શિક્ષણ સિવાયની ઘણી જીવનોપયોગી વાતો તેમણે કરી. શિક્ષક હોવાનું ગૌરવ અને તેની ગરિમા જાળવવા અંગેની ઘણી સુંદર ઉપયોગી વાતો થઈ. બધાંને બહુ મજા આવી તેમને સાંભળવાની. આવી બેઠક પછી કોઈ પૂછે કે તમને શું મળ્યું આમાંથી!!? તો અમે કહીએ અપાર આનંદ, જીવનને વધુ સુંદર, ઉન્નત બનાવતા વિચારો અને નિઃસ્વાર્થ સંબંધો. જે શબ્દોમાં સમજાવી શકાય તેવા નથી હોતા. આવી સુંદર ક્ષણો આપવા માટે શ્રી ભદ્રાયુભાઈનો દિલથી આભાર.
બાળક સાથેની જીણી-જીણી વાતોનો સરવાળો એટલે પેરેન્ટીંગ’
– ભદ્રાયુ વછરાજાની
બાર વર્ષ પછીનો પિરિયડ એવો છે કે, બાળકમાં જે કંઈ પણ ઇનપુટ અંદર ગયા હતાં, એ ઇનપુટનું એનાલિસિસ કરીને બેસ્ટ ઓફ ધ લોટ સિલેક્ટ કરવાનું અને એને અમલમાં મુકવાનું બાળક શરુ કરે છે. અમલમાં મૂકીને એ જોશે. ઇઝ ઇટ સક્સેસફુલ ? તો હું પણ અમલમાં મુકું.જરા સેન્સિટિવ વાત કરું, કુટુંબની અંદર તમે સ્ત્રીનું માન ન રાખતા હો, તો યાદ રાખજો તમારું સંતાન ભવિષ્યમાં અંદર તેને જ અનુસરવાનું. આપણા ઘણા કુટુંબો એવા છે કે બાપ બહાર બાલ્કનીમાં બેઠો-બેઠો રાડ પાડે, ‘પાણી લાવજો’, આમ કહેવું તે અસ્થાને કહેવાય. બાળક બધુ બરાબર નોંધે છે. બાલ્કનીમાંથી રાડ પાડે, પાણી લાવજે, બાળક ક્યાંય રમતું હોય ને જોવે તો-પપ્પાએ રાડ પાડી, મમ્મી દોડમદોડ હાથ સાફ કરીને પાણી લઈને આવી… ઊભી રહી પપ્પાની સામે. પપ્પા છાપું જ વાંચ્યા કરતા હતા. બે-ત્રણ મિનિટ એણે કીધું. પાણી, જવાબ મળ્યો તોછડાઈથી ‘મુકી દે ત્યાં.’ આ નાનકડી ઘટના એના માઈન્ડમાં રજીસ્ટર થાય, થાય અને થાય. એને ખબર પડી જાય કે ઘરની અંદર એકબીજા સાથેનો વ્યવહાર કેવો હવો જોઈએ. આ જ વાત ઉલ્ટી થઈ શકે. હસતા-હસતા કહી શકે. ‘તું બાલ્કનીમાં બેસવા આવને, ક્યારની શું કામકાજ કરે છે ? અને આવે ત્યારે બે ગ્લાસ પાણી લેતી આવજે આપણે બેય પીશું.’ જુઓ, પીવું છે તો મારે જ પાણી હો, પણ કહેવાની સ્ટાઈલ મેં બદલી નાખી. અને જેવી પાણી લઈને આવી, એવું છાપું મેં સંકેલી લીધું, ‘આવ-આવ બેસ-બેસ. રાખી દે પાણી રાખી દે. રવિવાર છે, સવારના પહોરમાં શું કામે લાગી જાય છે ? બેસને બાલ્કનીમાં.‘ બાળક આ વાત પણ ઓબ્ઝર્વ કરે છે. પહેલી વાત અને બીજી વાત, બેય ઇનપુટ અંદર ગયા. હવે એ મોટું થશે ત્યારે જોશે કે આમાં સાચું શું ?
એક નાનકડી એક ટીપ, આપણે પતિ પત્નીને બહુવચનમાં બોલાવતા શીખીએ જરા. આ આપણે તુંકારા ઉપર આવી ગયા છીએ ને, એમાં ક્યારે તુંકારામાંથી તારો બાપ મારો બાપ’ ઉપર આવી જઈએ એ ખબર નથી પડતી. ભારતીય સમાજ એ પુરુષ પ્રધાન સમાજ છે, એ આવા નાના ઈનપુટમાંથી પુરુષ પ્રધાન બને છે. ‘પપ્પા ક્યાં ગયા છે?’ એવું કોઈ મહેમાન આવીને મારી મમ્મીને પૂછે તો મારી મમ્મી કહે, ‘ખબર નથી, કહીને ગયા નથી.’ Thtat means it a tradition of the family. એનો અર્થ એવો છે કે આપણે કહીને જવાની રીત રાખેલ નથી. જેના પપ્પા કહ્યાં વગર જતા હોય, એનો એ દીકરો મોટો થઈને ક્યાં જવાનો હોય એ કીધા વગર જાય, તો એણે ફરિયાદ ન કરવી. કારણ કે ઇનપુટ તમે આપ્યો છે. આતો બહુ જીણી વાત છે, પરંતુ ધ્યાન રાખીએ કે, જીણી-જીણી વાતનાં સરવાળાને જ ‘પેરેન્ટીંગ’ કહેવાય છે.
તમારે ત્યાં બાળક જન્મે ત્યારથી તમે બરાબર સાવચેત રહેવા જોઈએ. બાળક સુઈ ગયું હોય ત્યારે વધારે ધ્યાન રાખવું. હું તો એમ કહું કે ઝઘડવાનું મન થાય તો બહાર નીકળીને ઝઘડવું, રેસકોર્સની પાળીએ બેસીને ઝઘડવું. રેસકોર્સમાં અંદર બેસીને ધડાધડી કરી લેજો, ગાળાગાળી કરી લેશો તો પણ વાંધો નહીં, પછી પાછા હસતાં-૨મતાં થઈને ઘરે આવતા રહેવું. ભૂલેચૂકે પણ તમારા સંતાનની હાજરીમાં દલીલ ઉપર ઊતર્યા, તો મુશ્કેલી થવાની. તમારા ઘરનું વાતાવરણ હશે, તેવું તમારું સંતાન ઘડાશે. ઘરમાં જેમ જીવાતું હશે, તેમ સંતાન પોતે જીવશે.ઘર પછી કોનો આવે ? સ્કૂલનો વારો આવે. સ્કૂલનો મોટો રોલ છે સાહેબ. માતા-પિતાએ એ સમજી લેવાની જરૂર છે, આ બાળક મારી પાસે આખો દિવસ સચવાતું નથી, ત્યારે જે સાચવે એવી વ્યક્તિ છે, એને હું સોંપું છું.
Where i fail, teachers are successful. હું તમને એમ કહેવા માંગુ છું, તમે જે ટીચરને સોંપો છો, એના પ્રત્યે તમારો અહોભાવ અને આદર ભરચક જોઈએ. યાદ રાખવા જેવું છે, બાળક જરાક મોટું થાય, ચોથા, પાંચમા ધોરણમાં આવે, અને ઘરની અંદર તમે એના ટીચર અથવા તેની સ્કૂલ વિષે જો ભૂલે ચૂકે કોઈ એડવર્સ રીમાર્ક આપો તો બાળકની લાગણી ઘવાય છે. બાર વર્ષની ઉંમર સુધીનો જે ગાળો છે. એના ટીચર એના માટે હીરો છે અને તમે એમ કહો, ‘તારા ટીચરને શું ખબર પડે ?’ ત્યારે અત્યારના બાળકો બહુ સારા છે. નવી સદીના, એ બોલતા નથી, પોતાના રૂમમાં જતાં રહે છે અને પોતાની સાથે વાત કરે કે, ‘ટીચરને બધી ખબર પડે છે મમ્મી, તને જ નથી ખબર પડતી.’ પણ એ બિચારા એકબાજુ જઈને બોલે. એ એટલું શીખી ગયા છે. આપણે હજી બાકી છે.
બીજી એક વાત, દરેક કામ તમે જ કરવાના હો, તો તમે ભૂલ કરો છો, દરેક કામની અંદ૨ તમારા બાળકને હસતાં-રમતાં ઈન્વોલ્વ કરવું જરૂર છે. કેટલીક માતાઓ એમ માને છે કે, આપણી દીકરી સાસરે જવા જેવડી થશે ત્યારે બધું જઈને પારકાં છોકરાંએ હેરાન કરવાની, આ નક્કી છે. અને એટલા માટે અત્યારના સમાજમાં તમે સાંભળો છો, કે સાસરે ગયેલી દીકરીના મા રોજ સવારે ફોન કરે, ‘બેટા શું રાંધ્યું? ભાત મુક્યા છે. ત્રણ સીટી વગાડજે હો, કારણ કે કહેવાનું હતું ત્યારે ન કીધું, હવે તમારે ફોન કરીને કહેવું પડે છે કે ત્રણ સીટી વગાડજે. That is also habit for- mation. તમે એને ઇન્વોલ્વ કરો, ભીંડા કેમ સુધારાય ? ગોળ સુધારાય કે લાંબા સુધારાય, ભીંડાનું રસાવાળું શાક કરાય કે ન કરાય. આ બધી પ્રક્રિયા જો તમે એને ભેગી જ આપી હશે તો દીકરી સ્વસ્થ થઈને સાસરે જીવશે. કેવળ દીકરીને જ ન જોડો, દીકરાને પણ જોડો. બાપ તરીકે રવિવાર હોય ત્યારે તમે તમારા બગીચામાં જતા રહો. ભેગો દીકરાને લેતા જાઓ. ‘હાલ તને મજા આવશે.’ અને તમે પોતે જરા પાણીની પાઈપ લઈને ઉભા રહો, તમે જો જો દીકરો તરત કહેશે કે, પપ્પા મને આપો ને, When you involve them, they are eager to work. જ્યારે તમે એને ભેગા જોડો છો, ત્યારે જ એને કામ કરવાની મજા છે. અને ખરેખર કેળવણી એ છે ‘કોગ્નિટિવ’ એટલે ‘જ્ઞાનનો ડબ્બો’ આપણું શિક્ષણ રોજ જ્ઞાનનાં ડબ્બામાં રોજ માહિતીનો ઢગલો ભરી, ડબ્બો બંધ કરે છે. બાળકને કહી દે છે કે, તને જરૂર પડે ને અનુકૂળતા હોય ત્યારે ખોલજે. જે લગભગ કોઈ ખોલતું નથી. તો શું કરવું જોઈએ ? જે શીખવવું છે, જે એની પાસેથી જોઈએ છે, એ એને એકવાર ક૨વા માટે આપો. કરતાં-કરતાં જે શીખાય એને કેળવણી કહેવાય.
કૈંક શ્રીમંતો ને સરદારો
ઊગ્યા, આથમિયા દરબારો;
ચક્રવર્તીઓ થયા ચાલતા બોલાવી ઘડીભર દેકારો; ને
એ સૌની મશ્કરી કરતી હસી રહી આજે યે ધરતી !
એ જ લહેરથી વિશ્વ વિહરતીઃ
કોની છે આ ધીંગી ધરતી ?
– કરસનદાસ માણેક