અસ્મિતા વિશેષ સંવાદ :: (34)

ભદ્રાયુ વછરાજાની                                             bhadrayu2@gmail.com 

એક નાના ગામની કોલેજમાં ચાર દસક સુધી શ્રી નાથાલાલ ગોહિલ ગુજરાતીના એકનિષ્ઠ અધ્યાપક રહ્યા. પણ ના, કેવળ અધ્યાપકગીરી જ કરે તો એ શ્રી ગોહિલસાહેબ શાના  ?? ભાષા ભવનના પ્રાધ્યાપકને શરમાવે એવું સંશોધન અને તે પણ પાયાનું.. સંત સાહિત્ય અંગે ગજબનાક ઊંડાણ ધરાવતું અધ્યયન કાર્ય અને તેને પરિણામે અનેક ગ્રંથોથી  સભર  ભંડાર સાહિત્ય જગતને અર્પણ કર્યો. ધીર ગંભીર અને છતાં પ્રબળ કથનના  ધણી શ્રી નાથાલા ગોહિલ સાથેના આત્મીય સંવાદની થોડી વાતો: 

“પરિવારમાં ન કલ્પી શકાય એવી એક સત્ય ઘટના બની. મારા પિતા પ્રજ્ઞાચક્ષુ.  ભગત તરીકે ઓળખાય.  ભજનના સારા ગાયક. મા વીરબાઈમા મજૂરી કરે અને આંગણે આવેલા અભ્યાગતોને જમાડીને જમે. આવો પરિવાર  મારા ઘરની ઓળખ.  સાધુ સંતોનો દુવારો કોઈપણ આવે એ ત્યાં ઉતરે, રોકાય અને સત્સંગ ભજન ચાલે…  પણ આ પરિવારની એક મોટી કુદરતી અપકૃપા કે મારા ભાઈ બહેન જયારે ઉંમરલાયક થાય અને જયારે એની સગાઈ કે લગ્નની વાત કરે એવા જ દિવસોમાં એકાએક એનું મૃત્યુ થાય. એમાં ગળે ન ઉતરે એવી સત્ય ઘટના એ છે કે એવા મારા દસ ભાઈ બહેન આ પ્રમાણે મૃત્યુ પામ્યા. હવે એ વખતે મારો જન્મ થયો ત્યારે એમ કહેવામાં આવ્યું કે આ દીકરાને જીવતો રાખવો હોય તો જન્મ સમયે જ એનું નાક વીંધવામાં આવે. એ વખતે જે  સુયાણીઓ હતી એ કહે કે માત્ર આપણે વીંધવું નથી,  પણ એને ખોટ રાખીએ એટલે આખો છેદ અહીંયા જન્મતાની સાથે કરી નાખ્યો અને એ જ સમયે મારું નામ ‘નાથો’  રાખવામાં આવ્યું. એટલે જન્મ પ્રમાણે કુંડળી પ્રમાણેનું મારું આ નામ નથી. આ ખોટું નામ એ નાથો. અને એ કહે કે નાથો રાખીએ તો એ જીવી જશે. એટલે આ ઘટના મારા નામ સાથે જોડાયેલી છે.

મારી ઉંમર દોઢેક વર્ષ હશે. અને એ વખતે અતિ તાવ અને ઝાડા શરૂ થયા. મારું ગામ એટલે ગામડું. મારું ગામ એટલે આમ તો ગિરનારની છાયામાં જ ગણાય,  શિલોદર ગામ,  તાલુકો કેશોદ જિલ્લો જૂનાગઢ.  હું ત્યાં બીમાર પડ્યો.  ત્યારે દવાખાનું કે બીજી કોઈ સુવિધાઓ હતી જ નહીં. અને તેમ છતાં દેશી  ઉપચારો કર્યા પણ ઝાડા કાબુમા ન આવ્યા અને ન તાવ પણ ઉતર્યો. એટલે અમારું એક આસ્થાનું સ્થળ મારા માતા પિતાનું એ જૂનાગઢમાં સવરા મંડપની જગ્યા. જૂનાગઢમાં ગિરનાર જયારે જઈએ ત્યારે શરૂઆતમાં પ્રવેશદ્વાર આવે અને વાઘેશ્વરી મંદિર આવે એની બાજુની આ જગ્યા. સવરા  મંડપએ બહુ પ્રાચીન જગ્યા છે. આ  સવરા મંડપમાં ભવિષ્યમાં જે સામાજિક, રાજકીય ક્રાંતિનું કેન્દ્રબિંદુ થાય એવી ભવિષ્યવાણીઓ પણ થયેલી છે. ત્યાં નાથજોગી સેવનાથ મહારાજ અને એમના પટશિષ્ય વૈદ્યનાથ મહારાજ ત્યાં રહે. હવે વૈદ્યનાથ મહારાજ એટલે પૂર્વકાળના મારા મામા. એટલે મને લઈને જૂનાગઢ રેલવે સ્ટેશનથી ચાલતા ચાલતા જયારે સેવનાથ બાપુની જગ્યામાં જતા હતા ત્યાં મારી મા બોલી,  ભગત આ નાથો ટાઢો બોર થઇ ગયો છે. એટલે મારા બાપે કહ્યું,  ગાંડી થઇ ગઈ છે ? ગિરનારની છાયામાં આવી ગયા છીએ આપણે. રખવાળો ગિરનાર છે,  અલખધણી છે,  શું કામ ઉપાધિ કરે છે ? કઈ નહીં થાય,  તું તારે હાલવા માંડ હાલવા. સેવનાથ બાપુની જગ્યામાં ગયા.  ગુરુ શિષ્યની પણ કેટલીક પરંપરાઓ હોય છે. ગુરુ ઉંચી ગાદીએ બેઠા હોય,  નીચે ધૂણુ હોય અને એનાથી થોડે દૂર એના પટશિષ્ય બેઠા હોય. હવે જ્યાં સુધી નાથજોગી ગુરુ મહારાજ બેઠા હોય ત્યાં સુધી પટશિષ્ય એક પણ શબ્દ બોલતો નથી માત્ર ગુરુના ઈશારા પર ચાલતો હોય, પણ  એનાથી બોલાય નહીં. નહિતર એની બેન આવી હતી,  બેનનો દીકરો આ હાલતમાં આવ્યો છે,  એટલે સહેજે મામા તરીકે ભલે નાથજોગી થઇ ગયો છે,  પણ પ્રત્યાઘાત આપણને નથી આપતા. એટલે મને લઈને ધુણાની બાજુમાં મૂકી દીધો અને મારી મા એટલું જ કહે કે,  ‘ જોગી તારે શરણે મુકવા આવી છું.  દસ સંતાનને મેં આ ધરતી ઉપર ભંડારી દીધા છે.  હવે અગિયારમો ભંડારવાની મારી હામ નથી. એને બદલે એ નાથજોગીડો થશે ને તો પણ મને ગમશે.  અમે તેને  અહીંયા મુકવા માટે આવ્યા છીએ.  સવરા  મંડપને ખોળે આવ્યા છીએ એ ભલે જોગીડો થાય પણ એમ તો કહેવાશે ને મારો દીકરો જોગીડો જીવે છે. હવે તમે જે કરવું હોય એ કરો,  બચાવો તો પણ તમારો.’  વૈદ્યનાથ મહારાજ તો કશું બોલતા નથી,  સેવનાથ મહારાજ છે એટલે. સેવનાથ મહારાજ ઉભા થયા ધૂણે ગયા ધુણામાંથી ભભૂત લીધી મને ચાંદલો કર્યો,  થોડીવાર થઇ એટલામાં હું ચાલતો ચાલતો એટલામાં ફરવા મંડ્યો. ચાલતો ચાલતો જ્યાં ગુરુ મહારાજની ગાદી છે  ત્યાં જઈને ગાદી પકડીને ઉંચો થવા ગયો ને તેઓ બોલ્યા :  આવી ગયો જોગી ? અહીંયા બેસવા માટે આવી ગયો ? એટલે એ પછીથી તો નાથજોગીની કૃપાએ એટલે બની શકે કે જે સોયાણીએ  નામ નાથો આપ્યું હતું,  પણ નાથ તો અહીંયાથી શરૂ થયું એમ પણ બની શકે.”