અસ્મિતા વિશેષ સંવાદ ::(30)
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
ગુજરાતને અને ગુજરાતીને શ્રી ગુણવંત શાહનો પરિચય આપવાની જરૂર હોય ખરી ?? શિક્ષણશાસ્ત્રના મૂર્ધન્ય પ્રાધ્યાપક, ગુજરાતી સાહિત્યના અગ્રિમ સર્જક, અધ્યાત્મ માર્ગના અનેક ગ્રંથોના લેખક અને રાષ્ટ્રની કે સમાજની હરપળ ચિંતા કરી ખલેલ પામનાર ચિંતક શ્રી ગુણવંત શાહ. તેઓ પદ્મશ્રી છે , સાહિત્યરત્ન છે, અનેક સન્માનો તેઓના નામે છે,,, જો કે આ બધા જ વિશેષણો ગુણવંત શાહના નામથી ઉજળા થયાં છે. અસ્મિતા વિશેષ સંવાદ માટે તેઓશ્રી સહકુટુંબ વિશ્વકોશના સ્ટુડીઓમાં પધાર્યા અને નરમ તબિયત વચ્ચે પણ નિજી મૂડમાં યાદગાર સંવાદ કર્યો. તેમાંથી એક નાની વાત અહીં પ્રસ્તુત છે…
ભદ્રાયુ :: બા એ જે છૂટ ગુણવંતને નહોતી આપી એ બધી જ છૂટ ગુણવંતે એના સંતાનોને આપી.
@ હા, કોઈએ મને કન્સર્ન કર્યો નથી. લગ્ન કરતા પહેલાં કે લગ્ન નક્કી કરતા પહેલાં. They informed me. મેં કહ્યું આપણે તપાસ કરીએ જરા, એટલામાં તો આવીને કહ્યું કે, ભાઈ હવે નક્કી થઈ ગયું છે. મેં કીધું ભલે.. અને એમાં મારા વિચારો એવા ઉદાર ખરા કે It is decided by God. Marriages are made in heaven. અને ભૂલ કરે તો પણ એમણે લીધેલો નિર્ણય સારો, આપણે થોપી બેસાડીએ તેના કરતા, એવી મારી માન્યતા. વિવેકપૂર્વક inform કરે, આપણું સાંભળવા પણ તૈયાર પણ માનવા તૈયાર નહીં અને મેં એવું કહ્યું જ નથી એ લોકોને. આ હું મારી બા ના ડહાપણ પરથી પણ શીખ્યો કે થોડોક એ લોકો પર પણ વિશ્વાસ રાખવા જેવો છે. એ મારી બા તરફથી મળેલો મોટામાં મોટો લેસન. આ તદ્દન ફ્રેન્ક વાત કરી દીધી તને.
ભદ્રાયુ :: અને વિવેકના કિસ્સામાં ?
@ વિવેકના કિસ્સામાં તો એવું થયું કે મુસલમાન સાથે મેરેજ કરવાના અને એને પણ ખબર કે ભાઈને જરા કન્સર્ન કરવા પડશે. કુમુદબેનને ત્યાં હું અને વિવેક સુતેલા હતા. એટલે વિવેક ઉઠ્યો. મને કહે કે, ‘ભાઈ એક વાત કરવી છે.’ મેં કીધું, ‘દીકરા લગ્નની ?’ તો કહે, ‘હા,’ મેં કીધું, વાહ, બહુ સારું, કારણકે એ લગ્ન કરવાની ઉતાવળમાં નહોતો, ફિલ્મ લાઈનમાં ખરો ને..મને કહે, ‘ભાઈ, લવ થયો છે,’ what a good news’ ..’’પણ ભાઈ, છોકરી મુસલમાન છે’. મેં કીધું, ‘કાંઈ વાંધો નહીં, જો છોકરી સારી હોય તો આપણને વાંધો નથી. તારી પસંદગીની હોય તો..’. એ કહે, ‘મારી પસંદગીની છે, પૂરેપૂરો વિશ્વાસ છે મને અને બહુ જ સારી છોકરી છે.’ બીજું કઈ ? તો કહે, she is already married’.’ મેં કીધું, ‘તેની અત્યારે શું સ્થિતિ છે ?’ તો કહે, ‘એને એક છોકરી પણ છે.’ મેં કીધું, ‘બીજું કઈ પણ કહેવાનું હોય તો કહી દે… લંગડી છે, લુલી છે એવું કાંઈ હોય તો પણ કહી દે. હવે તું મારી પરીક્ષા લઇ રહ્યો છે ? એક પછી એક પગથિયાં ચડતો જાય છે.’ તો કહે, ‘ના ના ભાઈ એવું નથી આમ,,તેમ..’ એણે ધીરજથી કામ લીધું. પછી એવું બન્યું કે ભગવાનની મોટી મહેરબાની આજે અમે બહુ ખુશ છીએ. વિવેકની પત્નીને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો છે. ફિલ્મની સ્ટોરી લખવાનો… બતુલને… તું બતુલ સાથે બેસીને વાત કરે તો તને એમ લાગે કે સેન્સિબલ છે. પૂરેપૂરી સેન્સિબલ… હજુ સુધી એક પણ દિવસ ઉંચે સાદે વાત નથી થઈ અમારે આખા કુટુંબમાં બતુલ સાથે…
