અસ્મિતા વિશેષ સંવાદ : (32)
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
સેવા, સમજ, સમાનતા, સંવેદનશીલતા, સંવાદિતા, સાલસતા, સરળતા,,,,આમ સ થી શરુ થતા બધા જ હકરાત્મક શબ્દો જેનાં રુધિરમાં વહે છે તે પરવરદિગારના દીદાર થાય તેવા સત+જન એટલે શ્રી ગફૂરભાઈ બિલખિયા… એમને પોતાના વિષે વાત કરવાનો બહુ સંકોચ પણ મારી સાથે પ્રેમનો નાતો એટલે મને નકારી ન શક્યા. અમે તો પહોંચ્યા તેમની વાપીસ્થિત હવેલી પર અને માંડ્યો સંવાદ.
“મારી મા છે એ દામનગરના હતા. દામનગર એટલે ગાયકવાડ સરકારનું ગામ અમરેલી જિલ્લાનું ને ત્યાં ગાયકવાડને કારણે છોકરીઓની સ્કૂલ હતી. હરિજનની પણ સ્કૂલ હતી અને કેળવણી માટે ગાયકવાડ સરકારે ઘણી બધી મહેનત કરેલી. મારી માતા છ ધોરણ સુધી ત્યાં ભણેલા. મારા ગામનો ગરાસદાર પણ ભણેલો નહોતો. એટલે કોઈ કાગળ આવે તો મારી બા પાસે એ વંચાવવા આવતા. ને મારી બા એને વાંચી દેતી હતી. ત્યાં એવો નિયમ હતો ગામના ગરાસદારનો કે વહુએ ગરાસદારનું એક માણું દરણુ (અનાજ) દળી દેવું પડે. એને વેઠ કહેવાય. એક માણું એટલે પાંચ કિલો દર મહિને દળી દેવું પડે. એનો પ્હાયતો મૂકી જાય અને પાછો લઇ જાય. હવે મારી મા ભણેલી હતી અને કાગળ વાંચી દેતી હતી એટલે મારી મા ની વેઠ બંધ. મારા ઘરમાં ને મારા સગાવ્હાલા બધાને એવું થયું કે ભણે એને વેઠ નહીં કરવાની. ભણેલા ન હોય, અભણ હોય એણે વેઠ કરવી પડે.
હું પંદર વર્ષનો ને મારું વેવિશાળ કરેલું . લગનમાં અમે દસ જ જણા ગયા હતા. મારા સસરા લોકોનું કુટુંબ બહુ મોટું. અને એ લોકો પૈસાદાર પણ ખરા. મારા ઘરડા સસરા કાસમદાદા બહુ સારા લોકો . મેં કીધું હું શેરો નહીં બાંધું ધુ, હું ઘોડે નહીં બેસું, હું ખાદીની ટોપી અને ફાળકી સુતરની અને ચપ્પલની પહેરીને હું આવીશ અને હું ચાલતો ચાલતો આવીશ. તો પેલો ડોસો કહે કે એ કહે તે કરવા દે ને જે કરવું હોય એમાં શું વાંધો છે આપણને. પછી મારા નિકાહ થયા. પછી વળાવે બીજે દિવસે કન્યાને અને છેડાછેડી બાંધવાનો રિવાજ હિન્દૂ જેવો જ હતો. હું કન્યાની પાછળ છેડાછેડીને કારણે એટલે બધી બાઈઓ રડે, તો હું પણ રડવા લાગ્યો. મારી કાકીજી બહુ હોશિયાર હતી. એ કહે, તું શું કામ રડે છે ? મેં કીધું તમે રડો એટલે હું રડું છું. હું પહેલેથી કોઈ કન્યાને વળાવી ન શકતો. એ રડે એ મને ગમે નહીં. મારી દીકરીને હું કહું કે જો તમે હસતા હસતા જાઓ તો હું આવું. તમારો રડવાનું નહીં, જો હીબકો ભર્યો તો પછી મારાથી છૂટી જશે એટલે મને બહુ રડવું આવી જતું.
અમે ઘરે આવી ગયા પછી ત્યાં બાઈઓ બેસવા બોલાવે કે અમારે ઘરે ચાલો. બીજે દિવસે બે ત્રણ બાઈઓ પાણી ભરીને આવતી હતી, એ કહે, આ ક્યાંથી લઇ આવ્યા છો તમે ? કઈ ખાઈ નહીં, કઈ પીવે નહીં, કઈ એને પગ દાબતાં આવડે નહીં. કઈ નથી તારી વધુમાં હા, છે રૂપાળી. પણ ખાઈ પીવે નહીં. મેં ઘરે આવીને પૂછ્યું કે, અહીંયા આપણે ત્યાં તો રિવાજ છે, તો કહે, હું તો હિંદુના ઘરનું ખાતી નથી. તો કહે મેં કહ્યું કે જો એમને ઘરેથી છાશ લઇ આવીએ અને એની કઢી બનાવીએ તે બાજરાના રોટલા સાથે ખાઈ શકીએ છીએ, બોલો તો એનું મારે શું કરવું ? મને કહે આપણે દૂધ ખાઈશું. મેં કીધું દૂધ લેવાના પૈસા તો હોવા જોઈએ ને આપણી પાસે એટલે મુશ્કેલી બહુ પડશે તો કહે ના હું વેઠીશ. લૂખો રોટલો ખાઈશ તમે મૂંઝાશો નહીં. વાત સાંભળીને મને પહેલા તો બહુ મોટો આચકો લાગેલો પણ એણે એમ કીધું ને કે, હું લૂખો રોટલો ખાઈને પણ જીવીશ તમે મૂંઝાતા નહીં એ મને બહુ ગમ્યું. જો કે ભદ્રાયુભાઈ, આજે તો અમર ઘરમાં હિન્દુની બે દીકરીઓ વહુઓ થઈને આવી છે ને સૌ એકમેકના થઈને રહે છે.”
