અસ્મિતા વિશેષ સંવાદ :: (29)
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
ગુજરાતી કવિતાના ગીતકવિ પ્રા. ડો. વિનોદ જોશી ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને ગુજરાતી ભાષા ભવનના પૂર્વ અધ્યક્ષ છે અને તેઓશ્રી સુ પ્રસિદ્ધ કવિ-વિવેચક અને ભાવપૂર્ણ વક્તા છે. તેઓનાં ગીતો ગુજરાતી સુગમ સંગીતનું નઝરાણું બની રહ્યા છે. અસ્મિતા વિશેષ સંવાદમાં તેઓની શબ્દબ્રહ્મની ખોજ તરી આવે છે. તેઓના જીવનનો એક પ્રસંગ જાણીએ :
“હું ભણ્યો બોટાદમાં કવિશ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં હું ગ્રેજ્યુએટ થયો. એ ગાળામાં નવનિર્માણ આંદોલન થયેલું ગુજરાતમાં. માસ પ્રમોશન અપાયેલું ત્યારે પણ મેં માસ પ્રમોશન નહોતું સ્વીકાર્યું. આની સાથે જ જોડાયેલી ઘટના છે. માસ પ્રમોશન મળ્યું, મેં ન સ્વીકાર્યું એટલે પરીક્ષા આપવાની થઇ પણ બોટાદ કોલેજને પરીક્ષા કેન્દ્ર ન મળ્યું. તો મારે ભાવનગરમાં પરીક્ષા આપવા જવાનું થયું. હું ભાવનગરમાં કોઈને ઓળખું નહીં. અને કવિતા લખતો હતો એટલે એમ થયું કે ભાવનગરના કોઈ કવિને ત્યાં જાઉં. તો નાથાલાલ દવેને ત્યાં હું ગયો. અને મારી ઓળખાણ આપી. મેં કીધું હું પરીક્ષા આપવા આવ્યો છું. એટલે કહે કે રહેશો ક્યાં ? થોડીવાર તો કંઈ જવાબ આપ્યો નહીં. પણ મારી ચિંતા એ જોઈએ ગયા હોય કે ચહેરો વાંચી ગયા હોય એમ એમણે કહ્યું કે તમારે અહીંયા જ રહેવાનું છે. એ કવિના ઘરે આવી રીતે હું મારી પરીક્ષા ચાલી ત્યાં સુધી રહ્યો.
પહેલી રાત્રે હું જયારે સૂતો એમના ઘરે, ત્યારે ક્યાં સૂવું એ જગ્યા બતાવી એમણે મને કહ્યું કે આ પલંગ પર તમારે સુવાનું છે. હું તો કોઈ દિવસ પલંગ પર સૂતેલો નહીં. ઘરમાં નીચે ગોદડાં પાથરીને સુઈ જવાનું આ જ ટેવ હતી. પલંગ ઉપર ક્યારેય સૂતેલો નહીં, એટલે મારા ચહેરા ઉપર પાછો ક્ષોભ આવ્યો. મને કહે, કેમ મૂંઝાઓ છો ? મને કહે, આ પલંગ પર ઉમાશંકર જોશી પણ સુતેલા છે. પછી હું સૂતો એ રાત્રે. અને રાતના એક બે વાર મારી ઊંઘ ઉડી ગઈ. પેલું વાક્ય મારા ચિત્તમાં આવ્યા કરે કે ‘આ પલંગ પર ઉમાશંકર જોશી સુતેલા છે’ . એટલે એક કવિના ઘરમાં જેના ઉપર એક કવિ સુતા હોય એ પલંગ પર મારું સુવાનું ને એ બધું મારી અંદર એવું ઘુમરાયા કર્યું કે મને એવું લાગવા માંડયું કે હું કવિતા કરી શકીશ, હું કવિ થઇ શકીશ. અને ત્યારે તો બીજા ઘણા સામાયિકોમાં કવિતા છપાતી હતી. એ વખતે મહેન્દ્ર મેઘાણી મિલાપ ડાયજેસ્ટ પ્રગટ કરતા હતા. નવનીત સમર્પણ બંને જુદા સામાયિકો હતા. સમર્પણમાં પણ મારું છપાતું અને નવનીતમાં પણ છપાતું. આ બધા સામાયિકોમાંથી મહેન્દ્ર મેઘાણી મિલાપમાં મારી કવિતા છાપતા એટલે એ મને ઓળખતા. મને થયું કે હવે કવિતા એ મારી સાચી દિશા છે. હકીકતે મારામાં સર્જકતાનું કંઈક બીજ તો પડેલું હશે જ. કારણકે હું નાનો હતો ત્યારે ચિત્રો દોરતો. ઘણા સરસ ચિત્રો મેં કરેલા… ચિત્રકાર સારો થઇ શક્યો હોત.. મારામાં ધૈર્યનો અભાવ હતો. ચિત્રમાં ધૈર્યની બહુ જરૂર પડે. એટલે એ ન થયું. મારે ગાયક થવું હતું. મેં એક વખત એવો પણ વિચાર કર્યો કે હું સારો ગાયક થાવ કારણકે મારો અવાજ સારો હતો અને ઉચ્ચારો હું સ્પષ્ટ કરી શકતો હતો. પણ દુર્ભાગ્યે હું કોઈ તાલીમ લઇ ન શક્યો. એટલે ચિત્ર ગયું, સંગીત પણ ગયું એટલે હાથમાં રહ્યો શબ્દ. અને શબ્દમાં પછી હું આ રીતે પોષણ મળતું ગયું એમ આગળ ચાલ્યું.”
