અસ્મિતા વિશેષ સંવાદ : 26
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
ગુજરાતી સાહિત્યમાં અભ્યાસપૂર્ણ પ્રદાન કરનાર સાક્ષર શ્રી દિનકર જોશી શારીરિક તકલીફોને અવગણીને વિશ્વકોશના સ્ટુડીઓમાં પધાર્યા અને દિલ ખોલીને વાતો કરી. એમના જીવનના અનુભવો એટલા ઉમદા છે કે તેમાંથી એક નવલકથા બને. ભારોભાર શિક્ષક દિનકરભાઈ છ્યાંસી વર્ષે અડીખમ છે. તેમની સાથેનો સંવાદ જીવનનો એક લ્હાવો બની રહ્યો.
“જન્મ પૂરતી હું વાત કરું તો મોસાળનું ગામ ભડી ભંડારીયા, ભાવનગર જિલ્લામાં સૌરાષ્ટ્રમાં ૧૯૩૭, ૩૦ મી જૂન. એવું કહેવાય છે કે પેલી થાળી વગાડતા. મારી પહેલા ત્રણ બહેનો.. ત્રણ બહેનો પછી મારો જન્મ. એટલે થાળી વગાડેલી મોસાળના ઘરમાં કે દીકરો આવ્યો. આ દીકરો જે મોસાળમાં આવ્યો એ દીકરો રહેવા તો પછી પૈતૃક ઘરે ગયો. પોતાના પૈતૃક વારસાનું બાપનું ગામ હતું બાજુમાં, ભડી ભંડારીયા થી પાંચેક કિમિ દૂર અને એનું નામ જો એકવાર બોલીશ તો તમને યાદ નહીં રહે, તમારે બે ત્રણ વાર ગોખવું પડશે. નાગધણીબા... ૮૦૦ માણસની વસ્તી. ઘરમાં લાઈટની તો વાત છોડો, ગામમાં બસ નહીં, ટ્રેન નહીં, શાળા નહીં, દવાખાનું નહીં કશું જ નહીં. પાણી ભરવા પણ ગામથી ૧ કિમિ બહાર દૂર નદીએ જવાનું.. આવું આ ગામ. હવે આ ગામમાં થોડો વખત રહ્યા, પણ એ ગામમાં જે થોડા વર્ષ રહેવાના આવ્યા એમાં કેટલીક એવી વસ્તુઓ આજે હું યાદ કરું છું ત્યારે મને ખબર પડે છે કે કેટલું બધું આજે પણ જીવતું રહ્યું છે અંદર, કે જેણે મને ઘડ્યો છે. આ ગામમાં સ્કૂલ તો હતી નહીં પણ..પાટી પેન લઈને એક નિવૃત વયોવૃદ્ધ કાકા બેસતા એ છોકરાઓને બોલાવતા. ત્રણ ચાર વર્ષનો હતો કદાચ એ પહેલાનું તો યાદ નથી. પણ ત્યાં હું ગયો અને પહેલી વાર એકડો ઘુટેલો એવું આજે મને યાદ છે. પણ પછી જાજું રહેવાનું અહીં બન્યું નથી. પણ ત્યારે બાપુજી મુંબઈની મુળજી જેઠા માર્કેટમાં, અમે અહીં નાગધણીબા ગામમાં. દર મહિને મનીઓર્ડર આવે એની રાહ જોવાની, ખર્ચીના દિવસો હતા એ… અઠવાડિયામાં એક વાર ટપાલી આવે ભડી ભંડારીયા ગામથી…અને જયારે આવવાનો હોય ત્યારે ચોરે બધા ભેગા થઈ જાય. અને ટપાલી વીણી વીણીને કાગળમાં જે સંદેશાઓ હોય તે ‘અલ્યા ભાઈ, તું આને આપી દેજે’….’તું આને આપી દેજે’… એમ બધા બે ચાર પાંચ જણા જે બેઠા હોય એને આપી દે…. આ જગ્યાએ થોડો વખત રહ્યા પણ થોડા થોડા વખતના અંતરે બનેલા નાનકડા એક બે પ્રસંગો કહું..
અમારે ત્યાં સાપ બહુ નીકળતા… અમે એને એરૂ કહીએ…. એરૂ નીકળે ને એને મોટો જીવ કહેવાય.. ઘરમાં મોટો નીકળ્યો એટલે એરૂ નીકળ્યો . આ એરૂ નીકળે એટલે એને પકડવા માટે અંબારામભાઈ કરીને એક બાવો.. એક્સપર્ટ… એ સાપના મોઢેથી સાપને પકડી લે.. અને સાપ પછી ભાઈના હાથ ઉપર વીંટળાય એ મેં જોયેલું છે. અને પછી એ સાપને ગામને પાદર જઈને છૂટો મૂકે. આ જોઈને મને બીક લાગતી ત્યારે હું ચાર પાંચ વર્ષથી વધારે મોટો નહીં હોઉં કદાચ પણ એ પ્રસંગ યાદ રહી ગયો છે. અંબારામભાઈને મેં પૂછ્યું, કાકા તમને બીક નથી લગતી ? આ એરૂ કરડી જવાની ? ત્યારે એમણે હસતા હસતા કહેલું, ‘દીકરા એરૂ કરડે નહીં, એના મોઢે તાળું હોય, અને એ તાળાની ચાવી ભગવાન આગળ હોય. ભગવાન એનું તાળું ચાવીથી ખોલે તો જ કરડે. એટલે એનાથી બીવાનું નહીં.!!! એક સવાલ ત્યારથી મનમાં થઈ ગયેલ હશે એમ આજે મને લાગે છે કે ભગવાન તાળું ખોલે તો જ એરૂ કરડે નહિતર એરુથી બીવાનું નહીં. આજે પણ એરુંથી બીવું છું. આજે તો સાપ જોવા જવાનું હોય કે સામે આવતો હોય તો બીક લાગે છે પણ અંબારામભાઈ ત્યારે યાદ આવે છે કે બીવાનું નહીં ઉપરવાળો જયારે કહેશે ત્યારે જ એરૂ આવશે. ઉપરવાળો નહીં કહે ત્યાં સુધી બીવાનું કારણ નથી. આ એક સંસ્કાર એ વખતે થયેલા જે મને આજે યાદ આવે છે. વર્ષો થઈ ગયા… પણ આ એક બીજ રોપાયેલું.
એક બીજી વાત કહું તમને..
મારા બાપુજીના મોટાભાઈ એને જીબાપા કહેતા. આજે જીપપ્પા કે એવું કંઈક કહે છે ને એમ અમે જીબાપા કહેતા. ઘરેથી સવારે ન્હાવા માટે નદીએ જવાનું. જીબાપા, કાકા, મોટા બે ચાર વડીલો, ખભે ધોતિયા અને ટુવાલ લઈને વીટલો વાળી, બગલમાં મૂકી નદીએ જાય.. અમે છોકરાઓ એમની આંગળીએ.. નદીએથી નાહીને પાછા ફરતા હતા. રોજની જેમ નહાવાનું, કપડાં ધોવાના, કપડાં સુકવવાના, શંકરના મંદિરે આરતી કરવાની અને પછી ઘરે આવવાનું. જીબાપાની આંગળીએ વળગીને આવતો હતો. બાપુજી નહોતા, જીબાપા હતા. અને મોટા વડીલો વાતો કરતા હતા. વાતો કરતા કરતા શું વાતો હતી તે સમજાણી નહીં. જીબાપા કોકની વાત કરતા કરતા બોલ્યા ‘અરે, એની તો..’ ને એ ગાળ બોલ્યા… અને કોઈક અપશબ્દ બોલ્યા જેનો અર્થ મને ત્યારે સમજાયો નહોતો. એ શબ્દ મેં પહેલીવાર ત્યારે સાંભળ્યો હતો. તો એ બોલ્યા સાથે બધા બોલ્યા : હા સાચી વાત તેં કરી.. મને થયું આ શું હશે ? સાંજે જીબાપા ઘરમાં બેઠા હતા ત્યાંથી બૂમ મારી એ દિનુ અહીં આવ.. હું ફળિયામાં રમતો હતો. પથ્થરો કાઢતો હતો ફળિયામાંથી. જીબાપાએ ફરીવાર બોલાવ્યો, ‘અલ્યા સાંભળતો નથી ? અહીં આવ.’ મેં કહી દીધું, ‘મારે આવવું તો છે જીબાપા, પણ આ પથ્થરો એની માનો…’ એ જ શબ્દ જે જીબાપા બોલ્યા હતા. ‘શું બોલ્યો તું?’ જીબાપાનો ચહેરો ફરી ગયો. મારો કાન પકડયો. ‘ફરીવાર બોલ… ક્યાંથી શીખ્યો આવું?’ એક લાફો માર્યો. મેં કહ્યું ‘તમે બોલ્યા ત્યારે તો બધા હસ્યાં હતા, મને શું કામ મારો છો ?’ જીબાપા લેવાય ગયા, એનો ચહેરો સુકાઈ ગયો.. મારી પાસે આવ્યા, માથે હાથ ફેરવ્યો અને કહ્યું :: ‘દીકરા, બીજું ગમે તે બોલે પણ તારે આવું બોલાય નહીં… યાદ રાખજે તારે આવું ન બોલાય…
ભદ્રાયુભાઈ’, લગભગ એંશી વર્ષ થયા હશે એ વાત ને આ ગાળ ત્યારે સાંભળી હતી એ પછી અનેક અપશબ્દો સાંભળ્યા છે. બધા અપશબ્દોનો અર્થ હવે આવડે છે, નથી આવડતું એમ નહીં… બધા અપશબ્દો ખબર છે…પણ ઘણીવાર કોઈની જોડે બોલવાનું થાય ત્યારે સાંભળ્યા પણ છે. પણ વળતા બોલાયા નથી. તરત મને જીબાપા યાદ આવે છે કે દીકરા તારાથી આવું બોલાય નહીં…શું કામ ન બોલાય એ ખબર નથી ? પણ જે દિવસે કાને પડેલી એ વાત છે, આજે આટલા વર્ષે પણ એમ થાય છે કે, મારાથી ન બોલાય .”
