અસ્મિતા વિશેષ સંવાદ : 27
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
એક અનેરું વ્યક્તિત્વ, જેની અંગુલીઓ ઉત્તમ સાહિત્ય સર્જે છે અને ક્લાસિક ચિત્રો પણ દોરે છે !! બંને કલાઓમાં એ શીર્ષસ્થ છે. મૂળ સુરેન્દ્રનગરના વાતની અને વડોદરાની ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના પારંગત શ્રી ગુલામ મોહંમદ શેખ મળવાની અને ગોષ્ઠી કરવાનું ગમે તેવું વિશેષ વ્યક્તિત્વ. તેઓની સિદ્ધિને સાચા અર્થમાં પહેચાનવા માટે તેઓની વડોદરા સ્થિત વૃક્ષોથી આચ્છાદિત હવેલીની નિરાંત જીવે મુલાકાત લેવી રહે. પતિ અને પત્ની બંને ચિત્ર સર્જન માટે લગભગ આખો દિવસ પોતે શોખથી બનાવેલા સ્ટુડીઓમાં જ ગુજારે છે. અમે કોરનાકાળ હળવો થયો કે તરત તેઓના નિવાસે પહોંચ્યા અને તેઓ સાથે રસપ્રદ સંવાદ કર્યો.
શ્રી ગુલામ મોહંમદ શેખ સાહેબ પોતાના જીવનની ચડતીની વાત કરે છે. :::
“જુઓ, મારા મનમાં બીજું કશું ન હતું. એમ.એફ. હુસૈનને અમે લોકો ભણતા હતા ત્યારે મહેન્દ્રસાહેબે બોલાવ્યા એમણે આવીને અમારી સામે ચિત્ર બનાવીને દેખાડેલું. બહુ મોટા ગજાના કાલા સર્જક, મહેન્દ્રના મિત્ર હતા એટલે આવ્યા અને એમણે ઘોડાનું એક ચિત્ર દોરી દેખાડ્યું. એ સમયે એમની સાથે ઓળખાણ થઇ અને એમને મેં મારા ચિત્રો બતાવ્યા. ત્રીજા ચોથા વર્ષમાં હું કેવું કરતો હોઈશ ? … પણ એમણે જોયું અને પછી હું જયારે પાંચમા વર્ષમાં આવ્યો ત્યારે મને થયું કે મારા શિક્ષકો તો બહુ મોટા ગજાના કલાકારો છે પણ મારે એમના પડછાયામાંથી બહાર નીકળવું છે. મારે મારી મેળે મારું પોતાનું કશુંક કરવું છે. એટલે કે હું કરું.. પણ કેવી રીતે કરું ? મેં પણ ઘોડા દોરવાનું શરૂ કર્યું. હુસૈન તો ઘોડા માટે બહુ જાણીતા છે. પણ એમના ઘોડા એ પ્રકારના કે જે સમયને પાર શું કહેવાય એવા. જેમાં અત્યંત પુષ્કળ ઉર્જા, સ્ફૂર્તિ અને આવેગને એ બધું જ છે. એટલે એ કોઈ સમયને બંધાયેલા નથી. એ ઘોડા એ માત્ર ઘોડાઓ છે એટલે કે ઉર્જાના પ્રતીકો છે. મારો ઘોડો તો જાણે ઘોડાગાડીનો ઘોડો હતો. બિચારું ટાયડું ઘોડું… તેણે ગાડી ખેંચવાની. એટલે મારો ઘોડો તો જાણે હજુ ફરે છે અને શોધ્યા કરે છે કંઈક અને એનું મોઢું ખુલ્લું છે. જે અર્થમાં કહો તે અર્થમાં. અમુક રીતે કહીએ તો જાણે કે મારું પોતાનું જ પ્રતિબિંબ ! હું દુનિયામાંથી કશુંક શોધવા માંગતો હતો અને એ શોધવા માટે મારી પાસે કશું નહોતું તો ઘોડો હાથમાં આવ્યો અને ઘોડા દ્વારા મેં આખી દુનિયા જોઈ. એ અરસામાં મેં લગભગ ૧૦૦ – ૨૦૦ ચિત્રો કર્યા. ખુબ કામ કરતો. સૌથી મોટી ફાઈન આર્ટસ કોલેજની એ ખૂબી કે ચોવીસ કલાક આખી સંસ્થા ખુલ્લી રહે. તમારે આખો દિવસ ગમે ત્યારે ત્યાં કામ કરવું હોય તો કરી શકો. અને પછી ચિત્ર માટેની સામગ્રી તો આમ તેમ ઠેબા મારીને પણ અમે શોધી લેતા, મળી જતું બધું… પચાસ રૂપિયાની સ્કોલરશીપ મળી કે ન મળી,,, ઘણી વાર મળે, ઘણી વાર ક્લાર્ક ખાઈ જાય તો પણ મેં ગમે તેમ કરીને મારું કામ ચલાવ્યું અને ચિત્રો કરતો રહ્યો. એટલા બધા ચિત્રો કર્યા કે પછી મને એમ થયું કે મારે મારું પ્રદર્શન કરવું જોઈએ અને મેં જહાંગીર આર્ટ ગેલેરી, મુંબઈ બુક કરાવી અને પછી એમ.એફ.હુસૈનને લખ્યું કે મારે મારા ચિત્રોનું પ્રદર્શન કરવું છે. તમને નવાઈ લાગશે પણ ૧૯૬૧ નું મારું પહેલું પ્રદર્શન જહાંગીર આર્ટ ગેલેરીમાં થયું એનું ઉદઘાટન એમ.એફ.હુસૈને કરેલું. તેઓ આવ્યા કવિતા વાંચી. મને તો કલ્પના નહીં કે કવિતા એવું બધું એ પોતાની મેળે લખતા હતા
એ વખતે મેમોરિયલ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા મુંબઈમાં છે ત્યાં બધા કલાકારોના સ્ટ્યુડીઓસ છે, તેમાં એ લોકો કામ કરે રોજ. એમાં લગભગ ૧ રૂપિયો ભાડું લેવાતું એવું કહેવાતું, સોની બાટલીવાળા એનું સંચાલન કરતા હતા. ત્યાં હું ગાયતોન્ડે, તૈયબ મહેતા અને એવા બધા કલાકારોને મળેલો. હુસૈને મને કીધું કે આ ગાય છે, આ તૈયબ, આ ફલાણું ને આ પેલા. બધાને પહેલા નામે બોલાવવાના. મણી સાહેબને મણી ન કહેવાય, મણીસાહેબ કહેવાય. અહીંયા હું ગાયતોન્ડેને હું ગાય કહીને બોલાવું અને તૈયબ મહેતાને તૈયબ કહીને બોલવું. એટલે મારો નવો સબંધ બંધાયો કલાકારો સાથેનો, કલા સાથેનો સબંધ તો હતો જ. નક્કી કર્યું કે આપણે કલાકાર જ થવું છે. આપણે આમાં જ પડવું છે. આપણે કોઈમાં આસ્થા હોય તો બીજી બધી આસ્થાઓ બાજુએ મૂકી સૌથી મોટી આસ્થા તે આ. મારે આમાં પ્રવેશ કરવો છે અને બને ત્યાં સુધી મારે એક જુદું જીવન જીવવું છે, પૈસો મળે કે ન મળે. એ જમાનામાં કોઈ ખાસ એવી ગેલેરી નહોતી, એ જમાનામાં લોકો ચિત્રો ખરીદતા નહોતા એવું નહોતું. મારું પહેલું પ્રદર્શન થયું એમાંય મારા બે ચિત્રો વેચાયેલાં. વકીલ એન્ડ સન્સે મારા ચિત્રોનું પોસ્ટકાર્ડ પણ છાપેલું. પિક્ચર પોસ્ટકાર્ડ છાપેલું. મેં માણ્યું કે કઈ નહોતું છતાં પણ આટલું તો હતું ને..!! અને હું જયારે મુંબઈ ગયો ને આર્ટ ગેલેરીમાં પ્રદર્શન ખોલ્યું ત્યારે કેટલા બધા લોકો હતા. તમને નવાઈ લાગશે કે ઈબ્રાહીમ અલ્કાઝી, અલ્કાઝી જે NSD ના ડિરેક્ટર, એ તે વખતે ભોળાભાઈ મેમોરિયલ ઇન્સ્ટિટ્યૂટમાં બેસતા અને વ્યાખ્યાનો આપતા અને ઘણું બધું કરતા. અને એમનું થિયેટર પણ ચાલતું હતું તેઓ મારું પ્રદર્શન જોવા આવ્યા હતા ને પ્રદર્શનના શીર્ષકો વાંચીને એટલા બધા ખુશ થયા અને મને પૂછેલું કે, તું વાંચે છે ? અને મેં એમને .થોમસની વાત કરી તો એટલા બધા ખુશ થઇ ગયા કે આટલી બઘી તને ખબર છે ? મેં કીધું, આ મારા ગુરુ તો સુરેશ જોશી એ તો મલ્હારમેં, રેલ કે, મેરુદા , પાસ આ બધાની કવિતાઓ એમણે અમારા સુધી પહોંચાડી છે. અને એમના સામાયિકોમાં તો મેં લખ્યું છે મને ઘરે બોલાવ્યો રાતે. મારી ઉંમર કેટલી એ તમે ગણો ૨૪ વર્ષ અને આ બધાનો પરિચય મને થયો એટલે મોટા ગજાના કલાકારોનો પરિચય થયો.
મને હવે તો પાકું થયું કે મારે કલાકાર જ થવું છે પૈસો મળે કે ન મળે. એ જુદી વાત છે. ક્યાંક તો તમારે ગાંઠ બાંધવી જ પડે ને ! ક્યાંક તો તમારે નક્કી કરવું પડે ને કે શું કરશો તમે ? તમારે મા બાપને જવાબ તો આપવાનો નથી, કારણકે મારા પિતાજીએ તો ત્યાં સુધીમાં વિદાય લઇ લીધી હતી. મારા ભાઈઓ પોતાની નોકરીઓ કરતા હતા. એટલે મારે એમને કઈ આપવાનું નહોતું પણ મારી એમના તરફની સૌથી મોટી લાગણી એ જ છે કે મારા પિતાએ મને ભણવા મોકલ્યો અને મારા ભાઈઓએ પણ મને નાની મોટી મદદ કરી. મારા કુટુંબે કોઈ આડખીલી નાખી નથી. એટલે આને તમે જે કહેતા હો તે,, કૌટુંબિક વારસો કહો, કાઠિયાવાડી વારસો કહો કે ગુજરાતનો કે ભારતનો કે જે કંઈ પણ કહો તે આ આપણો સાંસ્કૃતિક વારસો છે અને તેનો મને સીધે સીધો અનુભવ થયો. એજ અરસામાં તમને બહુ નવાઈ લાગશે કે મહેન્દ્રસાહેબે મને બોલાવ્યો કારણકે રતન નામના શિક્ષક હતા એમને કોમનવેલ્થ શિષ્યવૃતિ મળી અને એ ઇંગ્લેન્ડ જવાના હતા, એટલે મહેન્દ્રસાહેબ કહે કે તું ભણાવીશ ? મેં કીધું કે મારું તો હજુ એમ.એ. નું બીજું વર્ષ બાકી છે,, તો એ કહે કે, એમાં શું છે, અહીં ભણવાનું અને ત્યાં ભણાવવાનું એટલે એક વર્ગમાં ભણ અને બીજા વર્ગમાં ભણાવ. નીચલા વર્ગમાં ભણાવ અને ઉપલા વર્ગમાં ભણ.. અને એવી રીતે હું ભણ્યો. મને ૨૫૦ રૂપિયાની નોકરી પણ મળી. પહેલા પગારમાંથી એટલી બધી મજા કરી અને મારા મિત્રોને બોલાવીને પાર્ટી કરી..’
