
મિલાપ અને લોકમિલાપ એટલે મહેન્દ્ર મેઘાણી
સાહિત્યને લોકજીભેથી લોકહૈયાં સુધી લઈ જવાનું કાર્ય કર્યું રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ. તો વાચનને વ્યક્તિ, ઘર અને સમાજ સુધી લઈ જવાનું વ્યવસ્થાપન કર્યું મહેન્દ્ર મેઘાણીએ.
શબ્દ બ્રહ્મને ચરિતાર્થ કરનાર મહેન્દ્ર ઝવેરચંદ મેઘાણી બહુ અંતર્મુખી વ્યક્તિત્વ. ચોવીસ વર્ષની ઉંમરે પિતાશ્રીએ વિદાય લીધી અને આ ચોવીસ વર્ષોમાં પિતાશ્રી રાણપુર-બોટાદ—મુંબઈ-કલકત્તા એમ ફરતા રહ્યા. ૧૯૨૦થી ૧૯૨૮ સુધી તો ઝવેરચંદ મેઘાણી લોકો વચ્ચે છેવાડાનાં ગામોમાં ફર્યા અને જીવ્યા. તેથી તેમના દીકરા મહેન્દ્ર મેઘાણીને પિતાશ્રીનાં બહુ સંસ્મરણો યાદ ન હતાં. હા, તેમને સતત વાંચતા- લખતા-ભ્રમણ કરતા જ જોયાનું યાદ , પણ ત્યારે કોઈ સમજ ન હતી કે, પિતાશ્રી આવડા મોટા સાહિત્યકાર છે! દાદા કાલિદાસ મેઘાણીનું સ્મરણ ખરું અને તે પણ વિશિષ્ટ ! દાદા એજન્સીના પોલીસ ખાતામાં, બદલી થતી રહે. આ દાદાના અવસાન પાછળ દાડો કરેલો ત્યારે ભોજનમાં સૌને બુંદીના લાડુ મહેન્દ્રએ પીરસેલા. ત્યારથી જીવનપર્યંત બુંદીના લાડુ મહેન્દ્રભાઈને બહુ જ ભાવ્યા !
મહેન્દ્ર મેઘાણીનો જન્મ મુંબઈમાં અને મૅટ્રિક સુધીનું ભણતર પણ ત્યાં જ. કૉલેજ કરવા અમદાવાદ આવ્યા અને એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં જોડાયા. મુંબઈમાં જમુભાઈ દાણીએ ગુજરાતી અને મિસિસ ચોક્સીએ અંગ્રેજી સરસ ભણાવેલું. એલ.ડી.માં બે વર્ષ રહ્યા ત્યારે રા. વિ. પાઠક પાસે ગુજરાતી શીખવાનો લ્હાવો મળ્યો. ઇન્ટરમાં સારા માર્ક્સ આવ્યા ને સ્કૉલરશિપ મળી એટલે તે સમયના વાયરાને અનુસરી ૧૯૪૨ના જૂનમાં એલ્ફીન્સ્ટન કૉલેજ, મુંબઈમાં પ્રવેશ લીધો. ત્યાં જ ‘હિંદ છોડો’ ચળવળ શરૂ થઈ એટલે ઓગસ્ટમાં કૉલેજ છોડી દીધી ! બસ, જીવનમાં ભણવાનું ત્યાં પૂર્ણવિરામ મુકાયું. આઝાદીની લડતમાં જોડાયા. તાર કાપ્યા, થાંભલા ઉથલાવ્યા. બોટાદમાં આવી ભાંગફોડિયા પ્રવૃત્તિમાં આનંદ માણતા દીકરાને પિતાશ્રીએ લાહોર મોકલ્યો રામજી હંસરાજની કંપનીમાં. ત્યાં રતિલાલ ઝાટકિયાએ સાચવ્યા. પણ વિધિની વક્રતા કેવી?
લાહોરનું એ કારખાનું તો હથિયારો અને વોર મટીરિયલ બનાવતું હતું. ઉદ્દામવાદી માનસના હાથમાં જ હથિયારો બનાવવાનું આવ્યું ! જો કે ત્યાં પોલીસ પહોંચી એટલે ભાગ્યા કાશ્મીર. ત્યાં ફર્યા, કાશ્મીર જોયું. ૧૯૪૭માં પિતાશ્રીનું અવસાન થયું ને ૧૯૪૮માં અમેરિકા ગયા. ખાસ કંઈ આયોજન વગર. ભણવું હતું. ત્યાં રહી કોલંબિયા યુનિવર્સિટીમાં ભણી પત્રકાર થવું હતું, કૃષ્ણલાલ શ્રીધરાણીની જેમ ! ન્યૂયોર્કના ઇન્ટરનૅશનલ હાઉસમાં નિવાસ. સ્નાતક થયા નહોતા એટલે અનુસ્નાતકમાં પ્રવેશ તો મળે નહીં. પણ ત્યાં બે છાપાંએ અવિધિસરના પત્રકારત્વના ગુણો સીંચ્યા. ન્યૂયૉર્ક ટાઈમ્સ અને ક્રિશ્ચિયન ટાઈમ્સ, દળદાર છાપાં. રોજ સવારે લાવવાનાં ને આખો દિ’ રૂમમાં બેસી રસપૂર્વક વાંચવાના. ત્યાં વળી ‘રિડર્સ ડાયજેસ્ટનો મેળાપ થયો. મનમાં સંકલ્પ કર્યો, ‘દેશ જઈ ગુજરાતીમાં આવું રિડર્સ ડાયજેસ્ટ શરૂ કરીશ.” ત્યારે જ યુનાઇટેડ નૅશન્સની સ્થાપના થયેલી. જૂના કતલખાનામાં તેનું કાર્યાલય. ત્યાં જઈને મહેન્દ્ર મેઘાણી બેસે ને વિચારે કે કોઈક દિવસ વિશ્વરાજ્ય થશે, તેની આ શરૂઆત છે!
છવીસ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ મુંબઈથી ‘મિલાપ’ માસિકનો પહેલો અંક બહાર પડ્યો ત્યારે પેલો સંકલ્પ ફળીભૂત થયો. એ ગુજરાતીનું રિડર્સ ડાયજેસ્ટ. અન્યત્ર છપાયેલા લેખોમાંથી પસંદિત લેખો છાપવાના. જરૂર પડે ટૂંકાવીને છાપવાના. સારા વિચારો સારા લેખો – સારાં પુસ્તકોનો પ્રચાર-પ્રસાર એટલે મિલાપ. બે હજાર ગ્રાહકો હતા તે જમાનામાં ! મુંબઈમાં કુર્લામાં એક નાનો અને ચૂંટેલાં પુસ્તકોનો ભંડાર શરૂ કર્યો. પણ પછી ૧૯૫૩માં મહેન્દ્રભાઈનાં અને તેમની પ્રવૃત્તિઓનાં મૂળિયાં નંખાયાં ભાવનગરમાં. માસિક બહાર પડે તે “મિલાપ’ ને પ્રકાશન સંસ્થા તે “લોકમિલાપ…” પુસ્તક ભંડારમાં બધા પ્રકાશકોનાં પુસ્તકો મળે, પણ પ્રકાશકોનાં ‘બધાં’ પુસ્તકો ન મળે ! લોકમિલાપ દરેક પુસ્તકની પાછળ રહે, ચકાસે અને શ્રેષ્ઠ લાગે તો જ તેને ભંડારમાં સ્થાન આપે. મહેન્દ્રભાઈ કહે છે : ‘રવિશંકર મહારાજનું દર્શન હતું. તેઓ કહેતા કે તમારા ઘરમાં રૂપિયો આવે ત્યારે તેને ખખડાવીને જોજો કે તે બોદો તો નથી ને? અમારે માત્ર ચોપડીઓ નહોતી વેંચવી. અમારે તો સાહિત્ય મારફત ભાવનાઓ અને વિચારોનો ફેલાવો કરવો છે. લોકમાનસમાં પરિવર્તન આવશે તો જ સમાજ બદલાશે. ભલે વાર લાગે. આપણે મરી જશું તો પાછા આવીશું, પણ કરીશું તો ઉત્તમ કામ જ…!’ (ક્રમશ:)