જે હારે છે, તે શીખે છે અને જે શીખે છે તે ફરી જીતે છે.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

બિલિયર્ડ જુનિયર્સના ચેમ્પિયન અને નેવુંના દશકના વર્લ્ડ ચેમ્પિયન શ્રી ગીત સેઠી . આપણને  સ્પોર્ટ્સ ક્ષેત્રના એક વર્લ્ડ ચેમ્પિયન બની રહેનાર શ્રી ગીત સેઠીના જીવનની કેટલીક કસ્મકસ વાળી ઘટનાઓ જાણવાનું રોમાંચક બની રહેશે.

શ્રી ગીત ઉછર્યા રેલવે કવાટર્સના પરિસરમાં જ્યાં સ્પોર્ટ્સની સુંદર સગવડો હોય. તેઓએ ઇન્ડોર ગેમ્સ ના બંધ ઓરડાઓમાં દૂરથી ઘણું દૂરનું જોયા કર્યું અને વિચાર્યા કર્યું, તેમાં તેઓને બિલયાર્ડનો ખંડ અને તેની નાની કાચની બારી ખુબ આકર્ષી ગઈ.   એ સમયે અઢાર વર્ષથી નીચેની ઉંમરના વ્યક્તિને એ ખંડમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. ગીતજી દૂરથી એ રમતને કાચની આરપાર નિહાળતા હતા અને પોતાની આરપાર ઉતારતા હતા. તેઓને ઈચ્છા તો બહુ થતી કે બિલીયર્ડની દાંડી પકડીને રંગરંગના દડાઓને હળવો  ધક્કો લગાવું,, પણ એ શક્ય ન હતું.

ભાગ્યએ અચાનક કરવટ  બદલી અને સરકારે પરિપત્ર બહાર પાડીને રાજ્યોને અને બધી ક્લબ્સને કહ્યું કે,  તરુણોને પણ બિલિયર્ડ શીખવો કે જેથી કરીને તેઓ યુવાન થાય ત્યારે વિશ્વ સાથે રમી શકે અને આપણો  દેશ તેમાં નામ રોશન કરી શકે. ગીત સેઠી  નામધારી છોકરાને તો દોડવું હતું અને ઢાળ મળ્યો… હવે તે વિધિવત બિલિયર્ડ ખંડમાં પ્રવેશ્યો અને રમવા લાગ્યો. દૂરથી નિહાળેલી રમત તેનું કૌશલ્ય બની ગયું અને  તે  ઉમરે  તો એ જુનિયર્સનો બે વખત નેશનલ ચેમ્પિયન બની ગયો.!! પિતાશ્રીએ ભણવા માટે આગ્રહ તો કરેલો જ અને એસએસસી વખતે તો ત્રણ મહિના બિલીયર્ડને વીંટો વાળી એક બાજુ મુકાવીને પરીક્ષાની તૈયારીએ વાળી દીધેલ. ધોરણ અગિયાર અને બારમા પિતાશ્રીએ સાયન્સ લેવાનો જ આગ્રહ કર્યો તો ગીતે તેમ કર્યું અને સાથે સાથે રમત પણ આગળ વધારી. પણ આ બે વર્ષમાં ગીતની એકાગ્રતા રમતમાં વધારે જ છે તેવું પામી જનાર પિતાશ્રીએ એકદમ સહજતાથી કહ્યું કે, ‘હવે આર્ટ્સ રાખીને ડિગ્રી મેળવી લેવી પણ રમતમાં આગળ વધવું.’ પિતાશ્રીના આ હૃદય પરિવર્તનને ગીત સેઠી બહુ જ આદરપૂર્વક પ્રણમે  છે. 1973-74 થી શરુ થયેલ આ રમતે  મક્કમ ગતિથી ગીતને સફળતા અપાવી  પણ  1989-90 માં તેમને સેડબેક લાગ્યો અને ગીત રમતમાંથી બહાર ફેંકાય જાય એટલી હદે પાછળ પડી ગયા..!!

અહીં નોંધવા જેવી ઘટના બને છે અને શ્રી ગીત સેઠી પોતાના કોચ કે ગુરુને શોધીને પોતાની પાયાની ભૂલ તરફ આંગળી ચીંધવાનું કામ કરે છે. શ્રી ગીત સેઠી કહે છે કે, મને પહેલીવાર ખબર પડી કે, મારી રમવાની ટેક્નિક સાવ ખોટી જ  હતી, પણ મારા આત્મવિશ્વાસથી રમતો ને જીતતો હતો અને તેનો અહમ મને ટેક્નિકને સાચા માર્ગે

વાળવા દેતો ન હતો. કોચે ધ્યાન દોર્યું ને સાચી ટેક્નિક શીખવી પછી શ્રી ગીત સેઠીએ પોતાની જાતને ત્રણ વર્ષો માટે સ્પોર્ટ્સ ક્લબના ખંડમાં બંધ કરી દીધી  અને સતત મહેનત કરી સાચી ટેક્નિક પ્રાપ્ત કર્યા  પછી જ બહાર નીકળી કોઈ ટુર્નામેન્ટ રમે છે. અને આ ઉગ્ર સાધનાનું ફળ પણ ઉત્તમ મળે છે. ત્રણ વર્ષ પછી ફરી તેઓ ટુર્નામેન્ટ

રમે છે અને છેલ્લા ત્રણ વર્ષથી વર્લ્ડ  ચેમ્પિયન બની રહેલ માઈકલ ફરેરાને નેશનલ ચેમ્પિયનશીપમાં હરાવે છે અને રેકોર્ડ બ્રેક સ્કોર કરે છે, જે આજે છેલ્લા પચાસ વર્ષનો ઉચ્ચતમ સ્કોર રહેલ છે.

પરંતુ જયારે અચાનક રમતમાં શિકસ્ત ઉપર શિકસ્ત મળવા લાગે છે ત્યારે ગીત સેઠી હચમચી ઉઠે છે .. જો કે, આ વખતે પણ નાસીપાસ થવાને બદલે કે ડિપ્રેશનમાં  આવી જવાને બદલે  ગીત તેનો  પડકાર રૂપ સામનો કરે છે, અને ગીત ફરી સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે. શ્રી ગીત સેઠીના જીવનની આ ઘટનાઓ આપણને શીખવે છે કે, જે હારે તે શીખે છે તો ફરી જીતે છે.