અસ્મિતા વિશેષ સંવાદ : 11
ગુજરાતી ગીત સંગીતનું એક સુરીલું નામ એટલે અવિનાશ વ્યાસ. તેઓશ્રી માટે તો “અવિનાશી અવિનાશ” એવા પુણ્ય વચનો બોલાય છે. ગુજરાતી ગીત-ગરબા-સુગમ-ફિલ્મી રચનાઓથી ભરેલો ભારોભાર વૈવિધ્યનો સુર-શબ્દ થાળ એટલે શ્રી અવિનાશ વ્યાસ. એ અવિનાશભાઈની યાદને આજે પણ તરોતાજા રાખી રહ્યા છે તેમના સુરીલા પુત્ર શ્રી ગૌરાંગ વ્યાસ.
આ બાપ-દીકરાએ ગુજરાતી જીભે ગુજરાતી ગીત-ગરબા અને કેટલીય ઉત્તમોત્તમ રચનાઓને જીવંત રાખી છે. ગૌરાંગભાઈ સાથે સંવાદ માંડયો ત્યારે ખ્યાલ આવ્યો કે તેઓ પિતાશ્રીને ‘ભાઈ’ કહે છે. ગૌરાંગભાઈએ દિલથી વાતો કરી પોતાની સુરના ખોળે જ વીતી રહેલી ઝીંદગીની. તેઓના કેટલાય યાદગાર ગીતો કેવા સંજોગોમાં રચાયાં તેનું વર્ણન તો આપણને રોમાંચિત કરી મૂકે છે. પિતાશ્રી અવિનાશભાઈ કેમ દર ભાઈબીજે શ્રી અંબાજી જતા જ, તેની વાતો શ્રદ્ધા આગળ માથું ઝુકાવવું મજબુર કરે છે. મણિયારો જે અતિ લોકપ્રિય થયું તેમાં શ્રી પ્રફુલ્લ દવેને કેમ લીધા કે લતાદીદી યાત્રામાં કેમ જોડાયાં એ વિગતો દર્શકોના ચિત્તમાં આ સંવાદને યાદગાર બનાવવા સમર્થ છે.
“ લગભગ ૧૯૭૫ માં મુંબઈમાં એક નિરંજન મહેતા અને અહીંના આપણા બહુ જાણીતા પત્રકાર દિગંત ઓઝા એ બંને ભાઈ પાસે ગયા. હું તો અમદાવાદમાં હતો. મને ખબર નહોતી. એમણે ભાઈને કીધું કે અમે એક ફિલ્મ બનાવીએ છીએ અને એનું નામ છે લાખોફૂલાણી અને એને માટે અમે આવ્યા છીએ. તો ભાઈ કહે, ચોક્કસ કરીએ. બોલો શું કરવાનું છે આપણે નક્કી કરીએ. તો દિગંતભાઈ કહે, પહેલા એક વાત એવી કરવાની છે કે આ પિક્ચરમાં સંગીત તમારું નથી. ભાઈ જરા વિચારમાં પડી ગયા કે મારું સંગીત નથી તો તમે અહીંયા શું કામ આવ્યા છો, કારણ શું ? તો કહે આમ અમે વિચાર એવો કર્યો છે કે ગૌરાંગ વ્યાસ સંગીત આપશે…. હવે એક સ્વતંત્ર સંગીતકાર તરીકેની કામગીરી મને મળે એમાં કયા પિતાને આનંદ ના થાય ? કોઈ પણ સવાલ નથી. પછી ભાઈ બહુ ખુશ થયા એ કહે કે ચોક્કસ ગૌરાંગ કરશે. ગૌરાંગ હમણાં થોડા દિવસમાં મુંબઈ આવવાનો જ છે અને હું એને વાત કરીશ ગૌરાંગ ચોક્કસ પિક્ચર કરશે પણ મારી એક શરત એટલી છે કે ગીતો તો હું જ લખીશ. એટલે કોઈ પણ સંગીતકાર માટે ભાઈ ગીતો લખતા જ નહોતા. એકલા ગીતો કોઈના લખતા નહોતા ગીત સંગીત બંને સાથે હોય તો જ લખે, પણ આ પિક્ચરમાં એમણે માત્ર ગીતો લખ્યા અને લાખોફૂલાણી ૧૯૭૫ કે ૧૯૭૬ માં લગભગ કર્યું. એ પિક્ચર મારું પહેલું હતું. એ વખતે રેકોર્ડિંગમાં એવું હતું કે રીટા ભાદુરીનું પહેલું પિક્ચર, મારું પણ પહેલું જ પિક્ચર અને આપણા ખુબ જ લોકપ્રિય લોકગાયક પ્રફુલ દવે એમનું પણ પહેલું પિક્ચર. પ્રફુલ દવેનો રસધારા કરીને એક કાર્યક્રમ થતો હતો. એમાં પ્રફુલ દવેને મેં સાંભળેલા અને એમની પાસેથી મેં મણિયારો સાંભળ્યું. એટલે એ ફિલ્મ ડિરેક્ટર હતા અરુણ ભટ્ટ. વિજય ભટ્ટના દીકરા. એમને મેં કહ્યું કે, ભાઈ આ એક રાસ તમને સંભળાવું . એમ કરીને મેં એમને મણિયારો સંભળાવ્યું. તો મણિયારો એમને ખુબ જ ગમ્યું. મેં કીધું કે આ ગીત આપણે રેકોર્ડ કરવું હોય તો પ્રફુલ દવે પાસે જ ગવડાવાય એ સિવાય કોઈ પણ ચાલે નહીં. એટલે અરુણભાઈ કહે છે કે, ભાઈ સાવ નવા ગાયક તો નહીં ચાલે. આપણે એક કામ કરીએ. રાસ તો રાખીએ પણ મહેન્દ્ર કપૂર પાસે ગવડાવીએ. મેં કીધું મહેન્દ્ર કપૂર ગાશે પણ એ વાત નહીં બને જે પ્રફુલ દવેમાં બનશે. તમે એક વાર એને સાંભળી લો. તમને એવું લાગે કે આ બરાબર નથી તો આપણે એને જવા દઈશું. એટલે મેં પ્રફુલભાઈને મુંબઈ બોલાવ્યા અને એણે અરુણભાઈને આ મણિયારો સંભળાવ્યું. અને અરુણભાઈ ખુશ થઇ ગયા. એ કહે આ તો જબરજસ્ત ગાયક છે કોઈ સવાલ જ નથી.
પણ તકલીફ એવી હતી કે મણિયારો ગીત એ ખાલી ફિમેલ ગીત હતું એમાં પુરુષનું કઈ નહોતું. એટલે અરુણભાઈએ ભાઈને કીધું કે હવે આમાં તમારે નવા અંતરા લખવા પડશે, એમાં બે અંતરા જે હતા એ રાખ્યા અને બે અંતરા નવા લખવા એવું કીધું એણે. ભાઈ કહે સારું લખી કાઢીશ. બીજે દિવસે અમે ગીત ઉપર બેઠા હતા. ભાઈએ અઢાર અંતરા લખી કાઢ્યા અને એક પછી એક સંભળાવવા લાગ્યા. અરુણભાઈ ગુંચવાઈ ગયા કે આમાંથી કયું સારું છે તો એમાંથી ગમે તેમ કરી બે અંતરા પસંદ કર્યા. પણ ભાઈ તો શીઘ્ર કવિ હતા એટલે ફટાફટ એણે અઢાર અંતરા લખી કાઢ્યા. પછી હવે પ્રફુલ દવેનું રેકોર્ડિંગ કરવું એવું નક્કી થયું. એની સાથે ફિમેલ વોઇસ તરીકે સુમન કલ્યાણપુરને ગવડાવવાનું નક્કી કર્યું. હું પ્રફુલભાઈને સુમન કલ્યાણપુરની ઘરે લઇ ગયો, રિહર્સલ કરાવવા માટે.. મેં સુમનજીને કહ્યું કે આ જે ગીત છે એ લોકગીત છે, એનો જે લ્હેકો છે એ તમે જરા સાંભળી લો. આ રીતે જ ગવાય તો મજા આવશે. પ્રફુલભાઈએ મણિયારો સંભળાવ્યું ને સુમન કલ્યાણપુરને આનંદ થયો. એણે કીધું કે હવે હું પ્રયાસ કરું કે આ રીતે લ્હેકો કરવાનો. મેં કહ્યું કશો વાંધો નહીં અને એ રીતે લાખોફૂલાણી નું પહેલું ગીત અમે રેકોર્ડ કર્યું. મણિયારો. જે આજ સુધી લોકોના હૈયે છે. એમાં અંતરા થોડા મોડીફાય કરીને નવા કર્યા અને એ રીતે આખા ગીતને શણગારીને રજૂ કર્યું. લોકોને ખુબ ગમ્યું. એટલું બધું ગમ્યું કે સરસપુર કે એવા એરિયામાં એક થિયેટર હતું એમાં લોકોએ મણિયારો ગીતને વન્સ મોર આપ્યું. અને લોકોએ હો…હો… કરી કે આ ગીત ફરીથી સાંભળવું છે. થિયેટરમાં ફરીથી લાઈટો થઇ અને એ ગીત ફરીથી સંભળાવ્યું એટલે લોકો શાંત થયા..”
