અસ્મિતા વિશેષ સંવાદ : 17
ગુજરાતને ‘સપ્તક’નું વ્યસની બનાવનાર શ્રી મંજુ મેહતા
એક રાજસ્થાની નારી તમને આજે સદંતર ગુજરાતી લાગે અને જે વાત કરે ત્યારે તમને સુરાવલિઓનો ભાસ થાય તો તે શ્રી મંજુ મહેતા છે એમ સમજવું. એ ‘સપ્તક’ સંગીત મહાકુંભના દ્યોતક છે, સર્જક છે, અને પોશક પણ છે. આખું કુટુંબ કેવી રીતે સંગીતમય બને તે ઊંડાણથી જાણવા માટે આ સંવાદ સાંભળવો બહુ જરૂરી છે. સંગીત એ આરાધનાનો વિષય છે અને મંજુબેનની વાતોમાંથી સંગીત માટેની તેઓની સાધનાના દર્શન થાય છે. આવો, મંજુબેનના જીવનનીશરૂઆતને માણીએ…
‘મારા પિતાશ્રી અને મારા માતુશ્રી બંને સંગીતના ફિલ્ડમાં બહુ જ આગળ વધેલા. જયારે રાજસ્થાનમાં મહિલાઓને સંગીત કરવા માટે પ્રેરિત નહોતા કરતા એટલે કે મહિલાઓ સંગીત કરે તેને સારું નહોતા સમજતા એ સમયમાં મારા પિતાશ્રી કે જેમને સંગીતનો બહુ જ શોખ હતો એ એમના શોખના લીધે સ્વયમ હાર્મોનિયમ લઇ આવ્યા પછી બધા કમ્પૉસિઝન્સ એમાં ગાય અને વગાડે. મારા જીવનનો એક ખાસ પ્રસંગ એ છે કે મારા મધરને મારા ફાધરે કહ્યું કે તમારે સંગીત શીખવું પડશે, કારણકે મને આટલો બધો શોખ છે…!!! એટલે તમારે સંગીત શીખવું જ પડશે. તો જયારે હું લગભગ છ સાત વર્ષની હતી ત્યારે મારા મમ્મીને અલવર સંગીત શીખવા દર શનિ રવિ જવું પડતું હતું. ક્યાંથી જવાનું ? જયપુરથી અલવર જવાનું, કારણકે જયપુરમાં એ ઘડી એવા કોઈ સારા ગુરુ નહોતા કે જે કોઈ લેડીને સરસ રીતે શીખવાડી શકે. તો અમે લોકો છ છ વર્ષના હતા. મમ્મી અમને લઈને ટ્રેનમાં જતા હતા અલવર. અરે, ત્યાંના જે સિતારીષ્ટ હતા એમને ત્યાં મારા મધર પછી તો શીખવાડતા પણ હતા. આમ અમે લોકો છ સાત વર્ષના હતા ત્યારથી મારા મધરે સખત સંઘર્ષ કર્યો. બચ્ચાઓને લઈને જવાનું, શીખવાનું. પછી ત્યાં અમે બે દિવસ રહેતા હતા. ત્યાં આંબાના ઝાડ અને સરસ વાતાવરણ તો અમે તો રમતા હોઈએ અને પછી મારા મમ્મી પાછા લઈને આવે. એ પછી મારા મધર મહારાજા કોલેજમાં મ્યુઝિક ટીચર તરીકે રહ્યા. અને પછી એ ભરતપુર કોલેજમાં મ્યુઝિકના લેક્ચરર રહ્યા. પછી લખનૌ મારા મધર મોરિસ કોલેજમાં એક્ઝામ આપવા ગયા વિશારદની અને મને લઇ ગયા. તો મમ્મી બતાવે છે કે ઘોડાગાડીમાંથી હું પડી ગઈ. એક્ઝામ લેવા જઈ રહ્યા હતા અને ઘોડાગાડી માંથી પડી ગઈ હતી. તો પણ મને લઈને પરીક્ષાખંડમાં ગયા, બધાએ બહુ સહકાર આપ્યો ને પરીક્ષા આપીને આવ્યા. એટલે એ સમયની વાત, વિચાર કરો હું આજે ૭૫ ની છું..!!!!
પછી ધીમે ધીમે અમારા મધર ફાધર ના લીધે બધા જ છોકરાઓને, ઘરમાં એક વસ્તુ થતી હોય તો ક્યાં જવાના હતા, ત્યાંને ત્યાં બધા સાંભળે અને પછી એમ બધાને જ સંગીતનો શોખ લાગી ગયો. પછી મારા મોટા ભાઈ કે જે મારા ગુરુ પંડિત શશી મોહન ભટ્ટજી એ સિતાર વગાડતા હતા. અને એ ભારતરત્ન પંડિત રવિશંકર જયારે દિલ્હી ઓલ ઇન્ડિયા રેડીયોમાં હતા ત્યારે એમની પાસે શીખવા જતા હતા. એ લગભગ ગુરુજીના પહેલા કે બીજા જ સ્ટુડન્ટ હતા કે જે દિલ્હી જઈને શીખતાં હતા. એમને જોઈને મને સિતાર શીખવાની ઈચ્છા થઇ. અને એ પછી મારા મોટા ભાઈ ત્યાંની જયપુરની યુનિવર્સીટીની કોલેજમાં હેડ ઓફ ધ મ્યુઝિક ડિપાર્ટમેન્ટ રહ્યા.
મને સિતાર શીખવાની ઈચ્છા તો આઠ વર્ષથી થઇ પણ દસ અગિયાર વર્ષે હું થોડું ગાઈ લેતી હતી એટલે નાના બાળકોના પ્રોગ્રામમાં જઈને સિતાર વગાડતી હતી. પણ એ ઘડી કઈ ગાડી ની વ્યવસ્થા નહીં એક જણે કોઈને સાઈકલમાં બેસાડી લે તો પકડી લીધું એક જણે રિક્ષામાં લઈને જાઉં એવી રીતે..બહુ કઈ ફેસિલિટી નહોતી, આજ કાલ તો બહુ ફેસિલિટી છે, અમારા જમાનામાં એવું કઈ નહોતું. પણ એક રીતે જોઈએ તો એ ફેસેલિટી નહોતી ત્યારે જે શીખી શકાયું એ આજે ફેસેલિટી સાથે શીખી શકાતું નથી. જ્યારે હું પરણીને અહીંયા આવી અને હું રેડિયોમાં ૬૯ માં સૌથી પહેલા ‘બી હાઇ ગ્રેડ’માં પાસ થઇ, એ સમયમાં લાઈવ પ્રોગ્રામ થતા હતા. એ વખતે તો જયારે પ્રોગ્રામનો ટાઈમ હોય ત્યારે આપણે સિતાર લઈને જવાનું. એકવાર સવારમાં અને ફરી એકવાર રાત્રે.. ત્યારે મને હજુ યાદ છે કે હું રિક્ષામાં બેસી સિતાર લઇ મારી બેબીને દૂધની બોટલ આપી અને બેસાડીને રિક્ષાવાળા ભાઈને કહું કે, ‘આવું છું હમણાં.’ એટલે એક આખું દ્રશ્ય ફરીવાર ભજવાયું. મારા માતાશ્રી અલવર જતા હતા ત્યારે અમે ભેગા જતા હતા અને પછી મારે જયારે પરફોર્મ કરવાનું આવ્યું ત્યારે મારી દીકરી સાથે આવતી હતી !!’
મંજુબેનનું આખું કુટુંબ જ સંગીતમય અને કુટુંબમાં સંગીત સિવાય કશું જ નહીં. તેમાં એક ભાઈ એટલે વિશ્વખ્યાત પંડિત વિશ્વમોહન ભટ્ટ કે જે વિચિત્ર વીણા ના દ્યોતક રહ્યા છે. આ સંસ્કારોએ માનુજુબેન અને તેઓના પતિશ્રીએ ‘સપ્તક’ ની દીર્ઘસ્થાયી ભેટ અમદાવાદ અને ગુજરાતને આપી અને ફલત: દેશના ધુરંધર સંગીત ખેરખાંઓ ગુજરાત આવવાની રાહ જોતા થયા અને ગુજરાતનું નામ વિશ્વમાં રોશન થયું. ‘સપ્તક’ કેમ-ક્યારે-કેવી રીતે શરુ થયું અને કેમ આટલી પ્રસિદ્ધિ પામ્યું તે જાણવા માટે આપે શ્રી મંજુબેન મહેતા સાથેનો અસ્મિતા વિશેષ સંવાદ સાંભળવો રહ્યો.
