અસ્મિતા વિશેષ સંવાદ (15)
મૂળ તેઓ અરૃણાતાઈ…પણ આજે અરુણાબેન જાડેજા…
પુસ્તક-પ્રેમ , રસોઈ-સ્નેહ, વાંચન-મનન લગાવ, પરંપરા-આદર અને જીવન-આનંદ એટલે અરુણાબેન. આવો, એમની સાથે થયેલ રસપ્રદ સંવાદની કેટલીક પળોમાં લટાર મારીએ..
વાંચનની લાગણી ક્યારથી લાગેલી ?
એકવાર રેલવેમાં હતાં તે મારા કાકા સાથે મારા આઇએ મને મોકલી મામા ને ત્યાં અમદાવાદ અને કંઈક બે આના કે ત્રણ આના આપેલા કે રસ્તામાં તારે કંઈ ખાવું હોય તો રાખ. પણ મેં ‘ચંપક’ લીધું અને નીચે ઉતરીને નક્કી કર્યું કે ખાવું નથી કશું, પણ પહેલા ચંપક વાંચવું છે. અને હું સુરતી એટલે પેલા ભુસા ભજીયા આવતા એ છાપાના કાગળમાં જ હોય એટલે પછી બીજા બધાં ખાવા માંડે તો મને એમ થાય કે આ લોકો ખાઈ લે તો હું તે છાપાંનો ટુકડો વાંચી લઉં !! એટલું બધું ગાંડપણ વાંચવાનું… ભાઉએ પણ કહેલું કે તું જોઈએ એટલા પુસ્તકો વાચ, તને લાવી આપું, જેટલી હોય એટલી લાયબ્રેરીમાં સભ્ય થઈ જવાનું. ભલે એક બે ફ્રોક આપણે ઓછાં હોય તો ચાલશે.. આજે પણ મરાઠી સામયિકો પણ અને ગુજરાતી તો બધાં જ નું આપણે આજીવન લવાજમ ભરેલું છે.
ભણવાનું હોય એ પણ વાંચવાનું એટલું જ ગમે કે ના ?
ગમે ગમે…ભણવામાં પણ કેવું છે ગણિત બિલકુલ ના ગમે. વિજ્ઞાન પણ ના ગમે. ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજી એ બધું બહુ ગમે. અને કેવું કે ચોપડીઓ આવે એ પહેલાં જ ચોપડીની સુગંધ લેવાની!! કોઈ વાર જ નવી ચોપડી આવે બાકી તો સેકન્ડ હેન્ડ લાવવાની બધી. પણ પછી હું આઈને કહું એક નવી લાવી આપોને સુગંધ માટે !! પછી તો હું મારા છોકરાઓને માટે બધી જ નવી કોરી ચોપડી લાવી હતી. અને મારી દીકરીની દીકરી મારી પાસે રહેતી એના પુસ્તકો લાવું પછી સરસ પૂંઠા ચડાવીને ખાખી કલરના સ્ટીકર લગાવીને નામ લખીએ. પણ હું એને કહું પહેલાં તું સુગંધ લે. સુગંધ આ પુસ્તકની !! ..
ગણિત વિજ્ઞાન ન આવડ્યું તો પણ પાસ થઈ જવાતું હતું ને ?
હા, થઈ જવાય. કાયમ આમ તો પહેલો બીજો નંબર આવે. પણ આપણને તો ખબર છે કે આપણે લખવા બેસીએ ને પછી લખાય જાય ને પછી ઘણા કહે કે હું મારું પિક્ચર નથી જોતી કોઈ દિવસ કે હું મારું ગાયેલું ગીત નથી સાંભળતી. એમ હું પણ કોઈ દિવસ મારું લખેલું વાંચું નહીં, કારણ કે એમ થાય કે આના કરતા તો મેં કેટલું સારું લખ્યું હોત. આ વાત માટે બોરીસાગર સાહેબનું એક વાક્ય યાદ કરું : આ જે આપણને અસંતોષ રહે ને, (આમ તો અસંતોષ એ નેગેટિવ છે, નકાર છે) એ ડિવાઇન ડિસ સેટિસ્ફેક્શન છે.
આપનાં લગ્ન મોટી ઉંમરે અને વિશિષ્ટ સંજોગોમાં થયાં, એમનાં વિષે વાત કરો ને
મારી બહેનપણી મંજુના બા એટલે કે સાહેબના પહેલાં પત્ની બોર્ન કેન્સરમાં ગુજરી ગયા. અમે નજીક જ રહેતાં હતાં. એ પોલીસ ક્વાટર્સમાં રહેતા અને સામેની બાજુ હું વાડીયા કોલેજમાં રહેતી.. મંજુ પણ બહુ આવતી અને મંજુના બા પણ બહુ આવતા મારે ત્યાં.. હું માંદી – સાજી હોઉં તો મારું ધ્યાન રાખે કે આ ડભોઇની દીકરી છે. એનું ધ્યાન રાખવાનું. પણ મંજુના બા ગુજરી ગયા.
પછી એક વાર હું અને મારી બીજી એક બહેનપણી (જે મારી સાથે કોલેજમાં પ્રોફેસર જ હતાં) અમે બંને જણા મંજુના ઘરે કંઈ મળવા ગયા હશું. એમણે અમને બંનેને કહ્યું: મારે ફરીથી લગ્ન કરવાં છે પણ મારી ઉંમરની આસપાસની ઉંમરના હોય, ત્યક્તા હોય, વિધવા હોય, અથવા અપરિણીતા રહ્યા હોય એ તમે જોજો. પર નાતના ચાલશે પણ અમારા દરબારોની બધી મર્યાદા હોય એ સાચવવું પડે એટલે એ જોજો. પછી મેં અને મારી બહેનપણીએ શોધ માંડી. મારો ભાઈ ડભોઇમાં હતો એને પરદેશ જવા માટે પાસપોર્ટ પર કંઈક સહી જોઈતી હતી ત્યારે મેં સાહેબને નાનો પત્ર લખી કહ્યું કે ડભોઇમાં તમારા કોઈ ઓળખીતા હોય તો એને કહેજો ને, મારા ભાઈને સહી કરાવવી છે. અમારી પત્ર વ્યવહારની આ પહેલી શરૂઆત. અને અમારા બંનેનો પ્રણય પાંગર્યો એ પત્ર દ્વારા. અઢી વર્ષ અમારો ડેટિંગ પિરિયડ પણ પત્રો દ્વારા. પ્રત્યક્ષ મળવાનું કંઈ નહીં એકાદ વાર થયું બાકી પત્રો દ્વારા જ…
એમની ઉંમર ત્યારે કેટલી હશે ?
મારાથી ૨૧ વર્ષ મોટા.
અમે જયારે લગ્ન કર્યાં ત્યારે હું ૩૦ ની અને એ ૫૧ ના હતાં. પોલીસખાતામાં હતાં તો પણ તેઓ બહુ પત્રો લખતાં…એટલે મારો ભાઈ એવું કહેતો કે આમને ક્યાંથી ટાઈમ મળતો હશે ? આ તો સોમ થી શનિ સુધીના પત્રો લખી જ રાખતા હશે અને પછી રોજ એક એક પેલા કોન્સ્ટેબલને કહેતા હશે કે પોસ્ટ કરી આવ જા.
દીકરી મંજુના તો લગ્ન થઈ ગયા મારા આવતા પહેલાં. હવે દીકરાના બાકી હતાં. એટલે એમણે પણ કહ્યું અને મેં પણ કહ્યું કે પહેલાં દીકરાના લગ્ન થવા દો, ધામધૂમથી કરો. હું જાહેરમાં કહું આજે કે મેં સાહેબને કહેલું કે પહેલાં દીકરાનો બેડરૂમ બંધ થાય પછી આપણો બંધ થાય એમાં શોભા છે, એમાં આપણી મર્યાદા છે. એટલે મહિના પહેલાં એમના લગ્ન થયા અને પછી અમારા કોર્ટ મેરેજ થયા. પિતાજી તો બહુ વિરોધમાં હતાં …
(અને પછી તો જીવનના એક પછી એક પાનાં અરુણાબેને ભાવથી ખોલ્યા અને સંવાદ જીવંત ગોષ્ઠિ બને રહ્યો…)
