અસ્મિતા વિશેષ સંવાદ (16)
કવિતા જગતમાં ઉત્તમ સર્જન કરનાર અગ્રીમ વ્યક્તિઓમાં શ્રી હરીશ મીનાશ્રુનું નામ મોખરે છે. તેઓની જીવનની યાત્રા વિશિષ્ટ સંજોગોના પડાવો પરથી પસાર થઈ છે. પિતાશ્રીની નાની શી પેઢી અને દીકરાની બેંકમાં કારકિર્દી પણ સદગુરુનો સ્પર્શ એવો થયો કે અંતરની યાત્રાનો દોર ઘૂંટાવા લાગ્યો અને તેમાંથી સહજ પ્રગટે તેમ પદ્ય સર્જન થવા લાગ્યું. એક જુદા પ્રદેશની અનુભૂતિ તેઓને થઈ છે અને તે કવિતાઓમાં બરાબર ઉતરી છે. સાદી છતાં પ્રેરક જીવનશૈલીના સાધક શ્રી હરીશ મીનાશ્રુ સાથેનો સંવાદ ધરાતલને સ્પર્શવાનો લ્હાવો બની રહ્યો…
આપના ઉછેર અંગે વાત કરશો ??
“મારા પિતાજી મૂળ આણંદથી નજીક કંજરી ગામના, એ અમારું મૂળ ગામ ત્યાં બાપદાદાના જમાનાની થોડી જમીનો પણ હશે. પણ પિતાશ્રી બધાં ભાઈઓને બધું જ સોંપી અને આણંદ આવી ગયેલા. આણંદ અને કંજરી વચ્ચે કોઈ ખાસ અંતર નથી. હવેના જમાનામાં તો એને અંતર જ ના ક્હેવાય. માંડ ૧૦ કિમિ હશે. અને અહીં એમના એક સ્નેહી સાથે એમનો છીકણીનો ધંધો. એમાં એમણે કામ શરૂ કરેલું. પછી એ સ્વતંત્ર રીતે પણ કરતાં થયા. એટલે અત્યાર સુધી એમ સમજો ને કે પાંચેક વર્ષ સુધી એ મારા ‘બાપાની પેઢી’ કહું તો ગમ્મતનો વિષય ગણાય. કારણકે નાની અમથી એક દુકાન અને એમાં બધું કામ ચાલે. છીંકણી બનાવવાનું અને ઘુંટવાની જ પ્રક્રિયાઓ છે એ બીજે થતી હોય પણ વેચાણની વ્યવસ્થા પેઢી પર થતી હોય. મારા ભાઈ અત્યાર સુધી એ દુકાન ચલાવતા હતા. પછી એમની અવસ્થા થઈ એટલે એ છોડ્યું. મારું કહેવાનું તાતપર્ય એટલું મારા ફાધર એક સનાતની બ્રાહ્મણ. ગાંધીયન એસ્થેટિકનો એક નાનકડો નમૂનો. જેને ક્હેવાય ને લોવર મિડલ ક્લાસ. આપણે એને મિડલ ક્લાસ પણ ન કહી શકીએ એવા પ્રકારની આર્થિક અવસ્થા. એટલે મને બરાબર યાદ છે કે જયારે ૧૯૫૩ માં મારો જન્મ થયો હશે તો તે વખતે જે મકાન હતું એમાં છતમાં પણ વચ્ચે ગાબડું. અને દાદર ચડીને ઉપરના એક રૂમમાંથી બીજા રૂમમાં જવું હોય તો પડી ન જવાય એટલે વચ્ચે જે ઉઘાડી ભીંત હતી એ પકડીને સાચવીને આ બાજુના રૂમમાં જવાનું.. આવા પ્રકારની સ્થિતિ. પણ સાત આઠ વર્ષ પછી મને એવું લાગે છે કે મારું બચપણ એ છતાં પણ બહુ સારી રીતે ગયેલું કેમ કે સ્થિતિ થોડી સુધરવા માંડી હશે અને મારા બા તો કહેતા કે તારાં માથા પર લાડવાનો ડબ્બો હંમેશા રાખતા. આજે તો કોઈ રાખતું નથી પણ મગસનો ડબ્બો ત્યારે શુકનવાળા સંતાન પર રાખતા હતા. આવી સંઘર્ષની અવસ્થામાં પણ એક બાળક તરીકે મારી ઉછેરની બાબતમાં કે બીજી કોઈ બાબતમાં મને ઓછું આવે એવું તો નથી થયું. અને સાત આઠ વર્ષ પછી મારા બાપુજીએ નવું પાક્કું મકાન કર્યું કે જે આજે પણ છે મારી પાસે અને ત્યાં અમે અવાર નવાર જતાં હોઈએ છીએ અને ખાસ તો ઉત્તરાયણ વખતે ખાસ જતાં હોઈએ છીએ. ગામ મળે, ત્રીજો માળ મળે અને અગાસીઓને છાપરાને પતરાને બધું મળે કે જેથી આપણે કોઈની પતંગ કાપી પણ શકીએ અને કોઈ આપણી પણ કાપી શકે. કેમ કે અત્યારે હું જ્યાં રહું છું ત્યાં અગાસી છે ખરી પણ પડોશી પતંગ ચગાવે નહીં અને આપણી પતંગ પડોશી સુધી પહોંચે નહીં એટલું અંતર હોય છે. એટલે પતંગ પણ એક ઇમેજ બની જાય છે તમારી નિકટતાની. એટલે મારું બચપણ તો આ રીતે સરસ ગયેલું.”
‘ગાંધીયન એસ્થેટિક’ એવો આપે શબ્દ પ્રયોગ કર્યો એ કેવી રીતે ?
“ગાંધીયન એસ્થેટિક. હું એસ્થેટિક શબ્દ કહું છું ત્યારે એમાં કળા ઉપરાંત સમાજ પણ આવી જાય. કેમ કે ગાંધીએ એમ કહ્યું કે આઈ એમ એન આર્ટિસ્ટ. તો એ અર્થમાં જયારે જુઓ છો ત્યારે મારા બાપુજીને મેં હંમેશા ખાદીના વસ્ત્રોમાં જોયા છે. અને દેખાવે મળતા એટલા આવે એટલે સૌ કહે કે કાકા નહેરુ જેવા લાગે છે. કેમકે માથે ટોપી પહેરે. અને બીજી એક વસ્તુ એ હતી કે ઘરમાં એ ફાટલું એની પર થીગડાં મારેલા હોય એવો ખાદીનો ઝભ્ભો અને ધોતિયું પહેરીને બેસતા. અને એ જ રીતે ઘરમાં રહે. પણ જો બહાર જવાનું હોય કે કોઈને ત્યાં શોભામાં અભિવૃદ્ધિ કરવાની હોય તો ખરેખર અભિવૃદ્ધિ થાય એ રીતે ખાદીનો સરસ મજાનો ઝભ્ભો , સરસ ઈસ્ત્રી કરેલી હોય, એ જ કાપડની ટોપી એવું ધારણ કરીને જ જાય. પછી હું જોઉં કે એમની સેન્સ ઓફ ટાઈમિંગ તો ગજબની. ગાંધીના એસ્થેટિકમાં એટલે કે અમુક વાગ્યે જ નીચે ઉતરે, ઉઠે તો બહુ વહેલા. ચાર વાગ્યા માં ઉઠી જાય અને ખોખારા ખાવામાં ફળિયામાં સૌથી પહેલાં એ હોય અને એમના ખોખારા સાંભળે એટલે આજુબાજુના પાડોશીઓને ખ્યાલ આવે કે આ ચાર વાગવા આવ્યા અને પછી એ પરવારીને સેવા પૂજા કરે. કારણકે એ સનાતન બ્રાહ્મણ અને એમના એક ગુરુ હતાં જીવાનંદ સરસ્વતી, બંગાળી હતાં. અને એમની પાસે એમણે સંસ્કૃતનો પણ થોડો ઘણો અભ્યાસ કરેલો. મારી પાસે જે કેટલાક સંસ્કૃતના પુસ્તકો છે એ મારા પિતાજીના છે પણ એમને અભ્યાસ કરવાનો મોકો નહીં મળેલો આર્થિક કારણોસર. પણ બહુ વેળા સર એને આણંદ આવી જવું પડેલું અને કામે વળગી જવું પડેલું… એ પુસ્તકો અને એ સંસ્કારોનું હું જીવું છું.”
