અસ્મિતા વિશેષ સંવાદ: 14

એક કહેવત છે કે નજદીકના લોકોને આપણે સાચી રીતે ઓળખી શકતા નથી. જે નજીક છે તે સહજ છે એટલે તેઓની ઘણી સિદ્ધિઓ આપણી  નજરે ચડતી જ નથી. શનિ ગ્રહને વલયો છે તેવી ઘોષણા કરવામાં જેમનું નામ વૈશ્વિક સ્તરે ગુંજેલું તે આપણા ગુજરાતના હળવદના પ્રા. ડો. જે. જે. રાવલ. પછી તો અનેક નવા ગ્રહોની ઓળખાણ રાવલસાહેબે કરાવી અને ઈન્ટરનેશનલ જર્નલ્સમાં જેમના  સંશોધન પત્રો પ્રકાશિત થયા. આ ભારતીય ખગોળ વિજ્ઞાની ડો. જે. જે. રાવલ એટલા બધા સહજ વ્યક્તિ છે કે તેમની સાથે ગોષ્ઠી કરવામાં તમને સ્વજનભાવ જન્મે જ જન્મે. એ Down to earth વિશ્વસ્તરના વિજ્ઞાની રાવલસાહેબ સાથેનો સંવાદ સાવ જ નિરાળો રહ્યો. આવો, તેમના જ શબ્દોમાં તેમની જીવન-ઘટનાઓનો સ્વાદ ચાખીએ…

‘અમે લોકો હળવદના બ્રાહ્મણ અને જયારે હું નાનો હતો ત્યારે હળવદમાં પાંચ થી સાત હજારની વસ્તી. એમાં ૯૦% બ્રાહ્મણો. અને લાડવાનો બહુ મહિમા અને બીજું કે મારો જન્મ મારા પિતાના મૃત્યુ પછી ત્રણ મહિના પછી થયેલો. મારા પિતા જાન્યુઆરીમાં મૃત્યુ પામેલા અને મારો જન્મ માર્ચમા થયેલો. 

મારા પિતા તો લાખોપતિ હતા. એ જમાનામાં લાખોપતિ, ઘરે ઘણા નોકર ચાકરો, ભરવાડો અને ઘોડાગાડીઓ અને ઘોડાઓ અને અમારા ઘરની અંદર એક રૂમમાં ગુણોની ગુણો રોકડા રૂપિયા પડ્યા રહેતા અને મારા મધર પાસે ૧ મણ સોનુ હતું. અને મારી મધર જયારે બહાર નીકળે તો બધા જોવા નીકળતા અને આખા સૌરાષ્ટ્રમાં મોટા મોટા શહેરોમાં અમારી મોટી મોટી પેઢીઓ હતી અમારો ધંધો ઉનનો હતો, એટલે બધા ભરવાડો પણ બહુ આવે ઉન લઈને.  હવે એમાં બધી પેઢીઓમાંથી ઉન ભરાણું અને ભાવ તળિયે આવી ગયો.  અમારી  ૮ હવેલી હતી એમાંથી ૭ વેંચાઈ ગઈ. ૧ હવેલી બાકી રહી જેમાં અમે રહેતા હતા અને એ ૭૦૦ રૂપિયાની મોર્ગેજ પર હતી. એ ૭૦૦ રૂપિયા ભરતા અમને ૪૦ વર્ષ લાગ્યા. જો એનું વ્યાજ લીધું હોત તો એ આખું મકાન જતું રહેત !! 

આમ છતાં પણ મારા પિતાશ્રી  ફિલોસોફર.  કોઈ દિવસ એમણે એમ નથી કીધું કે મારી પાસે હતું ને ગયું. એમનું મૃત્યુ થયું ત્યારે મારી મધર પાસે  ૫ રૂપિયા, અને ૫ તોલા સોનુ અને મકાન ૭૦૦ રૂપિયામાં મોર્ગેજ મકાન એટલું હતું !! મારી માતાએ પાડોશીના ઘરે વાસણ માંજવાનું કામ કરવું પડ્યું. કપડાં ધોવાનું કામ કર્યું પણ એ ડર્યા નહીં અને અમને ભણાવ્યા. અમે ચાર બહેનો અને પાંચ ભાઈઓ, આમ નવ બચ્ચાઓને મૂકીને મારા ફાધર ગુજરી ગયા.. મારો નંબર છેલ્લો કારણકે એમના મૃત્યુ પછી ત્રણ મહિને મારો જન્મ..મારા પિતાજી જો બજારમાં નીકળે  ને કોઈ એમ કહે કે ગટુબાપા ખાવાનું નથી તો બે મણ અનાજ કોઈને ત્યાંથી ઉધાર લઈ આપે એવો એ માણસ.આજે પણ મને મારા નામથી કોઈ ઓળખે નહીં પણ એમ કહે કે જટાશંકર રાવલનો દીકરો જીતેન્દ્ર રાવલ !!  આજની તારીખે પણ મારા બાપથી હું ઓળખાઉં છું. 

સ્થિતિ બહુ ખરાબ એટલે અમે લોકોએ ભગવાની નોકરી સ્વીકારી લીધી, મંદિરમાં પૂજારી થઈ ગયા અને અમારા ઘર આગળ એક શાસ્ત્રીજી રહે. અમારા હળવદ ગામમાં બધા બ્રાહ્મણો રહ્યા એટલે થોડું ઘણું સંધ્યા વંદન અને એવું  તો ભણવું જ પડે.. અને પાઠશાળામાં ભણવા જતા તો સંધ્યા વંદન, પંચનાથની પૂજા અને રુદ્રી અને બધું, યજુર્વેદ ને એ બધું ભણતા. અને પછી તો વેદો, ઉપનિષદો, ગીતાપાઠ કરવા જવું પડે, પાંચ રૂપિયામાં ૫ કલાક સુધી ગીતાપાઠ કરવા પડે.  પાંચમા ધોરણથી છેક SSC સુધી હું પ્રથમ જ રહ્યો અને બધામાં ૯૦ કે ૮૫ ટકા માર્ક આવે. સંસ્કૃતમાં ૯૫ માર્ક આવે. સંસ્કૃતમાં અમને બોલતા આવડતું. એક જમાનામાં અમે ૫૦ લાઈનનો નિબંધ લખી શકતા. હજી શ્લોકો વગેરે બધું યાદ છે. પાંચમા ધોરણથી વેદોમાં મને બહુ રસ પડેલો.. વેકેશનમાં કંઈ કામ નહીં એટલે કાલા ફોલતાં. અમે લોકો ૧૨ વર્ષ સુધી તો ગામની બહાર પણ નથી ગયા. 

ઋગ્વેદમાં બ્રહ્માંડ કેવી રીતે ઉત્પન્ન થયું એની પણ વાત છે એની  કોઈ ના ન પાડી શકે. What is the ultimate matter of the universe આ બ્રહ્માંડનું મૂળતત્વ શું એ શોધવા સૌ મથે છે જયારે આપણે લોકોએ  એ  બધું પહેલેથી શોધેલું છે કે આ બધું એક જ ચેતના અથવા અદ્વૈત.. એ બધું એક જ છે. વિજ્ઞાન પણ સમજાય અને વેદો પણ સમજાય અને આપણને બહુ આનંદ આવે.  પણ તકલીફ શું કે,  જે સંસ્કૃત જાણે છે અને  વેદો વાંચે છે એને વિજ્ઞાનની ખબર નથી અને વિજ્ઞાન જાણે છે એને વેદોની ખબર નથી. કનેક્ટિવિટી નથી. એ કનેક્ટિવિટી હોય તો એ ખબર પડે કે આપણા મનિષીઓ એમ જ નથી મરી ગયા. આ જે ખગોળવિજ્ઞાન છે  એ તો સદીઓના  જ્ઞાનનો સંગ્રહ છે.”